કારગિલ યુદ્ધ : જ્યારે ભારતે પોતાની વ્યૂહરચનાથી બાજી પલટી નાખી

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ, કારગિલ વિજય દિવસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1999માં દ્રાસ સેક્ટર તરફ આગળ વધતા ભારતીય સૈનિક
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

26 વર્ષ પહેલાં કારગિલના પહાડો પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. પાકિસ્તાની સૈનિકોએ જ્યારે કારગિલના ઊંચા પહાડો પર ઘૂસણખોરી કરીને પોતાનાં ઠેકાણાં બનાવી લીધાં બાદ આ યુદ્ધની શરૂઆત થઈ હતી.

8 મે, 1999. પાકિસ્તાનની 6 નૉરધર્ન લાઇટ ઇન્ફેન્ટ્રીના કપ્તાન ઇફ્તેખાર અને લાન્સ હવલદાર અબ્દુલ હકીમ 12 સૈનિકો સાથે કારગિલની આઝમ ચોકીએ બેઠા હતા. તેમણે જોયું કે કેટલાક ભારતીયો થોડા અંતરે પોતાનાં પશુઓને ચરાવી રહ્યાં છે.

પાકિસ્તાની સૈનિકોએ આ ભારતીયોને બંદી બનાવી લેવા કે કેમ એ વિષય પર એકમેક સાથે મસલત કરી? એક જણે કહ્યું કે જો તેમને બંદી બનાવી લેવાય તો તેઓ તેમનું રૅશન ખાઈ જશે, જે પહેલાંથી જ અપૂરતું છે. તેમને પાછા મોકલી દેવાયા. લગભગ દોઢ કલાક બાદ આ લોકો ભારતીય સૈન્યના છ-સાત જવાનો સાથે પરત ફર્યા.

ભારતીય સૈનિકોએ પોતાનાં દૂરબીનો વડે વિસ્તાર પર નજર ફેરવી અને પરત ફર્યા. બે વાગ્યાની આસપાસ ત્યાં એક લામા હેલિકૉપ્ટર ઊડીને પહોંચ્યું.

આ હેલિકૉપ્ટર એટલી ઓછી ઊંચાઈએ ઊડી રહ્યું હતું કે કૅપ્ટન ઇફ્તેખારને પાઇલટનો બૅજ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ એ ક્ષણ હતી જ્યારે પહેલી વાર ભારતીય સૈન્યની ખબર પડી કે સંખ્યાબંધ પાકિસ્તાની સૈનિકોએ કારગિલના પહાડ પર કબજો કરી લીધો છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જૂન 1999માં કારગિલમાં પાકિસ્તાન સમર્થિત લડવૈયાની ચોકીઓ પર હુમલા કરતું ભારતીય હેલિકૉપ્ટર

પાકિસ્તાની સેનાના નિવૃત્ત કર્નલ અશફાક હુસૈને 'વિટનેસ ટૂ બ્લન્ડર - કારગિલ સ્ટોરી અનફૉલ્ડ્સ' નામે પુસ્તક લખ્યું છે. બીબીસી સાથે વાતચીત કરતાં તેઓ કહે છે, "મેં પોતે કૅપ્ટન ઇફ્તેખાર સાથે વાત કરી હતી. તેમણે મને જણાવ્યું કે બીજા દિવસે ફરીથી ભારતીય સેનાનું લામા હેલિકૉપ્ટર ત્યાં આવ્યું હતું અને આઝમ, તારીક અને તશફીન ચોકીઓ પર જોરદાર ગોળીબાર કર્યો હતો.

"કૅપ્ટન ઇફ્તેખારે બટાલિયન હેડક્વાર્ટર પાસે ભારતીય હેલિકૉપ્ટર પર વળતો ગોળીબાર કરવા માટે મંજૂરી માગી હતી, પણ તેમને મંજૂરી મળી નહોતી. તેના કારણે ભારતીયો માટે સરપ્રાઇઝ ઍલિમૅન્ટ ખતમ જશે એમ માનીને નકાર કરી દેવાયા હતો."

ભારતના રાજકીય નેતૃત્વને ખબરેય નહોતી

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકો

આ બાજુ ભારતીય સેનાના અધિકારીઓને ખ્યાલ આવી ગયો કે પાકિસ્તાની સેનાએ ભારતના મોટા ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. જોકે, તેમને લાગ્યું કે પોતાની રીતે મામલાને પાર પાડી દેવાશે. તેથી સેનાએ રાજકીય નેતાગીરીને આ બાબતની જાણ કરી નહોતી.

એક જમાનામાં 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં સંરક્ષણ બાબતોના સંવાદદાતા તરીકે કામ કરનારા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહ યાદ કરતાં કહે છે, "મારો એક મિત્ર ત્યારે સેનાના વડામથકે કામ કરતો હતો. તેણે ફોન કરીને મને કહ્યું કે મળવા માગે છે."

"હું તેના ઘરે મળવા ગયો હતો. તેણે કહ્યું કે સરહદે કંઈક ગરબડ થઈ લાગે છે, કેમ કે ઘૂસણખોરી રોકવા માટે આખી પલટનને હેલિકૉપ્ટરથી કોઈ મુશ્કેલીગ્રસ્ત જગ્યાએ મોકલવામાં આવી છે. બીજા દિવસે મેં આ વાત પિતાને જણાવી."

"તેમણે સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝને ફોન કર્યો. બીજા દિવસે તેઓ રશિયા જવાના હતા. તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો, કેમ કે સરકારને હવે ઘૂસણખોરીની જાણકારી મળી ગઈ હતી."

સિયાચીનથી ભારતને અલગ પાડવાનો હેતુ હતો

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

મજાની વાત એ છે કે તે વખતે ભારતીય સેનાના વડા જનરલ વેદપ્રકાશ મલિક પણ પોલૅન્ડ અને ચેક રિપબ્લિકના પ્રવાસે ગયા હતા. તેમને આ ઘટનાની પ્રથમ માહિતી સેનાના અધિકારીઓ દ્વારા નહીં, પણ ત્યાંના ભારતીય રાજદૂતના માધ્યમથી મળી હતી.

સવાલ એ છે કે લાહોર શિખર સંમેલન પછી પાકિસ્તાની સેનાએ આ રીતે ગુપચુપ કારગિલની પહાડીઓ પર કબજો જમાવ્યો તેની પાછળનો ઇરાદો શો હતો?

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના ઍસોસિએટ ઍડિટર સુશાંતસિંહ કહે છે, "ઇરાદો એવો જ હતો કે ભારતના ઉત્તરમાં સૌથી દૂરના છેડાના, સિયાચીન ગ્લેશિયરની લાઇફ-લાઇન ગણાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વન-ડીને વચ્ચેથી કાપીને તેના પર કબજો કરી લેવો. લદ્દાખ સુધી આવનજાવન માટે જે માર્ગ જતો હતો તેના ઉપરની ટેકરીઓ પર કબજો કરી લેવો, જેથી સિયાચીન છોડી દેવાની ભારતને ફરજ પડે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ
ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન એક્સપ્રેસના પૂર્વ ઍસોસિયેટ ઍડિટર સુશાંતસિંહ

સુશાંત સિંહનું માનવું છે કે 1984માં ભારતે સિયાચીન પર કબજો કરી લીધો હતો તે વાતથી મુશર્રફ ભારે નારાજ હતા. તે વખતે તેઓ પાકિસ્તાની સેનાના કમાન્ડો ફોર્સમાં મેજર તરીકે હતા."

"તેમણે ઘણી વખત તે જગ્યાનો ફરી કબજો કરવાની કોશિશ કરી હતી, પણ ક્યારેય સફળ થઈ શક્યા નહોતા."

દિલીપકુમારે નવાઝ શરીફને તતડાવી નાખ્યા

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, PTI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતના નેતાઓને મામલાની ગંભીરતાથી જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ફોન કર્યો.

પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી ખુરશીદ મહમૂદ કસૂરીએ પોતાની આત્મકથા 'નેઇધર અ હૉક, નૉર એ ડવ'માં લખ્યું છે, "વાજપેયીએ શરીફને ફરિયાદ કરી કે તમે મારી સાથે બહુ ખોટું કર્યું."

"એક તરફ તમે લાહોરમાં મને ગળે મળી રહ્યા હતા, બીજી બાજુ તમે લોકો કારગિલના પહાડો પર કબજો કરી રહ્યા હતા. નવાઝ શરીફે કહ્યું કે તેમને આ બાબતની બિલકુલ જાણ નથી."

"પરવેઝ મુશર્રફ સાથે વાત કરીને પછી તમને ફોન કરું છું. ત્યારે વાજપેયીએ કહ્યું કે મારી સાથે એક સાહેબ બેઠા છે, તેમની સાથે વાત કરી લો."

નવાઝ શરીફ ચોંકી ગયા, કેમ કે ફોનમાં મશહૂર અભિનેતા દિલીપ કુમારનો અવાજ સંભળાયો.

દિલીપ કુમારે તેમને કહ્યું, "મિયાં સાહેબ, અમને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી, કેમ કે આપે હંમેશાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની વાત કરી છે."

"હું તમને જણાવી દઉં કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે ત્યારે ભારતના મુસ્લિમોમાં અસલામતીની ભાવના પેસી જાય છે. તેમના માટે પોતાનાં ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે."

રૉ બિલકુલ અજાણ હતી

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુદ્ધ દરમિયાન મુશ્કેલ પહાડી વિસ્તારમાં હથિયાર ઊંચકવામાં પણ સૈનિકોને પરેશાની થઈ રહી હતી

સૌથી વધુ આશ્ચર્યજનક વાત તો એ હતી કે ભારતીય ગુપ્તચર એજન્સીઓને આટલા મોટા ઑપરેશન વિશે કંઈ જ ખબર નહોતી.

ભારતના પૂર્વ ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, પાકિસ્તાનમાં ભારતના પૂર્વ ઉચ્ચાયુક્ત અને બાદમાં રચાયેલી કારગિલ તપાસ સમિતિના સભ્ય સતીશ ચંદ્રા જણાવે છે કે, "રૉ આ વિશે બિલકુલ માહિતી ન મેળવી શકી. પરંતુ અહીં સવાલ એ પણ થાય છે કે શું તેઓ આની માહિતી મેળવી શક્યા હોત? પાકિસ્તાનીઓએ કોઈ વધારાનું સૈન્ય બળ ન મગાવ્યું. રૉને આ વાતની ખબર ત્યારે પડી હોત જ્યારે પાકિસ્તાની પોતાની 'ફૉરમેશન્સ'ને આગળ તહેનાતી માટે વધારી હોત."

વ્યૂહરચનાત્મક રીતે પાકિસ્તાનની જબરદસ્ત યોજના

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ
ઇમેજ કૅપ્શન, પૂર્વ લેફ્ટનન્ટ જનરલ હરચરણજિતસિંહ પનાગ સાથે બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ

આ સ્થિતિનો જે પ્રકારે ભારતીય સૈન્યે સામનો કર્યો, તેની ઘણી જગ્યાએ ટીકા થઈ.

પૂર્વ લેફ્ટનન્ટ જનરલ હરચરણજિતસિંહ પનાગ, જેઓ બાદમાં કારગિલમાં પણ તહેનાત હતા, જણાવે છે કે, "હું કહીશ કે આ પાકિસ્તાનીઓનો જબરદસ્ત પ્લાન હતો કે તેમણે આગળ વધીને ખાલી પડેલા ખૂબ મોટા વિસ્તાર પર કબજો કરી લીધો. તેઓ લેહ કારગિલ સડક પર સંપૂર્ણપણે હાવી થઈ ગયા. આ તેમની ખૂબ મોટી સફળતા હતી."

લેફ્ટનન્ટ પનાગ કહે છે કે, "3 મેથી માંડીને જૂનના પ્રથમ અઠવાડિયા સુધી આપણા સૈન્યનું પ્રદર્શન 'બિલો પાર' એટલે કે સામાન્ય કરતાં ઓછું હતું. હું તો એવું પણ કહીશ કે પ્રથમ એક માસ સુધી આપણું પ્રદર્શન શરમજનક હતું. એ બાદ 8મા ડિવિઝને ચાર્જ સંભાળ્યો અને અમને એ વાતનો અહેસાસ થવા લાગ્યો કે આ વિસ્તારમાં કેવી રીતે કામ કરવાનું છે, ત્યારે પરિસ્થિતિમાં સુધારો થવાની શરૂઆત થઈ. નિશ્ચિતપણે આ ખૂબ મુશ્કેલ ઑપરેશન હતું, કારણ કે એક તો પહાડમાં તમને નીચે હતા અને તેઓ ઊંચાઈ પર હતા."

પનાગ સ્થિતિને કંઈક આ રીતે સમજાવે છે, "આ એ જ પ્રકારની વાત થઈ કે વ્યક્તિ સીડી પર ચઢેલી છે અને તમે નીચેથી ચઢીને તેને ઉતારવાના પ્રયાસ કરી રહ્યા છો. બીજી તકલીફ એ હતી કે એ ઊંચાઈએ ઓક્સિજન ઓછો હતો. ત્રીજી વાત એ હતી કે આક્રમક પર્વતીય લડાઈમાં આપણી તાલીમ કમજોર હતી."

જનરલ મુશર્રફે શું કહ્યું હતું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

જનરલ પરવેઝ મુશર્રફે પણ વારંવાર કહ્યું કે તેમની નજરમાં આ એક ખૂબ સારો પ્લાન હતો, જેણે ભારતીય સૈન્યને ખૂબ મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધું હતું.

મુશર્રફે પોતાની આત્મકથા 'ઇન ધ લાઇન ઑફ ફાયર'માં લખ્યું, "ભારતે આ ચોકીઓ પર આખેઆખી બ્રિગેડ સાથે હુમલો કર્યો, જ્યાં અમારા માત્ર આઠ કે નવ સૈનિકો તહેનાત હતા. જૂનના મધ્ય સુધી તેમને કોઈ સફળતા ન મળી. ભારતીયોએ જાતે માન્યું કે તેમના 600 કરતાં વધુ સૈનિકોનાં મૃત્યુ થયાં અને 1500 કરતાં વધુ ઈજાગ્રસ્ત. અમારી જાણકારી પ્રમાણે ખરી સંખ્યા આ આંકડાથી બમણી હતી. ખરેખર ભારતમાં મૃતકોની ભારે સંખ્યાને કારણે તાબૂત ખૂટી પડ્યા હતા અને બાદમાં તાબૂતોનો એક ગોટાળો સામે આવ્યો હતો."

તોલોલિંગ પરના કબજાએ બાજી પલટી

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કારગિલમાં ભારતીય જવાન

જૂનનું બીજું અઠવાડિયું ખતમ થતાં થતાં પરિસ્થિતિ ભારતીય સૈન્યના નિયંત્રણમાં આવવા લાગી હતી. હું એ સમયે ભારતીય સૈન્યના પ્રમુખ વેદપ્રકાશ મલિક પૂછ્યું હતું કે આ લડાઈમાં નિર્ણાયક વળાંક શું હતો? મલિકનો જવાબ હતો, "તોલોલિંગ પર જીત. એ પહેલો એવો હુમલો હતો જેને અમે કો-ઑર્ડિનેટ કર્યો હતો. એ અમારી ખૂબ મોટી સફળતા હતી. ચાર-પાંચ દિવસ સુધી આ લડાઈ ચાલી. આ લડાઈ એટલી નિકટથી લડાઈ કે બંને તરફના સૈનિક એક બીજાને ગાળ દઈ રહ્યા હતા અને એ બંને પક્ષોના સૈનિકોને સંભળાઈ પણ રહી હતી."

જનરલ મલિક કહે છે કે, "અમારે તેની મોટી કિંમત ચૂકવવી પડી. અમે ઘણા સાથીઓને ગુમાવ્યા. છ દિવસ સુધી અમને પણ ગભરાટ હતો કે શું થવા જઈ રહ્યું છે, પરંતુ જ્યારે અમને ત્યાં જીત મળી તો અમને પોતાના સૈનિકો અને ઑફિસરો પર વિશ્વાસ થઈ ગયો કે અમે તેમને કાબૂમા કરી લઈશું."

કારગિલમાંથી એક પાકિસ્તાની જવાનને હઠાવવા માટે 27 ભારતીય જવાન જોઈતા હતા

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના સંરક્ષણમંત્રી જૉર્જ ફર્નાન્ડિસ 22 જુલાઈ 1999ના રોજ પાકિસ્તાન સમર્થિત લડવૈયાની ચોકીઓથી મળેલા ગ્રેનેડ લૉન્ચર સાથે

આ લડાઈ લગભગ 100 કિમીના વિસ્તારમાં વ્યાપમાં લડાઈ હતી, જ્યાં લગભગ 1700 પાકિસ્તાની સૈનિક ભારતીય બૉર્ડરની અંદર લગભગ આઠ કે નવ કિમી સુધી ઘૂસી ગયા હતા. આ સમગ્ર ઑપરેશનમાં ભારતના 527 સૈનિકોનાં મૃત્યુ થયાં અને 1363 જવાન ઈજાગ્રસ્ત થયા.

વરિષ્ઠ પત્રકાર સુશાંતસિંહ જણાવે છે, "સૈન્યમાં એક કહેવત હોય છે કે 'માઉન્ટેન ઇટ્સ ટ્રૂપ્સ,' એટલે કે પહાડ સૈન્યને ખાઈ જાય છે. જમીનની લડાઈમાં આક્રમક સૈન્ય રક્ષક સૈન્ય કરતાં ત્રણ ગણું હોવું જોઈએ. પરંતુ પહાડોમાં પહાડોમાં આ સંખ્યાબળ ઓછામાં ઓછું નવ ગણું અને કારગિલમાં તો 27 ગણું હોવું જોઈએ. એટલે કે, જો ત્યાં દુશ્મનનો એક જવાન હઠાવવા માટે તમારે 27 જવાન મોકલવાના રહેશે. ભારતે પહેલાં તેને હઠાવવા માટે આખું ડિવિઝન લગાવ્યું અને પછી વધારાની બટાલિયન્સને શોર્ટ નોટિસ પર આ અભિયાનમાં જોડી દીધી."

પાકિસ્તાનીઓએ તોડી પાડ્યાં ભારતનાં બે જેટ અને એક હેલિકૉપ્ટર

મુશર્રફ અંત સુધી કહેતા રહ્યા કે પાકિસ્તાનના રાજકીય નેતૃત્વે તેમનો સાથ આપ્યો હોત તો કહાણી કંઈક ઓર હોત.

તેમણે પોતાની આત્મકથામાં લખ્યું, "ભારતે પોતાના વાયુ સૈન્યને સામેલ કરીને એક પ્રકારે 'ઓવર-રિએક્ટ' કર્યું. તેની કાર્યવાહી મુજાહિદીનોનાં ઠેકાણાં સુદી જ સીમિત ન રહી, તેમણે બૉર્ડર પાર કરીને પાકિસ્તાની સૈન્યનાં ઠેકાણાં પર પણ બૉમ્બમારો શરૂ કરી દીધો. પરિણામ એ આવ્યું કે અમે પાકિસ્તાની જમીન પર તેમનાં એક હેલિકૉપ્ટર અને બે જેટ વિમાન તોડી પાડ્યાં."

ભારતીય વાયુ સૈન્ય અને બોફોર્સ તોપોએ બાજી પલટી

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

એ વાત સાચી છે કે શરૂઆતમાં ભારતે પોતાનાં બે મિગ વિમાન અને હેલિકૉપ્ટર ગુમાવવાં પડ્યાં, પરંતુ ભારતીય વાયુ સૈન્ય અને બોફોર્સ તોપોએ વારંવાર અને પૂરી તાકતથી પાકિસ્તાની ઠેકાણાંને 'હિટ' કર્યાં.

નસીમ ઝેહરા પોતાના પુસ્તક 'ફ્રૉમ કારગિલ ટુ ધ કૂ'માં લખે છે કે, "આ હુમલા એટલા ભયાનક અને સટીક હતા કે તેણે પાકિસ્તાની ચોકીઓને ધૂળમાં મેળવી દીધી. પાકિસ્તાની સૈનિક કોઈ પણ પ્રકારની સપ્લાય વગર લડી રહ્યા હતા અને બંદૂકોની યોગ્ય રીતે જાળવણી ન થવાને કારણે એ માત્ર એક લાકડી બનીને રહી ગઈ હતી."

ભારતીયોએ ખુદ સ્વીકાર્યું કે એક નાના વિસ્તાર પર સેંકડો તોપોની ગોળાબારી એ એવી વાત હતી કે કોઈ અખરોટને કોઈ મોટા હથોડાથી તોડવામાં આવી રહ્યું હોય. કારગિલ લડાઈમાં કમાન્ડર રહેલા લેફ્ટનન્ટ જનરલ મોહિંદર પુરીનું માનવું છે કે કારગિલમાં વાયુ સેનાની સૌથી મોટી ભૂમિકા મનોવૈજ્ઞાનિક હતી. ભારતીય જેટોનો અવાજ સંભળાતા જ પાકિસ્તાની સૈનિકો ફફડી ઊઠતા અને આમતેમ ભાગવા લાગતા.

ક્લિન્ટનની નવાઝ શરીફ સાથે સીધી વાત

બીબીસી ગુજરાતી, ગુજરાત, કારગિલ યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 4 જુલાઈના રોજ બ્લેયર હાઉસમાં પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન નવાઝ શરીફ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન

જૂનના બીજા અઠવાડિયાથી ભારતીય સૈનિકોને જે 'મોમેન્ટમ' મળ્યું, એ જુલાઈના અંત સુધી ચાલુ રહ્યું. અંતે નવાઝ શરીફને યુદ્ધવિરામ માટે અમેરિકાની શરણે જવું પડ્યું. અમેરિકાના સ્વતંત્રતા દિવસ એટલે કે 4 જુલાઈ, 1999ના રોજ શરીફની વિનંતિ પર ક્લિન્ટન અને તેમની ખૂબ અપ્રિય પરિસ્થિતિમાં મુલાકાત થઈ.

એ મુલાકાતમાં મોજૂદ ક્લિન્ટનના દક્ષિણ એશિયન મામલાના સહયોગી બ્રૂસ રાઇડિલે પોતાના એક પેપર 'અમેરિકાઝ ડિપ્લોમસી ઍન્ડ 1999 કારગિલ સમિટ'માં લખ્યું, "એક અવસર એવો આવ્યો જ્યારે નવાઝે ક્લિન્ટનને કહ્યું કે તેઓ તેમને એકલામાં મળવા માગે છે. ક્લિન્ટને રુક્ષતાથી કહ્યું કે એ સંભવ નથી. બ્રૂસ અહીં નોટ્સ લઈ રહ્યા છે. હું ઇચ્છું છું કે આ બેઠકમાં આપણી વચ્ચે જે કંઈ વાતચીત થઈ રહી છે, તેનો દસ્તાવેજ તરીકે રેકૉર્ડ રાખવામાં આવે."

રાઇડિલે પોતાના પેપરમાં લખ્યું, "ક્લિન્ટને કહ્યું કે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે જો તમે વગર શરતે પોતાના સૈનિક નથી હઠાવવા માગતા, તો અહીં ન આવો. જો તમે આવું ન કરો તો મારી પાસે એક નિવેદનનો ડ્રાફ્ટ પહેલાંથી જ તૈયાર છે, જેમાં કારગિલ સંકટ માટે માત્ર અને માત્ર પાકિસ્તાનને જ દોષિત ઠેરવાશે. આ સાંભળતાં જ નવાઝ શરીફ ડઘાઈ ગયા."

એ પાકિસ્તાની પ્રતિનિધિમંડળના એક સભ્ય તારિક ફાતિમીએ 'ફ્રૉમ કારગિલ ટુ કૂ' પુસ્તકનાં લેખિકા નસીમ ઝેહરાને જણાવ્યું કે, "જ્યારે શરીફ ક્લિન્ટનને મળીને બહાર નીકળ્યા તો તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તેમની વાતોથી અમને લાગ્યું કે તેમનામાં વિરોધ કરવાની કોઈ તાકત નહોતી બચી."

એક તરફ શરીફ ક્લિન્ટન સાથે વાત કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ ટીવી પર ટાઇગર હિલ પર ભારતના કબજાના સમાચાર ફ્લેશ થઈ રહ્યા હતા.

બ્રેક દરમિયાન નવાઝ શરીફે મુશર્રફને ફોન કરીને પૂછ્યું કે શું આ સમાચાર સાચા છે? મુશર્રફે તેનું ખંડન ન કર્યું.

(નોંધ : આ કહાણી 18 જુલાઈ, 2019ના રોજ બીબીસી ગુજરાતી પર પ્રકાશિત થઈ હતી.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન