જામનગરમાં આવેલી આટલી મોટી રિલાયન્સ રિફાઇનરીની સુરક્ષા કેવી રીતે થાય છે?

 રિલાયન્સ ગ્રૂપના સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનમાં આવેલ રિફાઇનરી ભારતની સૌથી મોટી રિફાઇનરી છે

ઇમેજ સ્રોત, Getty

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાન સેન્યના વડા અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર 10 ઑગસ્ટના રોજ અમેરિકાના ટેમ્પામાં એક બિઝનેસમૅન દ્વારા આયોજિત ભોજન સમારંભને સંબોધિત કરતા એક ટ્વીટ વિશે વાત કરી હતી જેમાં મુકેશ અંબાણીની તસવીર વાપરવામાં આવી હતી.

આ ટ્વીટમાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વિશે વાત કરવામાં આવી હતી, જે બાદ જામનગર સ્થિત રિફાઇનરી સતત ચર્ચામાં છે.

તે કથિત ટ્વીટમાં મુકેશ અંબાણીનો ફોટો હતો અને કુરાનમાંથી સુરાઃ ફીલને ટાંકવામાં આવ્યું હતું.

સુરા ફીલમાં કહેવાયું છે કે જયારે યમનમાંથી હાથીઓ સાથેનું એક લશ્કર ઇસ્લામ ધર્મના પવિત્રસ્થળ કાબા પર ચઢાઈ કરવા નીકળ્યું ત્યારે અલ્લાહ દ્વારા મોકલાયેલાં પક્ષીઓના એક ઝુંડે આકાશમાંથી ઈંટો વરસાવી તે સૈન્યને નષ્ટ કર્યું હતું.

રિલાયન્સ રિફાઇનરી ભારત માટે કેટલી મહત્ત્વની છે?

રિલાયન્સ ગ્રૂપના સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનમાં આવેલ રિફાઇનરી ભારતની સૌથી મોટી રિફાઇનરી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રિલાયન્સ ગ્રૂપના સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનમાં આવેલી રિફાઇનરી ભારતની સૌથી મોટી રિફાઇનરી છે

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમૅન છે. રિલાયન્સ ભારતની સૌથી મોટી ખાનગી ઊર્જા કંપની છે. રિલાયન્સની જામનગર ખાતે આવેલી ઑઇલ રિફાઇનરી કોઈ એક જ સ્થળે ક્રૂડ ઑઇલને શુદ્ધ કરી તેમાંથી ડીઝલ, પેટ્રોલ, વગેરે જેવા બળતણ છૂટા પાડવા માટેની દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે.

ભારતમાં કુલ 24 ઑઇલ રિફાઇનરીઓ આવેલી છે. તેમાંથી 21 જેટલી રિફાઇનરીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન, ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન જેવી સરકારી કંપનીઓ, તેમની પેટાકંપનીઓ કે આ કંપનીઓએ પ્રાઇવેટ કંપનીઓ સાથે ભાગીદારી કરી સ્થાપેલી સંયુક્ત પેઢીઓની માલિકીની છે.

ત્રણ રિફાઇનરીઓમાંથી બે રિફાઇનરીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની છે અને એક નયારા ઍનર્જી લિમિટેડની છે.

રિલાયન્સની બંને રિફાઇનરીઓ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલા રિલાયન્સના રિફાઇનરી કૉમ્પ્લેક્સમાં સ્થિત છે. નયારાની રિફાઇનરી જામનગરના પાડોશી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે આવેલી છે. રિલાયન્સ અને નયારાના રિફાઇનરી કૉમ્પ્લેક્સ એક બીજાની નજીક જ આવેલી છે.

રિલાયન્સની બંને રિફાઇનરીઓ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આવેલી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રિલાયન્સની બંને રિફાઇનરીઓ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આવેલી છે

ભારતની રિફાઇનરીઓની ક્રૂડ ઑઇલને રિફાઇનિંગ કરવાની વાર્ષિક ક્ષમતા 25.8 કરોડ મેટ્રિક ટન છે. એક ટન ક્રૂડ ઑઇલથી એકંદરે 7.33 બેરલ ભરી શકાય. તે હિસાબે ભારતની વાર્ષિક રિફાઇનિંગ ક્ષમતા 1.89 અબજ બેરલ થાય.

જામનગરમાં રિલાયન્સ ગ્રૂપના સ્પેશિયલ ઇકોનૉમિક ઝોનમાં આવેલી રિફાઇનરીની ક્ષમતા 3.52 કરોડ મેટ્રિક ટન (25.80 કરોડ બેરલ) છે અને તે ભારતની સૌથી મોટી રિફાઇનરી છે. રિલાયન્સની જ મોટી ખાવડીમાં આવેલી અન્ય રિફાઇનરીની ક્ષમતા 3.30 કરોડ મેટ્રિક ટન (24.18 કરોડ બેરલ) છે અને ભારતની બીજા નંબરની રિફાઇનરી છે.

પરંતુ, આ બંને રિફાઇનરીઓ એક જ કૉમ્પ્લેક્સમાં આવેલી હોવાથી તેને સામાન્ય રીતે એક જ ગણવામાં આવે છે. તેથી, તેની સંયુક્ત ક્ષમતા 6.82 કરોડ મેટ્રિક ટન (આશરે 50 કરોડ બેરલ) થાય જે ભારતની કુલ ક્ષમતાના 25 ટકા સમાન છે.

રિલાયન્સની રિફાઇનરી ખાતે સુરક્ષાની શું વ્યવસ્થા છે?

ભારતમાં કુલ 24 ઑઇલ રિફાઇનરીઓ આવેલી છે

ઇમેજ સ્રોત, Getty Images

આ રિફાઇનરી જામનગર શહેરથી 33 કિલોમીટર દૂર આવેલી છે. રિલાયન્સ રિફાઇનરીના વિવિધ દરવાજા અને બાઉન્ડરીની દીવાલની સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિઅલ સિક્યૉરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની છે.

સીઆઈએસએફ ભારત સરકારનું અર્ધલશ્કરી દળ છે અને તે રાષ્ટ્રની મહત્ત્વની અસ્ક્યામતોનું રક્ષણ કરે છે. તેમાં વિવિધ રિફાઇનરીઓ અને ઍરપોર્ટ્સનો સમાવેશ થાય છે. સીઆઈએસએફ ભારત સરકારના ગૃહ મંત્રાલયના નેજા હેઠળ કામ કરે છે.

રિલાયન્સ સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે સીઆઈએસએફ ઉપરાંત પ્રાઇવેટ સિક્યૉરિટી ગાર્ડ્ઝ પણ રિફાઇનરીના દરવાજે અને અંદર સુરક્ષાકવચનો એક ભાગ છે.

રિલાયન્સ રિફાઇનરીના વિવિધ દરવાજા અને બાઉન્ડરીની દીવાલની સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની છે

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાત પોલીસની રાજકોટ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ, અશોક કુમાર યાદવે કહ્યું: "રિલાયન્સની રિફાઇનરી માટે સુરક્ષાની જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે."

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ગુજરાત પોલીસની રાજકોટ રેન્જમાં આવતા જિલ્લાઓ છે અને અશોક કુમાર યાદવે જણાવ્યું કે સીઆઇએસફ ઉપરાંત જામનગર જિલ્લા પોલીસનું મેઘપર પોલીસ સ્ટેશન રિલાયન્સ રિફાઇનરીની નજીક જ આવેલું છે.

આમ, સીઆઇએસએફ, સ્થાનિક પોલીસ અને પ્રાઇવેટ સિક્યૉરિટીના ગાર્ડઝ રિલાયન્સ રિફાઇનરીનું સંભવિત સ્થાનિક ખતરાથી રક્ષણ કરે છે.

બાહ્ય ખતરાથી રક્ષણ માટે શું વ્યવસ્થા છે?

જામનગર ખાતેની તેની રિફાઇનરીમાં રિફાઇન કરી ભારતના સ્થાનિક બજારોમાં વેચાણ કરે છે

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રિલાયન્સ રિફાઇનરી દરિયાકાંઠે આવેલી છે. આ દરિયો એટલે ખંભાતનો અખાત. રિલાયન્સ વિદેશોમાંથી ક્રૂડ ઑઇલની આયાત કરી, જામનગર ખાતેની તેની રિફાઇનરીમાં રિફાઇન કરી ભારતના સ્થાનિક બજારોમાં વેચાણ કરે છે તેમ જ યુરોપ સહિત કેટલાય દેશોમાં નિકાસ પણ કરે છે.

ક્રૂડ ઑઇલ તેમ જ રિફાઇન કરેલા પેટ્રોલિયમ પ્રૉડક્ટ્સનો સંગ્રહ કરવા માટે દરિયાના કાંઠે રિલાયંસનું ટૅન્ક ફાર્મ આવેલું છે. જહાજો મારફતે કાંઠે પહોંચતા ક્રૂડ ઑઇલને પાઇપલાઇનો દ્વારા રિલાયન્સના ટૅન્ક ફાર્મ સુધી પહોંચાડવા પાઇપલાઇનોને જહાજોના વાલ્વ સાથે જોડવા માટેના સિંગલ-પૉઇન્ટ મૂરિંગ તેમ જ જેટી દરિયામાં આવેલા છે.

ભારતમાં કાંઠા નજીકના દરિયાની સુરક્ષાની જવાબદારી ઇન્ડિયન કોસ્ટગાર્ડ એટલે કે ભારતીય તટરક્ષક દળની છે. કચ્છના અખાતના પૂર્વ કાંઠે વાડીનાર ખાતે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું એક સ્ટેશન આવેલું છે.

તે જ રીતે કચ્છના અખાતના પશ્ચિમ કાંઠે મુન્દ્રા ખાતે કોસ્ટગાર્ડનું અન્ય એક સ્ટેશન આવેલું છે. અને રિલાયન્સ અને નયારાની રિફાઇનરીઓ આ બંને સ્ટેશનોની વચ્ચેના દરિયાકાંઠે આવેલી છે.

વળી, જામનગર ખાતે ભારતીય ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળની પણ હાજરી છે. જામનગર ખાતે ભારતીય વાયુદળનું ઍરબેઝ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન