દુનિયાના લોકોએ ચોખા ખાવાનું કેમ ઓછું કરી દેવું જોઈએ, પર્યાવરણની દૃષ્ટિએ ડાંગરની ખેતી કેટલી હાનિકારક?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફૂડ ચેઇન શો
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
ચોખા માત્ર આહાર નથી.
દુનિયાની અડધી વસ્તી માટે તે માત્ર રોજિંદા ભોજનનો ભાગ નહીં, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને આર્થિક જીવનનું પણ પ્રતીક છે.
ફિલિપીન્ઝના પાટનગર મનીલાથી બીબીસી વર્લ્ડ સર્વિંસનાં એક શ્રોતા ઍડ્રિએન બિયાંકા વિલાનુઍવા કહે છે, "ચોખા અમારે માટે અહીંનાં વ્યંજનોનો ધબકાર છે."
"તેનું મહત્ત્વ મુખ્ય ભોજન કરતાં પણ ઘણું વધારે છે. તે અમારી સંસ્કૃતિનો આધાર છે."
તેઓ જણાવે છે, "ફિલિપીન્ઝના મોટા ભાગના લોકો દિવસમાં ત્રણ વાર ચોખા ખાય છે – નાસ્તામાં, બપોરના ભોજનમાં અને રાત્રિના ભોજનમાં. એટલે સુધી કે, મીઠાઈમાં પણ ચોખા હોય છે. મને સ્ટિકી રાઇસ પસંદ છે, કેમ કે, તે અમારી દરેક પારંપરિક મીઠાઈમાં હોય છે."
પરંતુ, હવે જળવાયુ પરિવર્તનની અસર વધી રહી છે.
અને તેની સાથે એવો સવાલ પણ થવા લાગ્યો છે કે શું આપણે ચોખા ખાવાનું ઓછું કરી દેવું જોઈએ?
વૈશ્વિક આહારમાં ચોખાની શું ભૂમિકા છે?

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્ર ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન અનુસાર, ખાવા યોગ્ય વનસ્પતિઓની સંખ્યા 50 હજાર કરતાં વધુ છે; જોકે, દુનિયાની ભોજનની 90 ટકા જરૂરિયાતો માત્ર 15 પાકથી જ પૂરી થઈ જાય છે. ચોખા, ઘઉં અને મકાઈ તેમાં સૌથી મુખ્ય પાકો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા (આઇઆરઆરઆઇ)ના ડિરેક્ટર જનરલ ડૉ. ઇવાન પિન્ટોનું કહેવું છે, "દુનિયાની કુલ વસ્તીમાં 50થી 60 ટકા ભાગ મુખ્ય ભોજન માટે ચોખા પર નિર્ભર છે."
તેનો અર્થ એ છે કે, લગભગ ચાર અબજ લોકો પોતાના મુખ્ય આહાર તરીકે દરરોજ ચોખા આરોગે છે.
દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં મોટા પાયે ચોખા ઉગાડવામાં આવે છે.
જ્યારે આફ્રિકામાં પણ તેની માગ વધી રહી છે અને તેની કેટલીક જાતો તો યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ વાવવામાં આવે છે.
પરંતુ, વૈશ્વિક આહારમાં ચોખાની એક કિંમત પણ છે.
એક કિલો ચોખા ઉગાડવા માટે કેટલા પાણીની જરૂર પડે?

ઇમેજ સ્રોત, Getty Images
સ્પેનની બહુરાષ્ટ્રીય કંપની ઍબ્રો ફૂડ્સની માલિકીવાળી બ્રિટન સ્થિત રાઇસ કંપની ટિલ્ડાના મૅનેજિંગ ડિરેક્ટર જીન-ફિલિપ લાબોર્દે જણાવે છે, "ચોખાના રોપાને ખૂબ વધુ પાણીની જરૂર હોય છે."
તેઓ કહે છે, "એક કિલો ચોખા ઉગાડવા માટે લગભગ 3થી 5 હજાર લીટર પાણીની જરૂર પડે છે. જે ખૂબ વધારે છે."
મોટા ભાગના ચોખાના પાક પૂરગ્રસ્ત વિસ્તારોમાં થાય છે; ખાસ કરીને દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં. આ પદ્ધતિ ચોખાની ખેતી માટે અનુકૂળ મનાય છે, પરંતુ, તેનાથી ઓછા ઑક્સિજનવાળું વાતાવરણ નિર્માણ પામે છે, જેને ઍનારોબિક કંડિશન કહેવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. ઇવાન પિન્ટો અનુસાર, "જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે ત્યાં રહેલાં સૂક્ષ્મ જીવાણું વધુ પ્રમાણમાં મિથેન ગૅસ ઉત્પન્ન કરે છે."
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી અનુસાર, મિથેન એક શક્તિશાળી ગ્રીનહાઉસ ગૅસ છે, જે કુલ વૈશ્વિક તાપમાન વૃદ્ધિમાં લગભગ 30 ટકા માટે જવાબદાર છે.
આઇઆરઆરઆઇ (ઇન્ટરનૅશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)નું અનુમાન છે કે, વૈશ્વિક કૃષિક્ષેત્ર દ્વારા થતા કુલ ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં ચોખા ઉત્પાદનનો ભાગ લગભગ 10 ટકા છે.
ઓછા પાણીમાં ચોખા ઉગાડવાની તકનીક

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટિલ્ડા, ઓછા પાણીમાં ચોખા ઉગાડવાની એક નવી તકનીક શોધવાની કોશિશ કરે છે, જેને 'અલ્ટરનેટ વેટિંગ ઍન્ડ ડ્રાઇંગ' (એડબ્લ્યૂડી) કહેવામાં આવે છે.
આ તકનીકમાં ખેતરની સપાટીથી 15 સેન્ટિમીટર નીચે એક પાઇપ રાખવામાં આવે છે. આખા ખેતરમાં સતત પાણી ભરવાના બદલે ખેડૂત ત્યારે સિંચાઈ કરે છે, જ્યારે પાઇપમાંનું પાણી સંપૂર્ણ શોષાઈ જાય.
ટિલ્ડાના મૅનેજિંગ ડિરેક્ટર જીન-ફિલિપ લાબોર્દે જણાવે છે, "સામાન્ય રીતે એક પાકચક્ર દરમિયાન 25 વાર પાણી આપવાનું હોય છે, પરંતુ એડબ્લ્યૂડી તકનીકથી તેને ઘટાડીને 20 વાર કરી શકાય છે. પાંચ વારની સિંચાઈ બચાવીને માત્ર પાણીની જ બચત નથી થતી, પરંતુ મિથેન ઉત્સર્જનમાં પણ ઘટાડો થાય છે."
ઈ.સ. 2024માં ટિલ્ડાએ આ તકનીકનો પ્રયોગ 50થી વધારીને 1,268 ખેડૂતો સાથે કર્યો. પરિણામ ઘણાં પ્રોત્સાહક રહ્યાં.
લાબોર્દે કહે છે, "અમે 27 ટકા પાણી, 28 ટકા વીજળી અને 25 ટકા ખાતરનો વપરાશ ઘટાડ્યો. તેમ છતાં પાક ઉત્પાદનમાં 7 ટકાની વૃદ્ધિ નોંધાઈ."
તેઓ એમ પણ ઉમેરે છે કે, "આ માત્ર વધુ રોકાણથી વધુ નફો નથી, પરંતુ ઓછા ખર્ચે વધુ કમાણીની રીત છે."
લાબોર્દે અનુસાર, મીથેન ઉત્સર્જનમાં પણ 45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમનું માનવું છે કે જો સિંચાઈની જરૂરિયાતને ઘટાડી શકાય, તો મિથેન ઉત્સર્જનમાં 70 ટકા સુધીનો કાપ શક્ય છે.
પૂરના પાણી સામે ટકી જતી ચોખાની જાત

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ચોખાએ અબજો લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે—ખાસ કરીને હરિત ક્રાંતિના સમયે વિકસાવવામાં આવેલી આઇઆર-8 જેવી વધુ ઉપજાઉ જાતો દ્વારા. પરંતુ, હવે જળવાયુ પરિવર્તન તેનાં ઉત્પાદન માટે મોટું જોખમ બનતું જાય છે.
તેનું મુખ્ય કારણ એ છે કે, જે વિસ્તારોમાં એ જાતો ઉગાડવામાં આવે છે, ત્યાં ગરમી, દુકાળ, ભારે વરસાદ અને પૂર જેવી ઘટનાઓ સતત વધી રહી છે.
ભારતમાં 2024ની ચોખાની સિઝન દરમિયાન તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જ્યારે બાંગ્લાદેશમાં વારંવાર અને મોટા પ્રમાણમાં આવતાં પૂર પાકને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યાં છે.
આ પડકારને પહોંચી વળવા માટે આઇઆરઆરઆઇ (ઇન્ટરનૅશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) પોતાની જનીન બૅન્કમાં સચવાયેલી 1,32,000 ચોખાની જાતોનું વિશ્લેષણ કરી રહી છે, જેથી ઉકેલ શોધી શકાય.
એક મહત્ત્વપૂર્ણ સફળતામાં, વૈજ્ઞાનિકોએ એક એવું જનીન શોધી કાઢ્યું છે, જે છોડને પાણીની અંદર 21 દિવસ સુધી જીવિત રાખી શકે છે.
ડૉ. પિન્ટો જણાવે છે, "આ જાતો પૂરની સ્થિતિમાં છોડને લાંબા સમય સુધી બચાવી શકે છે અને ઊપજ પર પણ અસર નથી થતી."
તેમનું કહેવું છે કે બાંગ્લાદેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવી જાતો લોકપ્રિય થતી જાય છે.
કેટલાક દેશોએ પોતાને ત્યાં ચોખાનો વપરાશ ઘટાડવાની કોશિશ કરી છે.
ચોખાનો વિકલ્પ બટાટા બન્યા

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશમાં લગભગ 15 વર્ષ પહેલાં જ્યારે ચોખાના ભાવ ઝડપથી વધ્યા, ત્યારે સરકારે વિકલ્પ તરીકે બટાટાને પ્રોત્સાહિત કરવાનું એક અભિયાન ચલાવ્યું.
ઢાકામાં રહેતા શરીફ શબીર યાદ કરતાં કહે છે, "અમને બટાટા પસંદ છે, પરંતુ હું ચોખાની જગ્યાએ સમગ્ર આહારમાં માત્ર બટાટા ખાવાની કલ્પના નથી કરી શકતો."
ચીનમાં પણ 2015માં આ જ પ્રકારનું અભિયાન શરૂ કરાયું અને બટાટાને પોષક તત્ત્વોથી ભરપૂર 'સુપરફૂડ' રૂપે પ્રમોટ કર્યા.
હકીકતમાં, 1990ના દાયકામાં ચીન દુનિયાનું અગ્રણી બટાટા ઉત્પાદક બની ચૂક્યું હતું અને દેશના અનેક ભાગોમાં લોકો બટાટાને મુખ્ય ભોજન તરીકે અપનાવવા લાગ્યા હતા. જોકે, આ અભિયાન સફળ ન થઈ શક્યું.
લંડનની એસઓએએસ યુનિવર્સિટીમાં માનવવિજ્ઞાની જૅકબ ક્લેન જણાવે છે, "દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ચીનમાં બટાટાને ક્યારેક ક્યારેક મુખ્ય ખોરાક તરીકે ખાવામાં આવે છે."
પરંતુ તેઓ ઉમેરે છે, "ઘણા વિસ્તારોમાં બટાટાને ગરીબી સાથે સાંકળવામાં આવે છે."
ક્લેન અનુસાર, "ચીનનાં દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રોમાં ઘણા લોકોએ મને જણાવ્યું કે તેમણે બટાટા ખાઈને બાળપણ વિતાવ્યું છે. હકીકતમાં, બટાટા ખાવા સાથે એક પ્રકારનું સામાજિક અપમાન જોડાયેલું છે."
આખી દુનિયા દર વર્ષે અંદાજે કેટલા ચોખા ખાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
વૈશ્વિક સ્તરે, ચોખા સામાન્ય લોકોના જીવનનો એક અગત્યનો ભાગ છે. તે સ્વાદિષ્ટ છે, બનાવવામાં સરળ છે અને તેને સરળતાથી રાખી શકાય છે અને લાવી-લઈ જઈ શકાય છે.
અનુમાન છે કે, આખી દુનિયામાં દર વર્ષે લગભગ 52 કરોડ ટન ચોખા ખવાય છે.
ફિલિપીન્ઝનાં ઍડ્રિએન બિયાંકા વિલાનુઍવા સ્વીકારે છે કે તેઓ ચોખા ખાવાનું ઓછું તો કરી શકે છે, પરંતુ છોડી ન શકે.
તેઓ કહે છે, "જો હું ચોખા ખાવા ન ઇચ્છું તોપણ, જ્યારે હું કોઈ બીજાના ઘરે કે પાર્ટીમાં જાઉં છું, તેઓ ચોખાની વાનગી જ રજૂ કરે છે."
"મને થાય છે કે ચોખા ખાવાનું ઓછું કરી દઈશ, પરંતુ તેને સંપૂર્ણ છોડવા મુશ્કેલ છે; કેમ કે, તે અમારા રોજિંદા જીવનનો અગત્યનો ભાગ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












