હિરોશિમા : જાપાનમાં અણુબૉમ્બથી અંદાજે એક લાખ લોકો માર્યા ગયા એ ઑપરેશન કેવું ભયાનક હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
પ્રથમ પરમાણુ પરીક્ષણ માટે અમેરિકાના ન્યૂ મૅક્સિકોની અલામોગોર્દો બૉમ્બિંગ રેન્જને પસંદ કરવામાં આવી હતી. આ બાબતને એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે અમેરિકાના તત્કાલીન ઉપ-રાષ્ટ્રપતિ હૅરી ટ્રુમૅન સુધ્ધાંને પણ તેની ગંધ નહોતી.
રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટના મૃત્યુના 24 કલાક પછી ટ્રુમૅનને જણાવવામાં આવ્યું કે અમેરિકા ખૂબ જ વિનાશક બૉમ્બ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે.
15 જુલાઈ, 1945એ એ વિસ્તારમાં જબરજસ્ત આંધી આવી. કમાન્ડ બંકરમાં મૅનહટ્ટન પ્રોજેક્ટના ડાયરેક્ટર લેસ્લી ગ્રોવ્સ સાથે બેઠેલા બૉમ્બના નિર્માતા રૉબર્ટ ઓપેનહાઇમર પરીક્ષણની મંજૂરીની રાહ જોતા હતા.
ઇયન મૅક્ગ્રેગર પોતાના પુસ્તક 'ધ હિરોશિમા મૅન'માં લખે છે, "16 જુલાઈ, 1945એ સવારે સાડા પાંચ વાગ્યે પહેલા ઍટમ બૉમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું. ન્યૂ મૅક્સિકોના રણમાં સવારે એટલો પ્રકાશ ફેલાયો, જાણે કે બપોર થઈ ગઈ હોય."
"લેસ્લી ગ્રોવ્સે ત્યાં હાજર પોતાના સાથીઓ વેનેવર બુશ અને જેમ્સ કોનાન્ટ સાથે હાથ મિલાવ્યા. જ્યારે ઓપેનહાઇમર તેમની સામે આવ્યા ત્યારે તેમણે તેમને અભિનંદન આપતાં કહ્યું, 'મને તમારા પર ગર્વ છે'. આખરે, અમેરિકા પાસે એ બૉમ્બ આવી ગયો હતો, જેની તે રાહ જોતું હતું."
એ જ સમયે ગોવ્સે યુદ્ધમંત્રી હેનરી સ્ટિમસનને કૂટભાષામાં પોતાનો રિપોર્ટ મોકલ્યો.
સ્ટિમસને તે રાષ્ટ્રપતિ ટ્રુમૅનને વાંચી સંભળાવ્યો. 24 કલાકની અંદર એ બંને પાસે એવો સંદેશો પણ પહોંચી ગયો કે 1 ઑગસ્ટથી 10 ઑગસ્ટ વચ્ચે કોઈ પણ સમયે ઍટમ બૉમ્બનો ઉપયોગ કરાઈ શકે છે.
ઍટમ બૉમ્બ ફેંકવા માટે 6 ઑગસ્ટનો દિવસ પસંદ કરાયો

ઇમેજ સ્રોત, Getty Images
26 જુલાઈ, 1945એ હૅરી ટ્રુમૅને જાપાનને ચેતવણી આપી કે જો તેઓ બિનશરતી હથિયાર નહીં મૂકે તો તેણે અકલ્પનીય વિનાશ માટે તૈયાર રહેવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે જાપાને આ ચેતવણી પર કશું ધ્યાન ન આપ્યું ત્યારે તેના પર ઍટમ બૉમ્બ ફેંકવાનો નિર્ણય કરી લેવાયો.
આ અભિયાનને મિશન નંબર 13 નામ આપવામાં આવ્યું. બૉમ્બ ફેંકવા માટે 6 ઑગસ્ટનો દિવસ પસંદ કરવામાં આવ્યો અને જનરલ કર્ટિસ લીમેએ મિશનના ચીફ પૉલ ટિબેટ્સ સાથે મંત્રણા કરીને બૉમ્બ ફેંકવા માટે ત્રણ શહેરો હિરોશિમા, કોકૂરા અને નાગાસાકીને પસંદ કર્યાં.
આની પહેલાં 31 જુલાઈએ ટિબેટ્સની ટીમે બૉમ્બ ફેંકવાનો પૂર્વઅભ્યાસ કર્યો.
રિચર્ડ રોડ્સ પોતાના પુસ્તક 'ધ મેકિંગ ઑફ ધ ઍટમિક બૉમ્બ'માં લખે છે, "ટિનિયન બેઝ પર તહેનાત 15 બી-29 યુદ્ધવિમાનોમાંથી ત્રણ વિમાને એક ડમી ઍટમ બૉમ્બ સાથે ઉડ્ડયન કર્યું. તેમણે ઈવો જીમા ટાપુ પર ચક્કર માર્યાં અને સમુદ્રમાં ડમી નાખીને વિમાનને વાળવાનો અભ્યાસ કર્યો. જો એ દિવસે જાપાનમાં ભારે તોફાન ન આવ્યું હોત, તો 1 ઑગસ્ટે જ હિરોશિમા પર ઍટમ બૉમ્બ ફેંકી દેવાયો હોત."
બૉમ્બ ફેંકવાના આદેશની 32 પ્રત બનાવવામાં આવી

ઇમેજ સ્રોત, SIMON & SCHUSTER
પૉલ ટિબેટ્સે પછીથી 'ગ્લાસ્ગો હેરલ્ડ'ના વિલિયમ લાઉદરને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "હું મારા આદેશની કૉપી ઑફિસના સેફમાં લૉક કરીને જનરલ લીમે સાથે બૉમ્બ ફેંકનાર વિમાન 'એનોલા ગે'નું નિરીક્ષણ કરવા જતો રહ્યો, જે ટેકનિકલ એરિયામાં ઊભું હતું. તે વિમાનને તાડપત્રીથી ઢાંકીને રાખવામાં આવ્યું હતું, જેથી લોકોની નજર તેના પર ન પડે. મને એ જોઈને આશ્ચર્ય થયું કે ત્યાં ઊભેલા એક સૈનિકે એ થાણાના સૌથી મોટા જનરલ લીમેને ત્યાં પ્રવેશ કરતાં પહેલાં પોતાની સિગાર અને માચીસ સોંપી દેવાની સૂચના આપી."
ટિબેટ્સે ક્રૂની મીટિંગ બોલાવી

ઇમેજ સ્રોત, Getty Images
ટિબેટ્સની સામે જ વિમાનને ખેંચીને લૉડિંગ પિટમાં લઈ જવાયું, જ્યાં તકનીકી સ્ટાફે ખૂબ સાવચેતીપૂર્વક 'એનોલા ગે' વિમાનના બૉમ્બ બેમાં ઍટમ બૉમ્બ મૂક્યો. તે જ સાંજે ટિબેટ્સે એ મિશન સાથે જોડાયેલા બધા લોકોની મીટિંગ બોલાવી.
પછીથી આ મિશન સાથે જોડાયેલા થિયોડર વૅન કર્કે નૅશનલ મ્યૂઝીઅમ, ન્યૂ ઓરલિયન્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "તે એક મહત્ત્વપૂર્ણ બેઠક હતી, જેમાં એ નક્કી થવાનું હતું કે મિશન પર કોણ કોણ જાય છે અને કયા કયા તબક્કે કયાં પગલાં ભરવામાં આવશે."
"ટિબેટ્સે કહ્યું કે જે હથિયારનો તમે ઉપયોગ કરવા જઈ રહ્યા છો, તેનું થોડા દિવસ પહેલાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે આપણે તેનો ઉપયોગ દુશ્મન સામે કરીશું, પરંતુ પછી તેમણે અમને કહ્યું કે અમે થોડી ઊંઘ લઈ લઈએ. 10 વાગ્યા પછી તેઓ અમને અંતિમ બ્રીફિંગ માટે ફરીથી બોલાવશે. મને એ સમજાતું નહોતું કે પહેલો ઍટમ બૉમ્બ ફેંકવા જઈ રહેલા લોકો કઈ રીતે ઊંઘી શકતા હતા."
પૉલ ટિબેટ્સનું સંબોધન

ઇમેજ સ્રોત, Getty Images
દરમિયાનમાં, ટિબેટ્સે નક્કી કર્યું કે 'એનોલા ગે'ની કૉલ સાઇન 'વિક્ટર'ના બદલે 'ડિમ્પલ્સ' હશે.
એવું પણ નક્કી થયું કે તેઓ ઉડાનના પહેલા તબક્કામાં વિમાનને 5,000 ફૂટની ઊંચાઈએ રાખશે.
એ વાતની પણ સાવચેતી રાખવામાં આવી કે એ રસ્તામાં અમેરિકન નૌસેનાનાં જહાજો અને સબમરીનને સાવધાન પૉઝિશનમાં રાખવામાં આવે, જેથી જો કોઈ કારણે ઍટમ બૉમ્બ લઈ જનાર વિમાન 'એનોલા ગે' સમુદ્રમાં પડી જાય, તો તેને તરત બહાર કાઢી શકાય.
11 વાગ્યે બધા ક્રૂ મેમ્બર્સને અંતિમ બ્રીફિંગ માટે ભેગા કરવામાં આવ્યા. પછીથી પૉલ ટિબેટ્સે પોતાના પુસ્તક 'મિશન: હિરોશિમા'માં લખ્યું, "મેં તેઓને સંબોધતાં કહ્યું, આજે એ રાત આવી ગઈ છે જેની આપણે લોકો અત્યાર સુધી રાહ જોતા હતા."
"છેલ્લા મહિનાઓમાં આપણે જે કંઈ તાલીમ મેળવી છે, હવે તેનો ઉપયોગ કરીશું. આપણને થોડી વારમાં ખબર પડી જશે કે આપણે આપણા મિશનમાં સફળ થયા કે નિષ્ફળ. આપણે એક એવો બૉમ્બ ફેંકવાના મિશન પર જઈ રહ્યા છીએ, જે તમે અત્યાર સુધીમાં જોયેલાં અને કરેલાં મિશન કરતાં સંપૂર્ણ ભિન્ન છે. આ બૉમ્બની ક્ષમતા 20,000 ટન ટીએનટીથી પણ વધુ છે."
ત્રણ વિમાન પહેલાંથી મોકલી દેવાયાં

ઇમેજ સ્રોત, CONSTABLE
ત્યાર પછી બધા ક્રૂ મેમ્બર્સને આંખો પર પહેરવા માટે પોલારૉઇડ લૅન્સના ખાસ પ્રકારનાં ગૉગલ્સ આપવામાં આવ્યાં. તેનો દેખાવ વેલ્ડિંગ કરતા લોકો પહેરે છે તેવાં ગૉગલ્સ જેવો હતો.
ઇયન મેક્ગ્રેગરે લખ્યું, "મૅનહટ્ટન પ્રોજેક્ટના પ્રોફેસર રૅમસીએ એ બધાને જણાવ્યું કે તેમને ગૉગલ્સ એટલા માટે આપવામાં આવે છે, જેથી બૉમ્બથી ઉત્પન્ન થતા પ્રકાશથી તેમની આંખોમાં અંધાપો ન આવી જાય. એક કલાક પછી તે બધા લોકો મેસ તરફ ગયા, જ્યાં તેમણે ઈંડાં, સોસિસ, માખણ, બ્રેડ અને કૉફીનો નાસ્તો કર્યો. જ્યારે બધા ક્રૂ સભ્યો નાસ્તો કરતા હતા ત્યારે તેમના લીડર પૉલ ટિબેટ્સે તેમનાથી છૂપી રીતે પોટેશિયમ સાઇનાઇડની થોડીક ગોળીઓ પોતાના ખમીસના ખિસ્સામાં મૂકી દીધી."
થોડી વારમાં તેમને હવામાનની માહિતી મેળવવા માટે જતાં ત્રણ વિમાનોના ટેક ઑફનો અવાજ સાંભળવા મળ્યો. તેનાં નામ હતાં, 'સ્ટ્રેટ ફ્લશ', 'જૅબિટ થર્ડ' અને 'ફુલ હાઉસ'.
તે બૉમ્બિંગ મિશનના એક કલાક પહેલાં ઊડ્યાં હતાં, જેથી તેઓ એ માહિતી આપી શકે કે મુખ્ય લક્ષ્યની જગ્યાએ તે સમયે કેવું વાતાવરણ છે.
રાત્રે 02:45 વાગ્યે 'એનોલા ગે'એ ટેક ઑફ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાતે 1:45 વાગ્યે ક્રૂએ કૉફીનો છેલ્લો ઘૂંટડો પીધો. ત્યાર પછી બધા લોકો જીપમાં બેસીને રનવે પર ઊભેલા વિમાન તરફ ગયા. તે સ્થળે ઘણો પ્રકાશ હતો અને બેઝના લોકો ક્રૂની સાથે ફોટા પડાવી રહ્યા હતા. મૅનહટ્ટન પ્રોજેક્ટના બધા વરિષ્ઠ સભ્યો ત્યાં હાજર હતા.
વિમાન 'એનોલા ગે'નું વજન તેના સામાન્ય વજન કરતાં લગભગ 7 હજાર કિલો વધુ હતું.
ઇયન મૅક્ગ્રેગર લખે છે, "વિમાનનું સંતુલન જાળવી રાખવા માટે તેના પાછળના ભાગમાં પેટ્રોલથી ભરેલાં પીપ રાખવામાં આવ્યાં હતાં. વિમાનનો ટેક ઑફ કરવાનો સમય હતો, 2 વાગ્યા ને 45 મિનિટ. એ ઘનઘોર બાફ ભરી રાત્રિએ લગભગ 100 લોકોના ટોળાની સામે, જેમાં એક પત્રકાર બિલ લૉરેન્સ પણ હતા, ટિબેટ્સે પોતાના ક્રૂને પોતાની દેખરેખમાં વિમાન પર ચડાવ્યા."
"જ્યારે કો-પાઇલટ રૉબર્ટ લુડ્સ કંટ્રોલ નજીક આવ્યા ત્યારે ટિબેટ્સે તેને ખંચકાતાં કહ્યું, 'કીપ યોર ડૅમ્ડ હૅન્ડ્સ ઑફ કંટ્રોલ. આઈ એમ ફ્લાઇંગ ધ ઍરક્રાફ્ટ" (તમારા હાથ કંટ્રોલથી દૂર રાખો. હું વિમાન ઉડાડવા જઈ રહ્યો છું).
ઇયન મૅક્ગ્રેગર આગળ લખે છે, "ટિબેટ્સે પોતાની સામેના સાડા આઠ હજાર ફૂટ લાંબા રનવે પર એક નજર નાખી. તેમણે પોતાના ક્રૂ સાથે વાત કરીને એ વાતની પુષ્ટિ કરી કે બધું બરાબર છે."
"પોતાના માથા પરનો પરસેવો લૂછતાં તેમણે કંટ્રોલ ટાવરને કહ્યું, "'ડિમ્પલ્સ 82 ટૂ નૉર્થ ટિનિયન ટાવર. રેડી ટૂ ટેક ઑફ.' એક સેકન્ડથી પણ ઓછા સમયમાં જવાબ આવ્યો, ડિમ્પલ્સ 82, ડિમ્પલ્સ 82. ક્લીઅર્ડ ફૉર ટેક ઑફ."
"હિરોશિમા પર પહેલો ઍટમ બૉમ્બ ફેંકનારા મિશનની શરૂઆત થઈ ચૂકી હતી. 'એનોલા ગે' જેવું આકાશમાં ગયું, તેની પાછળ એક પછી એક ત્રણ બી-29 વિમાનો ઊડ્યાં. એ વિમાનોમાં નિરીક્ષણ ઉપકરણ રાખેલાં હતાં. તેમાંના એક વિમાન 'નેસેસરી ઈવિલ'ના કૅપ્ટન જૉર્જ માર્કવાર્ડને બૉમ્બમારાની તસવીર ખેંચવાની જવાબદારી સોંપાઈ હતી."
ઍટમ બૉમ્બ સક્રિય કરવામાં આવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
'એનોલા ગે'ના ક્રૂને ખબર હતી કે આ એક લાંબી ઉડાન થવાની છે. લક્ષ્ય સુધી પહોંચવાનો સમય હતો – 6 કલાક 15 મિનિટ. જ્યારે વિમાન ઇવો જીમાની ઉપર પહોંચ્યું, ત્યારે ક્રૂના સભ્ય વિલિયમ પારસન્સ અને મૉરિસ જેપસને કહ્યું કે વિમાનમાં રાખેલા બૉમ્બ 'લિટલ બૉય્ઝ'ને સક્રિય કરવાનો સમય થઈ ગયો છે.
જોકે, એ લોકોએ લીલો પ્લગ ખસેડીને લાલ પ્લગ લગાડવાનો ઘણી વખત અભ્યાસ કર્યો હતો, પરંતુ જ્યારે વાસ્તવમાં એવું કરવાનો સમય આવ્યો, ત્યારે તેમના કપાળે પરસેવાનાં ટીપાં બાઝી ગયાં.
પારસન્સે કંસોલ પાસે આવીને ટિબેટ્સને જાણ કરી કે બૉમ્બ સક્રિય થઈ ગયો છે. વૅન કર્કે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "આ સાંભળતાં જ ટિબેટ્સ 'એનોલા ગે'ને 30,000 ફૂટની ઊંચાઈએ લઈ ગયા. અમને 100 માઈલના અંતરેથી જાપાનનો સમુદ્રતટ દેખાવા લાગ્યો હતો. 75 માઈલના અંતરેથી અમે હિરોશિમા નગરને પણ જોઈ શકતા હતા."
"આ દરમિયાન વિમાનના ક્રૂ વચ્ચે થતી વાતચીત બંધ થઈ ગઈ હતી અને બધા લોકો શાંત થઈ ગયા હતા. ટિબેટ્સે શાંતિનો ભંગ કરતાં કહ્યું કે બધા લોકો ગૉગલ્સ પહેરી લો. ત્યાર પછી વિમાને 360 ડિગ્રીનો ટર્ન લીધો, જે લેવા માટે તેને 6 મિનિટ અને 15 સેકન્ડ લાગી. ટર્ન લેવાઈ ગયા પછી તરત જ અમે સીધા હિરોશિમા તરફ આગળ વધી ગયા."
બૉમ્બ ફેંકતાં પહેલાં રેડિયો સાઇલૅન્સ

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ પોતાના લક્ષ્યથી 10 મિનિટ દૂર હતા ત્યારે જ ટૉમસ ફેયરબીએ મોટા અવાજે કહ્યું કે તેમને ટી આકારનો આયોઈ પુલ દેખાય છે. એ જ ક્ષણે ટિબેટ્સે કંટ્રોલ છોડીને ફેયરબીને કમાન સોંપી દીધી.
હવે બૉમ્બ ફેંકવા માટે માત્ર થોડોક સમય જ બાકી રહ્યો હતો. તેમની પાછળ આવી રહેલા વિમાન 'નેસેસરી ઈવિલ'માં સવાર લોકોએ બૉમ્બ ફેંકવા માટે પોતાને તૈયાર કર્યા.
પછીથી ચાલકદળના સભ્ય રસેલ ગૅકનબાકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "અમે એ સિગ્નલ તરત જ પકડી લીધું, જેની અમે રાહ જોતા હતા. અમે બૉમ્બ ફેંકવા જતા હતા ત્યારે બધાં રેડિયો સિગ્નલ ઑફ થઈ ગયાં. એવું જાણી જોઈને કરવામાં આવ્યું હતું."
"રેડિયો સિગ્નલ જેવાં ઑફ થયાં, અમને સંકેત મળી ગયો કે બૉમ્બ બેના દરવાજા ખોલી દેવાયા છે અને બૉમ્બ નીચે જઈ રહ્યો છે. એ સમયે અમારા વિમાનમાં બેઠેલા વૈજ્ઞાનિકોએ સ્ટૉપ વૉચ પર એક બટન દબાવ્યું. થોડીક સેકન્ડ પછી અમારા કૅમેરાએ તસવીરો લેવાનું શરૂ કરી દીધું."
જમીનથી 1,890 ફૂટ ઉપર ઍટમ બૉમ્બ ફૂટ્યો

ઇમેજ સ્રોત, Getty Images
વૅન કર્કે પછીથી એક ઇન્ટરવ્યૂમાં યાદ કર્યું, "બૉમ્બ જેવો નીચે પડ્યો, 'એનોલા ગે' ઝટકા સાથે આગળની તરફ ઝૂક્યું. પૉલ તરત જ વિમાનને ઑટો પાઇલટ પર લઈ ગયા અને વિમાનની જમણી તરફ 160 ડિગ્રી પર વાળવા લાગ્યા, જેથી તેઓ શક્ય હોય તેટલું તેને દૂર લઈ જઈ શકે. અમારી પાસે ત્યાંથી દૂર જવા માટે માત્ર 43 સેકન્ડ હતી, કેમ કે, એટલા સમયમાં બૉમ્બ ફૂટી જવાનો હતો."
આંજી નાખતો પ્રકાશ અને વિમાનમાં ઝટકા

ઇમેજ સ્રોત, Getty Images
વૅન કર્કે યાદ કર્યું, "અમારા વિમાનમાં કોઈની પાસે ઘડિયાળ નહોતી. સમયના અનુમાન માટે અમે 1001, 1002, 1003 ગણતરી શરૂ કરી દીધી. એવામાં હવામાં એક આંજી નાખતો પ્રકાશ દેખાયો અને થોડીક સેકન્ડમાં અમને વિમાનમાં ઝટકા અનુભવાયા. એક વિચિત્ર પ્રકારનો અવાજ સંભળાયો, જાણે કોઈ ધાતુની ચાદર ફાટી રહી હોય."
"હવે અમારી નજર એ જોવા નીચે ગઈ કે ત્યાં શું થતું હતું. પહેલી વસ્તુ જે મેં નોંધી તે એ કે લક્ષ્યની ઉપર મોટાં સફેદ વાદળ છવાઈ ગયાં હતાં અને તે ઉપર ને ઉપર આવતાં હતાં. વાદળોની નીચેના ભાગે આખા શહેરને ધુમાડાની મોટી ચાદર વીંટળાઈ વળી હતી. તેની નીચે અમને કશું જ દેખાતું નહોતું."
"અમે શહેરનું ચક્કર ન માર્યું. અમે હિરોશિમાની દક્ષિણ-પૂર્વ તરફ ઊડ્યા અને પાછા જવાના માર્ગે આગળ વધી ગયા."
વિમાન પાછાં ફર્યાં

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે પહેલાંથી જ નક્કી કરાયેલો કોડેડ સંદેશો નીચે મોકલ્યો, "82મું 670 એબિલ, લાઇન, લાઇન 2, લાઇન 6, લાઇન 9. ક્લીઅર કટ. અમે બેઝ તરફ આગળ વધી રહ્યા છીએ."
બૉમ્બ ફેંક્યા પછી 'એનોલા ગે' એટલા જોરથી હલ્યું કે થોડીક ક્ષણ માટે વિમાનમાં બેઠેલા લોકોને એવું લાગ્યું કે તેમના પર વિમાનનાશક તોપોથી હુમલો થયો છે, પરંતુ જૉર્જ કેરૉને તેમને આશ્વસ્ત કર્યા કે એવું નથી. હિરોશિમાની ઉપર એક પણ જાપાની વિમાન તેમને પડકારવા ન આવ્યું.
ટિબેટ્સે પોતાની આત્મકથામાં લખ્યું, "અમે થોડાક રિલેક્સ થઈ ગયા અને અમે વિમાનને સમુદ્ર તરફ વાળી લીધું. પાછા વળતાં અમારી વાતોનો વિષય હતો, જાપાન સાથે યુદ્ધની સમાપ્તિ. અમને ખબર હતી કે આ પ્રકારના હથિયારનો સામનો કરવાની કોઈનામાં તાકાત નહોતી."
ભયાનક દૃશ્ય

ઇમેજ સ્રોત, STEIN & TAY
એનોલા ગેની પાછળ આવી રહેલા વિમાનમાં સવાર રસેલ ગૅકનબાકે યાદ કર્યું, "સામાન્ય રીતે બૉમ્બ ફેંક્યા પછી અમે જ્યારે પોતાના બેઝ પર પાછા જતા હોઈએ છીએ ત્યારે તમે ખુશ હોવ છો. તમે ટુચકા સંભળાવી રહ્યા હોવ છો. તમારો મૂડ સરસ હોય છે, પરંતુ આ વિશે આખા વિમાનમાં ચુપકીદી હતી. કોઈના મોંએથી એક પણ શબ્દ નહોતો નીકળતો."
ટિબેટ્સે પોતાની આત્મકથામાં લખ્યું, "જ્યારે મેં ત્યાંથી પાછા જવા માટે 'એનોલા ગે'ને વાળ્યું ત્યારે મેં જે દૃશ્ય જોયું તેને હું આજીવન ન ભૂલી શક્યો."
"એક જાંબુડિયા રંગનો વિશાળ મશરૂમ બની ચૂક્યો હતો અને તે 45 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ચૂક્યો હતો. તે એક ભયાનક દૃશ્ય હતું. જોકે અમે ઘણાં માઈલ દૂર આવી ગયા હતા, પરંતુ, એક ક્ષણ માટે અમને લાગ્યું કે આ મશરૂમ અમને ગળી જશે. હું એ ક્ષણોને ક્યારેય નથી ભૂલી શક્યો અને ન તો હિરોશિમાના લોકો."
એક અનુમાન અનુસાર, આ હુમલામાં અંદાજે એક લાખ લોકો માર્યા ગયા હતા.
ત્રણ દિવસ પછી, એટલે કે, 9 ઑગસ્ટે આ જ પ્રકારનો ઍટમ બૉમ્બ જાપાનના બીજા શહેર નાગાસાકી પર ફેંકવામાં આવ્યો.
ત્યાં પણ મૃત્યુ પામનારાઓની સંખ્યા 80 હજાર આસપાસની હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












