ગુજરાત : એ યુવાનો જે અમદાવાદના ફૂટપાથ પર ભણી સરકારી અધિકારી બની ગયા

ઇમેજ સ્રોત, BBC/JIgnasha/Nimisha/Ronak
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી, અમદાવાદથી
"મને યાદ છે કે હું ત્રીજા ધોરણમાં હતી ત્યારે ભણવામાં કંઈ ખાસ નહોતી. ત્યારે તો આટલા મોટા પદ સુધી પહોંચવાનો વિચારેય નહોતો આવતો. જે સરકારી શાળામાં હું ભણતી ત્યાં ભણતર પર એટલો ભાર નહોતો. પણ ત્રીજા ધોરણમાં જ કંઈક એવું થયું કે મારું આખું જીવન બદલાઈ ગયું. તેનું કારણ હતું, મારો એક નિર્ણય. અમારા ઘર પાસે ચાલતી ફૂટપાથ સ્કૂલમાં જોડાવાનો નિર્ણય."
'સરકારી શાળામાં ભણવાને કારણે અભ્યાસમાં પાયો કાચો રહી ગયો હોવાની ફરિયાદ' કરનાર નાનકડી નિમિષા હવે મોટાં થઈને ગુજરાત ગ્રામીણ બૅંકમાં આસિસ્ટન્ટ મૅનેજર બની ચૂક્યાં છે.
કંઈક આવી જ વાત રોનક સોલંકી પણ કહે છે.
રોનક કહે છે, "2004માં જ્યારે હું ફૂટપાથ સ્કૂલમાં દાખલ થયો એ પહેલાંના અને એ પછીના રોનકમાં ઘણો ફરક છે. એ સમયે અમે માત્ર પૈસેટકે જ નહીં, પરંતુ શિક્ષણની બાબતમાં પણ દરિદ્ર હતા. એવા સમયે ફૂટપાથ સ્કૂલના પ્રયાસોએ ધીરે ધીરે ન મારી વિદ્યાર્થી તરીકેની જિજ્ઞાસાવૃત્તિ સંતોષી, પરંતુ મારામાં અદમ્ય આત્મવિશ્વાસનો સંચાર પણ કરી દીધો. એ ન હોત તો હું અને મારા જેવા ઘણા જીવનમાં કદાચ કંઈ ન કરી શક્યા હોત."
રોનક વર્ષ 2019થી દક્ષિણ-પશ્ચિમ રેલવેના મૈસુરુ ડિવિઝનમાં લોકો પાઇલટના પદ પર કાર્યરત છે.
રોનક અને નિમિષા બંને પોતાના જીવનમાં હાંસલ કરેલી સફળતાનું શ્રેય અમદાવાદના ભૂદરપુરા ગામ ખાતે ફૂટપાથ પર બાંધેલા છાપરા નીચે ચાલતી 'ફૂટપાથ સ્કૂલ'ને જ આપે છે.
30 વર્ષીય સ્કૂલ ટીચર જિજ્ઞાસા પણ 'ફૂટપાથ સ્કૂલ'રૂપી આ વટવૃક્ષની સફળતાનાં જ એક ફળ છે.
તેઓ કહે છે, "અહીં આવતા મોટાં ભાગનાં બાળકોની જેમ ભણવામાં મારો પણ પાયો કાચો જ હતો. પણ આ ફૂટપાથ સ્કૂલની કેળવણીની જ કમાલ છે કે શાળા સ્તરે પોતાની કાબેલિયત પર શંકા કરનારી એક દીકરી માસ્ટર્સ સુધી ભણી ગઈ અને હવે તો ગ્રાન્ટેડ સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓને ભણાવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિમિષા, રોનક અને જિજ્ઞાસા ત્રણેય એક સૂરમાં જણાવે છે કે અમદાવાદમાં ફૂટપાથ સ્કૂલ સ્વરૂપે શરૂ થયેલી એક નાની પહેલે તેમનાં જેવાં અનેક બાળકોનાં જીવનને દિશા આપવાનું ભગીરથ કામ કર્યું છે.
તેઓ કહે છે કે પહેલી નજરે ચમત્કાર જેવી લાગતી વાત હવે હકીકત બનવા લાગી છે. અમદાવાદની ફૂટપાથ પર ભણેલાં અને 'અકિંચન કુટુંબ'માંથી આવતાં બાળકો હવે ફૂટપાથ સ્કૂલના એક નાનકડા 'હકરાત્મક હસ્તક્ષેપ'થી સરકારી અધિકારીના પદ સુધી પહોંચવા માંડ્યાં છે.
વંચિતોના 'મૂકનાયક' અને ફૂટપાથ સ્કૂલ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદના સૌથી વ્યસ્ત અને મોંઘાં સ્થળો પૈકી એક ગણાતા આંબાવાડી બજાર, કલ્યાણ ચાર રસ્તે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય બ્રાન્ડોનાં બોર્ડ અને ઊંચી ઇમારતોથી શહેરનું વૈભવ આંખે ઊડીને વળગે છે.
પણ ચાર રસ્તાથી થોડું અંદર આવીને ભૂદરપુરા ગામ તરફ વળો તો આ મોટા શહેર અમદાવાદની ઊંચી ઊંચી ઇમારતોના વૈભવના પડછાયામાં સંતાયેલી ગરીબી ડોકિયાં કરતી નજરે પડે છે.
બસ, ત્યાં જ ગરીબપુરા છાપરા અને આંબેડકર કૉલોની તરફ જતા નાના રસ્તાની બંને બાજુની ફૂટપાથ પર 'પરિવર્તનની ધૂણી' ધખાવીને બેઠા છે 79 વર્ષીય કમલ પરમાર.
આ રસ્તા પર ચડતાં જ રસ્તાની બંને બાજુએ આવેલી લગભગ પાંચ ફૂટ પહોળી ફૂટપાથ પર કરેલું લોખંડના પતરાનું શેડ અને તેની નીચે બબ્બેની જોડીમાં ગોઠવાયેલી લોખંડની લગભગ 24 બેન્ચો અને કતારબદ્ધ લગાડેલાં લગભગ 12 જેટલાં ગ્રીન બોર્ડ તરફ આગંતુકોનું ધ્યાન જરૂર પડે છે.
વિદ્યાર્થીઓ માટે જ્યાં શક્ય હોય ત્યાં શેડની નીચે બે બેન્ચની કતાર વચ્ચે એકેક પંખો અને ટ્યૂબલાઇટ પણ ગોઠવી દેવાઈ છે. જ્યાં શક્ય હોય ત્યાં સ્ટ્રીટલાઇટના પ્રકાશનો પણ ઉપયોગ કરી લેવાયો છે.
સામે જ ફેબ્રિકેશનની પોતાની વર્કશૉપની પાસે બનાવેલા કામચલાઉ પતરાના શેડમાં કુરતા-પાયજામા અને નંબરનાં કાળાં ચશ્માં પહેરી એક પ્લાસ્ટિકની ખુરશી પર બંધ પંખાની નીચે બેઠા છે ફૂટપાથ સ્કૂલના સંચાલક અને કોઈ નિવૃત્ત શિક્ષક જેવા દેખાતા કમલ પરમાર.
થોડા દિવસથી વરસાદે વિરામ લીધા બાદ નીકળેલા આકરા તડકાને કારણે અમદાવાદના વાતાવરણમાં સાંજના સમયે પણ ઉકળાટ છે. આવા ઉકળાટમાં તેઓ લોખંડના છાપરના શેડ નીચે ગૅસની સળગી રહેલી સગડીની બાજુમાં પંખા વગર બેઠા છે.
આ સળગતી સગડી પર તપેલું ચડાવતાં કમલભાઈ તેમની પડખે રહેલી થોડી ખુલ્લી જગ્યા પર ખુરશી મુકાવતાં મીઠો આવકારો દઈ કહે છે, "આવો સાહેબ, અહીં ખુલ્લામાં બેસો. અને પૂછો તમારા સવાલ."
તેમના અવાજમાં સ્વાભાવિક જ એક ઉતાવળનો આભાસ થઈ રહ્યો છે. પેલી ખુરશી પર હું ગોઠવાઉં એ પહેલાં તો તપેલામાં રહેલું તેલ કકડી ઊઠે છે.
આ ઉતાવળનો જાણે ખુલાસો કરતાં હોય એમ નાક આગળ જીરું ધરી તેની સુગંધ પારખતાં કમલભાઈ કહે છે "આજે છોકરાઓનું ભોજન તૈયાર કરવામાં થોડું મોડું થઈ ગયું છે."
ચશ્માં ઉતારતાં અને માથા અને આંખ નીચે થયેલો પરસેવો લૂછતાં મારા સવાલના જવાબમાં તેઓ કહે છે, "25 વર્ષ પહેલાં મારા ઘરેથી મેં ગરીબ બાળકોને ભણાવવાનું શરૂ કરેલું. પહેલાં તો લોકોને લાગતું કે હું કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષાને લીધે આ બધું કરું છું. પણ મારા મનમાં તો બાળકોને ભણાવીગણાવીને પગભર કરવાનો આશય જ વણાયેલો હતો."
બાળકોમાં જ્ઞાનનું કથળેલું સ્તર જોઈ શરૂ કરી ફૂટપાથ સ્કૂલ

ફૂટપાથ સ્કૂલ શરૂ કરવાની પ્રેરણા વિશે પૂછતાં કમલભાઈ બાળકોનું ભોજન રાંધવા માટે પહેલાંથી સમારીને રાખેલાં ડુંગળી, ટામેટા અને અન્ય શાકભાજી તપેલામાં નાખતાં નાખતાં જવાબ આપે છે, "હું એ સમયે 54 વર્ષનો હોઈશ. ત્યારે મારા જૂના ઘરની આસપાસ કેટલાંક બાળકો સાથે મારો પરિચય હતો. વાત વાતમાં હું તેમને ભણતર વિશેના કેટલાક સવાલો પૂછી લેતો. પણ પ્રકૃતિએ ચપળ જણાતાં આ બાળકોને તેમની કક્ષા પ્રમાણેના સવાલોના જવાબ પણ નહોતા આવડતા. કેટલાંક બાળકોને તો ભણવાના સવાલો સમજાતા સુદ્ધાં નહીં."
"મેં થોડા સમય સુધી આવી જ રીતે અમુક બાળકોની પરીક્ષા લેવાનું ચાલુ રાખ્યું. પછી મને આ બાળકોના જ્ઞાનની સાવ કથળેલી સ્થિતિ જોઈને લાગ્યું કે મારે તેમને ભણાવવાં જોઈએ. અને આમ મેં આ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું."
વાતવાતમાં છ વાગ્યા અને થોડી વાર પહેલાં નિર્જન જણાતી આ સડકમાં જાણે પ્રાણ પુરાયા. એક તરફથી નાનાં-મોટાં વાહનોનો પ્રવાહ વહેતો થયો તો બીજી તરફથી બાળકોનો કોલાહલ પણ સંભળાવા માંડ્યો.
વાતો કરતાં કરતાં તપેલામાં નાખેલી શાકભાજીમાં કમલભાઈએ કડછો ફેરવ્યો અને ત્યાં તો સાતેક વર્ષની એક બાળકી ખભે નાનકડી સ્કૂલ બૅગ સાથે અમે બેઠા હતા ત્યાં આવી ચઢી.
બાળકીની નિર્દોષ આંખો જાણે કમલભાઈની પાસે બેસીને હાથમાં રહેલી નોટમાં નોંધો ટપકાવતાં મારી મુલાકાત અંદાજ માંડવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, તરત જ નજરો ફેરવી અને કમલભાઈ પાસે જઈ તેમના ચરણસ્પર્શ કરીને આ બાળકી ધીમા સ્વરે બોલી, 'જય ભીમ, કમલસાહેબ.' અને તરત પાછી વળી સામેની બાજુએ પહોંચીને એક પાટલીમાં ગોઠવાઈ ગઈ.

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP via Getty Images
કમલભાઈએ તપેલામાં કડછો ફેરવતાં ફેરવતાં કૂટેલાં આદુ-લસણ અને મીઠું, મરચાં જેવા મસાલા નાખતાં નાખતાં વાતો ચાલુ રાખી. આ દરમિયાન વિદ્યાર્થીઓ પણ ફૂટપાથ સ્કૂલે પહોંચવા લાગ્યા.
જોતજોતામાં, ભલે થોડી વાર માટે પણ વાહનોનો ઘોંઘાટ 'કમલસાહેબ, જય ભીમ'ના અવાજ સામે ટૂંકો વર્તાવા લાગ્યો.
મૂળ રાજકોટથી દસ કિમીના અંતરે આવેલ નાના મવા ગામના સાત ચોપડી સુધી ભણેલા કમલભાઈ પોતાને 'શિક્ષણ પ્રત્યે ભારે લાગણી' હોવાનું જણાવે છે.
બેન્ચો પર ગોઠવાયેલાં અને સામે છેડેથી આવતાં કેટલાંક બાળકોને તરફ ઇશારો કરતાં કમલભાઈ કહે છે, "આ રોડ પર આગળ જતાં આંબેડકર કૉલોની, આંબેડકરપુરા, મહેનતપુરા, સુખીપુરા, ચીનુભાઈની ચાલી જેવી વસાહતો છે. જેમાં મોટા ભાગે દલિતોની વસતી છે. આ બધાં એમનાં જ બાળકો છે."
ઠેરઠેર ઇન્ટરનૅશનલ સ્કૂલો અને કોચિંગ ક્લાસિસ ફૂટી નીકળ્યાં છે એવા સમયે આ બાળકોને માબાપ ફૂટપાથ પર ભણવા મોકલે છે, આ વલણ પાછળનું કારણ જણાવતાં કમલભાઈ કહે છે કે, "અહીં આસપાસ રહેતી દલિતોની વસતીમાં મોટા ભાગના લોકો અસંગઠિત ક્ષેત્રના કામદારો છે. વર્ષોથી આ જ સ્થિતિ છે. કૌશલ્યવાન હોવા છતાં મોટા ભાગના લોકો ઝાઝું રળી શકતા નથી, આવા કુટુંબોની સંખ્યા મોટી છે. આવી સ્થિતિમાં આ લોકો માટે પેટ પહેલું અને બાળકોનું ભણતર છેલ્લે આવે છે."
"ફૂટપાથ સ્કૂલમાં અમારી પાસે ભણવા આવતાં બાળકોમાંથી મોટા ભાગનાં બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે. તેમનાં માબાપને ખાનગી શાળા પોસાય એમ નથી. અહીં આવતાં મોટા ભાગનાં બાળકોની ફરિયાદ હોય છે કે ત્રીજા-ચોથામાં આવી ગયાં, પણ હજુ 1-100 સુધી એકડાય નથી આવડતા. તેથી અમે અહીં ગણિત પર ખાસ ભાર આપીએ છીએ. જોકે, અંગ્રેજી જેવા બીજા બધા વિષયો પણ ભણાવીએ છીએ."
બદલાતા ભારતની છબિ રજૂ કરતા હોય એમ કમલભાઈ આગળ કહે છે, "હાલ કુલ 75 વિદ્યાર્થીઓ અહીં આવે છે. ભૂતકાળમાં આ સંખ્યા 150 સુધી પણ પહોંચી છે. તેમાં પણ હંમેશાં છોકરીઓનું પ્રમાણ ઝાઝું રહ્યું છે. અત્યારે પણ બે તૃતીયાંશ છોકરીઓની સામે એક તૃતીયાંશ છોકરા અહીં આવે છે."
હવે વાતો કરતાં કરતાં પોણો કલાક જેટલો સમય પસાર થઈ ગયો છે. કમલભાઈનો પીળો કુરતો પીઠના ગરદનના ભાગેથી પરસેવાથી ભીંજાઈ ગયો છે.
તેઓ વાત આગળ ચલાવતાં કહે છે, "25 વર્ષથી આ બાળકોને એકેય દિવસ રજા લીધા વગર અમે અહીં ભણાવી રહ્યા છીએ. શનિ-રવિની રજા પણ નહીં."
"અમારું પારિવારિક ફેબ્રિક્રેશનનું કામ હવે મારાં બાળકો સાચવે છે. આ ફૂટપાથ સ્કૂલ જ મારો નિત્યક્રમ બની ગઈ છે. બાળકોને માત્ર ભણવવાનું જ નહીં, પરંતુ તેમને ભોજન પણ આપવાનું. અને રોજ તમે જુઓ છો એમ જાતે તેમના માટે રાંધવાનું."
"આ બધું પાછલાં 25 વર્ષથી ચાલુ છે. શરૂઆતનાં બે-પાંચ વર્ષ હું જાતે બાળકોને જમાડવાનો ખર્ચ કાઢતો, પણ હવે આસપાસના લોકો પાસેથી દાન મળી રહે છે અને આ સદાવ્રત ચાલતું રહે છે."
બાદમાં બાજુમાં મૂકેલું બાફેલા બટાટાનો ચૂરો અને ગરમ પાણીના મિશ્રણવાળું તપેલું ઉઠાવીને કમલભાઈ સગડી પર ચડાવેલા તપેલામાં ધીમે ધીમે નાખે છે.
તપેલાને સાચવવા માટે તેમણે શ્રમ કરવો પડી રહ્યો હોવાનું તેમના અવાજ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આ જ અવાજમાં તેઓ કહે છે, "થોડાં વર્ષ પહેલાં આ જ બાળકોની માફક પોતાને કંઈ ન આવડતું હોવાની ફરિયાદ લઈને આ સ્કૂલમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા હવે સરકારી અધિકારી અને કર્મચારીઓનાં પદો સુધી પહોંચી ગયા છે."

હવે થોડી વાર માટે ધીમા તાપે બાળકોનું ભોજન રંધાતું મૂકી હાથ-મોં ધોઈને તેઓ એક પણ ક્ષણ ગુમાવ્યા વિના સામેની ફૂટપાથ પર બાળકોને ભણાવવા પહોંચી જાય છે. બીજી બાજુ કમલભાઈના હાથ નીચે તૈયાર થયેલા આ જ ફૂટપાથ સ્કૂલના સિનિયર વિદ્યાર્થીઓએ બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું છે. કોઈ બોર્ડ પર એકડા, કોઈ પર એબીસીડી, કોઈ પર ઘડિયા તો કોઈ પર ગણિતના કોયડા લખાઈ ગયા છે.
ત્રીજા ધોરણથી દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ફૂટપાથ સ્કૂલમાં નિ:શુલ્ક શિક્ષણનો લાભ ઉઠાવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ માટે સ્કૂલ પાયાના શિક્ષણનું નિમિત્ત બની રહી છે તો કેટલાક મોટા વિદ્યાર્થી શાળાના શૈક્ષણિક વાતાવરણથી પ્રેરિત થઈને પ્રૅક્ટિસ માટે પહોંચ્યા છે.
કતારમાં પ્રથમ લાગેલા બોર્ડ આગળ માંડ ઊભા રહી શકાય એટલી સાંકડી જગ્યામાં વિદ્યાર્થીઓ સામે પહોંચીને કમલભાઈ કહે છે, "ઘડિયા કોને કોને આવડે?" સામેથી લગભગ પાંચમાથી આઠમા ધોરણ સુધીની વિદ્યાર્થિનીઓ હાથ ઊંચો કરીને 'મને' બોલી જાય છે.
પછી કમલભાઈ પરીક્ષા લેતા હોય એમ એક પછી એક બોર્ડ પર લખી લખીને પહેલાં સાતનો પછી, નવનો અને આમ 19 સુધી ઘડિયા પૂછી લે છે. સામે પક્ષેથી પણ છોકરીઓ ફટાફટ આંગળીના વેઢે ગણતરી માંડીને સચોટ અને સાચા જવાબ વાળે છે.
બોર્ડ પર લખી રહેલા કમલભાઈના જમણા હાથ પર 'જય ભીમ' છૂંદણું ડૉ. બીઆર આંબેડકરે સમાજને આપેલા સંદેશ 'શિક્ષિત બનો, સંગઠિત બનો'ને યથાર્થ બનાવવાના કમલભાઈના સંકલ્પને જાણે પ્રતિબિંબિત કરી રહ્યું છે.
થોડું ભણાવી વિદ્યાર્થીઓને આગળ ભણાવવાની જવાબદારી એક સિનિયર વિદ્યાર્થિનીને સોંપી કંઈક યાદ આવ્યું હોય એમ કમલભાઈ ફરીથી સડકની સામેના છેડે પહોંચે છે. ફરી શેડ નીચે તૈયાર થઈ રહેલા ભોજન પાસે પહોંચે છે અને ગૅસ બંધ કરી દે છે.
આટલા સુધીમાં તો બાળકો માટે તૈયાર થયેલા ભોજન અને કમલભાઈની શિક્ષણ માટે સેવાની સુગંધ જાણે ચોમેર ફેલાઈ ચૂકી છે.
ફૂટપાથ શાળાએ બનાવ્યું વિદ્યાર્થીઓનું જીવન

28 વર્ષીય નિમિષા ફૂટપાથ સ્કૂલમાં પોતાના શરૂઆતના દિવસો યાદ કરતાં કહે છે કે, "ત્યારે ભણવામાં હું સારી નહોતી. ઘરની પરિસ્થિતિ પણ કંઈ સારી નહોતી. મારા પપ્પા સામાન્ય કુરિયર બૉય હતા. તેમાં અમે ત્રણ ભાઈબહેનો. તેથી બધાને સરકારી શાળામાં જ મૂક્યાં. માંડમાંડ ઘર ચાલતું હોય ત્યાં તો ટ્યુશનની તો વાત જ શી? મારા ભાઈ અને સ્કૂલના અન્ય મિત્રો ફૂટપાથ સ્કૂલ જતા હતા, તેથી મને પણ ત્યાં જઈને ભણવાનો વિચાર આવ્યો. આ વિચાર પર અમલ કર્યો અને જીવન બદલાઈ ગયું."
"ફૂટપાથ સ્કૂલમાં મારા જ જેવાં બીજાં બાળકો આવતાં હતાં. અમને બધાને મોટા ભાગે ગણિતમાં ખૂબ મુશ્કેલી પડતી. ફૂટપાથ સ્કૂલમાં મેં શરૂઆતનાં વર્ષોથી જ મારી જાતમાં એક પરિવર્તન નોંધ્યું હતું. હવે મને ઘણું બધું આવડી ગયું હતું."
"એક સમયે ડરાવતા ગણિત, વિજ્ઞાન જેવા વિષયો હવે અમારું મજબૂત પાસું બની ગયા હતા. જે કામ અમારા માટે અમારી સરકારી શાળાના શિક્ષકોએ કરવું જોઈતું હતું એ ફૂટપાથ સ્કૂલ અને કમલસરે કર્યું હતું."

આવી જ રીતે રોનક કહે છે કે, "સરકારી શાળામાં હોવા છતાં હું એક જિજ્ઞાસુ વિદ્યાર્થી હતો, પણ મારા સવાલોના જવાબ મને મારી શાળા કે ઘરેથી મળતા નહોતા."
"મારા અનુભવ પ્રમાણે તો અમારી શાળામાં એવી સ્થિતિ હતી કે શિક્ષકને સવાલ કરો તો તેઓ અન્ય સ્કૂલમાં ભણતાં પોતાનાં બાળકો પાસેથી શીખીને આવીને અમને આવતી કાલે જવાબ આપવાનું કહેતા."
"આવી સ્થિતિમાં અમને કમલભાઈ જેવા ગુરુ મળ્યા. જેમણે ન માત્ર અમને ભણવા માટે મહેનત કરવા પ્રેર્યા, પરંતુ અમારા જીવનમાં ઉમદા મૂલ્યોનું સિંચન કર્યું."
તેઓ કહે છે કે, "કમલસર પોતે ભલે સાતમા સુધી જ ભણ્યા હોય, પરંતુ તેમને ગણિત ખૂબ સારું આવડે. આ સિવાય બાળકોને અન્ય વિષયો શીખવવા માટે બહારથી શિક્ષકોને પણ બોલાવે. અને જરૂર પડે વધુ ભણવા માગતા વિદ્યાર્થીઓને અન્ય ખાનગી કોચિંગમાં પોતે ખર્ચો ઉપાડી મોકલવામાં પણ ન ખચકાય."
"આવા છે કમલસર. પોતાના ખિસ્સામાંથી પૈસા જશે એ વિચારીને તેમણે ક્યારેય કોઈ વિદ્યાર્થીને મદદ કરવામાં પાછી પાની નથી કરી. મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ શાળા, કૉલેજકાળ અને એ બાદ પણ તેમની આ ઉદારતાના સાક્ષી બની ચૂક્યા છે."
"તેમણે પોતે ભણાવવાની સાથે વિદ્યાર્થીઓની સ્કૂલ-કોચિંગ ક્લાસની ફી ભરવામાં ઘણા વિદ્યાર્થીઓની મદદ કરી છે."
"ભણવા માટે પૈસાની વાત આવે ત્યારે તેમણે હંમેશાં કહ્યું છે કે - 'તું ખાલી ભણ, પૈસાની ચિંતા મારા પર છોડી દે.' એ અમારા જેવા ગરીબ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી વાત હતી."
રોનક આગળ વાત કરતાં કહે છે કે, "એવું નથી કે ફૂટપાથ સ્કૂલ માત્ર દલિતો માટે જ છે. ત્યાં અમે ભણતા ત્યારે અને આજે પણ અન્ય વંચિત સમાજોનાં ગરીબ બાળકો પણ આવે છે. ભણવા માગતા સૌ માટે તેના દરવાજા ખુલ્લા છે."

અમદાવાદની સીએન વિદ્યાવિહાર સ્કૂલમાં ગત મહિને જ શિક્ષિકા તરીકે જોડાયેલાં જિજ્ઞાસાબહેન કહે છે કે, "હું પણ ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પિતા શરૂઆતમાં છૂટક મજૂરી જ કરતા. મહેનતપુરા છાપરામાં એક રૂમ-રસોડાના મકાનમાં મમ્મી-પપ્પા અને ત્રણેય ભાઈબહેનો રહેતાં. આવી સ્થિતિમાં અમને ત્રણેય ભાઈબહેનોને સરકારી શાળામાં જ મૂક્યાં હતાં."
"જેના કારણે ભણતરમાં મારો પાયો ખૂબ કાચો રહી ગયો હતો. ચોથા ધોરણમાં હું ફૂટપાથ સ્કૂલમાં જોડાઈ અને કમલસરે ત્યાં મને ભણાવવાની સાથોસાથ, દસમા ધોરણથી માંડીને કૉલેજકાળ સુધી સમયાંતરે મારા ભણતર માટે ખૂબ મોટી મદદ કરી."
"દસમા ધોરણમાં પણ તેમણે મને ગણિત અને વિજ્ઞાનનું ટ્યુશન કરાવી આપ્યું હતું, જે તેઓ ન હોત તો થયું જ ન હોત. કારણ કે ઘરેથી તો પૈસા મળવાની કોઈ શક્યતા જ નહોતી."
જિજ્ઞાસાબહેન પોતાની કારકિર્દીના ઘડતરમાં ફૂટપાથ સ્કૂલની ભૂમિકા અંગે વાત કરતાં કહે છે કે, "એક શિક્ષિકા તરીકેનું મારું હીર ફૂટપાથ સ્કૂલમાં જ ખીલ્યું હતું. હું ચોથા ધોરણમાં હતી ત્યારથી ત્યાં ભણતી હતી, બાદમાં મને ત્યાં નાનાં બાળકોને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવી."
"કમલસર આ પગલાંનું મહત્ત્વ જાણતા હતા. આનાથી હું શિક્ષણમાં જ રચેલીપચેલી રહેવા લાગી. મારું જ્ઞાન વધતું ગયું. હું છેક એમ. કૉમ. પૂરું કર્યું ત્યાં સુધી ત્યાં જોડાયેલી રહી. બાદમાં જ્યારે હું ફૂટપાથ સ્કૂલે ન જઈ શકું એવી સ્થિતિમાં પહોંચી તો કમલસર જ મારા ઘરે વિદ્યાર્થીઓને ભણવા માટે મોકલતા અને જેની મને ફી પણ મળતી. આમ જીવનના દરેક તબક્કામાં મને ફૂટપાથ સ્કૂલ અને કમલસરની મદદ મળી છે."
તેઓ કહે છે કે ફૂટપાથ સ્કૂલની તેમની બૅચના અને એ બાદની બૅચના ઘણા બધા વિદ્યાર્થી સરકારી પદો પર છે, જે લોકો સરકારી પદ પર નોકરી નથી મેળવી શક્યા તેઓ પણ ખાનગી કંપનીઓમાં સારી નોકરીમાં છે.
બીજી તરફ ફૂટપાથ સ્કૂલમાં તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માફક આંખમાં જીવનમાં પોતાના માટે એક મુકામ હાંસલ કરવાના સ્વપ્ન સાથે આઠમામાં ભણતી વિદ્યાર્થિની કવિતા બેઠી છે.
કમલભાઈના સલાહ અનુસરીને એ નોટબુકમાં તીવ્ર ઝડપે ઘડિયા લખી રહી છે.
આવતાં જતાં વાહનોના સતત ઘોંઘાટ વચ્ચે ભણી રહેલી આ વિદ્યાર્થિનીનું ધ્યાન જ્યારે હું ભણીગણીને શું બનવા માગો છો?ના પ્રશ્ન વડે તોડું છું. તો જરાક પણ ખચકાટ વગર આ દૃઢનિશ્ચય વિદ્યાર્થિની જવાબ વાળે છે, "આઇપીએસ અધિકારી."
કદાચ આ ફૂટપાથ સ્કૂલ અને કમલભાઈએ આ વિદ્યાર્થીઓમાં ભરેલા આત્મવિશ્વાસની જ કમાલ છે, અહીંના વિદ્યાર્થીઓ માટે હવે કોઈ સ્વપ્ન બહુ મોટું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












