ગુજરાત સહિત ભારતભરમાં આ વર્ષે વરસાદ આટલો ઘાતક કેમ બની ગયો?

ભારત, ચોમાસું, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નવીનસિંહ ખડકા
    • પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ

ભારતમાં આ વર્ષે ચોમાસું તોફાની બન્યું છે.

અસાધારણ વરસાદ પછી અડધો દેશ પૂરની ઝપટમાં આવી ગયો છે. પંજાબ 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે.

ભારતીય હવામાન વિભાગ જણાવે છે કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો માત્ર 24 કલાકમાં 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.

ઉત્તરપશ્ચિમ ભારતમાં 28 ઑગસ્ટથી ત્રીજી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ કરતાં 180 ટકા વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણમાં તે પ્રમાણ 73 ટકા હતું.

હજુ પણ દેશના કેટલાય ભાગોમાં વધુથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદને કારણે દેશના ઘણા ભાગોમાં ભૂસ્ખલન થયું છે અને પૂર પણ આવ્યું છે. ગામડાં અને નગરો ડૂબી ગયાં છે તેમજ સેંકડો લોકો માર્યા ગયા છે. સવાલ એ છે કે આ વર્ષે વરસાદ આટલો તીવ્ર કેવી રીતે બન્યો?

બદલાતું ચોમાસું

ભારત, ચોમાસું, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ચોમાસાના વર્તનમાં આબોહવા સંકટ ફેરફાર કરી રહ્યું છે.

વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, મુખ્ય ફેરફાર એ છે કે ગરમ વાતાવરણને કારણે હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર બંનેમાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.

ભૂતકાળમાં ચોમાસામાં જૂન, જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન સતત વરસાદ પડતો હતો, પરંતુ હવામાનશાસ્ત્રીઓએ જોયું છે કે લાંબા સમય સુધી સૂકા સમયગાળા પછી હવે નાના વિસ્તારોમાં ટૂંકા ગાળામાં મોટા પ્રમાણમાં વરસાદ પડે છે.

નિષ્ણાતો જણાવે છે કે આવું પર્વતીય પ્રદેશોમાં વધુને વધુ થઈ રહ્યું છે. પર્વતીય પ્રદેશોમાં ભેજવાળાં વાદળો ટેકરીઓ સાથે અથડાય અને નાના વિસ્તારોમાં ખૂબ ઝડપથી ભારે વરસાદ વરસાવે. આ ઘટનાને ક્લાઉડ બર્સ્ટ તરીકે ઓળખવામાં આવે છે.

ઑગસ્ટના પહેલા સપ્તાહમાં હિમાલયના ઉત્તરાખંડ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં વરસાદે વેરેલા વિનાશનું આ એક મુખ્ય કારણ હતું.

હિમાલય પ્રદેશનાં રાજ્યોથી દક્ષિણ તરફ જતાં વરસાદનાં કારણો બદલાય છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

ભારત, ચોમાસું, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોમાં ઑગસ્ટમાં દિવસો સુધી અત્યંત ભારે વરસાદ પડ્યો હતો.

હવામાનશાસ્ત્રીઓ કહે છે કે મુખ્યત્વે ભારતીય ઉપખંડમાં પહેલાંથી જ અસ્તિત્વ ધરાવતી વર્ષા પ્રણાલી અને ભૂમધ્ય પ્રદેશમાંથી ઉદ્ભવતી તથા પૂર્વ તરફ આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ નામની લો પ્રેશર સિસ્ટમ વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયાને કારણે એવું થયું હતું.

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ ઘણીવાર વાતાવરણના ઉપલા સ્તરોમાંથી ઠંડી હવાના સમૂહનું વહન કરે છે અને વર્તમાન ચોમાસામાં બન્યું તેમ, તે નીચલા સ્તરોમાં પ્રમાણમાં ગરમ તથા ભેજવાળી હવાને મળે છે ત્યારે હવામાનની તીવ્ર પ્રવૃત્તિ સર્જાય છે.

બ્રિટનમાં યુનિવર્સિટી ઑફ રીડિંગના હવામાનશાસ્ત્ર વિભાગના સંશોધન વિજ્ઞાની અક્ષય દેવરસ કહે છે, "તે ચોમાસા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ વચ્ચેના દુર્લભ વાતાવરણીય સંયોજનનું પરિણામ છે."

"ધારો કે ચોમાસું પાણી ભરેલી તોપ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ ટ્રિગર છે," એમ કહેતાં તેઓ ઉમેરે છે કે આ ટ્રિગર બળથી ખેંચાયું હતું અને તેના કારણે ઉત્તરનાં ઘણા રાજ્યો તરબોળ થઈ ગયાં હતાં.

ઉત્તર ભારત અને દેશના અન્ય ભાગોમાં મોટા સમયગાળા દરમિયાન ભારે વરસાદ મુખ્યત્વે વર્ષા પ્રણાલી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસની અથડામણને કારણે થયો હોવાની હકીકતને હવામાન વિભાગે પુષ્ટિ આપી છે.

દેવરસ કહે છે, "ચોમાસું તેની ટોચ પર હોય ત્યારે આવી ક્રિયા-પ્રતિક્રિયાઓ અસામાન્ય છે, કારણ કે આ સમય દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ સામાન્ય રીતે ઉત્તર તરફ પાછું ફરતું હોય છે."

તો પછી આ વર્ષે તે પૂર્વ તરફ કેમ વળ્યું?

વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, તે જેટ સ્ટ્રીમ્સને આભારી છે. જેટ સ્ટ્રીમ્સ હવાના સાંકડા, ઝડપથી વહેતા પ્રવાહો છે, જે વિશ્વભરમાં પશ્ચિમમાંથી પૂર્વ તરફ આગળ વધે છે. ગ્લોબલ વોર્મિંગ એ પ્રવાહોને વધુ "લહેરાતા" બનાવી રહ્યું છે. તેનો અર્થ એ થાય કે પ્રવાહો વક્રી રહ્યા છે અને સ્થિર માર્ગને અનુસરતા નથી. તે હવામાનની અન્ય પ્રણાલીઓને પણ અસર કરે છે.

અભ્યાસો દર્શાવે છે કે લહેરાતા જેટ સ્ટ્રીમ્સને લીધે વિશ્વભરમાં હવામાનની આત્યંતિક ઘટનાઓ સર્જાઈ રહી છે. તેમાં તાજેતરમાં ભારતમાં બનેલી ઘટનાઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય જેટ સ્ટ્રીમ્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસને અસાધારણ રીતે દક્ષિણના ઉત્તરીય વિસ્તારોમાં લઈ જાય છે.

દેવરસ કહે છે, "પવનની વૈશ્વિક પેટર્ન સ્થાનિક ચોમાસાની ગતિશીલતાને કેવી રીતે સુપરચાર્જ કરી શકે, ચોમાસાને કેવી રીતે અંધાધૂંધીમાં અને હિમાલયને કબ્રસ્તાનમાં કેવી રીતે ફેરવી શકે તેનું આ ઉદાહરણ છે."

અસ્થિર પર્વતો

ભારત, ચોમાસું, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ચોમાસાની વર્તમાન ઋતુમાં પડેલો ભારે વરસાદ દેશના ઘણા ભાગોમાં આવેલા પૂરનું મુખ્ય કારણ છે, પરંતુ ખાસ કરીને અચાનક પૂર આવે અને ભૂસ્ખલન થાય તેમાં અન્ય પરિબળો પણ ભૂમિકા ભજવતાં હોય છે.

હિમાલયમાંથી ઉદ્ભવતી નદીઓના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઉત્તર ભારત અને પાકિસ્તાનના ઘણા ભાગોમાં, ક્લાઉડ બર્સ્ટ કે નોંધપાત્ર વરસાદ ન પડ્યો હોવા છતાં વિનાશક પૂર આવ્યું હતું.

વિજ્ઞાનીઓ આ માટે ઘણાં કારણો આપે છે, જેમ કે હિમનદીઓ ઝડપથી પીગળવાથી વધુ ભરાયેલા ગ્લેશિયલ લેકના ફાટવા, તિરાડોમાંથી ખૂલતા ભૂગર્ભ તળાવોમાં ભરાવો અને ભૂસ્ખલનને કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ભૂસ્ખલનને કારણે નદીઓનો માર્ગ અવરોધાય છે. તેથી કૃત્રિમ તળાવો બને છે અને બાદમાં પૂર આવે છે.

ચોક્કસ કારણ તો સ્થાપિત કરી શકાયું નથી, પરંતુ નિષ્ણાતો જણાવે છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે, ઝડપથી પીગળતી હિમનદીઓ, બર્ફિલા મેદાનો, સ્નોપેક અને પર્માફ્રોસ્ટ (કાયમ માટે થીજી ગયેલી જમીન, જે માટીની નીચે છુપાયેલી રહે છે)ને લીધે પર્વતો અસ્થિર બની રહ્યા છે.

પર્વતના ઢોળાવને સ્થિર રાખવામાં બરફ સિમેન્ટની જેમ કામ કરે છે અને વરસાદ અહીં પણ ખેલ બગાડવાનું કામ કરે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગ્લોબલ વોર્મિંગનો અર્થ એ છે કે ભૂતકાળમાં મોટા ભાગે બરફ પડતો હતો તેવા ઊંચા વિસ્તારોમાં વધુને વધુ વરસાદ પડી રહ્યો છે. તેના કારણે પર્વતો વધુ અસ્થિર થઈ રહ્યા છે, પાણીનો મોટો પ્રવાહ વહેતો થયો છે અને જમીન ઢીલી થઈ રહી છે.

ગ્રાઝ યુનિવર્સિટીના ભૂ-વિજ્ઞાની જેકૉબ સ્ટેઈન કહે છે, "એક-બે દિવસમાં બરફનાં આખે આખાં મેદાનો પીગળી રહ્યાં છે અને પાણીનો મોટો જથ્થો પૂરના સ્વરૂપમાં વહે છે, એ આપણે જોઈ રહ્યા છીએ."

માનવસર્જિત આફતો

આ પરિબળો માનવ પ્રવૃત્તિઓને કારણે વધારે જટિલ બને છે. પર્વતો અને મેદાનો બંનેમાં, નદીઓ તથા પૂરના મેદાનોના માર્ગ પર માનવવસાહતોએ અતિક્રમણ કર્યું છે. એ કારણે તેમનો માર્ગ અવરોધાયો છે.

હાઈવે, ટનલ અને હાઈડ્રોપાવર પ્લાન્ટ જેવા વ્યાપક માળખાકીય વિકાસને કારણે પણ પર્વતો વધુ નબળા પડે છે.

આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં ઘણી જગ્યાએ નદીના પાળા અને જૂની ગટરોનું સમારકામ કરવામાં આવ્યું નથી. બીજી તરફ શહેરી પૂરની તીવ્રતા ઘટાડવા માટે રચાયેલા જળમાર્ગોને પ્લાસ્ટિકનો કચરો અવરોધી રહ્યો છે.

વરસાદ અને પૂરની અસરો તથા નુકસાનને ઘટાડવા માટે આ મુદ્દાઓનું સમયસર નિરાકરણ થવું જરૂરી છે, એવું નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન