અડધા લાહોરમાં વ્યાજે રૂપિયા ફેરવતા શાહુકાર, અંતિમ દિવસોમાં એવું શું થયું કે દેવું માફ કરવા લાગ્યા?

ઇમેજ સ્રોત, Asif Butt
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાની લાહોરના અંદરના વિસ્તારમાં આવેલા ગુમટી બાજારમાં 17 એપ્રિલ, 1929એ જેનું બાંધકામ પૂર્ણ થયું એવી આ ઇમારત સુધી દિલ્હી દરવાજા બાજુથી પણ આવી શકાતું હતું.
પરંતુ લાહોરના આ જૂના વિસ્તારના નિવાસી આસિફ બટે અહીં 19મી સદીમાં બનેલા પીવાના પાણીના તળાવ બાજુથી જવાનો નિર્ણય કર્યો.
આસિફ બટે આ ઇમારતની સામે ઊપસેલા અંગ્રેજી અક્ષર વાંચવાનું શરૂ કર્યું : 'બી… ત્યાર પછીના કેટલાક અક્ષર તૂટેલા છે અને પછી "કે" છે અને…'
હું પોતે આ ઇમારત સુધી નહોતો પહોંચી શક્યો, પરંતુ ફોન પર આસિફ બટના મોંએ આ અક્ષર સાંભળીને મેં શબ્દ પૂરા કરી દીધા તો તેમણે પણ એ જ ઉચ્ચાર્યા : 'બુલાકીમલ ઍન્ડ સન બૅન્કર્સ, લાહોર.'
તેમનું સાચું નામ તો બુલાકીમલ હતું, પરંતુ ઇતિહાસકારો અનુસાર, તેઓ બુલાકીશાહના નામથી ઓળખાતા હતા.
પોતાના જમાનાના સૌથી મોટા શાહુકાર

ઇમેજ સ્રોત, Waqar Mustafa
લાહોરમાં પોતાના જમાનાના તેઓ સૌથી મોટા શાહુકાર હતા, જે લોકોને વ્યાજે નાણાં ધીરતા હતા. પોતાના એક વ્લૉગમાં તિરખા જણાવે છે, "બુલાકીશાહનાં વહીખાતાંમાં (રજિસ્ટર) મોટા-મોટા જમીનદારોના અંગૂઠા લાગેલા હતા અથવા સહીઓ હતી. તેઓ ક્યારેય કોઈનેય નિરાશ નહોતા કરતા."
"મહિલાઓ માટે અલગ જગ્યા હતી, જ્યાં તેઓ તેમને માન-સન્માન સાથે બેસાડતા, પછી તેમની જરૂરિયાત પૂછતા. મહિલાઓ ત્યાં આવીને જણાવતી કે કોઈ લગ્ન કે ઉજવણી છે. જો કોઈ (કરજના બદલામાં) આભૂષણ (દાગીના) ગીરવી રાખતાં તો લાલા નિશ્ચિંત થઈ જતા."
એ કાળખંડના પંજાબની આર્થિક સ્થિતિનું વર્ણન કરતાં ઇતિહાસકાર ઇશ્તિયાક અહમદ પોતાના પુસ્તક 'ધ પંજાબ બ્લડીડ, પાર્ટિશન ઍન્ડ ક્લેંઝ્ડ'માં લખે છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સમાજના દરેક વર્ગ કોઈક ને કોઈક સ્તરે શાહુકારના દેવાદાર હતા, પરંતુ તેની આર્થિક પકડથી મુસલમાનો સૌથી વધુ પ્રભાવિત થયા હતા."
તેમના અનુસાર, લાહોરના બુલાકીશાહ આ આમ અને સામાન્ય શાહુકાર વ્યવસ્થાનું સુંદર ઉદાહરણ ગણાતા હતા, તેમની સામે સૌથી મોટા જમીનદાર પણ દેવાદાર જોવા મળતા હતા.
મુનીર અહમદ મુનીરના પુસ્તક 'મિટતા હુઆ લાહૌર'માં મોચી દરવાજાના નિવાસી હાફિઝ મેરાજુદ્દીનનો ઉલ્લેખ કરીને લખાયું છે કે, "100 રૂપિયા લેશો, તો તેઓ પહેલાં ત્રણ મહિનાનું વ્યાજ કાપી લેશે, બુલાકીશાહ વ્યાજે નાણાં ધીરીને બલિ બનાવતા હતા."

ઇમેજ સ્રોત, Waqar Mustafa
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દાનીશવર અબ્દુલ્લા મલિકે પોતાના પુસ્તક 'પુરાની મહફિલેં યાદ આ રહી હૈં'માં લખ્યું છે કે, લાહોરના સૌથી મોટા શાહુકાર બુલાકીશાહ પાસેથી મોટા ભાગે મુસલમાન જમીનદાર અથવા નીચા મધ્યમ વર્ગના વ્હાઇટ કૉલર લોકો વ્યાજે પૈસા લેતા હતા. એટલે સુધી કે તેમનો પરિવાર પણ બુલાકીશાહનો દેવાદાર હતો.
અબ્દુલ્લા મલિક લખે છે, "બુલાકીશાહની ઇમારતથી તો મારા દાદાજીને પણ બીક લાગતી હતી. મારા મનમાં બુલાકીશાહની બીક ઘૂસી ગઈ હતી."
"એક દિવસ હું દાદાજીની આંગળી પકડીને ગુમટી બાજારમાંથી પસાર થતો હતો. મારી નજર નીચે રસ્તા પર હતી, અચાનક દાદાજીએ ઊભા રહીને કહ્યું, બેટા, બુલાકીશાહને સલામ કરો."
"બુલાકીશાહનું નામ સાંભળતાં જ હું ફફડી ગયો. તેમની તરફ જોયું, પરંતુ ડર અને આતંક એટલા હતા કે ઊભાઊભા પેશાબ થઈ ગયો. આ જોઈને બુલાકીશાહ થોડા હસ્યા અને મને જીવતા રહેવાના આશીર્વાદ આપીને આગળ ચાલતા થયા."
હાફિઝ મેરાજુદ્દીનનું કહેવું હતું કે, મોટા-મોટા શ્રીમંતોની જમીનો બુલાકીશાહ પાસે ગીરવી પડી હતી.
પુસ્તક 'મિટતા હુઆ લાહૌર'માં રાજનેતા અને વકીલ સૈયદ અહમદ સઇદ કરમાનીનો ઉલ્લેખ કરીને લખાયું છે કે બુલાકીશાહના કરજદારોમાં મિયાં મુમતાઝ દૌલતાનાના પિતા ખાનબહાદુર અહમદ યાર દૌલતાના પણ સામેલ હતા.
એક અંગ્રેજી મૅગેઝીન 'ધ પાકિસ્તાન રિવ્યૂ'ના 1971ના એક અંકમાં એક લેખકે લખ્યું કે 1920 દાયકાની મધ્યમાં "મારા દાદા હાજી અહમદ બખ્શ, જેઓ એક ફારસી કવિ અને અલ્લામા મોહમ્મદ ઇકબાલના મિત્ર હતા."
"તેમણે (લાહોરમાં) પોતાની 65 કનાલ (5,445 વર્ગ ફૂટ) જમીન વેચવાનો નિર્ણય કર્યો. આ જમીન 20,000 રૂપિયામાં લાહોરના સૌથી મોટા શાહુકાર બુલાકીશાહ પાસે ગીરવી હતી."
તેમણે લખ્યું, "મારા વડીલોની બગડતી આર્થિક પરિસ્થિતિથી ચિંતિત થઈને અલ્લામા ઇકબાલે મારા દાદાને જમીન વેચવાની સખત શબ્દોમાં ના પાડી."
"તેમણે કહ્યું કે જમીનને કોઈ પણ રીતે બચાવો. તેના કરતાં એ સારું છે કે તમે દાગીના વેચો કે પછી પોતાનાં થોડાંક મકાન વેચીને બુલાકીનું દેવું ચૂકવી દો. સમયની સાથે તમારા પુત્રો પરિવારના ખરાબ નસીબને સુધારી લેશે."
"પરંતુ દુર્ભાગ્યે મારા દાદાએ તેમની સલાહ ન માની."
બુલાકીશાહની જે ખબર પૂછવા આવ્યો, એનું દેવું માફ કર્યું

ઇમેજ સ્રોત, Waqar Mustafa
ઈ.સ. 2013માં 104 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનાર ફોટો જર્નલિસ્ટ એફઈ ચૌધરીએ 'અબ વહ લાહૌર કહાં?' શીર્ષકથી છપાયેલા પોતાના લાંબા ઇન્ટરવ્યૂમાં પત્રકાર મુનીર અહમદ મુનીરને જણાવ્યું કે લાહોરના અડધા મુસલમાન બુલાકીશાહના દેવાદાર હતા.
બુલાકીશાહ મોટા લોકોને મોટા પ્રમાણમાં નાણા ધીરતા હતા. "મજંગમાં જેટલા પણ મોટા શાહ હતા, તે બધાની હવેલીઓ બુલાકીશાહ પાસે ગીરવી હતી."
એફઈ ચૌધરીએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે બુલાકીશાહનાં બાળકો સેન્ટ ઍન્થની સ્કૂલમાં ભણતાં હતાં.
જોકે, મેરાજુદ્દીનનું કહેવું છે કે બુલાકીશાહ મુખ્તાર (ચૂંટાયેલી વ્યક્તિ) પણ હતા. પીટર એબૉર્ન પોતાના પુસ્તક 'વાઉન્ડેડ ટાઇગર, એ હિસ્ટરી ઑફ ક્રિકેટ ઇન પાકિસ્તાન'માં લખે છે કે બુલાકીશાહ ક્રિસેન્ટ ક્રિકેટ ક્લબના મોટા હિમાયતીઓમાંના એક હતા.
"આ ક્લબ લાહોરના મોચી દરવાજાના ક્રિકેટપ્રેમી નિવાસીઓએ બનાવી હતી અને લાલા અમરનાથ તેના સૌથી પ્રખ્યાત ખેલાડીઓમાંથી એક હતા."
એફઈ ચૌધરી જણાવે છે કે એક વખત બુલાકીશાહ બીમાર પડી ગયા. તેમના કરજદારો તેમના ખબરઅંતર પૂછવા આવ્યા.
"શાહજી તબિયત કેવી છે?"
"તેઓ જવાબ આપતા કે ખબર નથી, મારા શ્વાસ ક્યારે અટકી જાય."
"ઓ મનીમ, આ બાજુ આવ, જણાવ કે ચૌધરીસાહેબના કેટલા પૈસા છે?"
"તેઓ દસ્તાવેજ ખોલતા અને જણાવતા કે તેમણે 200 રૂપિયા લીધા હતા તે વર્ષે."
"ઓય તેને ભૂંસી નાખ, મારી તબિયત પૂછવા આવ્યા છે."
"બીજા દેવાદાર આવ્યા તો પૂછ્યું : ઓય આના કેટલા પૈસા છે?"
"જી બે હજાર છે."
"ચેકી નાખ. વ્યાજ તો મેં ખૂબ ખાધું છે."
ચૌધરી જણાવે છે કે જોતજોતામાં બધા ખબર પૂછવાના બહાને આવવા લાગ્યા. લાખો રૂપિયા લેનાર પણ આવી ગયા : "શાહજી, સાંભળ્યું છે કે તમે બીમાર છો?"
"હા યાર, પરમાત્માની મરજી."
"15-20 મિનિટ થઈ ગઈ, અડધો કલાક થઈ ગયો, તેમણે કહ્યું નહીં કે લઈ જા આનો હિસાબ અને ઉડાવી દે."
"પછી બુલાકીશાહ ખુદ કહેતા: સારું તમે જઈને આરામ કરો, તમારો ખૂબ આભાર."
"એ દિવસોમાં એવી વાત ફેલાઈ ગઈ કે બુલાકીશાહે નાના (નાના દેવાદાર)નાં ખાતાં ફાડી નાખ્યાં, મોટાના (મોટા કરજદારો) ન ફાડ્યાં."
લેવડ-દેવડના થોડા વિવાદ અદાલતમાં પણ પહોંચ્યા

ઇમેજ સ્રોત, Getty Images
બુલાકીશાહ પોતાના અમુક દેવાદારો સાથેની લેવડદેવડના વિવાદોને અદાલત સુધી પણ લઈ ગયા. આવા કેસથી જાણવા મળે છે કે તેમની પાસેથી ફક્ત મુસલમાનો જ કરજ નહોતા લેતા.
ઑક્ટોબર 1901માં 'સિવિલ જજમેન્ટ્સ' નામના એક દસ્તાવેજમાં કેસ નંબર 96ની માહિતી મળે છે કે 19મી સદીનાં અંતિમ વર્ષોમાં બુલાકીશાહે રેલવેના એક યુરોપિયન અધિકારી ટીજી ઍકર્સને મહિને 3 ટકાના વ્યાજદરે દોઢ હજાર રૂપિયા આપ્યા હતા.
ઍકર્સે થોડું વ્યાજ જરૂર ચૂકવ્યું, પરંતુ મુદ્દલ રકમ સમયસર પાછી ન આપી શક્યા. નીચલી અદાલતોએ કહ્યું કે આટલું વધુ વ્યાજ યોગ્ય નથી.
પરંતુ જ્યારે આ કેસ લાહોર કોર્ટના જજ હેરિસ સમક્ષ આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ઍકર્સે દેવા કરારમાં પોતે લખ્યું હતું કે, કોઈ દબાણ કે છેતરપિંડીના કશા પુરાવા નથી.
આ રીતે બુલાકીમલની અપીલ મંજૂર કરી લેવામાં આવી અને અદાલતે તેમના પક્ષમાં આખી રકમ એટલે કે 2,065 રૂપિયા ચૂકવવાનો આદેશ આપી દીધો.

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશ રાજના મુકદમાના એક દસ્તાવેજ 'ઑલ ઇન્ડિયા રિપોર્ટર'માંથી ચીફ જસ્ટિસ કેંસિંગ્ટન અને જજ શાહ દીનની સમક્ષ 2 ફેબ્રુઆરી, 1914એ આવેલા એક કેસની પણ માહિતી મળે છે.
બુલાકીશાહે કરજની શરત અનુસાર બે વર્ષનું વ્યાજ ન મળતાં ડૂની ચંદે ગીરવી મૂકેલી સંપત્તિ પર કબજો કરવાની કોશિશ કરી હતી, પરંતુ હાઇકોર્ટે તેને ગેરકાયદેસર ઠરાવી.
બુલાકીશાહને લાહોરના સૌથી મોટા શાહુકાર માનવામાં આવે છે. પત્રકાર મજીદ શેખે એક લેખમાં લખ્યું, "એક અત્યંત સન્માનિત વૃદ્ધે મને જણાવ્યું કે એક વાર બુલાકીશાહને ખબર પડી કે તેમનો પુત્ર ઘણી વાર ટબી બજાર (બાજાર-એ-હુશ્ન) જવા લાગ્યો છે, એટલે એક રાત્રે તેઓ પણ ત્યાં પહોંચી ગયા અને પુત્રની સામે બેસી ગયા."
"તેમનો પુત્ર નર્તકો પર જે પણ રકમ ખર્ચ કરતો, બુલાકીશાહ તેનાથી ડબલ રકમની ભેટ ત્યાં આપતા હતા. અંતમાં, બાપ-દીકરો બંને ખાલી હાથે ઘરે પાછા ફર્યા."
"ત્યાર પછી બુલાકીશાહના પુત્રને સમજાઈ ગયું કે ત્યાં (બજારમાં) કોઈને તેમની સાથે કશી લેવાદેવા નથી, તેઓ તો ફક્ત તેમની સંપત્તિ માટે છોકરીની જેમ નખરાં કરે છે. એ સમજાતાં તેણે ત્યાં જવાનું છોડી દીધું."
"તેનાથી ટબી ગલીના લોકોને એટલું નુકસાન થયું કે તેમનું એક પ્રતિનિધિમંડળ બુલાકીશાહ પાસે પહોંચી ગયું અને તેમને એ રાત્રે મહેફિલમાં લૂંટાવેલી બધી રકમ પાછી આપી અને વિનંતી કરી કે તેઓ પોતાના પુત્રને ટબી ગલી આવવાની મંજૂરી આપે. બુલાકીશાહે પૈસા પાછા લઈ લીધા અને કહ્યું કે તેઓ ત્યાંથી જતા રહે."
શેખ લખે છે, "મને યાદ છે, મારા પિતાએ જણાવ્યું હતું કે (પાકિસ્તાન બન્યા પહેલાં) બુલાકીશાહના પૌત્ર 'લાટોશાહ' કે રામ પ્રકાશ તેમના સહપાઠી અને કૉલેજ ક્રિકેટ ટીમના એક સાથીદાર હતા."
"લાટો અને પછીથી પત્રકાર બનેલા મઝહરઅલી, બસ, આ બે એવા વિદ્યાર્થી હતા, જેઓ પોતાની કારમાં કૉલેજ આવતા હતા. લાટો માત્ર રેશમી કપડાં પહેરતા હતા અને મઝહરઅલી ખાદીનાં કપડાં."
અસદ સલીમ શેખે પોતાના પુસ્તક 'ઠંડી સડક : માલ રોડ પર લાહૌર કા ઐતિહાસિક, સાંસ્કૃતિક ઔર સાહિત્યક દૃશ્ય'માં લખે છે કે, પાકિસ્તાન બન્યા પહેલાં મસ્જિદ-એ-શહદાની સામે વર્તમાન સાદિક પ્લાઝાના ખૂણા પર 'ટોબૅકોઇસ્ટ' નામની દુકાન હતી.
"તેના માલિક બુલાકીશાહના પૌત્ર હતા. દુકાનમાં દરેક પ્રકારની તમાકુ મળતી હતી."
બુલાકીશાહના પરિવારે લાહોર છોડવું પડ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ભાગલા સમયે બુલાકીશાહના પરિવારે લાહોર છોડીને જવું પડ્યું અને ઇતિહાસકારો અનુસાર શરૂ થયેલાં રમખાણોમાં કરજદારોનાં રજિસ્ટરનાં પાનાં લાહોરનાં નાળાંમાં ફાટેલાં જોવા મળ્યાં.
મજીદ શેખે લખ્યું છે કે ભારતમાં બુલાકીશાહે પોતાનાં રજિસ્ટર ફાડી નાખ્યાં અને કહ્યું કે હું બધાને માફ કરું છું.
પરંતુ પોતાના પુસ્તક 'ધ બાર્ક ઑફ એ પેન: અ મૅમોરી ઑફ આર્ટિકલ્સ ઍન્ડ સ્પીચિઝ'માં ફકીર સૈયદ ઇજાજુદ્દીન લખે છે કે, લગભગ બધા જમીનદાર, જેમણે તેમની પાસેથી કરજ લીધું હતું, પોતાની જમીનો ગીરવી મૂકી ચૂક્યા હતા.
1947માં બુલાકીશાહે પોતાનાં કીમતી રજિસ્ટર લઈને ભારત જવું પડ્યું, પરંતુ ગૅરંટીઓ બૉર્ડરની પેલી બાજુ રહી ગઈ.
સના મહેરા દેહરાદૂન, ભારતમાં રહે છે. તેમની સાથે અમારો સંપર્ક ન થઈ શક્યો, પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર દાવો કરે છે કે, બુલાકીશાહ તેમના પરદાદા હતા.
"તેમના અંતિમ વરસદાર (મારાં દાદી, શ્રીમતી વિજય લક્ષ્મી મહેરા) કોરોનાના કારણે મૃત્યુ પામ્યાં. લગ્ન પહેલાં તેમનું નામ રામાકુમારી હતું."
"તેઓ હંમેશાં ગુમટી બાજાર, વિક્ટોરિયા સ્કૂલ/ નન્હાલ હવેલી અને અન્ય યાદોનો ઉલ્લેખ કરતાં હતાં અને પોતાના જીવનના અંતિમ દિવસો સુધી લાહોર જવા માગતાં હતાં, પરંતુ દુર્ભાગ્યે ન જઈ શક્યાં."
તેઓ 1929માં લાહોરમાં જન્મ્યાં હતાં. આ એ જ વર્ષ છે જેમાં બુલાકીશાહે ગુમટી બાજારમાં ચાર માળની ઇમારત બનાવવાનું કામ પૂરું કર્યું હતું.
પોતાના પુસ્તક 'લાહૌર આવારગી'માં મુસ્તસિર હુસૈન તાર્ડે આ ઇમારતની પ્રશંસા આ શબ્દોમાં કરી: 'બુલાકીશાહનું શાહી ઘર એક જાદુઈ વૈભવનો નમૂનો હતું, જેને સીમેન્ટનાં વેલબુટ્ટા, ફૂલો, અર્ધગોળાકાર બાલ્કનીઓ અને લોખંડથી જાળીથી શણગારવામાં આવ્યું હતું.'
'તેની બાલ્કનીને આધાર આપતા થાંભલા નાજુક અને સુંદર હતા. પ્રવેશદ્વારની સુંદરતા તો દિલમાં ઊતરી જતી હતી.'
થોડા દિવસ પહેલાં જ્યારે આસિફ બટે આ ઇમારતને જોઈ, તો જણાવ્યું કે અહીં હવે પગરખાં બને છે. નીચે ચાર દુકાનો છે, જે ચામડાની વસ્તુઓ, જેમ કે, જૂતાં વગેરેનો વેપાર કરે છે. એક રંગ અને કેમિકલની દુકાન છે.
તેમનું કહેવું છે કે લાહોરના ગુમટી બાજારમાં જ્યાં આ ખંડેર જેવી ઇમારત છે, ત્યાંના મોટા ભાગના લોકોને હવે, એ વ્યક્તિ જેમનું અડધું શહેર દેવાદાર હતું, એ બુલાકીશાહ વિશે ખબર નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












