હાથીઓનો સામનો કરતા આ ગામના લોકો નાની એવી ગોકળગાયથી કેમ ડરી રહ્યા છે?

- લેેખક, લક્કોજૂ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
પાર્વતીપુરમ માન્યમ જિલ્લાના કોમારદા મંડલનાં કેટલાંક ગામોમાં જ્યાં જુઓ ત્યાં ગોકળગાય જોવા મળી રહી છે. હજારો ગોકળગાય ગામો પર આક્રમણ કરે છે.
જ્યારે હું ઊંઘમાંથી જાગ્યો ત્યારે મેં ખેતરો અને ઘરોમાં ગોકળગાયો જોઈ. તે ખેતરો અને બગીચામાં ઘૂસી જઈને તેનો નાશ કરી રહી છે.
આના પરિણામે ખેડૂતો માટે ગામમાં જ્યાં પણ ગોકળગાય હોય, તેને પકડીને ત્યાં મુકાયેલી થેલીઓમાં ભરી દેવાનું રોજિંદું કામ બની ગયું છે.
દરેક ઘરની સામે, ખેતરમાં ગોકળગાયના ઢગલા છે.
બે વર્ષથી આ સમસ્યા છે

સામાન્ય રીતે ગામડાંના કાદવકીચડવાળા વિસ્તારો, નદીઓ અને તળાવોની નજીક તથા વર્ષાઋતુમાં થોડા પ્રમાણમાં ગોકળગાય જોવા મળે છે.
જોકે, વર્તમાન સમયમાં આવું ખાસ જોવા મળ્યું નથી.
એક ખાસ ક્ષેત્ર (કોમારદા મંડલ)માં હજારોની સંખ્યામાં ગોકળગાય પેદા થઈ રહી છે અને સમસ્યાઓ ઊભી કરી રહી છે.
બીબીસીની ટીમે જ્યારે ખેડૂતોને પૂછ્યું કે, "આ બધી ક્યાંથી આવે છે, તો તેમણે કહ્યું, "અમને ખબર નથી આ શું છે. છેલ્લાં બે વર્ષથી અહીં ગોકળગાય પેદા થઈ રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘર, ખેતર ને રસ્તા જ્યાં જુઓ ત્યાં બધું એકસમાન દેખાય છે
ઘર, ઓસરી, રસ્તા, ખેતરો, બગીચા અને બહાર જ્યાં જુઓ ત્યાં ગોકળગાય જોવા મળે છે.
ખેતરોમાં પાંદડાં, ફૂલ, શિંગો, દાંડીઓ અને ડાળીઓ ગોકળગાયની જેમ લટકી રહ્યાં છે.
ખેડૂતો અત્યાર સુધી તો હાથીઓ સામે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ હવે ગોકળગાયની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

બીબીસીની ટીમ ગંગીરવુવલાસા, ગદાબાવલાસા અને રવિકરવલાસા ગામોમાં ગઈ, જ્યાં ગોકળગાયની વધુ સમસ્યા છે.
આની પહેલાં તે સાઇબાબુ નામના ખેડૂતના ગેંગીરેવુ કૉલોનીમાં ચાર એકરમાં ફેલાયેલા પપૈયાંના બગીચામાં પહોંચી, જેમાં તેમણે જામફળ અને સોપારીનો આંતરપાક વાવ્યો હતો.
રસ્તા પરના બગીચામાં પપૈયાં, જામફળ અને સોપારીના ઝાડ પર બધે જ ગોકળગાય જોવા મળી.

'તે કાપણી કરેલો પાક ખાઈ ગઈ'

લગભગ કાપણી સમયે ગોકળગાય પપૈયાંનાં ફળ ખાતી હતી.
કેટલાંક પપૈયાંનાં ઝાડનાં પાંદડાં પણ કાતરી ખાધાં હતાં. પપૈયાંનાં ઝાડનાં પાંદડાં, શિંગો, ફળ અને થડ બધું ગોકળગાયથી ભરેલું હતું.
એક ખેડૂત કાલાએ કહ્યું કે તેમની પાસે બીનનો બગીચો હતો અને હવે તે ગોકળગાયોનું રહેણાક બની ગયો છે.
'ચિક્કુડુ, ડોંડા, ભેંડા… કશું બાકી રાખતાં નથી'

જેવા અમે બીન બગીચામાં ગયા, દરેક જગ્યાએ ગોકળગાય હતી, જેમાં વાંસ પણ સામેલ હતા, જેનો ઉપયોગ સરકવા માટે કરાયો હતો.
બીન કરતાં તો વધારે ગોકળગાય જોવા મળતી હતી.
આ જ સ્થિત આસપાસના ભેંડા અને ડોંડા બગીચાની પણ છે.
બગીચામાં ખેડૂતો હતા અને કામ કરતા પણ જોવા મળ્યા, પરંતુ, તેઓ જે કંઈ કરતા હતા તે એક જ કામ હતું—ગોકળગાય વીણવાનું.
ગોકળગાય વિનાની એક પણ જગ્યા નથી
આ જ હાલત જામફળ અને સોપારીનાં ઝાડની પણ છે, જેને આંતરપાક તરીકે વાવવામાં આવ્યાં છે.
ખેતરમાં સોલર લૅમ્પ અને પ્લાસ્ટિકની ડોલ પર પણ ગોકળગાય જોવા મળી.
ગામમાંથી પસાર થતાં મને એક પણ વિસ્તાર ગોકળગાય વિનાનો જોવા ન મળ્યો.
જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ગોકળગાય દેખાય છે.
પાકની સુરક્ષા માટે બાંધવામાં આવેલા લીલા કપડા પર પણ ગોકળગાય છે.

અધિકારીઓએ જોયું કે ગોકળગાયની સમસ્યા સૌથી પહેલાં કોમારદા મંડલના ગંગરેલુવલાસા ગામમાં શરૂ થઈ હતી.
અહીંના ખેડૂતો પોતાનાં ખેતરો અને બગીચામાં અલગ અલગ પાકની ખેતી કરે છે.
તેમાં મોટા ભાગે પપૈયાં, જામફળ અને સોપારી છે.

શું આ ગોકળગાય કેરળથી આવી છે?

છેલ્લાં બે વર્ષથી આ છોડ કેરળથી લાવવામાં આવે છે.
જિલ્લા બાગાયતી અધિકારી સત્યનારાયણ રેડ્ડીએ બીબીસીને જણાવ્યું કે, "કેરળમાં રીંગણના છોડ વધુ થાય છે. તે ભીની જમીનમાં ઊગે છે, જે ગોકળગાયનું રહેઠાણ છે. ત્યાંથી લાવવામાં આવેલા છોડમાં ગોકળગાયના લાર્વા હોય છે. કોમારદા મંડલમાં મોટા ભાગની જમીન ભીની છે, તેથી ગોકળગાયના રહેઠાણ માટે સાનુકૂળ વાતાવરણ છે. આ કારણે, તેઓ અહીં પેદા થાય છે."
'આ અમારું રોજિંદું કામ છે'

જ્યારે તેઓ ગદાબાવલાસા ગામમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે એક મહિલા ખેડૂત ગોકળગાયના ઢગલા પર મીઠાનો છંટકાવ કરી રહ્યાં હતાં.
તેમણે કહ્યું, "આ અમારું રોજિંદું કામ છે. મીઠું અને ગોકળગાય અમારું જીવન છે. સવારે વહેલા ઊઠીને ગોકળગાયને સાફ કરવી, જીવતી ગોકળગાયને મારવા માટે તેમના પર મીઠું છાંટવું અને તે મરી જાય પછી ફેંકવા જવું. બે વર્ષથી, જુલાઈથી ઑક્ટોબર સુધી ગોકળગાય અમારું જીવન બની ગઈ છે."
ખેડૂતોને પરેશન કરતી આ ગોકળગાયનો ઉપાય શો છે?
ડૉ. વાયએસઆર હૉર્ટિકલ્ચર યુનિવર્સિટી, કીટવિજ્ઞાન વિભાગના નેતૃત્વ હેઠળની એક ટીમે કોમારદાની મુલાકાત લીધી.
ત્યાંની પરિસ્થિતિનું આકલન કર્યા પછી, અધિકારીઓએ ખેડૂતોને સલાહ આપી કે કૉપર સલ્ફેટ અને મીઠાના પાણીથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેમ છે.
જોકે, તેમણે ચેતવણી આપી હતી કે જો એક વાર ગોકળગાય ખેતરોમાં પ્રવેશી જાય પછી દર વર્ષે તેના નિવારણનાં પગલાં લેવામાં ન આવે, તો તે થતી રહેશે.
અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે, બે વર્ષથી આ સમસ્યા હોવા છતાં ખેડૂતોએ તાજેતરમાં જ આ બાબતે અમારું ધ્યાન દોર્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












