9/11 પહેલાં અમેરિકા પર છેલ્લી વખત હુમલો કરનારા જાપાની બૉમ્બની કહાણી

ઇમેજ સ્રોત, MUSEO DE GUERRA CANADIENSE
- લેેખક, આંલેઝેંદ્રા મિલાન વૅલેન્સિયા
- પદ, બીબીસી ન્યૂઝ
વાત બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના આત્મસર્મપણના ત્રણ દિવસ પહેલાંની છે, એટલે 5 મે, 1945ની, જ્યારે અમેરિકાના ઓરેગૉન રાજ્યના બ્લાએ શહેરમાં છ લોકોનાં મૃત્યુના સમાચાર આવ્યા.
દુર્ઘટનાને નજરે જોનાર લોકો તરફથી મળેલી માહિતીના આધારે સ્થાનિક મીડિયામાં જે સમાચાર આવ્યા તેમાં કહેવામાં આવ્યું કે મૃત્યુ પામનારની ઉપર ગનપાઉડરથી ભરેલા મોટા-મોટા ફુગ્ગા ફૂટયા છે જેના કારણે તેમનું તરત જ મૃત્યુ થયું.
કેસની તપાસ સૈન્યે પોતાના હાથમાં લીધી. પરંતુ એ સમયે તેમણે એ વાતનો અંદાજો લગાવ્યો ન હતો કે આ ફુગ્ગા 6 હજાર ફૂટ ઉપરથી ઊડતા હૉટ ઍર બ્લૂનના સમૂહનો ભાગ હતા, જેમાંથી આકાશમાંથી બારૂદ ભરેલા થેલા ફેંકવામાં આવ્યા હતા અને જે અમેરિકા પર હુમલો કરવા જાપાનના એક દ્વીપ પર છોડી મૂકવામાં આવ્યા હતા.
હાલનાં વર્ષોમાં યુદ્ધના આ હથિયારના અવશેષ અલાસ્કા અને ઉત્તર-પશ્ચિમ મૅક્સિકોના દરિયાકાંઠે મળ્યા છે. વર્ષ 2001ની 11 સપ્ટેમ્બર સુધી આ ફુગ્ગાનો હુમલો એ અમેરિકાની જમીન પર થયેલો છેલ્લો હુમલો હતો.
ઇતિહાસકાર રૉસ કૉએને બીબીસીને કહ્યું, "બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જો અમેરિકાની જમીન પર કોઈ હુમલો થયો તો તે આ હતો. જે લોકો પર આ ફુગ્ગા પડ્યા હતા તેમાંથી કેટલાક તે સમયે પિકનિક પર હતા અને એ આ કહાનીને પણ રસપ્રદ બનાવી દે છે."
આ મુદ્દા પર રૉસ કૉએને 'ફૂ-ગો : ધ ક્યુરિયસ હિસ્ટ્રી ઑફ ધ જાપાનીઝ બલૂન ધૅટ ટ્રાએડ ટૂ બૉમ્બ ધ યુએસ' નામનું પુસ્તક લખ્યું છે જે યુનિવર્સિટી ઑફ નેબ્રાસ્કા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
તેઓ કહે છે, "પરંતુ આ એકમાત્ર હુમલો ન હતો પણ આ એક જટિલ હુમલાની યોજનાનો ભાગ હતો, જેમાં એવાં હથિયારો પણ હતાં જે પ્રશાંત મહાસાગર પાર કરીને અમેરિકા પહોંચે અને અહીંના લાકોમાં ડર ફેલાવી શકે."
પરંતુ આ યોજના બની કેવી રીતે અને આને લાગુ કેવી રીતે કરવામાં આવી? આ હુમલો નિષ્ફળ કેમ સાબિત થયો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ફૂ-ગો ફુગ્ગા બૉમ્બ

ઇમેજ સ્રોત, us navy
અમેરિકા અને જાપાન બંને લાંબા સમય સુધી પ્રશાંત મહાસાગર પર નિયંત્રણ ઇચ્છતાં હતાં. તેમની આ મહત્ત્વાકાંક્ષા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ રહી. એવામાં જાપાનની ઇમ્પિરિયલ આર્મીનું નેતૃત્વ કરી રહેલા જનરલ દુશ્મન પર હુમલો કરવાનો વિચાર કરી રહ્યા હતા.
કૉએન કહે છે, "જાપાનને પ્રશાંત મહાસાગરમાં ચાલતા પ્રવાહોની અને અમેરિકાના પશ્ચિમી તટ અને તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ વિશે સારી જાણકારી હતી."
અમેરિકન સૈન્યના દસ્તાવેજો પ્રમાણે જાપાનનો ઉદ્દેશય અમેરિકાના પશ્ચિમી કાંઠે રહેલાં જંગલોમાં આગ લગાવવાનો હતો, જેથી ત્યાંની જનતાની વચ્ચે ડર ફેલાય.
તેઓ કહે છે, "તેમને એ વાતનો વિશ્વાસ હતો કે ફુગ્ગા દ્વારા બારૂદ નાખવાની તેમની નીતિ કામ કરશે."
અમેરિકાની નૌસેનાના જૂના દસ્તાવેજો પ્રમાણે આ બલૂન 10 મીટર મોટાં, 20 મીટર ઊંચાં હતાં અને તેમાં હાઇડ્રોજન ગૅસ ભરાયેલો હતો.
કૉએન કહે છે, "આ ફુગ્ગા છોડતી વખતે જાપાને પ્રશાંત મહાસાગરના વાયુ પ્રવાહનો લાભ ઉઠાવ્યો હતો. તેમને ખબર હતી કે હવા તેમને સીધી અમેરિકા સુધી લઈ જશે."
અમેરિકન સૈન્યના જૂના દસ્તાવેજ પરથી ખ્યાલ આવે છે કે આ ફુગ્ગા ખૂબ જ હલકા કાગળમાંથી બન્યા હતા, જેની પર સેન્સરવાળા બૉમ્બ લગાવવામાં આવ્યા હતા. તેમની ટ્યૂબમાં બારૂદ ભરવામાં આવ્યો અને સાથે એક ઍક્ટિવેશન ડિવાઇસ પણ લગાવવામાં આવ્યું હતું.
આ ફુગ્ગા 12 કિલોમીટરની ઊંચાઈ સુધી ઊડવામાં સક્ષમ હતા અને એક વખતમાં 7500 કિલોમીટર સુધીની ઉડાન ભરી શકે છે.
કૉએન કહે છે, "તે સમયના હિસાબે જોઈએ તો આ એક પ્રકારનાં ઇન્ટરઑશિએનિક રૉકેટ હતાં જે આજે કેટલાક દેશોની પાસે છે. તે સમયે કોઈ પણ આ પ્રકારના હુમલાની કલ્પના પણ કરી શકતું નહોતું. આ હુમલાને મોટા પ્રમાણમાં નિષ્ફળ કહેવામાં આવી શકે છે, પરંતુ એ વાતથી પણ ઇન્કાર ન કરી શકાય કે આ કારણે ઓરેગૉનમાં છ લોકોનાં મૃત્યુ થયાં."
આ ફુગ્ગા પર લખનારા ઇતિહાસકાર બ્રૅટ વેબરના કહેવા પ્રમાણે મેજર તેઈજી તાકાડાના નેતૃત્વમાં જાપાનની સેનાની નવમી ડિવિઝનની ડિઝાઇન લૅબોરેટરીમાં આ ફુગ્ગા બનાવામાં આવ્યા હતા.
કૉએન કહે છે, "જાપાનીઓએ આ ફુગ્ગાનું નામ આપ્યું ફૂ-ગો. ફૂ જાપાની શબ્દ ફૂશેનનો પહેલો અક્ષર હતો, જેનો અર્થ ફુગ્ગો અને ગો એક કૉડ હતો જે આ લૅબોરેટરીમાં બનાવેલાં હથિયારોના નામની સાથે લગાવવામાં આવતો હતો."
"જાપાની લોકો મૂર્ખ ન હતા. અનેક મહિનાઓ સુધી તેઓ હજારો ફુગ્ગા પ્રશાંત મહાસાગરથી પાર એ આશાએ મોકલતા રહ્યા કે ઓછામાં ઓછા દસ ટકા ફુગ્ગા તો અમેરિકાની જમીન પર પહોંચીને પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ કરે."
દસ્તાવેજો પરથી ખબર પડે છે કે જાપાનને આ વાતની જાણકારી હતી કે નવેમ્બરથી માર્ચની વચ્ચે મહાસાગર પર વાયુપ્રવાહ સૌથી ઝડપી હોય છે. તેમણે ફુગ્ગા છોડવા માટે આ સાચો સમય પસંદ કર્યો હતો.
આ ફૂગ્ગો જમીન પર પડતા તો તેમાં આગ લાગી જતી અને વિસ્ફોટ થઈ જતો. સૈન્યનિષ્ણાત અનુસાર આ બારૂદથી જંગલમાં મોટી આગ લાગી શકે એમ હતી. તેમને એ પણ ડર હતો કે ફુગ્ગા જૈવિક હથિયાર પણ હોઈ શકે છે. જોકે તેમની ચિંતા પૂર્ણ થઈ ગઈ હતી.

પિકનિક મનાવવા નીકળેલો પરિવારની સાથે દુર્ઘટના

ઇમેજ સ્રોત, MUSEO DE KLAMATH COUNTY
હાલ સુધી જેટલી જાણકારી મળી રહી છે તે પ્રમાણે ફુગ્ગાનો આ હુમલો મે 1945માં થયો હતો. પરંતુ હકીકત એ છે કે અમેરિકાની વાયુસેનાને આ ફુગ્ગાની જાણકારી 1944ના અંતમાં થઈ ગઈ હતી, જ્યારે તેઓ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રશાંત મહાસાગરમાં પહોંચ્યા હતા.
ઇતિહાસકાર વેબર પોતાના સંશોધનમાં કહે છે કે આ ફુગ્ગાની પહેલી ખેપ નવેમ્બર 1944માં છોડવામાં આવી હતી અને આ મહિને કૅલિફોર્નિયાના સૅનપૅટ્રો શહેરમાં આ ફુગ્ગાને પહેલી વાર જોવામાં આવ્યા હતા.
જાન્યુઆરી 1945માં સૈન્યના કેટલાક કર્મચારીઓએ ઓરેગૉનમાં થયેલા હુમલા વિશે વિસ્તારથી કહ્યું હતું. આ પછી હુમલાનો કચરો જોઈને એ સાબિત થયું કે જાપાની ફુગ્ગા જ હતા.
કૉએન કહે છે, "પરંતુ ફુગ્ગાના કારણે ગંભીર દુર્ઘટના ઓરેગૉનમાં જ સામે આવી હતી જ્યારે છ લોકોનાં આના કારણે મૃત્યુ થયાં હતાં. મૃત્યુ પામનારમાં એક ગર્ભવતી મહિલા સામેલ હતાં."
નજરે જોનાર અનુસાર બ્લાએ શહેરના બહારના વિસ્તારમાં જંગલોની પાસે એક ફુગ્ગો પડ્યો હતો. દુર્ભાગ્યથી પાંચ મે, 1945ના એક સ્થાનિક ચર્ચ સાથે જોડાયેલા એક સમૂહના કેટલાક લોકો આ વિસ્તારમાં પિકનિક કરી રહ્યા હતા.
અજાણતા તેમણે ફુગ્ગામાં લાગેલા ડિવાઇસને ઍક્ટિવ કરી દીધું જેનાથી ધડાકો થયો. દુર્ઘટનામાં ચર્ચના પાદરી અને તેમનાં પત્ની સહિત ચાર બાળકો મૃત્યુ પામ્યાં હતા.
બ્રિટનના અખબાર 'ધ ગાર્ડિયન'માં છપાયેલા એક અહેવાલ પ્રમાણે બ્લાએના રહેનારા એની પાત્ઝ્કેએ કહ્યું હતું, "મેં આ કહાણી અનેક લોકોને સંભળાવી છે પરંતુ મારી કોઈ વાતને માનતું નથી. ખાસ કરીને એ વાતને કે એક જાપાની બૉમ્બ અમારા ઓરેગૉનના જંગલમાં પડ્યો હતો."
યુદ્ધ દરમિયાન કરાયેલા હુમલાઓમાં જાપાની ફુગ્ગાનો આ હુમલો વર્ષ 1982 સુધી ઇતિહાસનો સૌથી મોટો ઇન્ટરઑશિએનિક હુમલો હતો. વર્ષ 1982માં બ્રિટનના ફૉકલેન્ડ્સ દ્વીપ પર હુમલો કરવામાં આવ્યો હતો.
બ્લાએમાં થયેલા હુમલા વિશે અમેરિકાના નેશનલ રજિસ્ટર ઑફ હિસ્ટોરિક મૉન્યુમેન્ટે કહ્યું હતું, "આ હુમલો અને હુમલાની જગ્યા દર્શાવે છે કે વિશ્વયુદ્ધના સમયે જાપાને ખૂબ જ યોજનાબદ્ધ રીતે અમેરિકા પર હુમલો કર્યો હતો. આ એક પ્રકારે ઇતિહાસમાં ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલેસ્ટિક મિસાઇલનો પહેલી વાર ઉપયોગ હતો."

વર્ષો સુધી છુપાવી રાખી હુમલાની જાણકારી

ઇમેજ સ્રોત, MUSEO DE KLAMATH COUNTY
અમેરિકાની સેનાએ અનેક વર્ષો સુધી હુમલા અંગે તમામ જાણકારી સાર્વજનિક ન કરી. જોકે આ સમયમાં આ વિસ્ફોટ વિશે અનેક મીડિયામાં સમાચાર છપાયા હતા અને ઇતિહાસકાર દેશના વિવિધ વિસ્તારોમાં મળી રહેલા ફુગ્ગાઓના ભાગોની તપાસ કરવા લાગ્યા હતા.
કૉએન કહે છે, "મારું ધ્યાન અલાસ્કામાં મળેલા કેટલાક ફુગ્ગાના ટુકડાઓ પર હતું. તે ફુગ્ગાના ભાગોને ત્યાં મળવાનો સંબંધ ક્યાંકને ક્યાંક જાપાનના હુમલાની સાથે હતો."
જ્યારે જાપાનને આ વાતનો અહેસાસ થયો કે ફુગ્ગા દ્વારા હુમલો કરવાનો તેમનો ઉદ્દેશ સફળ નથી થયો તો તેણે હુમલો રોકી દીધો. એપ્રિલ 1945માં આ પ્રકારનો છેલ્લો હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી ઑગસ્ટમાં જાપાનના સમ્રાટ હિરોહિતોએ જાપાનના આત્મસમર્પણની જાહેરાત કરી.
યુદ્ધ તો એ જ વર્ષ પૂર્ણ થઈ ગયું પરંતુ વચ્ચે વચ્ચે ફુગ્ગા મળતા રહ્યા. ઑક્ટોબર 2014માં કૅનેડાની નૌસેનાએ લુંબી શહેરની પાસે મળેલા આ પ્રકારના એક ફુગ્ગાને નિષ્ફળ બનાવ્યો હતો. ઑક્ટોબર 2019માં પણ આ જ પ્રકારે એક બૉમ્બ કૅનેડામાં રાઉશ નદી પાસે મળ્યો હતો.
કૉએન કહે છે, "એ સ્પષ્ટ થઈ ગયું હતુ કે જાપાનનો ઉદ્દેશ્ય લોકોને નુકસાન પહોંચાડવાનો નહીં, પરંતુ લોકોની વચ્ચે ડરનો માહોલ ઊભો કરવાનો હતો."
"પરંતુ સત્ય હકીકત એ છે કે અનેક અમેરિકનોને આજે પણ ખ્યાલ નથી કે આ આધુનિક પ્રકારના હુમલાઓ તેમની જમીન પર થયા અને યોજનાબદ્ધ રીતે તેને અંજામ આપવામાં આવ્યો હતો."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












