ગુજરાત : યુરોપે જેના પર પ્રતિબંધ મૂક્યો છે તેવી આ રિફાઇનરીની માલિકી રશિયા પાસે કેવી રીતે ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
યુરોપિયન યુનિયન (ઈયુ)એ નાયરા ઍનર્જી લિમિટેડની માલિકી ધરાવતી ગુજરાતમાં આવેલી વાડીનાર રિફાઇનરી પર પ્રતિબંધ લાગુ કરવાની 18 જુલાઈએ જાહેરાત કરી હતી.
ઈયુએ રશિયાના ઍનર્જી સેક્ટરને ટાર્ગેટ કરતા નવા પ્રતિબંધોની જાહેરાત કરી તેમાં ગુજરાતની આ રિફાઇનરી પણ સામેલ હતી.
ઈયુએ આ જાહેરાત ત્યારે કરી છે, જ્યારે અમેરિકન કૉંગ્રેસમાં રશિયામાંથી તેલ ખરીદતા દેશો પર આકરા પ્રતિબંધો લાગુ કરવાની વાત ચાલી રહી છે.
અમેરિકાના કેટલાક સેનેટર તો રશિયામાંથી તેલ ખરીદવાના બદલે ભારત પર 500 ટકા ટૅરિફ લગાવતા બિલની તૈયારી કરી રહ્યા છે.
વિશ્લેષકો માને છે કે ઈયુના પ્રતિબંધ નાયરા ઍનર્જી માટે તો ઝટકો છે જ, પરંતુ રશિયન કાચા તેલમાંથી બનતા ઈંધણ પર પ્રતિબંધથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ પડકારો વધશે.
વિશ્લેષકોનું એમ પણ કહેવું છે કે, બંને કંપનીઓ (નાયરા અને રિલાયન્સ) પર ઈયુના બજારમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. એવા મીડિયા રિપોર્ટ્સ પણ આવી રહ્યા હતા કે રશિયન ઊર્જા કંપની રોઝનેફ્ટ નાયરામાં પોતાની 49 ટકા હિસ્સેદારી વેચવાની તૈયારીમાં છે. હવે, ઈયુના પ્રતિબંધથી નાયરા ઍનર્જી માટે રશિયન કંપનીનો સોદો જટિલ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે નાયરા ઍનર્જીમાં રશિયન તેલ કંપની રોઝનેફ્ટની 49 ટકા ભાગેદારી છે. બાકીની ભાગેદારીમાં પણ રશિયન ફર્મોના પૈસા રોકાયેલા છે. આ ઉપરાંત પ્રાઇવેટ ઇક્વિટી પણ છે.
બ્લૂમબર્ગના ગયા મહિનાના રિપોર્ટ અનુસાર, ચાલુ વર્ષે જૂન મહિના સુધીમાં રશિયન કાચા તેલની સમુદ્રમાર્ગે થયેલી કુલ નિકાસના 80 ટકા તેલ ભારત આવ્યું હતું. કેપલરના અહેવાલ પ્રમાણે, 24મી જૂન સુધીમાં ભારતે ચાલુ વર્ષે 23.2 કરોડ બેરલ જેટલું યુરાલ (રશિયન ક્રૂડ ઑઇલ) ખરીદ્યું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા નાયરાનો હિસ્સો 45 ટકા હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં લખ્યું છે, "નાયરા પ્રતિદિન ચાર લાખ બૅરલ ઉત્પાદનક્ષમતાવાળી એક રિફાઇનરીનું સંચાલન કરે છે આખા ભારતમાં તેના લગભગ 7,000 ઈંધણ આઉટલેટ્સ છે."
2022ના ફેબ્રુઆરીથી રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન યુરોપિયન યુનિયન અને અમેરિકાની મદદથી તેના પર થઈ રહેલા આક્રમણને ખાળવા મથી રહ્યું છે. યુક્રેન 27 દેશોના સમૂહ એવા યુરોપિયન યુનિયન એટલે કે યુરોપિયન સંઘનું સભ્ય નથી. પરંતુ તે યુરોપીય સંઘના દેશો અને રશિયાની વચ્ચે આવેલો દેશ છે. યુરોપિયન યુનિયન આ સંઘર્ષમાં યુક્રેનને મદદ કરી રહ્યું છે. તેને અનુસંધાને 18 જુલાઈએ સંઘે રશિયા પર વધારે આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
પ્રતિબંધોનું આ 18મું પૅકેજ હતું અને યુરોપીય સંઘે તેના નિવેદનમાં "રોઝનેફ્ટ જેમાં મુખ્ય શૅરધારક છે તેવી ભારતમાં આવેલી રિફાઇનરી"નો ઉલ્લેખ કર્યો.

ઇમેજ સ્રોત, Getty Images
આ વધારાના પ્રતિબંધો જાહેર થયા ત્યારથી ભારતમાં આવેલી રિફાઇનરી એટલે કે 'નાયરા ઍનર્જી લિમિટેડની ગુજરાત રાજ્યના વાડીનાર ખાતે આવેલ રિફાઇનરી' ચર્ચામાં છે.
પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતે આવેલી આ રિફાઇનરી પહેલી વાર ચર્ચાની એરણે ચઢી હોય તેવું નથી.
159 લિટરના એક એવા 4,05,000 બેરલ એટલે કે પીપડાં ભરાય તેટલું કાચું ખનીજ તેલ (ક્રૂડ ઑઇલ) દૈનિક ધોરણે શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતી આ રિફાઇનરી ભૂતકાળમાં પણ વિવિધ કારણોસર ચર્ચામાં રહી છે.
વિવાદો અને ધંધાકીય સંકટો વચ્ચે પણ આ રિફાઇનરી એક જ સ્થળે સૌથી વધારે ક્રૂડ ઑઇલને શુદ્ધ એટલે કે રિફાઇન કરવાની ક્ષમતાની બાબતમાં ભારતની બીજી સૌથી મોટી રિફાઇનરી છે.
હવે સવાલ એ છે કે વાડીનારની આ રિફાઇનરીમાં રશિયાની તેલ કંપની રોઝનેફ્ટ શૅરધારક કેવી રીતે બની ગઈ?
ભારતમાં કેટલી રિફાઇનરીઓ છે?

ઇમેજ સ્રોત, Nayara Energy Limited
ઑઇલ રિફાઇનરીઓ ક્રૂડ ઑઇલને ગરમ કરી તેને શુદ્ધ કરી તેમાંથી પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કેરોસીન, ઍર ટર્બાઇન ફ્યૂઅલ (એટીએફ) તરીકે ઓળખાતાં વિમાનોનાં ઈંધણ, રસોડામાં વપરાતા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી) એટલે કે પ્રવાહીમાં રૂપાંતરિત કરેલ કુદરતી વાયુ, રાસાયણિક ખાતર બનાવવામાં વપરાતા સલ્ફર જેવાં રસાયણો તેમજ ડામર વગેરે છુટાં પાડે છે.
ભારતમાં કુલ 24 ઑઇલ રિફાઇનરીઓ આવેલી છે. તેમાંથી એકવીસ જેટલી રિફાઇનરીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન, ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન જેવી સરકારી કંપનીઓ, તેમની પેટા કંપનીઓ કે આ કંપનીઓએ પ્રાઇવેટ કંપનીઓ સાથે ભાગીદારી કરી સ્થાપેલ સંયુક્ત પેઢીઓની માલિકીની છે. બાકીની ત્રણ રિફાઇનરીઓમાંથી બે રિફાઇનરીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની છે અને એક નાયરા ઍનર્જી લિમિટેડની છે.
રિલાયન્સની રિફાઇનરીઓ ગુજરાતના જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલી છે જયારે નાયરાની રિફાઇનરી જામનગરના પાડોશી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે આવેલી છે.
નાયરા રિફાઇનરી કેટલી મોટી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની રિફાઇનરીઓની ક્રૂડ ઑઇલને રિફાઇનિંગ કરવાની વાર્ષિક ક્ષમતા 25.8 કરોડ મેટ્રિક ટન છે. એક ટન ક્રૂડ ઑઇલથી એકંદરે 7.33 બેરલ ભરી શકાય. તે હિસાબે ભારતની વાર્ષિક રિફાઇનિંગ ક્ષમતા 1.89 અબજ બેરલ થાય.
જામનગરમાં રિલાયન્સ ગ્રુપના સ્પેશયલ ઇકૉનૉમિક ઝોનમાં આવેલ રિફાઇનરીની ક્ષમતા 3.52 કરોડ મેટ્રિક ટન (25.80 કરોડ બેરલ) છે અને તે ભારતની સૌથી મોટી રિફાઇનરી છે.
રિલાયન્સની જ મોટી ખાવડીમાં આવેલી અન્ય રિફાઇનરીની ક્ષમતા 3.30 કરોડ મેટ્રિક ટન (24.18 કરોડ બેરલ) છે અને આમ, ભારતની તે બીજા નંબરની રિફાઇનરી છે. પરંતુ, આ બંને રિફાઇનરીઓ એક જ કૉમ્પ્લેક્સમાં આવેલી હોવાથી તેને સામાન્ય રીતે એક જ ગણવામાં આવે છે. તેથી, તેની સંયુક્ત ક્ષમતા 6.82 કરોડ મેટ્રિક ટન (આશરે 50 કરોડ બેરલ) થાય જે ભારતની કુલ ક્ષમતાના 25 ટકા સમાન છે.

ઇમેજ સ્રોત, Nayara Energy Limited
નાયરાની રિફાઇનરીની ક્ષમતા 2 કરોડ મેટ્રિક ટન એટલે કે 14.66 કરોડ બેરલ છે અને તે ભારતની ત્રીજી સૌથી મોટી રિફાઇનરી છે. આમ, ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાની આઠ ટકા ક્ષમતા નાયરા પાસે છે.
ભારતનો દૈનિક વપરાશ આશરે 47થી 48 લાખ બેરલ છે અને તેની સામે રિલાયન્સની રિફાઇનરીની દૈનિક રિફાઇનિંગ ક્ષમતા 14 લાખ બેરલ અને નાયરાની ક્ષમતા 4.05 લાખ બેરલ છે.
રસપ્રદ બાબત એ છે કે રિલાયન્સ અને નાયરાની રિફાઇનરીઓ જામનગર-ખંભાળિયા હાઇવે પર એકબીજાની ખૂબ જ નજીક આવેલી છે.
રિલાયન્સ અને નાયરા પછી ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનની કેરળના કોચીમાં આવેલી રિફાઇનરીનો નંબર આવે છે. કોચી રિફાઇનરીની ક્ષમતા 1.55 કરોડ મેટ્રિક ટન (11.36 કરોડ બેરલ) છે.
55,000 લોકોને રોજગારી

ઇમેજ સ્રોત, Nayara Energy Limited
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાયરા ઍનર્જીની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ કંપનીના પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરતા 6000 કરતા પણ વધારે પેટ્રોલ પંપો ભારતમાં છે અને 1200થી પણ વધારે અન્ય પેટ્રોલ પંપો બનાવવામાં આવી રહ્યા છે.
પેટ્રોલ પંપો અને ઑઇલ ડેપો સુધી પેટ્રોલ, ડીઝલ અને ખનીજ તેલ આધારિત અન્ય પેદાશોને પહોંચાડવા માટે રેલવે ટૅન્કર ઉપરાંત 45000 જેટલાં ટ્રક-ટૅન્કર એટલે કે ખટારા-ટાંકાં નાયરા પાસે છે. 22 જુલાઈએ એક અખબારી યાદીમાં નાયરાએ જણાવ્યું કે ભારતમાં તે 55,000 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપે છે.
વળી, નાયરા પાસે પોતાની એક પ્રાઇવેટ ઑફશૉર જેટી એટલે કે કાંઠાથી દૂર દરિયાની અંદર બનાવેલી જેટી પણ છે. વાડીનાર બંદરના કાંઠાથી દૂર કચ્છના અખાતમાં આ બલ્ક કાર્ગો જેટી પર ઑઇલ ટર્મિનલ આવેલું છે.
ઑઇલ ટૅન્કર કહેવાતાં જહાજો જે ક્રૂડ ઑઇલ નાયરા ઍનર્જી માટે ભરીને આવે છે તેમનું અનલૉડીંગ આ ટર્મિનલ ખાતે થાય છે અને તેને 21 કિલોમીટર દૂર આવેલી રિફાઇનરી સુધી પાઇપલાઇન વડે પહોંચાડાય છે. તે જ રીતે રિફાઇન કરેલું પેટ્રોલ, ડીઝલ, એટીએફ વગેરે પાઇપલાઇનથી જેટી સુધી પહોંચે છે અને ઑઇલ ટૅન્કરોમાં ભરી ભારતનાં અન્ય બંદરો કે વિદેશ પહોંચાડાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
રિફાઇનરીની નજીક જ આવેલ એક પાવર પ્લાન્ટ (વીજળીમથક) માટે જરૂરી કોલસો પણ આ જેટી પર ઉતરે છે.
નાયરાએ 22 જુલાઈની યાદીમાં જણાવ્યું હતું કે કંપનીએ ઑગસ્ટ 2017થી ભારતમાં વિવિધ પ્રોજેક્ટસમાં રૂ.14,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
યાદીમાં ઉમેર્યું હતું કે કંપનીએ ઑગસ્ટ 2017થી 250 અબજ રૂપિયા પ્રત્યક્ષ કે પરોક્ષ કર પેટે ચૂકવ્યા છે અને વાર્ષિક ધોરણે બે અબજ રૂપિયા તેની સામાજિક જવાબદારી માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ માટે ફાળવે છે.
નાયરા રિફાઇનરીના ભૂતકાળના વિવાદો

ઇમેજ સ્રોત, Getty Images
ભારત તેને જોઈતા ખનીજ તેલના જથ્થામાંથી 80 ટકા કરતા પણ વધારે જથ્થો વિદેશોમાંથી આયાત કરે છે.
ભારતમાં આયાત થતા ક્રૂડ ઑઇલનો 60 ટકાથી વધારે જથ્થો કચ્છના અખાતમાં આવેલાં કંડલા, વાડીનારમાં આવેલી ઇન્ડિયન ઑઇલ અને નાયરાની જેટીઓ તેમ જ રિલાયન્સની જેટી પર ઉતરે છે.
વાડીનાર ઑઇલ રિફાઇનરી, પાવરપ્લાન્ટ અને ઑફશૉર કેપ્ટીવ જેટી ખરેખર તો ભારતના ઍસ્સાર ગ્રૂપ દ્વારા બનાવવામાં આવેલી છે.
ઍસ્સારે વાડીનાર રિફાઇનરી બાંધવાનું કામ 1994માં શરુ કર્યું હતું. પરંતુ 1998માં કચ્છના અખાતના કાંઠા પર એક વાવાઝોડું ત્રાટકતા બંધાઈ રહેલી રિફાઇનરીને ભારે નુકસાન થયું હતું. ત્યાર પછીના આઠેક વર્ષ કામ બંધ રહ્યું હતું.
ઍસ્સારે છેક 2005માં રિફાઇનરીના બાંધકામને ફરી શરુ કર્યું અને 2008થી રિફાઇનરી કામ કરતી થઇ ગઈ. શરૂઆતમાં રિફાઇનરીની ક્ષમતા એક કરોડ ટન પ્રતિ વર્ષની હતી. સમયાંતરે આ ક્ષમતા બમણી થઈ ગઈ.

ઇમેજ સ્રોત, Getty Images
રિફાઇનરીને જરૂરી વીજળી બાજુમાં જ ઍસ્સાર દ્વારા જ બનાવાયેલા પાવર પ્લાન્ટમાંથી મળી જાય છે.
પરંતુ કચ્છનો અખાત માછીમારી માટે પણ મહત્ત્વનો છે.
વાડીનાર સલાયા બંદર નજીક આવેલું છે. ઍસ્સાર જયારે જેટી માટે દરિયામાં રોડ બનાવી રહ્યું હતું ત્યારે સલાયાના માછીમારોએ 2015માં તેનો જાહેર વિરોધ કર્યો હતો.
તેમનું કહેવું હતું કે રોડ બનતા માછીમારોની હોડીઓને ચાલવામાં અવરોધ ઊભો થશે અને જેટી નજીકના વિસ્તારોમાં માછીમારી પર પ્રતિબંધ લાદવામાં આવશે તેથી તેમની આજીવિકા પર પણ અસર થશે.
જોકે, વિવિધ સરકારી વિભાગો અને કોર્ટે આ દલીલો ગ્રાહ્ય ન રાખતા ઍસ્સાર દ્વારા જેટીનાં બાંધકામનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
રિફાઇનરી પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધો કેમ?

ઇમેજ સ્રોત, Nayara Energy Limited
આ પ્રતિબંધના મૂળ 2015માં છે. વિવિધ વેપારમાં મૂડીરોકાણને કારણે ઍસ્સાર ગ્રૂપ પર દેવાનો બોજ ખુબ વધી ગયો હતો.
તેવા સંજોગોમાં ઍસ્સાર ગ્રૂપનો લોખંડ બનાવવાનો ઉદ્યોગ અને અન્ય કેટલાક ઉદ્યોગો ખોટ કરવા લાગ્યા. તેથી ઍસ્સાર ગ્રૂપની વિવિધ કંપનીઓમાં નાણાં રોકનાર રોકાણકારો ઍસ્સાર ગ્રૂપ પર દેવું ઘટાડવાનું દબાણ કરવા લાગ્યા. પરિણામે, 2016માં ઍસ્સાર ગ્રૂપની ઑઇલ કંપનીએ તેની વાડીનાર રિફાઇનરીને વેચવાનો નિર્ણય કર્યો.
ઑગસ્ટ 2017માં રશિયાની ઑઇલ કંપની રોઝનેફ્ટે ઍસ્સાર ઑઇલના કુલ શૅરોમાંથી 49 ટકા શૅર ખરીદી લીધા. તે જ રીતે કેસાની એન્ટરપ્રાઇઝ નામની અન્ય એક કંપનીએ પણ ઍસ્સાર ઑઇલમાં કુલ શૅરના અન્ય 49 ટકા શૅર ખરીદી લીધા.
કેસાની એન્ટરપ્રાઇઝ પણ રશિયા સાથે નાતો ધરાવતી પેઢીઓનું એક સંયુક્ત સાહસ છે. બંનેએ મળીને ઍસ્સાર ઑઇલને 72,800 કરોડ રૂપિયા ચૂકવ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
આમ, ઍસ્સાર ઑઇલની વાડીનાર રિફાઇનરી રશિયાની કંપનીઓના હાથમાં જતી રહી.
નવા માલિકોએ ઍસ્સાર ઑઇલનું નામ બદલીને નાયરા ઍનર્જી લિમિટેડ રાખ્યું.
ભારતના ઉર્જા ક્ષેત્રમાં આ સૌથી મોટું સીધું વિદેશી મૂડીરોકાણ હતું. વળી, આ પહેલાં ડિસેમ્બર 2015માં રોઝનેફ્ટ અને ઍસ્સાર ઑઇલે એક સમજૂતી કરીને એવું નક્કી કર્યું કે આગામી 10 વર્ષ સુધી રોઝનેફ્ટ ઍસ્સારને દૈનિક ધોરણે ચાર લાખ બેરલ ક્રૂડ ઑઇલ પૂરું પાડશે.
નાયરા ઍનર્જીએ તેના 22 જુલાઈના નિવેદનમાં જણાવ્યું કે તે ભારતીય કાયદા પ્રમાણે ભારતમાં કામ કરતી 'ભારતીય કંપની' છે. પરંતુ, વાસ્તવમાં તેની માલિકીમાં રશિયાની રોઝેનફ્ટ કંપનીનો મોટો ભાગ છે. ઉપરાંત, વાડીનાર રિફાઇનરી રશિયાના ઑઇલ બિઝનેસ સાથે સંકળાયેલી છે. તેથી, યુરોપિયન યુનિયને તેના પર પ્રતિબંધો મૂક્યા છે.
યુરોપે શા માટે પ્રતિબંધો લાદ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપિયન યુનિયનનો દાવો છે કે રશિયાને યુક્રેન સામેનું યુદ્ધ ચાલુ રાખવાનાં નાણાં તેની ક્રૂડ ઑઇલની નિકાસમાંથી મળી રહ્યાં છે અને રશિયાને આ યુદ્ધ સમાપ્ત કરવાની ફરજ પાડવી હશે તો તેને ઑઇલના વેપારમાંથી મળતાં નાણાં અટકાવવાં પડશે.
એક માહિતી પ્રમાણે વિદેશોમાંથી ક્રૂડ ઑઇલ આયાત કરી, ભારતમાં તેનું રિફાઇનિંગ કરી પછી તેને વિશ્વના અન્ય દેશોમાં વેચવાનો એક બહુ મોટો ઉદ્યોગ અને બિઝનેસ ભારતમાં છે.
ભારતમાં રિફાઇનરીઓ ધરાવતી વિવિધ કંપનીઓ મુખ્યત્વે ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા વગેરે જેવા ખાડી દેશો કે રશિયામાંથી ક્રૂડ ઑઇલની આયાત કરે છે અને પોતપોતાની રિફાઇનરીઓમાં તેને શુદ્ધ કરે છે. પછી રિફાઇન કરેલું પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એટીએફ વેગેરે જવી પેદાશોનું ભારતનાં સ્થાનિક બજારોમાં વેચાણ કરવા ઉપરાંત વિદેશોમાં નિકાસ પણ કરે છે.
મૂલ્યની દૃષ્ટિએ ભારતની કુલ નિકાસમાં પેટ્રોલિયમ પેદાશોનો હિસ્સો સામાન્ય રીતે 20 ટકાથી પણ વધારે રહે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારના આંકડા અનુસાર મે 2024માં ભારતની કુલ નિકાસનું મૂલ્ય રૂપિયા 3,30,162 કરોડ હતું. તેમાંથી, પેટ્રોલિયમ પેદાશોની નિકાસનો ફાળો 71,720 કરોડ એટલે કે લગભગ 22 ટકા હતો. મે 2025માં આ આંકડા ઘટીને અનુક્રમે 3,27,854 કરોડ, 48,917 કરોડ અને 15% થઇ ગયા હતા.
ભારત ખાસ કરીને એશિયા અને યુરોપ ખંડોના દેશોમાં રિફાઇન કરેલ પેટ્રોલિયમ પ્રોડક્ટસની નિકાસ કરે છે. 2025ના એપ્રિલ અને મે મહિના દરમિયાન ભારતે કુલ 4.22 કરોડ મેટ્રિક ટન ક્રૂડ ઑઇલ આયાત કર્યું અને તેની સામે 96.74 લાખ મેટ્રિક ટન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરી.
પ્રતિબંધોમાં કોઈ ત્રીજા દેશ વાટે યુરોપમાં પહોંચતા રશિયાના પેટ્રોલિયમ પદાર્થોને આવરી લેવાયા છે. તેથી, રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદતી નાયરા ઍનર્જી સહિતની અમુક ભારતીય કંપનીઓને આનાથી ફટકો પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
અન્ય કયા દેશોની કંપનીઓનું ભારતમાં રોકાણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ખનીજ તેલના વપરાશની બાબતમાં અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે. વળી, ભારત તેની ક્રૂડ ઑઇલની જરૂરિયાતનું મોટા ભાગનું ઑઇલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. તેમ છતાં ભારતમાં ખનીજ તેલનો વપરાશ વધી રહ્યો છે. તેથી, વિદેશી કંપનીઓ ભારતના ઍનર્જી બિઝનેસ એટલે કે ઊર્જા વેપારમાં રોકાણ કરવા આકર્ષાય છે.
રોઝનેફ્ટ ભારતમાં આવ્યું તે પહેલા બ્રિટનની બે કંપનીઓ-બ્રિટિશ પેટ્રોલિયમ અને શૅલ ઍનર્જીએ ભારતમાં રોકાણ કર્યું હતું.
બ્રિટિશ પેટ્રોલિયમે 2011માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ક્રૂડ ઑઇલ અને નેચરલ ગૅસના ખોદકામ માટેના 23 બ્લૉક્સમાં 30 ટકા હિસ્સો ખરીદવા રિલાયન્સને રૂપિયા 32400 કરોડ ચૂકવ્યા હતા. તે જ રીતે બ્રિટનનું શૅલ ગ્રૂપ પણ ભારતના ઊર્જા વેપારમાં દાયકાઓથી સંકળાયેલું છે અને પેટ્રોલ-ડીઝલ વગેરેનું છૂટક વેચાણ અને નેચરલ ગૅસનો વેપાર કરે છે.
નાયરા રિફાઇનરી પર ઈયુના પ્રતિબંધ પર ભારત સરકારે શું કહ્યું?
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું છે કે, ભારતના લોકો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સરકારની 'સર્વોચ્ચ પ્રાથમિકતા' છે.
તેમણે આ ટિપ્પણી એ સમયે કરી છે જ્યારે યુરોપિય યુનિયન (ઈયુ)એ ગુજરાતમાં આવેલી વાડીનાર રિફાઇનરી પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, "જ્યાં સુધી ઊર્જા સુરક્ષાનો સવાલ છે, ભારતના લોકોને એ સુનિશ્ચિત કરાવવું ભારત સરકારની પ્રાથમિકતા છે. આ સંબંધમાં જે જરૂરી પગલાં લેવાં પડે તે લઈશું."
તેમણે કહ્યું છે કે ઊર્જા સંબંધી મુદ્દાઓ પર 'બેવડાં ધોરણો' નહીં અપનાવવું મહત્ત્વપૂર્ણ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન અને માલદીવ યાત્રા પહેલાં થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું, "અમે પહેલાં પણ કહી ચૂક્યા છે કે ઊર્જા મામલે બેવડાં ધોરણો નહીં અપનાવવા જોઈએ. વૈશ્વિક ઊર્જા બજારની વાસ્તવિક સ્થિતિને સ્પષ્ટ નજરે સમજવી જરૂરી છે કે આપૂર્તિકર્તા ક્યાં સ્થિત છે અને ઊર્જા ક્યાંથી આવી રહી છે.ठ
વિક્રમ મિસરીએ આગળ કહ્યું, "કોને, કયા સમયે ઊર્જાની જરૂર છે, મને લાગે છે કે આ બાબતોને પર્યાપ્ત રીતે નથી સમજી શકાઈ."
નાયરા ઍનર્જીનું આ પ્રતિબંધો પર શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ નાયરા ઍનર્જીએ ઈયુ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની કડક શબ્દોમાં નિંદા કરી છે.
નાયરા ઍનર્જીએ જારી કરેલા એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું છે, "નાયરા ઍનર્જી યુરોપિયન યુનિયન દ્વારા કંપની પર લાદવામાં આવેલા એકતરફી અને અન્યાયી પ્રતિબંધોની કડક શબ્દોમાં નિંદા કરે છે. કંપની ભારતના કાયદા અને નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે અને દેશની ઊર્જા સુરક્ષા તથા આર્થિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે."
આ પ્રેસ નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે "યુરોપિયન યુનિયનના પ્રતિબંધો કોઈ કાયદાકીય આધાર વગરના છે. તે ભારતની સંપ્રભૂતા અને આંતરરાષ્ટ્રીય કાયદાને અવગણે છે. યુરોપના ઘણા દેશો રશિયાની ઊર્જા આયાત કરે છે ત્યારે તેઓ ભારતને દંડિત કરે છે"
કંપનીએ એમ પણ કહ્યું છે કે નાયરા ઍનર્જી ભારત માટે દેશની ઊર્જા જરૂરિયાતોને પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને દેશના વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












