ચડોતરું : આદિવાસી સમાજમાં જોવા મળતી સદીઓથી ચાલી આવતી 'ન્યાય'ની આ પરંપરા શું છે, તે શા માટે કરવામાં આવે છે?

બીબીસી ગુજરાતી બનાસકાંઠા સાબરકાંઠા આદિવાસી ચડોતરું

ઇમેજ સ્રોત, Aadivashi Sanskruti Varso

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી ગુજરાતી

ઉત્તર ગુજરાતમાં વેરની વિચિત્ર પ્રથા 'ચડોતરું' આજકલ ચર્ચામાં છે. વેરની આ પરંપરા માટે ગામ એકબીજા સામે બાખડે છે. 'બદલો લેવાની ભાવના'ને કારણે લોકો ધિંગાણે ચડે છે. જેને પરિણામે ગામો તો અનેક પરિવારો બરબાદ થઈ જાય છે.

મૃતદેહોને દિવસો સુધી ઝાડ પર લટકાવી રાખવામાં આવે છે. આદિવાસી સમાજની આ કથિત ન્યાય માટે પોતાની વ્યવસ્થા છે. તેઓ પોલીસ કે કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ ધરાવતા નથી અને જો ગામમાં કોઈ ઘટના ઘટે અને વ્યક્તિનું મોત થાય તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર આરોપી કે તેના પરિવાર સામે 'ચડોતરું' કરવામાં આવે છે.

ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના આદિવાસી વિસ્તારોમાં સદીઓથી કથિત રીતે 'ન્યાય' મેળવવા માટે 'ચડોતરું'ની પ્રથા ચાલતી આવે છે.

ગત 18 જુલાઈના રોજ બનાસકાંઠાના દાંતા ખાતેના મોટા પીપોદરા ગામથી હિજરત કરી ગયેલા 29 કુટુંબના આશરે 300 લોકોનું અંદાજે 11 વર્ષ બાદ સરકાર અને પોલીસતંત્રના પ્રયાસો થકી તેમના ગામમાં પુનર્વસન કરાતાં સમગ્ર મામલો સમાચારોમાં ચમક્યો હતો.

આ પરિવારોનો આદિવાસીઓની એક 'ચડોતરું' નામની પરંપરાને કારણે પોતાનાં ઘર-જમીન અને ગામ છોડીને ભટકવાનો વારો આવ્યો હતો.

દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે એક સામાજિક ઝગડાને કારણે વર્ષ 2014માં એક વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી. હત્યા બાદ મૃતકના પરિવારજનોએ 'ચડોતરું'ના નામે હુમલો કરતા આરોપીના પરિવારજનો ગામ છોડીને ભાગી ગયા હતા.

11 વર્ષથી ઘરબાર છોડી પહેરેલા કપડે ઠેરઠેર ભટકતા મોટા પીપોદરા ગામના આ લોકો 'ચડોતરું'ને કારણે ફરી ક્યારેય પોતાના ગામ પરત નહીં ફરી શકાય એવું માનતા હતા. પરંતુ પોલીસની સમજાવટથી હવે આ લોકો હવે પોતાના ગામ પાછા ફર્યા હતા.

પોલીસની દરમિયાનગીરીથી છેક હવે 300 લોકોની વાપસી શક્ય બની છે. પરંતુ આના કારણે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના અમુક આદિવાસી સમુદાયમાં જોવા મળતી 'ચડોતરું' પ્રથા ફરી ચર્ચામાં આવી છે.

'ચડોતરું' પ્રથા શું છે?

બીબીસી ગુજરાતી બનાસકાંઠા સાબરકાંઠા આદિવાસી ચડોતરું

ઇમેજ સ્રોત, Aadivashi Sanskruti Varso

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વિસ્તારમાં આદિવાસીઓ માટે કામ કરતા લોકોના જણાવ્યા પ્રમાણે 'ચડોતરું' એ સદીઓથી ચાલતી આદિવાસી સમાજની પરંપરા છે.

જાણકારોના મત પ્રમાણે તેની શરૂઆત 'શુભ આશયથી કથિત પ્રકારે ન્યાય સાથે જોડી'ને કરવામાં આવી હતી. પરંતુ સમય જતાં તે 'રૂલ ઑફ લૉ'ના વિરુદ્ધમાં માત્ર બદલો લેવાની ક્રૂર ભાવના' બનીને રહી ગઈ.

'ચડોતરું' એ ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાનના કેટલાક જિલ્લામાં જોવા મળે છે. આદિવાસીઓ આ પ્રથાને 'ન્યાય' સાથે જોડે છે. જેમાં આ વિસ્તારમાં કોઈ આદિવાસી પરિવારોમાં હત્યા થાય તો આરોપીના પરિવારે પીડિતના પરિવારને મોટી રકમ ચૂકવવાની થતી હતી અથવા તો આરોપીના પરિવારે ગામ છોડીને ચાલ્યા જવું પડતું હતું.

જાણકારોના મત પ્રમાણે જો આરોપીના પરિવાર સાથે સમાધાન ન થાય તો મૃતકના સમુદાયના લોકો આરોપીના ઘરે કે તેમના ગામ પર રીતસર 'ચઢાઈ' કરે છે અને 'ચડોતરું' શબ્દ આ ચઢાઈ પરથી આવ્યો છે.

આદિવાસી સમુદાય સાથે કામ કરનારા કર્મશીલોના મત પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠાના ડુંગરી ભીલ આદિવાસીઓમાં 'ચડોતરું અને વેર વાળવાનો રિવાજ' જોવા મળે છે.

બીબીસીએ આ વિશે સામાજિક કાર્યકર્તા અને આદિવાસી સમુદાય પર અનેક પુસ્તકો લખનાર ભગવાનદાસ પટેલ સાથે વાત કરી હતી.

ભગવાનદાસ પટેલ એક સમયે ખેડબ્રહ્મામાં શિક્ષક હતા અને આદિવાસી રિવાજોના પરિચયમાં આવ્યા હતા.

બીબીસી સાથે વાત કરતાં ભગવાનદાસ પટેલે જણાવ્યું કે "ગુજરાતમાં માત્ર ડુંગરી ભીલોમાં 'ચડોતરું'ની પ્રથા જોવા મળે છે. ખેડબ્રહ્મા અને દાતા તાલુકાના આદિવાસીઓમાં 'ચડોતરું'નો રિવાજ ખાસ જોવા મળે છે. રાજસ્થાનમાં જ્યાં જ્યાં ડુંગરી ભીલો વસે છે, ત્યાં તેનો પ્રભાવ છે, જેમાં ઉદયપુર જિલ્લો સામેલ છે."

તેમણે જણાવ્યું કે "ગુજરાતના ડુંગરી ભીલોનાં કોઈ મહિલા બીમાર હોય અને પિયર પક્ષની ગેરહાજરીમાં મહિલાનું મોત થાય તો તેના માટે શ્વસુર પરિવારને જવાબદાર ગણીને 'ચડોતરું' કરવામાં આવતું હતું."

ભગવાનદાસ પટેલ કહે છે કે "કોઈ એક ગોત્રની વ્યક્તિને મારવામાં આવે તો સામેના સમગ્ર ગોત્ર સામે વેર બંધાતું. આ પ્રથા અંતર્ગત માત્ર કથિત ગુના માટે જવાબદારની જ હત્યા કરવામાં આવે એવું જરૂરી નથી, પરંતુ આ પ્રથા પ્રમાણે સામેના સમુદાયની કોઈ પણ વ્યક્તિને મારી નાખવામાં આવતી હતી."

સાબરકાંઠા પોલીસના વેબસાઇટ પર પણ 'ચડોતરું' વિશે જાણકારી આપવામાં આવી છે.

તેમાં આ પ્રથા વિશે જણાવાયું છે કે "સાબરકાંઠાના ખાસ કરીને પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં હત્યા, આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અથવા અકસ્માતે મોત જેવો બનાવ બને, જેમાં ભોગ બનનાર તરીકે મહિલા હોય ત્યારે તેમના પક્ષના લોકો આરોપી અથવા આરોપીના પક્ષના લોકો પર એકજૂથ કરીને હુમલો કરતા હોય છે."

"આ હુમલો હિંસક હોય છે, જે દરમિયાન તીરકામઠાં, પથ્થરો, કુહાડી વગેરે હથિયારો વપરાય છે, ટોળા દ્વારા ગામમાં પ્રવેશ કરીને ઘર, છાપરાં અને બીજી મિલ્કતને નુકસાન પહોંચાડાય છે, ઢોરઢાંખર બાંધેલાં હોય તો છૂટા કરીને ભગાડી દેવાય છે, લૂંટફાટ પણ કરાય છે."

'મૃતદેહની અંતિમવિધિ પણ અટકી પડે છે'

બીબીસી ગુજરાતી બનાસકાંઠા સાબરકાંઠા આદિવાસી ચડોતરું

ઇમેજ સ્રોત, Aadivashi Sanskruti Varso

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અરુણ વાઘેલાએ બીબીસીને જણાવ્યું કે, "બહારના સમાજને આ રિવાજો વિશે કદાચ મોડી જાણકારી મળી છે, પરંતુ આ સદીઓ જૂની પ્રથા છે. વિજયનગર, ભીલોડા વગેરે તાલુકામાં આદિવાસીઓમાં 'ચડોતરું' પ્રથા જોવા મળે છે. "

તેમના કહેવા પ્રમાણે 'ચડોતરું' કેમ થાય છે તેના કારણોની તપાસ કરવી જરૂરી છે.

અરુણ વાઘેલા કહે છે કે 'ખૂન કા બદલા ખૂન' એ આની પાછળું મુખ્ય કારણ છે.

તેઓ આ વિશે વધુ જાણકારી આપતાં કહે છે, "એક ગામના આદિવાસીની હત્યા બીજા ગામના આદિવાસી દ્વારા કરવામાં આવે અને તેનું 'ચડોતરું' ન થાય ત્યાં સુધી મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવતી નથી."

"આવા કિસ્સામાં ગામના પંચ દ્વારા બધા જ નિર્ણયો લેવાય છે, તેના દ્વારા નિયમો અને સજા નક્કી કરવામાં આવે છે, જે સામેના પક્ષને બંધનકર્તા હોય છે. તેઓ આમાં પોલીસ કે બહારના કોઈ તંત્રની દખલગીરી સહન કરતા નથી," એમ તેઓ કહે છે.

સાબરકાંઠા પોલીસના વેબ પેજ પ્રમાણે અમુક સમુદાયમાં "કોઈની હત્યા પછી 'ચડોતરું' થાય તો ભોગ બનનાર પક્ષ અને આરોપીના પક્ષના લોકો પંચ બેસાડે છે અને આર્થિક લેવડદેવડ કરે છે, જેને 'વેર નક્કી કર્યું' એમ કહેવાય છે. 'વેર' નક્કી થયા પછી જ મૃતદેહ પોલીસને સોંપવામાં આવે છે અથવા પોલીસને તેની જાણ કરાય છે. ત્યાં સુધીમાં મૃતદેહ લાંબો સમય સુધી જે તે સ્થિતિમાં રાખવામાં આવે છે. હાલના સમયમાં લોકદરબાર યોજીને તથા સરપંચો અને સમાજના આગેવાનો સાથે વાત કરીને સમુદાયોને સમજાવવામાં આવે છે."

બીબીસી ગુજરાતી બનાસકાંઠા સાબરકાંઠા આદિવાસી ચડોતરું

ઇમેજ સ્રોત, Om Communication

ઇમેજ કૅપ્શન, આદિવાસી સંસ્કૃતિના જાણકાર ભગવાનદાસ પટેલે જણાવ્યું કે એક ગોત્રની વ્યક્તિને મારવામાં આવે તો સામેના સમગ્ર ગોત્ર સામે 'વેર' બંધાતું હોય છે.

જાણકારો કહે છે કે આ પ્રથા ક્યાંથી આવી તે વિશે કહેવું મુશ્કેલ છે.

ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર આનંદ વસાવાએ જણાવ્યું કે "વેર વાળવું એ આદિવાસીઓનો મૂળભૂત સ્વભાવ નથી. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં આવી પ્રથા જોવા મળતી નથી, પરંતુ ઉત્તર ગુજરાતમાં તેમણે બીજે ક્યાંકથી આ પ્રથા અપનાવી હોય તેવી શક્યતા છે."

જાણકારો એમ પણ કહે છે કે હવે 'ચડોતરું' કરવાની પ્રથા પહેલાં જેટલી નથી જોવા મળતી.

તેઓ કહે છે, "હાલમાં આ પ્રથાનું ચલણ ઓછું થઈ ગયું છે. પરંતુ એક સમય એવો હતો કે 'વેર બંધાય પછી તે વેર વાળવું' એ પરિવારની 'નૈતિક ફરજ' ગણવામાં આવતી. તેમાં લોકોની હત્યાઓ થતી, ખોરડાં બાળી નાખવામાં આવતાં અને પરિવારો સામૂહિક રીતે ગામ છોડીને હિજરત કરતા."

પ્રોફેસર વસાવાએ કહ્યું કે "ભીલ આદિવાસીઓમાં પેઢી દર પેઢી 'વેર વાળવા'ની એક પરંપરા રહી છે. તેમનામાં કોઈની હત્યા થાય તો તેની યાદમાં એક પથ્થર પર બીજો પથ્થર મૂકીને નિર્ણય લેવામાં આવતો કે 'બદલો' લેવામાં આવશે. તેમાં સામેના પક્ષની કસૂરવાર વ્યક્તિને જ મારવામાં આવે તે જરૂરી નથી, તે સામેની પક્ષની કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, પરંતુ મોટા ભાગે યુવાનને અથવા તો સમાજમાં કંઇક મહત્ત્વ હોય તેવી વ્યક્તિને નિશાન બનાવવા માટે તકની રાહ જોવામાં આવતી. તેના માટે વર્ષો સુધી રાહ પણ જોવાતી. મોટા ભાગે મેળામાં કે હાટબજારમાં 'બદલો' લેવાની તક મળી જતી."

મહિલાઓના મામલે 'વેર' બંધાય

બીબીસી ગુજરાતી બનાસકાંઠા સાબરકાંઠા આદિવાસી ચડોતરું
ઇમેજ કૅપ્શન, ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર આનંદ વસાવા

બીબીસી ગુજરાતીએ આ વિશે વીરચંદભાઈ પંચાલ સાથે વાત કરી હતી જેઓ બનાસકાંઠાના દાંતા તાલુકામાં સનાલી સર્વોદય આશ્રમમાં આચાર્ય રહી ચૂક્યા છે.

તેઓ કહે છે, "આદિવાસીઓમાં લગ્ન પછી થોડા જ દિવસોમાં યુવતીનું અકુદરતી મોત થાય કે પછી તેણે ઝેર પીને અથવા ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય, તો તેના પિયર પક્ષના લોકો યુવતીના સાસરિયાને મોત માટે જવાબદાર ગણીને 'ચડોતરું' કરતા હોય છે."

આદિવાસી રિવાજો વિશે વાત કરતાં વીરચંદભાઈ પંચાલે જણાવ્યું કે "આદિવાસીઓમાં 'ગોઠિયા-ગોઠણ'ની પ્રથા હોય છે. 13-14 વર્ષની ઉંમરે જ છોકરા-છોકરીમાં પ્રણય થતો હોય છે. તેમાં શારીરિક સંબંધો પણ બંધાતા હોય છે. કુંવારી છોકરી સાથે કોઈ સંબંધ રાખે તો 'દાપું' તરીકે ઓળખાતી રકમ માંગવામાં આવે છે."

તેઓ અહીં એક કહેવત ને ટાંકે છે, "હાંલ્લીમાની ખીચડી, જે ખાય તેની અને થાળીમાં આવ્યા પછી એ ધણીની."

આ વિશે સમજાવતા તેઓ કહે છે, "એટલે કે પરણેલી મહિલા સાથે કોઈ પરપુરુષ સંબંધ રાખે તો તેમાં 'દાપું' તરીકે મોટી રકમ વસુલવામાં આવે છે, તેમાં 'વેર બંધાય' છે અને હત્યાઓ પણ થતી હોય છે."

આદિવાસીઓમાં જોવા મળતી 'ડાકણ પ્રથા' શું છે?

બીબીસી ગુજરાતી બનાસકાંઠા સાબરકાંઠા આદિવાસી ચડોતરું

ઇમેજ સ્રોત, Aadivashi Sanskruti Varso

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભગવાનદાસ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક સમયે 1990ના દાયકામાં 'ડાકણ પ્રથા' પણ હતી જેમાં કોઈ મહિલાને 'ડાકણ' જાહેર કરીને તેના પર અત્યાચાર કરવામાં આવતો હતો."

ભગવાનદાસ પટેલે કહ્યું કે " વર્ષ1994થી સાત વર્ષ સુધી અમે આદિવાસી વિસ્તારનાં 133 ગામમાં નાટકો ભજવ્યાં હતાં. તેમાં આદિવાસીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થયા તેના કારણે 'ડાકણ પ્રથા' મોટા ભાગે બંધ થઈ ગઈ. આ ઉપરાંત 'ચડોતરું' પ્રથા નાબૂદી માટે પણ નાટકો કરવામાં આવ્યાં છે."

ભગવાનદાસ પટેલે જણાવ્યું કે "કોઈ મહિલાને સમુદાયનો 'ભૂવો ડાકણ જાહેર કરે' તો તેને પકડી લેવામાં આવતી અને તેને 'ડાકણ વડલે' લઈ જવામાં આવતી હતી. તેની સાથે આખું ગામ ભેગું થયું હોય. મહિલા પર શારીરિક અત્યાચાર કરવામાં આવતો, આંખોમાં મરચાં પણ નાખવામાં આવતાં અને પોતે 'ડાકણ' છે તે સ્વીકારવા માટે એક પ્રકારે દબાણ કરવામાં આવતું."

તેમના કહેવા પ્રમાણે, "મહિલાને ગરમ તીરથી કપાળે ડામ પણ આપવામાં આવતા. આવી ઘટના પછી આવી મહિલાને તેના પિયર કે સાસરિયા પક્ષના લોકો પણ સાથે રાખવા તૈયાર ન થતા અને સામાજિક બહિષ્કાર વચ્ચે મહિલાઓનું જીવન દુષ્કર બની જતું હતું."

તાજેતરનાં વર્ષોમાં પણ ગુજરાતમાં મહિલાઓને ડાકણ ગણાવીને મારવામાં આવી હોય તેવા કિસ્સા બનેલા છે.

જાણકારો એમ પણ કહે છે કે ઘણી વખત આ બધી પરંપરા 'ક્રૂરતાની ચરમસીમા' વટાવી જતી હતી.

'હવે સમય બદલાયો છે'

બીબીસી ગુજરાતી બનાસકાંઠા સાબરકાંઠા આદિવાસી ચડોતરું
ઇમેજ કૅપ્શન, મોટા પીપોદરા ગામના સરપંચ ગુલાબભાઈએ કહ્યું કે હવે સમય બદલાયો છે અને 'ચડોતરું'ની ઘટનાઓ બહુ ઓછી બને છે.

મોટા પીપોદરા ગામના સરપંચ ગુલાબભાઈ ડાભીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે 12-15 વર્ષ અગાઉ 'ચડોતરું' પ્રથા વધારે વ્યાપક હતી, પરંતુ ત્યાર પછી તેમાં મોટો ઘટાડો થયો છે.

તેમણે કહ્યું કે 'ચડોચરું'ના કિસ્સા લગભગ 70 ટકા સુધી ઘટી ગયા છે.

કારણ ગણાવતા ગુલાબભાઈ ડાભી કહે છે, "કારણ કે, હવે કાયદાનો અમલ થાય છે અને લોકો પોલીસની માથાકૂટમાં પડવા માંગતા નથી. મોટા પીપોદરાની ઘટના બાર વર્ષ જૂની છે. અગાઉનો સમય અલગ હતો. તે વખતે કોઈ પૂછવા જ ન રહેતું અને 'ચડોતરું' કરી નાખતા."

તેમના મત પ્રમાણે, "મોટા પીપોદરામાં લગભગ બે હજાર લોકોની વસ્તી છે. શિક્ષણનો પ્રસાર વધવાથી 'ચડોતરું'ની ઘટનાઓ હવે ભાગ્યે જ બને છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે "ગામમાં એકથી આઠ ધોરણ સુધીની સ્કૂલ છે. બીજી બે સ્કૂલો છે જેમાં પાંચ ધોરણ સુધી ભણાવવામાં આવે છે. ગામના યુવાનો હવે કમાવા માટે અમદાવાદ, મુંબઈ જેવાં શહેરોમાં જવા લાગ્યા છે જેથી સમાજ પણ બદલાયો છે."

બનાસકાંઠા પોલીસે પણ ચડોતરું પ્રથાને બંધ કરવા માટે ચડોતરું પ્રથા નાબુદી કમિટીની રચના કરી છે. પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 42 અને ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 કમિટી એમ કુલ મળીને 92 કમિટી કાર્યરત છે.

પોલીસ જ્યારે આ પ્રકારનો ગુનો બને કે કમિટીના સભ્યો ચડોતરું થવાની સંભાવના પહેલા જ જે તે ગામોમાં પોલીસ બંદોબસ્ત ફાળવીને ચડોતરું રોકવાના પ્રયાસ કરે છે.

આ મામલે પછી પોલીસ ગુનો દાખલ કરીને તપાસ કરે છે.

રાજસ્થાનમાં પણ જોવા મળે છે આવી પ્રથા

બીબીસી ગુજરાતી બનાસકાંઠા સાબરકાંઠા આદિવાસી ચડોતરું
ઇમેજ કૅપ્શન, પ્રોફેસર ડૉ. જિતેન્દ્ર મીણાએ કહ્યું કે રાજસ્થાનમાં આ પ્રકારની ઘટનાઓમાં વળતર માગવાની 'મૌતાણાની પ્રથા' છે.

ગુજરાતમાં જેને 'ચડોતરું' કહેવામાં આવે છે તેવી જ પ્રથા પડોશી રાજ્ય રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં છે અને તેને 'મૌતાણા' તરીકે ઓળખવામાં આવે છે.

રાજસ્થાનમાં પણ આ પ્રથાના કારણે હિંસા, લૂંટફાટ, મકાનોની તોડફોડ કરવાના કિસ્સા બન્યા છે.

દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડૉ. જિતેન્દ્ર મીણાએ આના વિશે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "આદિવાસી સમુદાયમાં અલગ અલગ પ્રકારના રિવાજ રહ્યા છે જેમાંથી એક પ્રથાને 'મૌતાણા' કહેવામાં આવે છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદના વિસ્તારમાં 'મૌતાણા' પ્રથા વ્યાપક છે."

તેમણે જણાવ્યું કે "માનવીના કેસમાં જ નહીં, પણ પાળતું જાનવર માટે પણ 'મૌતાણા' વસૂલવામાં આવે છે. એટલે કે કોઈના હાથે કોઈની મરઘી, બકરી કે અન્ય પાળતું પ્રાણીનું મોત થાય તો તેનું વળતર માંગવામાં આવે છે અને તે પ્રાણીની કિંમત કરતાં અનેકગણું વધારે હોય છે."

પ્રોફેસર ડૉ. જિતેન્દ્ર મીણાએ જણાવ્યું કે "આદિવાસી સમુદાયમાં દરેક વ્યક્તિની સાથે સાથે તેનાં પાળતું પ્રાણીને પણ સમાજનો ભાગ ગણવામાં આવે છે. આ ઉપરાંત તેમની ઇકૉનૉમીમાં તેની એક ભૂમિકા હોય છે. કોઈનાં મરઘા-મરઘી કે બકરીનું આકસ્મિક મોત થાય તો તેની સીધી અસર પરિવાર પર પડે છે. તેમાં એવી ગણતરી કરવામાં આવે છે કે મરઘી જીવીત રહી હોત તો કેટલાં ઈંડા આપ્યાં હોત, અથવા બકરી જીવીત હોત તો કેટલા લાભ થયા હોત. તેથી 'મૌતાણા'ની રકમ પશુની બજારકિંમત કરતાં ઘણી વધી જાય છે."

રાજસ્થાનમાં 'મૌતાણા'ની પ્રથા કેટલાં વર્ષોથી છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ ડૉ. મીણા કહે છે કે, "તે રિવાજ આધારિત કાયદાનો ભાગ છે. તેના લેખિત કાયદા ભલે ન હોય, પરંતુ તેના મૂળ અંગ્રેજકાળ કરતાં પણ જૂનાં છે."

બનાસકાંઠાનો કેસ શું હતો?

બીબીસી ગુજરાતી બનાસકાંઠા સાબરકાંઠા આદિવાસી ચડોતરું

ઇમેજ સ્રોત, SP Banaskantha/X

ઇમેજ કૅપ્શન, પોલીસે આદિવાસી ગામના પંચો સાથે વાતચીત કરીને મામલામાં સમાધાન કરવા પ્રયાસ કર્યા જે સફળ રહ્યા હતા.

6 એપ્રિલ, 2014ના રોજ મોટા પીપોદરા ગામના રાજુ કોદરવીને નજીકના ગામ ચોકીબારના નારણ ડાભી સાથે જમીન મામલે ઝઘડો થયો હતો. એમાં નારણ ડાભીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના બીજા દિવસે ચોકીબારના લોકો 'ચડોતરું' લઈને નારણ ડાભીના મૃતદેહ સાથે મોટા પીપોદરા ખાતે આવ્યા, પણ કોદરવી સમાજે આ હત્યામાં કોઈ હાથ ન હોવાનું કહેતા મામલો બગડ્યો હતો.

આ બાદ ચોકીબારાના લોકોએ મોટા પીપોદરા ગામ પર હુમલો કર્યો અને મકાનો તોડી નાખ્યાં અને આખુંય ગામ ખેતીની જમીન અને ઘરબાર મૂકી પહેરેલ કપડે નાસી ગયું હતું.

એક તરફ મોટા પીપોદરા ગામના લોકો ખેતી, ઘરબાર છોડીને નાસી ગયા અને બીજી તરફ મર્ડરની ઘટનાની સ્થાનિક હદાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

7 એપ્રિલ, 2014ના રોજ નોંધાયેલી ફરિયાદમાં નારણ ડાભીના ભાઈ ઉદાભાઈ ડાભીએ આરોપ મૂક્યો હતો કે જમીનના ઝઘડામાં એમના નાના ભાઈ નારણની મોટા પીપોદરામાં રહેતા રાજુ કોદરવીએ હત્યા કરી. તત્કાલીન પીએસઆઈ એસકે પરમારે રાજુ કોદરવીની આ મામલામાં ધરપકડ કરી હતી.

આ ધરપકડ બાદ પાલનપુર સેશન્સ કોર્ટમાં ત્રણ વર્ષ કેસ ચાલ્યો અને તમામ પુરાવાના અને સાક્ષીઓને ચકાસ્યા બાદ ઍડિશનલ સેસન્સ જજ જેડી સુથારે રાજુ કોદરવીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

આદિવાસીઓના રિવાજ મુજબ કોર્ટના ચુકાદાથી વધુ એ લોકો પંચના ચુકાદાને વધુ મહત્ત્વ આપે છે. કોર્ટનો ચુકાદો તો આવી ગયો હતો, પણ ચોકીબાર અને મોટા પીપોદરા ગામના પાંચ એકઠા થયા નહીં. જેના કારણે કોદરવી સમાજના લોકો પોતાના ગામમાં પરત ફરી શક્યા નહીં.

મોટા પીપોદરાના લોકો પંચોની હાજરીમાં સમાધાન ન થવાને કારણે ગામમાં પરત આવતા ડરતા હતા.

જમીન હોવા છતાં તેઓ અલગ અલગ શહેરોમાં રહી મજૂરી કરતા હતા.

ગત 18 જુલાઈના રોજ બનાસકાંઠાના દાંતા ખાતેના મોટા પીપોદરા ગામથી હિજરત કરી ગયેલા 29 કુટુંબના આશરે 300 લોકોનું અંદાજે 11 વર્ષ બાદ સરકાર અને પોલીસતંત્રના પ્રયાસો થકી તેમના ગામમાં પુનર્વસન કરવામાં આવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન