ગુજરાતમાં પણ 'વોટ ચોરી' થઈ હોવાનો કૉંગ્રેસનો આરોપ, ભાજપનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, facebook
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણી, મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં 'મતદારયાદીમાં મોટા પાયે ગોટાળો કરવામાં આવ્યો' હોવાનો આરોપ મૂક્યો ત્યારથી દેશમાં 'વોટ ચોરી'નો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
ત્યાર પછી રાહુલ ગાંધીએ એક સભામાં કહ્યું હતું કે "ગુજરાત મૉડલ આર્થિક મૉડલ નથી, ગુજરાત મૉડલ 'વોટ ચોરી' કરવાનું મૉડલ છે."
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ શનિવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નવસારી લોકસભા વિસ્તાર પૈકીના ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં 'વોટ ચોરી' થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
તો સામે પક્ષે ગુજરાત ભાજપે કૉંગ્રેસના આ આરોપ પાયાવિહોણા ગણાવ્યા છે અને અમિત ચાવડા 'પ્રસિદ્ધિ' માટે આવું કરતા હોવાનો આરોપ મૂક્યો છે.
હાલમાં દેશમાં બિહાર ચૂંટણીનો મુદ્દો ચર્ચામાં છે અને રાહુલ ગાંધીએ લગાવેલા આરોપની પણ ચર્ચા થઈ રહી છે. તેના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે.
કૉંગ્રેસે ગુજરાતમાં 'વોટ ચોરી'ના શું આરોપ મૂક્યા?

ઇમેજ સ્રોત, Amit Chavda/fb
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ કરતા જણાવ્યું કે, "તેમણે ચોર્યાસી વિધાનસભા માટે ચૂંટણીપંચની વેબસાઇટ પરથી અધિકૃત રીતે જાહેર થયેલી મતદારયાદીના કુલ 6.09 લાખ મતદારો પૈકી 2.40 લાખ મતદારોની ચકાસણી કરી."
"આ દરમિયાન આઠમા ભાગના એટલે કે 30 હજાર મતદારો નકલી, ખોટા કે શંકાસ્પદ હોવાનું જણાયું હતું."
"ચોર્યાસીની પૅટર્ન આખા ગુજરાતમાં લાગુ થઈ હોય તો, આ સરેરાશ અનુસાર અનુમાન કરીએ તો ગુજરાતના કુલ 5.06 કરોડ મતદારો ચકાસીએ તો 62.31 લાખ મતદારો નકલી નીકળે તેવી સ્થિતિ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચાવડાએ કહ્યું કે, "અમારો એકએક કાર્યકર હવે આખા ગુજરાતના મતદારોને મળીને 2027 સુધીમાં યાદીમાં થયેલી ગરબડને ખુલ્લી પાડશે."
અમિત ચાવડાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 'પાંચ રીતે મતદારયાદીમાં છેડછાડ' થાય છે.
આ વિશે આરોપ કરતા તેમણે કહ્યું, "સંપૂર્ણ ખોટો મતદાર ઊભો કરાય છે, નામમાં છેડછાડ કરાય છે, એક વ્યક્તિના ત્રણ-ચાર આઈડી બનાવવામાં આવે છે, સરનામામાં ફેરફાર કરાય છે અને મતદારયાદીમાં ભાષા બદલીને છેડછાડ કરાય છે."
તો કૉંગ્રેસ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ આ મામલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીત કરી. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણીપંચ ભાજપની ભાષા બોલે છે.
ડૉ. મનીષ દોશીએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, "અમે સવાલો ચૂંટણીપંચને પૂછીએ છીએ અને જવાબ ભાજપ આપે છે. ચૂંટણીપંચ ભાજપનું પ્યાદું હોય એવી રીતે વર્તે છે."
ડૉ. મનીષ દોશીએ આગળ કહ્યું, "રાહુલ ગાંધીએ પત્રકારપરિષદ યોજીને વોટ ચોરીની ગોલમાલને લોકો સમક્ષ મૂકી હતી. ગુજરાતમાં પણ વોટ ચોરી થતી હોવાની બાબત અમારે ધ્યાને આવતા અમે અમારી ટીમ દ્વારા ચોયાર્સી વિધાનસભા બેઠક પર સંશોધન કરાવ્યું હતું. જેમાં ચોર્યાસી વિધાનસભા બેઠકના ચાલીસ ટકા મતદારો ચકાસ્યા હતા, તેમાંથી 30,000 જેટલા મતદારો ખોટા અને શંકાસ્પદ જણાયા હતા."
કૉંગ્રેસના આરોપ પર ભાજપે શું કહ્યું?

અમિત ચાવડાના આ આરોપ અંગે ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે કે તેઓ 'સસ્તી પ્રસિદ્ધિ' માટે આ બધું કરી રહ્યા છે.
ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતીને મોકલેલા વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે "કોઈ પણ જાતના પુરાવા વગર રાહુલ ગાંધી આરોપ કરવા માટે ટેવાયેલા છે એમ અમિત ચાવડા પણ પુરાવા વગર આક્ષેપ કરી રહ્યા છે."
યજ્ઞેશ દવેએ કહ્યું કે "જે પ્રકારે ચૂંટણીપંચે રાહુલ ગાંધીને જવાબ આપ્યો તેમ અમિત ચાવડાને પણ જવાબ અપાશે."
તેઓ કૉંગ્રેસને સવાલ પૂછતા કહે છે, "ચૂંટણીપંચ દ્વારા દર છ મહિને જ્યારે નવી મતદારયાદી પ્રસિદ્ધ થાય ત્યારે દરેક રાજકીય પક્ષને મોકલે છે. અમિત ચાવડા બીજી વાર પ્રમુખ બન્યા છે. ત્યારે હવે તેમને મતદારયાદી ચકાસવાનો વિચાર કેમ આવ્યો? ચૂંટણીપંચ એક સ્વાયત સંસ્થા છે, ચૂંટણીપંચ ચોક્કસ જવાબ આપશે."
યજ્ઞેશ દવેએ વધુમાં કહ્યું હતું કે "અમિત ચાવડાએ પણ પુરાવા સાથે, સોગંદનામા સાથે ચૂંટણીપંચને રજૂઆત કરવી જોઈએ, માત્ર પ્રેસ કૉન્ફરન્સ કે સભા કરીને પ્રજાને ભ્રમિત ના કરવી જોઈએ અને પત્રકારોને ભેગા કરીને સસ્તી પ્રસિદ્ધિ ન લેવી જોઈએ."
ગુજરાતમાં 'વોટ ચોરી'ના મુદ્દાની અસર

ઇમેજ સ્રોત, Dr. Manish Doshi/FB
ગુજરાતમાં વર્તમાન સમયમાં કૉંગ્રેસના નેતાઓ 'વોટ ચોરી'ના મુદ્દાને લોકો સમક્ષ મૂકી રહ્યા છે અને રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ અને ભાજપ પર લગાવેલા આરોપોનો પુનરોચ્ચાર કરી રહ્યા છે.
રવિવારે 31 ઑગસ્ટે પણ કૉંગ્રેસે 'વોટ ચોરી' મુદ્દે સભા કરી હતી અને 'વોટ ચોર'નો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સભામાં કૉંગ્રેસનાં એકમાત્ર સાંસદ ગેનીબહેન ઠાકોર સહિતના તમામ કૉંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હાલ દેશવ્યાપી બનેલા 'વોટ ચોરી'ના મુદ્દા અંગે વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય માને છે કે કૉંગ્રેસ ધીમે-ધીમે 'વોટ ચોરી'નો મુદ્દો જનમાનસમાં મજબૂત રીતે ઠસાવી રહી છે.
તેઓ કહે છે, "લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીનાં પરિણામો તદ્દન સામસામાં છેડાનાં હતાં. લોકસભામાં કૉંગ્રેસને 100થી વધુ બેઠક મળી ત્યાં વિધાનસભામાં કૉંગ્રેસનો કરુણ રકાસ થયો હતો. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં 'વોટ ચોરી'નો મુદ્દો ઉઠાવ્યો હતો. હાલ 'વોટ ચોરી' થાય છે એવું પ્રજાના માનસમાં ઠસાવવામાં કૉંગ્રેસ સફળ થઈ રહી છે."
જગદીશ આચાર્ય આગળ કહે છે, "કોઈ પણ મુદ્દાને લોકસમર્થન મળે ત્યારે તે મુદ્દો હાઇલાઈટમાં આવતો હોય છે. વોટિંગમાં ગફલત થાય છે એને લઈને પ્રજા આશંકિત બની છે. કૉંગ્રેસને 'વોટ ચોરી'ના મુદ્દામાં દમ દેખાય છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઘેરવાની રણનીતિનો એક ભાગ પણ કૉંગ્રેસે ઉઠાવેલું આ 'વોટ ચોરી'નું અભિયાન હોઈ શકે છે. આગામી સમયમાં 'વોટ ચોરી'નો મુદ્દો મોટા પાયે ચર્ચાવાની પૂરી સંભાવના છે."
તો મનીષ દોશીએ કહ્યું કે "આગામી દિવસોમાં 'વોટ ચોરી' મામલે સમગ્ર ગુજરાતમાં કૉંગ્રેસ મજબૂત રીતે કામ કરશે અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરશે. ગુજરાતમાં પણ ચાર ઝોનમાં કૉંગ્રેસ દ્વારા તપાસ થશે અને વોટ ચોરીને ઉજાગર કરવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હજુ વાર છે, પણ એની પહેલાં કૉર્પોરેશનની ચૂંટણી આવવાની છે. તો એને ધ્યાને રાખીને પણ કૉંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હોય એવું જણાય છે.
'વોટ ચોરી'નો મુદ્દો- રાહુલ ગાંધીનો આરોપ અને ચૂંટણીપંચનો જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભામાં વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો હતો કે લોકસભા ચૂંટણી, મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં 'મતદાર યાદીમાં મોટા પાયે ગોટાળો કરવામાં આવ્યો' હતો.
તેમણે કહ્યું હતું કે, "મશીન-રીડેબલ વોટર લિસ્ટ ન આપવું એ વાતનો પુરાવો છે કે ચૂંટણીપંચે મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં 'ચોરી' માટે ભાજપ સાથે મિલીભગત કરી હતી."
રાહુલ ગાંધીએ બિહારમાં ચાલતી વોટર અધિકાર યાત્રા દરમિયાન અરરિયામાં સંયુક્ત પત્રકારપરિષદમાં ચૂંટણીપંચના પક્ષપાતી વલણનો આરોપ મૂક્યો હતો.
તેમણે કહ્યું કે "ઇલેક્શન કમિશન, ઇલેક્શન કમિશનર અને ભાજપ વચ્ચે પાર્ટનરશિપ છે."
રાહુલ ગાંધીએ કહ્યું કે "જ્યારે તેમણે એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝન) મુદ્દે ફરિયાદ કરી તો તેમની પાસે સોગંદનામું માગવામાં આવ્યું."
તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક દિવસો પછી અનુરાગ ઠાકુરે પણ આ રીતે પત્રકારપરિષદ ભરી હતી, પરંતુ તેમની પાસેથી કોઈ સોગંદનામું માગવામાં આવ્યું નહોતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે "અમે બંનેએ એક જ વાત કરી હતી, પરંતુ મારી પાસેથી તરત સોગંદનામું માગવામાં આવ્યું અને અનુરાગ ઠાકુર પાસેથી હજુ સુધી માગ્યું નથી. તો સ્પષ્ટ વાત છે કે ચૂંટણીપંચ કોના પક્ષમાં છે."
ભારતીય ચૂંટણીપંચે રાહુલ ગાંધીના આરોપોને 'ગેરમાર્ગે દોરનાર' ગણાવ્યા હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે ચૂંટણીપંચની પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીના આરોપ પર કહ્યું હતું કે 'કાં તો રાહુલ ગાંધીએ સોગંદનામું આપવું પડશે અથવા દેશ સમક્ષ માફી માગવી પડશે.'
રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણીપંચે કહ્યું હતું કે જો તમે સંબંધિત વિસ્તારના મતદાર નથી, તો તમારે સોગંદનામું આપવું પડશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું હતું કે "તમે જ્યાં ગોટાળાની વાત કરો છો અને તમે એ વિધાનસભામાંથી ચૂંટાયેલા નથી, તો તમારે કાયદા પ્રમાણે સોગંદનામું આપવું પડશે."
"તમે સાક્ષીના રૂપમાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસરને તમારે સોગંદનામું આપવું પડશે અને એ સોગંદનામું જે વ્યક્તિ સામે ફરિયાદ કરી હોય તેની સામે નોંધાવવું પડશે."
તેમણે કહ્યું હતું કે કાયદો અનેક વર્ષ જૂનો છે અને તે બધા સામે સમાન રીતે લાગુ છે.
તો ભાજપનું પણ કહેવું છે કે જો કૉંગ્રેસ પાર્ટી પાસે પુરાવા હોય તો તે ચૂંટણીપંચમાં સોગંદનામું કેમ નથી કરતી, માત્ર પ્રેસ કૉન્ફરન્સ જ કેમ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












