રાજકોટમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે શું વિવાદ થયો, પોલીસે કેમ કાર્યવાહી કરવી પડી

મારવાડી યુનિવર્સિટી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાંક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

થોડાં કેટલાંક અઠવાડિયાંથી રાજકોટમાં રહીને અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને રાજકોટની ભાગોળે આવેલા રતનપર ગામના રહીશો વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે.

સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરે છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સ્થાનિક સંસ્કૃતિનો અનાદર કરે છે અને આક્રમક વર્તન કરે છે.

તો સામે પક્ષે વિદ્યાર્થીઓ કહે છે કે સ્થાનિક લોકો મંજૂરી વગર તેમના ફોટા પાડી તેનો દુરુપયોગ કરે છે અને કેટલાક તત્ત્વોની હરકતોને આગળ ધરી આખા વિદ્યાર્થીસમાજને બદનામ કરે છે.

તેવામાં હવે રાજકોટ શહેર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ સોમવારથી એક ખાસ અભિયાન હાથ ધર્યું છે.

આ અભિયાન અંતર્ગત પોલીસ અને એનસીબીના અધિકારીઓ વિદ્યાર્થીઓનાં ઘરે ઘરે જઈ તેમના ઘરની જડતી લઈ રહ્યા છે તેમ જ વિદ્યાર્થીઓના પાસ્પોર્ટસ, વિઝા, ફોરેઇનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ(એફ.આર.આર.ઓ)માં નોંધણીનું સ્ટેટસ વગેરે તપાસી રહ્યા છે.

વિવાદ કેમ વકર્યો?

રતનપર સોસાયટી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રતનપર પાટિયા જે રતનપર સોસાયટી તરીકે પણ ઓળખાય છે

રાજકોટની ભાગોળે ગવરીદડ ગામ પાસે આવેલી મારવાડી યુનિવર્સિટી અને ત્રમ્બા ગામ પાસે આવેલી આર.કે. યુનિવર્સિટી નામની બે ખાનગી યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ વિદ્યાર્થીઓમાંથી ઘણા આ બંને યુનિવર્સિટીઓની હૉસ્ટેલોમાં રહે છે.

પરંતુ મોટી સંખ્યામાં આવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ગવરીદડ, તેની બાજુના રતનપર, હડાળા જેવાં ગામો તેમ જ રાજકોટ શહેરના માધાપર, ઘંટેશ્વર જેવા વિસ્તારોમાં પણ રહે છે.

રતનપર ગામની હદમાંથી રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવે નંબર-24 પસાર થાય છે. રતનપર ગામ આ હાઇવેથી પૂર્વ તરફ એકાદ કિલોમીટર દૂર છે. પરંતુ હાઇવેની બંને બાજુ પણ મોટી સંખ્યામાં રહેણાક મકાનો બંધાયાં છે અને તેમાં લોકો રહે છે.

હાઇવેની સમાંતર આ રહેણાક વિસ્તારને સ્થાનિક લોકો રતનપર સોસાયટી તરીકે ઓળખે છે. આ સોસાયટીમાં આફ્રિકા ખંડના દેશોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રહે છે.

સ્થાનિક પોલીસ અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે, "આ સોસાયટીમાં એકાદ મહિના અગાઉ કેટલાક સ્થાનિક યુવાનો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી મારામારી પણ થઈ હતી."

"આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંની કેટલીક મહિલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે સ્થાનિક યુવાનો તેમની મંજૂરી વગર તેમના ફોટા પાડતા હતા."

"સ્થાનિક યુવાનોએ એ આક્ષેપને ફગાવી દીધો પરંતુ દલીલોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ત્યાર બાદ વિદેશી વિદ્યાર્થીઓમાંથી એક મહિલા અને એક પુરુષ રતનપર સોસાયટીની એક શેરીમાં કથિત રીતે આલિંગન કરતા દેખાતા સ્થાનિક રહેવાસીઓમાં ફરિયાદો ઊઠી હતી. જો કે બેમાંથી એકેય ઘટનામાં પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી."

હરિચંદ્રસિંહ ઝાલા, રતનપર સોસાયટી, રહેવાસીઓ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, હરિચંદ્રસિંહ ઝાલા (ડાબેથી ત્રીજા) અને રતનપર સોસાયટીના અન્ય સ્થાનિક રહેવાસીઓ

સોસાયટીમાં રહેતા અને પ્રૉપર્ટી ડીલર તરીકે કામ કરતા હરિચંદ્રસિંહ ઝાલા બીબીસીને જણાવે છે એ પ્રમાણે આફ્રિકા ખંડના અંદાજે 200 વિદ્યાર્થીઓ રતનપર સોસાયટીમાં રહે છે.

તેમનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં બહુ અંતર છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સ્થાનિક લોકોની ભાવનાઓને પૂરતું માન ન આપતા હોવાથી સ્થાનિક લોકોમાં અસંતોષ રહે છે.

તેઓ કહે છે, "પ્રથમ તો તેમનો ખોરાક અલગ છે. તેઓ મોટાભાગે નૉન-વેજિટેરિયન છે જયારે સ્થાનિક લોકો મોટા ભાગે વેજિટેરિયન છે. બીજું કે તે લોકોની સંસ્કૃતિમાં ટૂંકા કપડાં પહેરવા સામાન્ય ગણાતું હશે પરંતુ સ્થાનિક લોકોમાં ટૂંકા કપડાં પહેરવા સામાન્ય નથી. તેમ છતાં ખાસ કરીને મહિલા વિદ્યાર્થીઓ આવાં કપડાં પહેરીને ફરે છે. તેથી, સ્થાનિક લોકોની સુરુચિમાં ભંગ થાય છે."

"એટલું ઓછું હોય તેમ આ વિદેશી વિદ્યાર્થીઓ માદક દ્રવ્યોનું પણ સેવન કરે છે અને અનૈતિક પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા છે. તેથી સ્થાનિક લોકોમાં અસંતોષ છે."

પોલીસ તપાસ અભિયાનમાં શું બહાર આવ્યું છે?

રાજકોટ શહેર પોલીસ, એસઓજી, નાઇજિરીયા, બીબીસી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટ શહેર પોલીસ એસ.ઓ.જી. ઑફિસે વિઝા પૂરા થઈ જવા છતાં કથિત રીતે રાજકોટમાં જ રહેતાં નાઇજીરિયાના ચાર અને દક્ષિણ સુદાનના એક નાગરિકની મંગળવારે પૂછપરછ કરી રહેલા પોલીસ અધિકારીઓ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) ભરત બસિયાએ પોલીસ અને એનસીબીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સામે હાથ ધરેલા તપાસ અભિયાનની માહિતી આપતા મંગળવારે બપોરે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

બીબીસી સાથે વાત કરતા એસીપીએ કહ્યું કે, "રાજકોટ-મોરબી રોડ પર આવેલા રતનપર, ઘંટેશ્વર અને હડાળા ગામના રહેવાસીઓ દ્વારા અવારનવાર એવી રજૂઆતો કરવામાં આવી હતી કે ત્યાં જે વિદેશી સ્ટુડન્ટ્સ છે, આર.કે યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે, તે અમુક ગેરકાયદેસર ઍક્ટિવિટીઝમાં સંકળાયેલા છે."

"આવી ફરિયાદો મળતા 25 ઑગસ્ટ 2025ના રોજ રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચના પીઆઈ એસ.એમ. જાડેજા, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા લોકલ પોલીસ સ્ટેશન અને એનસીબીના અધિકારીઓને સાથે લઈને એક મેગા ડ્રાઇવ આ લોકોનું ચેકિંગ કરવા ગોઠવવામાં આવી હતી."

"કોઈ સ્પેસિફિક (બાતમી) નહીં પરંતુ વારંવારની એવી રજૂઆતો, ફરિયાદો હતી કે આ લોકો નાર્કોટિક્સ વેચે છે અને માથાકૂટ કરે છે... આ ડ્રાઇવ દરમિયાન સોમવારે 200થી 250 આવા નાગરિકોનાં રહેઠાણો તેમ જ અમુક હોટેલો જેમાં આ લોકો રહેતા હોય તેને ચેક કર્યા."

"અમે તેમના વિઝા, પાસપોર્ટ પણ ચેક કર્યા. તેમાંથી અમને પાંચ એવા નાગરિકો મળ્યા જેમના વિઝા પૂરા થઈ ગયા છે તેમ છતાં ઓવરસ્ટે કરી અહીં રોકાયા છે. આજે (મંગળવારે) પણ અમે બે શંકાસ્પદ વિદેશી ઈસમોને ડિટેઇન કર્યા છે જેમની સામે અમે ડિપોર્ટેશનની કામગીરી શરૂ કરીશું."

આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) ભરત બસિયા, રાજકોટ
ઇમેજ કૅપ્શન, અંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ચેકિંગ અભિયાનની મીડિયાને માહિતી આપી રહેલા રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) ભરત બસિયા

સોમવારે ડિટેઇન કરાયેલા પાંચ વિદેશી નાગરિકોમાં ચાર મહિલાઓ અને એક પુરુષ હતા. મહિલાઓ યુગાન્ડાનાં નાગરિક છે જયારે પુરુષ દક્ષિણ સુદાનનો નાગરિક છે. આ વિદ્યાર્થીઓ વિઝા પર ભારત આવેલા છે.

આ પાંચેયને ડિટેઇન કરીને રાજકોટ શહેર એસ.ઓ.જી. એટલે કે સ્પેશ્યલ ઑપરેશન્સ ગ્રૂપની ઑફિસે રાખવામાં આવ્યા હતા.

એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ જાડેજાએ બીબીસીને કહ્યું, "આ ચાર મહિલાઓ બિઝનેસ વિઝા મેળવીને ભારત આવેલાં પરંતુ તેમના વિઝા પૂરા થઈ જવા છતાં તેઓ તેમના દેશ પરત ફર્યાં નથી. એવી જ રીતે પુરુષ, જે એક વિદ્યાર્થી છે, તેમના પણ વિઝા પૂરા થઈ જવા છતાં તેમણે તેમના વિઝા રિન્યુ કરાવ્યા નથી."

એસીપી બાસિયાએ કહ્યું કે આ ખાસ ડ્રાઇવ આવનાર દિવસોમાં પણ ચાલુ રહેશે. પરંતુ તેમણે ઉમેર્યું, "વિદેશી વિદ્યાર્થીઓ સામે રાજકોટ શહેર પોલીસમાં આજ દિન સુધી કોઈ ગંભીર ગુના નોંધાયા હોય તેવું અમારા ધ્યાનમાં નથી."

"પરસ્પર ગેરસમજ, ભાષા બાધા બને છે"

મારવાડી યુનિવર્સિટી, વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, મારવાડી યુનિવર્સિટીના કૅમ્પસ પર ફૂટબૉલની પ્રૅક્ટિસ કરી રહેલા વિદ્યાર્થીઓ

આ મામલે બીબીસીએ રતનપર સોસાયટીમાં તેમ જ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલ રહેતા કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે વાત કરી તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આફ્રિકા ખંડના લાઇબેરિયા દેશના નાગરિક અને રતનપર સોસાયટીમાં રહી મારવાડી યુનિવર્સિટીમાં માસ્ટર ઑફ સાયબર સિક્યૉરિટીનો અભ્યાસ કરતા ડાર્લિંગ્ટન મૅન્ડીને જણાવ્યું કે, "રાજકોટ એક સુંદર શહેર છે... અહીં, મોટાભાગના લોકો માયાળુ, બહારના લોકોનું સ્વાગત કરવાવાળા અને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાવાળા છે. પરંતુ કેટલાક લોકો તેવા નથી. તેમના અનુભવ ખરાબ રહ્યા હશે."

"ભાષા એક બાધા છે. અહીંના લોકો સ્થાનિક ભાષા(ગુજરાતી) બોલે છે જે ખૂબ સુંદર છે પરંતુ મારા જેવા લોકો (જે અંગ્રેજી બોલે છે) માટે તે સમજવી અઘરી છે…. આ બાધાના કારણે ખોટી માહિતી અને જુઠ્ઠાણાં ફેલાઈ રહ્યાં છે."

"ઇમર્જન્સી સ્થિતિમાં જો કોઈ દુભાષિયો હાજર ન હોય તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જે કહે છે તે સ્થાનિક લોકો સમજી શકતા નથી અને જે સ્થાનિક લોકો કહે છે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સમજી શકતા નથી. તેથી, પરિસ્થિતિ વણસે છે."

"અમે અહીંની સંસ્કૃતિ, સામાજિક નીતિ-નિયમોનો આદર કરીએ છીએ. પરંતુ ભાષાની અડચણ અને તેના કારણે પ્રવર્તતી અરસપરસની ગેરસમજ એક મોટી સમસ્યા છે."

તેમણે કહ્યું કે માદક પદાર્થોનો આક્ષેપ ગંભીર છે.

ડાર્લિંગ્ટને કહ્યું, "મારી જાણકારી પ્રમાણે આફ્રિકન વિદ્યાર્થીઓ માદક પદાર્થોનું સેવન કરતા નથી. પરંતુ એમ માની લઈએ કે તેઓ તેમ કરે છે તો તેનો અર્થ એ પણ થાય કે સ્થાનિક લોકો પાસેથી તેમને આવા પદાર્થો મળી જાય છે કારણ કે વિદ્યાર્થીઓ તેમના દેશોમાંથી આવા પદાર્થો ભારત લાવી શકતા નથી. ઍરપૉર્ટ પર તેમનું કડક ચેકિંગ થાય છે."

ડાર્લિંગ્ટન મેન્ડિન

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ડાર્લિંગ્ટન મેન્ડિન

આફ્રિકા ખંડના બુર્કિના ફાસો દેશનાં ડોરિઅન ઓદ્રાઉગો મારવાડી યુનિવર્સિટીમાં મિકેનિકલ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને યુનિવર્સિટીના કૅમ્પસ અંદર જ આવેલી હૉસ્ટેલમાં રહે છે.

ડોરિઅન કહે છે, "મારવાડી યુનિવર્સિટીની અંદર મને ક્યારેય વંશીય ભેદભાવનો અનુભવ થયો નથી. મારા મિત્રો પણ કહે છે કે કૅમ્પસમાં તેમને પણ એવો અનુભવ ક્યારેય થયો નથી. પરંતુ રાજકોટમાં લોકો આફ્રિકનોના ફોટો અને વીડિયો ઉતારે છે. રતનપરમાં મોટા ભાગના પુરુષો એમ વિચારે છે કે ત્યાં રહેતી બધી છોકરીઓ તેમની જાતને વેચવા આવી છે. મને લાગે છે આ બહુ જ ખરાબ કહેવાય."

ડોરિઅન કહે છે કે પોલીસ તપાસ અવકારવાલાયક છે.

ડોરિઅન કહે છે, "તેઓ આ તપાસ ચોક્કસ કારણોસર કરે છે. કેટલાક (વિદ્યાર્થી) પાસે હવે એફઆરઆરઓ(ની નોંધણી) રહી નથી. તેના માટે પણ ચોક્કસ કારણ હશે. કદાચ તેમનો અભ્યાસ પૂરો થઈ ગયા પછી તેઓ તેમના દેશ પાછા ફરવા માંગતા નહીં હોય. જો પોલીસ તેમને શોધી રહી હોય તો તે આવકાર્ય બાબત છે."

"તમે તમારા દેશ પાછા જવા નથી ઇચ્છતા એટલે તમે અહીં રહો અને કંઈ કરો પણ નહીં તેમ ન ચાલે. તમે કાં તો અહીં કોઈ શૈક્ષણિક સંસ્થાઓમાં હોવા જોઈએ અથવા તો તમારા દેશમાં હોવા જોઈએ."

ડોરીએન ઓદ્રાઉગો

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ડોરિઅન ઓદ્રાઉગો

મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં દક્ષિણ સુદાનના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે.

મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દક્ષિણ સુદાનના વિદ્યાર્થીઓના ઍસોસિએશનના પ્રમુખ નિકોલસ માંજેએર બીબીસી સાથે વાત કરતા ફરિયાદ કરે છે કે, "સ્થાનિક લોકો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંમતિ વગર ફોટા પાડે છે તેથી વિદ્યાર્થીઓમાં ઘણી ચિંતા છે. તેઓ મંજૂરી વગર ફોટો અને વીડિયો બનાવી સ્થાનિક ભાષામાં તેવા ફોટા વિશે ખરાબ બાબતો લખે છે, ખાસ કરીને કાયદા વિરુદ્ધની હોય તેવી પ્રવૃત્તિઓ વિશે."

જો કે નિકોલસ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અપીલ કરે છે કે તેમના પહેરવેશ સ્થાનિક સંસ્કૃતિને અનુરૂપ રાખવા જોઈએ.

નાઇજીરિયાના નાગરિક અને મારવાડી યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતાં આયેશા અબ્દુલગફાર બેલ્લોએ પણ બીબીસીને કહ્યું કે, "આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં અમુક તત્ત્વો અયોગ્ય વર્તન કરતા હોઈ શકે. "પરંતુ તેના કારણે બધા જ વિદ્યાર્થીઓને ખરાબ ચીતરવા યોગ્ય નથી. તેથી, આવી પોલીસ કાર્યવાહી થાય તે જરૂરી છે."

મારવાડી યુનિવર્સિટી શું કહે છે?

મારવાડી યુનિવર્સિટી, લેન્ડસ્કેપ ગાર્ડન

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, મારવાડી યુનિવર્સિટીના ગેટ પાસે બનાવવામાં આવેલ લેન્ડસ્કેપ ગાર્ડન

મારવાડી યુનિવર્સિટીના ઍક્ઝિકયુટિવ રજિસ્ટ્રાર ડૉ. નરેશ જાડેજાએ બીબીસીને જણાવ્યું એ પ્રમાણે મારવાડી યુનિવર્સિટી 2017થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને એડમિશન આપી રહી છે અને આ વર્ષે 1054 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.

તેમણે કહ્યું, "આ વર્ષે દુનિયાના 52 દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અમારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેમાં સૌથી વધારે સંખ્યા આફ્રિકાના 30 દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ છે. કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ 60 ટકા વિદ્યાર્થીઓ આફ્રિકા ખંડના દેશોના છે."

"જેમાં સૌથી વધારે સાઉથ સુદાન, ઝામ્બિયા, યુગાન્ડા, ઇથોપિયા વગેરે દેશોના છે. આ વિદ્યાર્થીઓ ભણવામાં ખૂબ ગંભીર અને નિષ્ઠાવાન છે. અમારી યુનિવસિટી દ્વારા દર વર્ષે અપાતા 43 ઍકેડૅમિક ગોલ્ડ મેડલમાંથી આઠથી- નવ ગોલ્ડ મેડલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જીતે છે."

મારવાડી યુનિવર્સિટી, રજિસ્ટ્રાર, ડૉ. નરેશ જાડેજા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, મારવાડી યુનિવર્સિટીના ઍક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ડૉ. નરેશ જાડેજા

રજિસ્ટ્રાર કહે છે રતનપરમાં તણાવ ગેરસમજના કારણે ઊભો થયો છે.

તેમણે કહ્યું,"અમારા કૅમ્પસ પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કોઈ ભેદભાવનો સામનો ન કરવો પડે તેની અમે ખાતરી રાખીએ છીએ. સાથે જ તેમના ભિન્ન આહાર વગેરેનો પણ ખ્યાલ રાખીએ. અમે સલાહ આપીએ છીએ કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમારા કૅમ્પસમાં આવેની હોસ્ટેલ્સમાં રહે."

"પરંતુ અમે તેમને તેમ કરવા ફરજ પાડી શકતા નથી. હમણાં જે બનાવો બન્યા છે તે મિસકમ્યુનિકેશનના કારણે છે. એક-બીજાને સમજી ન શકવાને કારણે અસંતોષ ઊભો થયો છે. એવું ન થાય તે માટે અમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તાલીમ વર્ગોનું આયોજન કરીએ છીએ. આવા વર્ગોમાં અમે પોલીસ અધિકારીઓને પણ બોલાવીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાવ્યું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન