અરવલ્લી : 'ડાકણ હોવાનો વહેમ' વર્ષ બાદ મહિલાની હત્યાનું કારણ કેવી રીતે બન્યો?

અરવલ્લી, મહિલાની હત્યા, અંધશ્રદ્ધા, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Ankit Chauhan

ઇમેજ કૅપ્શન, કૌટુંબિક પડોશીએ ઊર્મિલાબહેનની 'ડાકણ હોવાનો વહેમ રાખીને' હત્યા કરી નાખી હતી
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રામપુરી ગામમાં કૌટુંબિક પડોશીએ 'મહિલા ડાકણ હોવાનો વહેમ રાખીને' તેમની હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ત્રણ વર્ષ પહેલાં એક ગેરસમજના કારણે કૌટુંબિક પડોશીએ હત્યા કરી હોવાનો મૃતક મહિલાના પતિનો આક્ષેપ છે.

મૃતક ઊર્મિલાબહેનના પતિએ આરોપી વિરુદ્ધ લગભગ એક વર્ષ પહેલાં ભીલોડા પોલીસસ્ટેશનમાં આ મામલે અરજી કરી હતી, જેમાં આરોપી સામે અટકાયતી પગલાં પણ લેવાયાં હતાં.

આ મામલે પોલીસે આરોપીની પૂછપરછ કરીને ધરપકડ કરી છે. પોલીસે પણ બીબીસી સાથેની વાતચીતમાં એ વાતની પુષ્ટિ કરી છે કે આરોપીએ મહિલા 'ડાકણ હોવાનો' વહેમ રાખ્યો હતો.

સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

અરવલ્લી, મહિલાની હત્યા, અંધશ્રદ્ધા, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Ankit Chauhan

ઇમેજ કૅપ્શન, મૃતક મહિલા ઊર્મિલાબહેનના પતિ દિલીપભાઈ

મૃતક મહિલા ઊર્મિલાબહેનના પતિ દિલીપભાઈ તબિયારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ કે "આરોપી રાજુભાઈ અમારા કૌટુંબિક છે. ત્રણ વર્ષ પહેલાં સુધી અમારા બન્ને પરિવાર વચ્ચે સામાન્ય સંબંધો હતા. ત્રણ વર્ષ પહેલાં એક સાંજે આરોપી રાજુભાઈનો દીકરો અમારા ઘરે આવ્યો હતો."

"તેણે પૂછ્યુ કે લાઇટ છે કે નહીં. અમારા ઘરે લાઇટ ન હતી. આથી અમે કહ્યું કે લાઇટ નથી. એ દિવસ બાદ રાજુભાઈ અમારી સાથે વાત કરતા ન હતા. અમે વાત ન કરવા અંગે કારણ પૂછતા ખબર પડી કે એમનો દીકરો એ દિવસે સાંજે ઘરની લાઇટ નહીં પરંતુ પાણીના બોરની લાઇટ છે કે નહીં તે પૂછવા આવ્યો હતો."

"અમારા ઘરે પાણીનો બોર છે, તેમને બોરમાંથી પીવાનું પાણી ભરવું હતું. તેમને બીજી કોઈ વ્યક્તિ પાસેથી ખબર પડી કે એ દિવસે બોરની લાઇટ હતી. આથી તે અમારાથી નારાજ હતા. તેમને લાગ્યું કે પાણી ન ભરવા દેવા અમે જુઠ્ઠું બોલ્યા હતા. જોકે આ અંગે અમે ચોખવટ કરવા છતાં તેમનો મનભેદ દૂર થયો ન હતો."

એક વર્ષ પહેલાં શું અરજી કરવામાં આવી હતી?

અરવલ્લી, મહિલાની હત્યા, અંધશ્રદ્ધા, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Ankit chauhan

ઇમેજ કૅપ્શન, અરવલ્લી જિલ્લા એસીપી સંજયકુમાર કેશવાલા

દિલીપભાઈનું કહેવું છે કે આરોપી પરિવાર તેમની સાથે ઝઘડો કરતો રહેતો હતો. ગામમાં એવી પણ અફવા ફેલાવી હતી કે તેમનાં 'પત્ની ડાકણ' છે.

દિલીપભાઈ તબિયારે બીબીસીને કહ્યું કે "આ કારણે કેટલાક ગામલોકો અમારી સાથે વાત કરતા ન હતા. તું તો ડાકણ છે તને મારી નાખવાની છે' એમ મારી પત્નીને કહેતા રહેતા હતા.

દિલીપભાઈએ લગભગ એક વર્ષ પહેલાં ભીલોડા પોલીસસ્ટેશનમાં અરજી પણ કરી હતી. પોલીસે તેમની પૂછપરછ કરી હતી અને અટકાયતી પગલાં પણ લીધાં હતાં.

ઊર્મિલાબહેનના પતિએ આરોપી સામે કરેલી અરજી અંગે અરવલ્લી એસીપી સંજયકુમાર કેશવાલાએ પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે "આરોપી મૃતક મહિલાને ડાકણ કહીને વહેમ રાખે છે તે અંગે મૃતકના પતિ દ્વારા અગાઉ આરોપી સામે ભીલોડા પોલીસસ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે આરોપી સામે અટકાયતી પગલાં પણ લીધેલાં છે."

દિલીપભાઈએ વધુમાં જણાવ્યુ હતું કે "પોલીસ પગલાં લીધાં બાદ પણ આરોપી રાજુભાઈ અને તેમનાં પત્નીના વર્તનમાં કોઈ બદલાવ આવ્યો ન હતો. લગભગ છ મહિના પહેલાં રાજુભાઈની ગાય મરી ગઈ તો તેમણે અમારી સાથે ઝઘડો કર્યો હતા. તેમણે મારી પત્નીને કહ્યું કે 'તું ડાકણ છે, મારી ગાયને ખાઈ ગઈ'. અને ત્યારબાદ તેઓ મરેલી ગાય મારા ઘરની સામે મૂકી ગયા હતા. જોકે આ અંગે અમે કોઈ ઝઘડો કર્યો ન હતો."

મહિલાની હત્યા મામલે આરોપીની ધરપકડ

અરવલ્લી, મહિલાની હત્યા, અંધશ્રદ્ધા, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Ankit chauhan

ઇમેજ કૅપ્શન, અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રામપુરી ગામમાં આવેલું ઊર્મિલાબહેનનું ઘર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ બનાવ બન્યો ત્યારે દિલીપભાઈ અમદાવાદમાં હતા. બનાવ અંગે વાત કરતાં દિલીપભાઈ જણાવે છે કે "એ રાત્રે લગભગ અઢી વાગે મારા સાળીનાં દીકરી અને જમાઈ અમદાવાદના મારા ઘરે આવ્યાં અને મને કહ્યું કે માસી સાથે કંઈક બનાવ બન્યો છે. તમારા દીકરાનો ફોન આવ્યો હતો. આપણે તાત્કાલિક ભીલોડા ઘરે જવાનું છે. જોકે પહેલાં હું વાત માનવા તૈયાર ન હતો, કારણ કે એ રાત્રે આઠ વાગ્યે જ મેં મારી પત્ની સાથે વાત કરી હતી."

"પછી મારી સાળીનાં દીકરી અને જમાઈ અમે ત્રણેય સાથે અમદાવાદથી ભીલોડા જવા નીકળ્યાં હતાં. ભીલોડા કોટેજ હૉસ્પિટલ પહોંચીને મેં જોયું કે મારા બન્ને દીકરા ત્યાં રડતા હતા. તેમજ અમારા કેટલાક સંબંધી હાજર હતા. મારી પત્ની સ્ટ્રેચર પર પડી હતી."

દિલીપભાઈને ઘટના અંગે તેમના દીકરાએ વિગતે વાત કરી હતી.

દિલીપભાઈ કહે છે, "મારા દીકરા અમિતે મને કહ્યું કે રાત્રે જમ્યા બાદ ભાઈ, હું અને મમ્મી દરવાજો બંધ કરીને સૂઈ ગયાં હતાં. રાતે અચાનક એક ધડાકાનો અવાજ સંભળાતા હું જાગી ગયો હતો. જાગીને મેં લાઇટ કરી તો મેં જોયું કે બારીમાં આપણા પડોશી રાજુભાઈ ઉર્ફે રાજેન્દ્રભાઈ તબિયાર બંદૂક લઈને ઊભા હતા."

"લાઇટ જોઈને રાજુભાઈ ત્યાંથી ભાગી ગયા હતા. મારી મમ્મી બૂમાબૂમ કરતી હતી. મેં જોયું કે મારી મમ્મીના જમણા પગમાં સાથળમાં ગોળી વાગી હતી. લોહી વહેતું હતું."

ઊર્મિલાબહેનના બન્ને દીકરા અને તેમના સંબંધીઓ તેમને 108 ઍમ્બ્યુલન્સ મારફતે ભીલોડા કોટેજ હૉસ્પિટલ લઈ ગયા હતા. જોકે હૉસ્પિટલમાં હાજર ડૉક્ટરોએ ઊર્મિલાબહેનને મૃત જાહેર કર્યાં હતાં.

અરવલ્લી જિલ્લા એસીપીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "આરોપી રાજેન્દ્ર તબિયારની અમે અટકાયત કરીને પૂછપરછ કરી હતી. મૃતકના દીકરાએ નજરે જોયું હોવાથી આરોપીની ધરપકડ કરાઈ છે."

બીબીસીએ આરોપી અને તેના પરિવારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.

ગામના સરપંચનું શું કહેવું છે?

અરવલ્લી, મહિલાની હત્યા, અંધશ્રદ્ધા, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રામપુરી ગામના સરપંચ મુકેશભાઈ તબિયારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે ગામમાં વ્યકિતગત નાનામોટા ઝઘડા ચાલતા હોય પણ તે દરેક અમારા ધ્યાનમાં ન હોય. જો કોઈ ઝઘડા અંગે અમને રજૂઆત કરે તો અમે બન્ને પક્ષને સાથે બેસાડીને મનભેદ દૂર કરાવીને સમાધાન કરાવીએ છીએ.

"આ કિસ્સામાં ઊર્મિલાબહેનની હત્યા થઈ એ દિવસે જ અમને તેમના પતિ દ્વારા જાણવા મળ્યું કે તેમના પડોશી ઊર્મિલાબહેનને 'ડાકણ હોવાની' શંકા રાખતા હતા. જોકે અમે તેમને કહ્યું કે તમારે અમારું ધ્યાન દોરવું જોઈતું હતું. ત્યારે તેમણે કહ્યું કે તેઓ આ અંગે થોડી સંકોચ અનુભવતા હોવાથી તેમને ગામમાં કોઈને વાત કરી ન હતી."

"તેમને પણ અંદાજ ન હતો કે આ ઘટનાનો આ અંજામ આવશે. આ ઘટનાથી અમે દિલગીર છીએ. તેમજ ગામલોકોને આ પ્રકારની અંધશ્રદ્ધામાં ન માનવા માટે સમજાવીએ છીએ."

'મહિલાઓના અધિકાર છીનવવા તેમણે ડાકણ ઠેરવાય છે'

અરવલ્લી, મહિલાની હત્યા, અંધશ્રદ્ધા, બીબીસી ગુજરાતી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકારે ઑગસ્ટ 2024માં વિધાનસભા સત્રમાં અધશ્રદ્ધા નિર્મૂલન વિધેયક પસાર કર્યું હતું

મહિલાઓના મુદ્દે કામ કરતાં સામાજિક કર્મશીલ નીતા હાર્ડિકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "પિતૃસત્તાક સમાજમાં જ્યારે પણ મહિલા હિંમતવાન હોય, સ્વતંત્ર વિચાર ધરાવતી હોય, પડકાર ફેંકતી હોય તેવી મહિલાઓને ચૂપ કરવા માટે દંડ કરવા માટે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે."

"મહિલાઓના અધિકાર છીનવવા માટે તેમને ડાકણ ઠેરવાય છે. અમે વર્ષોથી આ મુદ્દાઓ પર કામ કરીએ છીએ, જેમાં તારણ નીકળ્યું છે કે વિધવા મહિલાની જમીન પડાવી પાડવા માટે પણ તેના પતિના ભાઈઓ તેમજ કૌટુંબિક લોકો તેને ડાકણ હોવાનું કહીને તેમની પર અત્યાચાર કરતાં હોય છે. ક્યારેક મહિલા મરી જાય ત્યાં સુધી અત્યાચાર કરતાં હોય છે."

ડાકણનો વહેમ રાખતા હોવા અંગે કેટલી ફરિયાદો મળે છે તે અંગે પૂછતા એસીપી સંજયકુમાર કેશવાલાએ જણાવ્યું હતું કે "ડાકણ હોવાનો વહેમ રાખવા અંગે ભીલોડા પોલીસ સ્ટેશનમાં મહિને કે બે મહિને એકાદ અરજી આવે છે. જે અંગે પોલીસ દ્વારા તપાસ કરીને પગલાં લેવામાં આવે છે. ઉપરાંત પોલીસ દ્વારા વિલેજ વિઝિટ દરમિયાન આ પ્રકારની ઘટના ન બને તે માટે કાયદા અંગેની સમજ પણ આપવામાં આવતી હોય છે."

ગુજરાત સરકારે ઑગસ્ટ 2024માં વિધાનસભા સત્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયક પસાર કર્યું હતું.

ગુજરાત સરકારના બિલમાં આપેલી માહિતી પ્રમાણે, માનવ બલિદાન, અનિષ્ટ અને અઘોરી પ્રથા ઉપરાંત કાળા જાદુ જેવી પ્રવૃત્તિઓ અને આ પ્રકારની પ્રવૃત્તિઓને મળતા પ્રોત્સાહનને એક ગુનો ગણવામાં આવશે.

દેશમાં ઝારખંડ (2001), ઓડિશા (2013) આસામ (2015)માં પ્રિવેન્શન ઑફ વિચ હંટિંગ ઍક્ટ પસાર કરવામાં આવ્યો છે.

નીતા હાર્ડિકર કહે છે, "ગુજરાત સરકાર દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયક પસાર કરવામાં આવ્યું છે, જેનું કડક અનુસરણ કરાવવું જોઈએ. આ શરમજનક બાબત છે કે વર્ષ 2024માં પણ કોઈ એક વ્યક્તિ પોતાની ગેરમાન્યતાને કારણે હત્યા કરી નાખે છે. પોલીસ પણ કેટલીક વાર આ પ્રકારની ઘટનામાં પ્રિવેન્શન માટે ગંભીરતા દાખવતી ન હોવાનું જોવા મળે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.