પાકિસ્તાનમાં સિંહ અને વાઘ જેવાં જંગલી પ્રાણીઓ પાળવાનું ચલણ કેમ વધ્યું?

ઇમેજ સ્રોત, FAYYA
- લેેખક, અઝદેહ મોશિરી
- પદ, બીબીસી સંવાદદાતા, લાહોરથી
પાકિસ્તાનનાં સૌથી મોટાં શહેરોમાંથી એક લાહોરના બહારના વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસની આસપાસની ગંધ કંઈક અજીબ વાતની સાક્ષી આપે છે.
અંદર પ્રવેશતા જ કારણ સ્પષ્ટ થઈ જાય છે. અહીં 26 સિંહ, વાઘ અને તેનાં બચ્ચાં રહે છે અને તેમના માલિક છે ફય્યાઝ.
ફય્યાઝ જણાવે છે કે વરસાદના કારણે જમીન કાદવમાં ફેરવાઈ ગઈ છે.
તેમ છતાં તેઓ કહે છે, "જાનવર અહીં ખુશ છે. જ્યારે તેઓ અમને જુએ છે, ત્યારે નજીક આવે છે અને ખોરાક ખાય છે. તેઓ આક્રમક નથી."
પણ જેવી તેમણે આ વાત કહી, તત્કાળ જ પાંજરામાં બંધ એક સિંહ ગર્જના કરવા લાગ્યો.
ફય્યાઝ કહે છે, "આ થોડો આક્રમક છે, એનો સ્વભાવ જ એવો છે."
ફય્યાઝને સિંહો અને વાઘો સાથે ખૂબ જ લગાવ છે.
જેમ લોકો કૂતરાં અને બિલાડી જેવાં પાલતું પ્રાણીઓ પાળે છે, તેમ પાકિસ્તાનના પંજાબમાં 'બિગ કૅટ્સ' એટલે કે સિંહ, વાઘ અને ચિત્તા પાળવાનો ટ્રેન્ડ જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ જ્યારે લાહોરમાં બે અઠવાડિયાં પહેલાં એક પાલતું સિંહે એક મહિલા અને બે બાળકો પર હુમલો કર્યો, ત્યારે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો અને સરકારે ગેરકાયદેસર રીતે 'બિગ કૅટ્સ' પાળનારા સામે એક વિશેષ અભિયાન શરૂ કર્યું.
પાકિસ્તાનમાં સિંહ અને વાઘ જેવાં જંગલી પ્રાણીઓ પાળવાનું ચલણ

પાકિસ્તાનમાં ખાનગી રીતે સિંહ અને વાઘ પાળનાર કેન્દ્રોમાં ફય્યાઝનું કેન્દ્ર સૌથી મોટું માનવામાં આવે છે.
38 વર્ષીય ફય્યાઝ છેલ્લાં 10 વર્ષથી સિંહનાં બચ્ચાં અને પ્રજનન માટેની જોડી વેચી રહ્યા છે. તેમને પાકિસ્તાનના સૌથી મોટા સિંહ વેચાણકારોમાંથી એક માનવામાં આવે છે.
છેલ્લા ઘણા દાયકાથી સિંહ, વાઘ, પ્યુમા, ચિત્તા અને દીપડા જેવાં પ્રાણીઓ શક્તિ, પ્રતિષ્ઠા અને રાજકીય વફાદારીના પ્રતીક તરીકે જોવામાં આવે છે. એટલે સુધી કે વાઘ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનું ચૂંટણીચિહ્ન પણ છે.
તાજેતરનાં વર્ષોમાં ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ જેવા શૉર્ટ વીડિયો પ્લૅટફૉર્મ્સના વધતા ઉપયોગ સાથે આવાં જંગલી પ્રાણીઓ પાળવાનો ક્રેઝ પણ ઝડપથી વધ્યો છે. હવે તો ઘણી વાર લગ્ન સમારંભોમાં પણ સિંહને લાવવામાં આવે છે.
પરંતુ લાહોરમાં એક પાલતું સિંહ દીવાલ ફૂદીને ભાગી ગયો અને રસ્તા પર ચાલતી એક મહિલા અને તેનાં બે બાળકો પર હુમલો કર્યા બાદ સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
આની અસર ફય્યાઝ જેવા લોકો પર પણ દેખાવા લાગી છે.
પાકિસ્તાનમાં જંગલી પ્રાણીઓ પાળવાના નિયમો શું છે?

નવા નિયમ પ્રમાણે દરેક જંગલી પ્રાણી માટે માલિકોને રૂ. 50,000 રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે. આ લાઇસન્સ તેમને સિંહ, વાઘ, ચિત્તા, પ્યુમા અને જગુઆર જેવા 'બિગ કેટ્સ' પાળવાની કાનૂની મંજૂરી આપે છે.
તેમજ દરેક ફાર્મહાઉસમાં વધુમાં વધુ બે પ્રજાતિનાં માત્ર 10 પ્રાણી રાખવાની મંજૂરી હશે.
આ પ્રાણીઓને શહેરની અંદર રાખવાની મંજૂરી નહીં હોય. જે લોકો પાસે પહેલાંથી જ આવાં પ્રાણી છે, તેને શહેરની બહાર ખસેડવા માટે સમયમર્યાદા આપવામાં આવશે.
ટિકટૉક, ઇન્સ્ટાગ્રામ જેવાં પ્લૅટફૉર્મ પર આ પાળેલાં જંગલી પ્રાણીઓના વીડિયો કે ફોટા શૅર કરવાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે.
નિયમોનું ઉલ્લંઘન કરનારને રૂ. 2 લાખ સુધીનો દંડ અને ગંભીર કેસમાં સાત વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
"પંજાબ વન પારગમન નિયમ 2024" મુજબ, સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે જંગલી પ્રાણીઓનું પરિવહન ગેરકાનૂની ગણાશે. ચેકપૉઇન્ટ પણ બનાવવામાં આવશે.
જંગલની સીમાથી પાંચ માઈલની અંદર આરામિલ અથવા કોલસા ભઠ્ઠી લગાવવાની મનાઈ છે. આ નિયમોનો ઉદ્દેશ વન સંસાધનોની રક્ષા અને પારદર્શિતા વધારવાનો છે.
પાકિસ્તાનમાં મોટા જંગલી પ્રાણીઓ પાળવાથી થતી સમસ્યાઓ:
પાકિસ્તાનમાં દાયકાઓથી સિંહ અને વાઘ જેવાં પ્રાણીઓની ખરીદી-વેચાણ થતી રહી છે. અધિકારીઓ માને છે કે હાલના દરોડા માત્ર આ ગેરકાયદેસર વેપાર પર નામની તવાઈ છે.
ફક્ત પંજાબ પ્રાંતમાં જ હજારો નહીં તો સેંકડો એવી જગ્યાઓ છે જ્યાં લોકો રજિસ્ટ્રેશન વિના આવાં પ્રાણીઓ પાળે છે.
વાઇલ્ડલાઇફ ઍન્ડ પાર્ક્સના મહાનિદેશક મુબીન ઇલાહી જણાવે છે કે તમામ સ્થળોની તપાસ કરવા ઓછામાં ઓછા છ મહિના લાગશે.
તેઓ માને છે કે પંજાબમાં રહેલા 30-40% સિંહોની માહિતી લોકો સ્વેચ્છાએ નહીં આપે.
એક વધુ ગંભીર સમસ્યા છે, ઇનબ્રીડિંગ (પ્રાણીઓ વચ્ચે પ્રજનન), જે હવે સામાન્ય બની ગઈ છે. કેટલાંક મોટાં પ્રાણીઓને કદાચ મારી નાખવા પણ પડી શકે છે.
મુબીન કહે છે, "તેમને અનેક પ્રકારની તંદુરસ્તી સંબંધિત સમસ્યા છે. અમે હાલમાં આ અંગે નીતિ ઘડી રહ્યા છીએ."
તેમણે 2024ના ડિસેમ્બર મહિનાની એક ઘટના પણ યાદ કરી, જેમાં લાહોરમાં એક સિંહ ભાગી ગયો હતો અને પછી તેને ગોળી મારી દેવાઈ હતી.
પાકિસ્તાનમાં પશુ અધિકાર જૂથોની મુખ્ય માગ

ઇમેજ સ્રોત, Getty Images
ફય્યાઝ હવે પોતાના ફાર્મહાઉસ માટે આગળના પગલા વિશે વિચાર કરી રહ્યા છે.
એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે પાંજરાનું કદ સંતોષકારક નથી અને આ ફાર્મને હવે પ્રાણીસંગ્રહાલયમાં ફેરવવું જોઈએ.
ફય્યાઝને આ માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
પશુ અધિકાર જૂથો માને છે કે આ પ્રાણીઓ માટે વધુ પગલાં લેવાની જરૂર છે.
અલતમશ સઈદ કહે છે, "અમે લાંબા સમયથી પ્રાણીસંગ્રહાલય નહીં પણ અભયારણ્ય બનાવવાની માગ કરી રહ્યા છીએ."
તેઓ ઇચ્છે છે કે પ્રાણીસંગ્રહાલયની અંદરની સ્થિતિમાં પારદર્શિતા હોવી જોઈએ. સરકાર ખાનગી સ્તરે પ્રાણીઓનાં પાલન, સંભાળ અને માલિકી માટે સ્પષ્ટ નીતિ ઘડે.
તેમણે કહ્યું કે તાત્કાલિક નહીં પણ વ્યવસ્થિત અને લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં આવે.
(વધારાનું રિપોર્ટિંગ: ઉસ્માન ઝાહિદ અને મલિક મુદસ્સિર)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












