કપાસ પરની આયાત જકાત 31 ડિસેમ્બર સુધી હઠાવાઈ, આગામી દિવસોમાં ભાવ વધશે કે ઘટશે?

કપાસના ભાવો, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કપાસ ટેકાના ભાવો અને ભાવફેર, અમેરિકા, 31 ડિસેમ્બર સુધી કપાસની આયાત ઉપર 11 ટકા જકાત નહીં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, શ્રીકાંત બંગાળે
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

અમેરિકાની સરકારે ભારતમાંથી આયાત થતા સામાનની ઉપર 50 ટકા ટેરિફ લાદ્યો છે. એ પછી ભારત સરકારે 31મી ડિસેમ્બર સુધી કપાસની આયાત ઉપરથી જકાત હઠાવી દીધી છે.

અગાઉ કપાસની ઉપર 11 ટકાની ડ્યૂટી લાદવામાં આવી હતી, જેને 19 ઑગસ્ટથી 30 સપ્ટેમ્બરના ગાળા માટે હઠાવી દેવામાં આવી હતી. હવે આ છૂટને વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે.

અમેરિકાના કૃષિ વિભાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

અમેરિકાના કૃષિવિભાગને આશા છે કે આને કારણે અમેરિકામાં કપાસનું બુકિંગ વધશે, જેના કારણે અમેરિકામાં ઊંચા ટેરિફ દરોથી પરેશાન ભારતીય નિકાસકારોને હંગામી રાહત મળશે.

જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી કપાસના ભાવો ગગડી જશે અને ખેડૂતોને ફટકો પડશે.

ભારતમાં કપાસના ભાવ ઘટશે?

કપાસના ભાવો, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કપાસ ટેકાના ભાવો અને ભાવફેર, અમેરિકા, 31 ડિસેમ્બર સુધી કપાસની આયાત ઉપર 11 ટકા જકાત નહીં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઘરઆંગણે કપાસના ભાવોમાં સ્થિરતા લાવવા તથા ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ટેકો આપવાના હેતુસર હંગામી ધોરણે આયાતજકાત હઠાવવાનો નિર્ણય લીધો છે.

આના કારણે વિદેશનો કપાસ સસ્તાદરે ભારતીય બજારોમાં ઠલવાશે અને ભારતની બજારોમાં કપાસના ભાવોમાં વધુ ઘટાડો થશે.

થોડા દિવસો પહેલાં સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ, નહીં તો તેઓ વિરોધપ્રદર્શન કરશે.

ભારતમાં લગભગ 60 લાખ ખેડૂતો કપાસના વાવેતર સાથે સંકળાયેલા છે, જેમાંથી અડધોઅડધ મહારાષ્ટ્રના છે અને ગુજરાતમાં પણ તેમની નોંધપાત્ર સંખ્યા છે.

ભારતના ખેડૂતો સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં તથા ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં કપાસનો પાક ઉતારતા હોય છે અને તેને બજારમાં વેચે છે.

કપાસની બાબતોના નિષ્ણાત ડૉ. ચારુદત્ત માયીનું કહેવું છે, "સરકારના આ નિર્ણયને કારણે કોટન ઇન્ડસ્ટ્રીના લોકો વધુ ને વધુ કપાસની આયાત કરશે."

"આ સ્થિતિમાં જો 40-50 લાખ ગાંસડીની આયાત થશે, તો અમે વાવેલા કપાસની કોઈ માગ નહીં રહે, જેની ખેડૂતોને અસર થશે."

ભારતમાં કપાસની આયાત કેટલી થઈ હતી?

કપાસના ભાવો, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કપાસ ટેકાના ભાવો અને ભાવફેર, અમેરિકા, 31 ડિસેમ્બર સુધી કપાસની આયાત ઉપર 11 ટકા જકાત નહીં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE

ઇમેજ કૅપ્શન, કપાસમાં ભેજનું પ્રમાણ સીસીઆઈ તથા ખેડૂતો વચ્ચે મહત્ત્વપૂર્ણ મુદ્દો

છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન કપાસની જે આવક થઈ, તેના આંકડા ઉપર નજર કરીએ તો, વર્ષ 2023- '24 દરમિયાન ભારતે 15 લાખ ગાંસડી કપાસની આયાત કરી હતી.

31 મે, 2025 સુધી ભારતે રેકૉર્ડ 27 લાખ ગાંસડીની આયાત કરી હતી.

મુખ્યત્વે બ્રાઝિલ (654,819), અમેરિકા (525,523), ઑસ્ટ્રેલિયા (513,980), માલી (1,79,879) અને ઇજિપ્તથી (83,681) ગાંસડીની આયાત થઈ હતી.

મહારાષ્ટ્ર સ્ટેટ કોટન ફેડરેશનના નિવૃત્ત જનરલ મૅનેજર ગોવિંદ વારળેના કહેવા પ્રમાણે, "કપાસ મુખ્યત્વે સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં બજારમાં આવે છે. સરકારના નિર્ણયની કપાસના ભાવો ઉપર અસર થશે."

"કપાસના ભાવોમાં ક્વિન્ટલદીઠ રૂ. 800થી એક હજાર સુધીનો ઘટાડો થઈ શકે છે, જેની ખેડૂતોને અસર થશે."

ટેકાના ભાવો તથા ભાવફેરની યોજના ઉપર આધાર

કપાસના ભાવો, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કપાસ ટેકાના ભાવો અને ભાવફેર, અમેરિકા, 31 ડિસેમ્બર સુધી કપાસની આયાત ઉપર 11 ટકા જકાત નહીં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE

નિષ્ણાતોનું કહેવું છે કે જો આ સંજોગોમાં કોટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (સીસીઆઈ) ટેકાના ભાવે ખરીદી કરે તો આ સ્થિતિને ટાળી શકાય.

ગોવિંદ વારળેનું કહેવું છે, "સીસીઆઈ 12 ટકા ભેજવાળો કપાસ ટેકાના ભાવે ખરીદે છે. જોકે, ઑક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન જે કપાસ બજારમાં આવે છે, તેમાં ભેજનું પ્રમાણ 15 ટકા જેટલું હોય છે."

"જો ભેજનાં પ્રમાણમાં રાહત આપવામાં આવે, તો ખેડૂતોને વધુ લાભ થઈ શકે છે. જો એમ નહીં થાય, તો ખેડૂતો તેમની જણસ વેપારીઓ પાસે લઈ જશે અને ત્યાં તેમને નુકસાન થવાની શક્યતા વધુ હશે."

એ પણ હકીકત છે કે સીસીસીઆઈ તમામ ખેડૂતો પાસેથી કપાસ ખરીદી ન શકે.

ખેડૂતોને આ નિર્ણયની શું અસર થશે?

કપાસના ભાવો, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કપાસ ટેકાના ભાવો અને ભાવફેર, અમેરિકા, 31 ડિસેમ્બર સુધી કપાસની આયાત ઉપર 11 ટકા જકાત નહીં, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કપાસની આયાતમાં રાહતથી ટૅક્સ્ટાઇલ સેક્ટરને હંગામી રાહત મળશે, પરંતુ ખેડૂતોને મોટો ફટકો પડશે

ખેડૂતોનું કહેવું છે કે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો મળતા નથી અથવા તો ઉત્પાદનખર્ચને જોતાં એ ભાવે વેચવું પરવડે તેમ નથી.

ગત વર્ષે કેન્દ્ર સરકારે ક્વિન્ટલદીઠ રૂ. સાત હજાર 521નો ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. જોકે, ખેડૂતોએ ટેકાના ભાવોથી પણ ઓછી કિંમતે કપાસ વેચવો પડ્યો હતો.

ગત વર્ષે રૂ. છથી સાત હજારના ભાવે (ક્વિન્ટલદીઠ) કપાસ વેચાયો હતો.

કેન્દ્ર સરકારે વર્ષ 2025- '26 માટે કપાસનો ટેકાનો ભાવ ક્વિન્ટલદીઠ રૂ. આઠ હજાર 110 નક્કી કર્યો છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, સરકાર 'ભાવફેર' યોજના દ્વારા પણ ખેડૂતોને લાભ આપી શકે છે.

જે મુજબ, જો ખેડૂતોએ ટેકાના ભાવોથી ઓછી કિંમતે કપાસ વેચવો પડે, તો સરકાર એ તફાવતની રકમ ખેડૂતોને ચૂકવે.

મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર સત્તા ઉપર આવી, એ પહેલાં તેણે પોતાનાં ચૂંટણીઢંઢેરામાં ખેડૂતોને ભાવફેર આપવાની વાત કરી હતી.

જોકે, કેન્દ્ર સરકારની તાજેતરની જાહેરાત પછી રાજ્ય સરકારે આ દિશામાં કોઈ નીતિ જાહેર નથી કરી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન