અનિલ અંબાણી જૂથની 7,500 કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લેવાઈ, અબજોપતિના આવા ખરાબ હાલ કેમ થયા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઉદ્યોગસાહસિકતા, અનિલ અંબાણી, અંબાણી પરિવાર, મુકેશ અંબાણી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, નીતા અંબાણી, ટીના મુનીમ, ટીના અંબાણી, આકાશ, અનંત, દિશા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનિલ અંબાણી
    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ રિલાયન્સ અંબાણી જૂથની 7,500 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની સંપત્તિ ટાંચમાં લીધી છે.

ઇડીએ સોમવારે બે અલગ-અલગ નિવેદનોમાં આ માહિતી આપી હતી.

પ્રથમ નિવેદન મુજબ ઇડીએ પીએમએલએ, 2002ની જોગવાઈ હેઠળ રિલાયન્સ અનિલ અંબાણી જૂથની 3083 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની 42થી વધારે મિલકતોને અસ્થાયી રીતે ટાંચમાં લીધી છે.

ઇડીએ જણાવ્યું કે જે મિલકતોને ટાંચમાં લેવાઈ છે, તેમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની 30 પ્રોપર્ટી, આધાર પ્રોપર્ટી કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડની 45 પ્રોપર્ટી, મોહનબીર હાઈ-ટેક બિલ્ડ પ્રાઇવેટ લિમિટેડની ચાર સંપત્તિઓ સામેલ છે.

આ ઉપરાંત ગેમ્સા ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમૅન્ટ પ્રાઇવેટ લિમિટેડ, વિહાન 43 રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડ અને કેમ્પિયન પ્રોપર્ટીઝ લિમિટેડની એક-એક મિલકત પણ ટાંચમાં લેવાઈ છે.

ઇડીએ જણાવ્યું કે આરકોમના એસબીઆઇ સાથેના છેતરપિંડી કેસ અને આરસીએફએલ અને આરએચએફએલના યસ બૅન્ક સાથેના છેતરપિંડી કેસના કારણે આ મિલકતો ટાંચમાં લેવાઈ છે.

અનિલ અંબાણી એક સમયે વિશ્વના છઠ્ઠા ક્રમના સૌથી શ્રીમંત માણસ હતા

"એક વખત સફળતા મળી જાય એ પછીની સફળતા વધારે આસાનીથી મળી જાય છે."

2004માં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અનિલ અંબાણીએ આ વાત કહી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ વેળાએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરતા હતા. એ કંપનીનો પાયો તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હતો અને તેમને તેમના મોટાભાઈ મુકેશ અંબાણીનો સધિયારો હતો.

જોકે, એ પછીના મહિનાઓમાં ઘટનાક્રમ ઝડપથી બદલાયો હતો અને બન્ને ભાઈઓનો પારિવારિક બિઝનેસ ભાગલા થવા સુધી પહોંચ્યો હતો.

અનિલને ટેલિકૉમ, ફાઇનાન્સિયલ સર્વિસિસ તથા ઍનર્જી બિઝનેસ મળ્યા, જે તેઓ ચાહતા હતા અને જે એમના વ્યક્તિત્વમાં ઝળકતું હતું. એ ત્રણેય નવા જમાનાના નવા બિઝનેસ હતા.

અલબત, રિલાયન્સ જૂથનો મુખ્ય બિઝનેસ પેટ્રોકેમિકલ્સનો હતો, પરંતુ એ વખતે આત્મવિશ્વાસથી છલકતા અને દોડવાના શોખીન અનિલને નવા જમાનાના એ બિઝનેસમાં પ્રગતિની સંભાવના વધારે દેખાઈ હતી.

ભારત ટેલિકૉમ ક્રાંતિના દરવાજે ઊભું હતું અને ઍનર્જી, ઇન્સ્યૉરન્સ તથા ફાઇનાન્સિયલ સર્વિસિસમાં વિદેશી રોકાણ માટે પોતાના દરવાજા ખોલી રહ્યું હતું.

એ પરિસ્થિતિમાં અનિલ અંબાણીએ 2006માં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ(એડીએજી)ની સ્થાપના કરી હતી.

ઘણા વિશ્લેષકો અનિલના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રૂપ પર દાવ લગાવી રહ્યા હતા. 2008માં તેમણે રિલાયન્સ પાવરનો આઈપીઓ લૉન્ચ કર્યો હતો.

એ ભારતીય શૅરબજાર માટે એક ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે તે આઈપીઓ થોડી મિનિટોમાં જ ઓવર સબસ્ક્રાઈબ થઈ ગયો હતો.

જેટલા શૅર ઑફર કરવામાં આવ્યા હતા તેનાથી લગભગ 69 ગણા શૅરો માટે ભરણું કરવામાં આવ્યું હતું.

એ વખતે તે ભારતનો સૌથી મોટો આઈપીઓ હતો.

2008માં ફૉર્બ્સ સામયિકના એક સર્વેમાં અનિલ અંબાણી 42 અબજ ડૉલરની સંપત્તિ સાથે વિશ્વના છઠ્ઠા ક્રમના સૌથી શ્રીમંત વ્યક્તિ હતા.

સતત ઊંધાં પડ્યાં પાસાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઉદ્યોગસાહસિકતા, અનિલ અંબાણી, અંબાણી પરિવાર, મુકેશ અંબાણી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, નીતા અંબાણી, ટીના મુનીમ, ટીના અંબાણી, આકાશ, અનંત, દિશા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનિલ અંબાણીની ફાઇલ તસવીર

પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વ્હાર્ટનમાંથી એમબીએ થયેલા અનિલ અંબાણીએ પાવર કંપની તો બનાવી લીધી, પરંતુ મોટાભાઈ મુકેશ અંબાણી સાથેના તેમના ઝઘડાનો અંત આવ્યો ન હતો અને એ ઝઘડા બિઝનેસ અવરોધ બન્યા હતા.

વરિષ્ઠ બિઝનેસ પત્રકાર પવનકુમાર કહે છે, "અનિલ અંબાણીએ દાદરી ગૅસ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો. એ માટે ક્રિષ્ના ગોદાવરી બેસિન (કેજીડી-6)માંથી સસ્તા દરે ગૅસ મળવાનો હતો. કેજીડી-6ની માલિકી મુકેશ અંબાણીની હતી. તેમણે સસ્તા દરે ગૅસ આપવાનો ઇન્કાર કર્યો હતો. એ લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી."

સુપ્રીમ કોર્ટે 2010માં આદેશ આપ્યો હતો કે બન્ને ભાઈ પારિવારિક કૉન્ટ્રેક્ટ નવેસરથી બનાવે. કોર્ટે ગૅસની કિંમત નક્કી કરવાનો અધિકાર સરકારને આપ્યો હતો.

નવા કૉન્ટ્રેક્ટ અનુસાર, ગૅસની કિંમત પ્રતિ મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) 4.2 ડૉલર નક્કી કરવામાં આવી હતી, જ્યારે કે 2005માં બન્ને ભાઈએ ગૅસની કિંમત 17 વર્ષ માટે પ્રતિ એમએમબીટીયુ 2.34 ડૉલર નક્કી કરી હતી.

એ સિવાય અનિલ અંબાણીએ દક્ષિણ આફ્રિકાની ટેલિકૉમ કંપની એમટીએન સાથે કરારનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ સોદો અમલી બની શક્યો ન હતો.

ટેલિકૉમમાં વિસ્તારની ભરપૂર શક્યતા હતી, પરંતુ તેમાં એટલા જ મોટા પ્રમાણમાં રોકાણની જરૂરિયાત પણ હતી.

બિઝનેસ પત્રકાર અસીમ મનચંદા કહે છે, "અનિલ અંબાણીના દાવ ઉલટા પડતા હોય તેવું લાગવા માંડ્યું હતું. અનિલ હજારો કરોડ રૂપિયાની જરૂર હોય તેવા પ્રોજેક્ટ્સમાં કૂદી પડતા હતા. તેઓ વિદેશમાં કંપનીઓની ખરીદી અને પોતાના સામ્રાજ્યના વિસ્તાર પાછળ ઘણો ખર્ચ કરી રહ્યા હતા."

પછી 2008માં અમેરિકામાં લેહમૅન બ્રધર્સના પતન સાથે આર્થિક મંદીએ આખી દુનિયાને પોતાના આશ્લેષમાં લઈ લીધી હતી. અનિલ અંબાણી પણ તેમાંથી અળગા રહી શક્યા ન હતા.

પત્રકાર પવનકુમાર કહે છે, "લેહમૅન બ્રધર્સના કડાકા પછી ભારતમાં પણ બૅન્કિંગ સેક્ટર માટે નિયમો આકરા બનાવવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિઓને લોન મેળવવામાં મુશ્કેલી થવા લાગી હતી. અનિલ અંબાણી પોતાનો બિઝનેસ વિસ્તારી રહ્યા હતા અને તેમને પૈસાની જરૂર હતી, પરંતુ તેમની પાસે પૈસાની બહુ કમી હતી."

2011માં કથિત 2-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને અનિલ અંબાણીની પણ પૂછપરછ કરી હતી.

ઝાકઝમાળવાળી કાર્યશૈલી

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઉદ્યોગસાહસિકતા, અનિલ અંબાણી, અંબાણી પરિવાર, મુકેશ અંબાણી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમિતાભ બચ્ચન અને અમરસિંહ સાથે અનિલ અંબાણી (આ તસવીર 27 જાન્યુઆરી 2004ની છે)

અનિલ અંબાણીએ રિલાયન્સ – અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (આર-એડીએજી)ના ચૅરમૅનનું પદ સંભાળ્યું કે તરત જ તેમના ભવ્ય અને ઝાકમઝોળ કાર્યશૈલી સ્પષ્ટ રીતે નજરે પડવા લાગી હતી.

અનિલ અંબાણી મીડિયામાં કાયમ ખૂબ ચર્ચામાં રહેતા હતા.

અસીમ મનચંદા કહે છે, "અનિલ અંબાણી તેમના ટેલિકૉમ બિઝનેસ સંબંધી નાની-મોટી જાહેરાતો માટે પણ પત્રકાર પરિષદ યોજતા હતા. તેઓ તેમના અધિકારીઓ મારફત તેનું વિગતવાર પ્રેઝન્ટેશન કરાવતા હતા."

એક ઘટનાને યાદ કરતાં અસીમ મનચંદા કહે છે, "અનિલ અંબાણી દિલ્હી સ્થિત સંચાર ભવનમાં વારંવાર આવતા-જતા રહેતા હતા. ક્યારેક તેઓ સંચાર ભવન પાછળ આવેલી યુએનઆઈ સમાચાર એજન્સીની કૅન્ટીનમાં પહોંચી જતા હતા અને ત્યાં પત્રકારોને મળતા પણ હતા."

અમિતાભ બચ્ચન સહિતના બોલિવૂડના અનેક સ્ટાર્સ સાથે તેમને ગાઢ સંબંધ હતો અને સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહ ઘણીવાર તેમની સાથે જોવા મળતા હતા.

અનિલને બોલિવૂડ સાથે જૂનો સંબંધ હતો. તેમણે વિખ્યાત અભિનેત્રી ટીના મુનીમ સાથે 1991માં લગ્ન કર્યાં હતાં. પોતાના બિઝનેસનો વિસ્તાર કરતાં અનિલ અંબાણીએ ઍન્ટર્ટેઇનમેન્ટ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો.

તેમણે વિખ્યાત ફિલ્મસર્જક સ્ટીવન સ્પીલબર્ગના ડ્રીમવર્ક્સ સ્ટુડિયો સાથે ભાગીદારી કરીને ફિલ્મો બનાવી હતી.

તેમણે 'એડલૅબ્સ' નામની મલ્ટીપ્લૅક્સ ચેઇન ખરીદી હતી અને 2008 સુધીમાં ભારત તથા વિદેશમાં 700 સ્ક્રીન સાથે સૌથી મોટા મલ્ટીપ્લૅક્સના માલિક બની ગયા હતા.

રિલાયન્સ કૉમ્યુનિકેશનનું 'ખોટું ડાયલિંગ'

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઉદ્યોગસાહસિકતા, અનિલ અંબાણી, અંબાણી પરિવાર, મુકેશ અંબાણી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક સમયે દુનિયાના ટોચના દસ અબજોપતિઓમાં સામેલ અનિલ અંબાણી હાલ પોતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

2002માં રિલાયન્સ ઇન્ફોકૉમ(આરકોમ)ની શરૂઆત થઈ ત્યારે કંપનીએ કોડ ડિવીઝન મલ્ટીપલ ઍક્સેસ (સીડીએમએ) ટૅક્નૉલૉજી પસંદ કરી હતી.

તે એક ઊભરતી ટૅક્નૉલૉજી હોવાનો અને ઍરટેલ તથા હચિસન જેવા પ્રતિસ્પર્ધી ઑપરેટર્સની ગ્લોબલ સિસ્ટમ ફૉર મોબાઇલ (જીએસએમ) ટૅક્નૉલૉજી કરતાં બહેતર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

હકીકતમાં સીડીએમએ માત્ર 2-જી અને 3-જી પૂરતી જ મર્યાદિત હતી. ભારતમાં 4-જી અને પછી 5-જી સર્વિસ લૉન્ચ થઈ ત્યારે આરકૉમ બહુ ખરાબ રીતે પાછળ રહેવા લાગી હતી.

પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે કંપનીએ તેના ટેલિકૉમ બિઝનેસને રામરામ કરવાનું ઉત્તમ ગણ્યું હતું.

સપ્ટેમ્બર 2018માં યોજાયેલી આરકૉમના શૅરહોલ્ડર્સની વાર્ષિક સાધારણ સભામાં અનિલ અંબાણીએ જાહેરાત કરી હતી કે "હવે આ ક્ષેત્રમાં આગળ નહીં વધવાનો નિર્ણય અમે કર્યો છે."

તેમ છતાં, અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થતી ન હતી.

અસીમ મનચંદા કહે છે, "અનિલે તેમની ટેલિકૉમ કંપનીની અસ્કયામતો મોટાભાઈ મુકેશની રિલાયન્સ જીયોને રૂ. 18,000 કરોડમાં વેચવાનો કરાર કર્યો હતો, પરંતુ જિયોએ આરકૉમના દેવાની ભરપાઈ કરવી પડશે, તેવો આગ્રહ ટેલિકમ્યુનિકેશન વિભાગે રાખ્યો હતો અને જિયોએ તેવું કરવાનો ઇન્કાર કર્યો હતો. તેથી સોદો તૂટી પડ્યો હતો."

રાફેલથી થોડી રાહત

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઉદ્યોગસાહસિકતા, અનિલ અંબાણી, અંબાણી પરિવાર, મુકેશ અંબાણી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાફેલને બનાવતી કંપની ડસૉ ઍવિએશને વર્ષ 2017માં અનિલ અંબાણીના માલિકીના હક ધરાવતી રિલાયન્સ ઍરોસ્ટ્રક્ચર લિમિટેડને પોતાની ઑફસેટ ભાગીદાર બનાવી હતી.

અનિલ અંબાણીએ 2015માં પિપાવાવ ડિફેન્સ ઍન્ડ ઑફશોર એન્જીનિયરિંગ કંપનીને રૂ. 2,082 કરોડમાં ખરીદી હતી.

તેમનો ઇરાદો સંરક્ષણ ક્ષેત્રમાં પગરણ કરવાનો હતો, પરંતુ એ ક્ષેત્રમાં પણ વિવાદોએ તેમનો પીછો છોડ્યો ન હતો.

રફાલ ફાઇટર પ્લેન ઑફસેટ સોદામાં અનિલ અંબાણીએ અનુચિત લાભ લીધો હોવાનો આરોપ વિરોધ પક્ષ કૉંગ્રેસે મૂક્યો હતો.

રાહુલ ગાંધીએ 2019ની સાતમી માર્ચે દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું, "અનિલ અંબાણીને રૂ. 30,000 કરોડ મળી શકે એટલા માટે રફાલ સોદામાં વિલંબ કરવામાં આવ્યો હતો. અમારી યુપીએ સરકારના સોદા અનુસારનો સોદો થયો હોત તો રફાલ વિમાન અત્યારે ભારતમાં હોત."

સવાલ એ છે કે તેજ તર્રાર અનિલ અંબાણીની કંપનીઓ વ્યાપારી મંદીનો શિકાર થઈ કે પછી ગેરવહીવટને કારણે આવી હાલત થઈ?

પત્રકાર પવનકુમાર કહે છે, "મને લાગે છે કે આ બન્ને કારણો છે. અનિલ અંબાણી પોતાના બિઝનેસ પર ફોકસ કરી શક્યા નહીં. એક બિઝનેસમાં નિષ્ફળતા મળે તો તેઓ બીજા બિઝનેસ ભણી વળતા હતા. તેમણે નફાકારક બની શકે એવા તમામ બિઝનેસમાં તેમણે ઝંપલાવ્યું હતું તેમાં કોઈ શંકા નથી, પરંતુ બિઝનેસ ચલાવવા માટે જે પૈસા જોઈએ એ તેમની પાસે ન હતા."

કંપનીઓની ખરાબ હાલત

બીબીસી ગુજરાતી, ગુજરાત, ઉદ્યોગસાહસિકતા, અનિલ અંબાણી, અંબાણી પરિવાર, મુકેશ અંબાણી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક સમયે જે અનિલ અંબાણી દુનિયાના છઠ્ઠા ક્રમના સૌથી શ્રીમંત વ્યક્તિ હતા.

એક સમયે જે અનિલ અંબાણી દુનિયાના છઠ્ઠા ક્રમના સૌથી શ્રીમંત વ્યક્તિ હતા તેમની સામે હવે લોનમાં છેતરપિંડીથી માંડીને મની લૉન્ડરિંગ સુધીના કેસ ચાલી રહ્યા છે.

2020માં ચીની બૅન્કોની લોન સંબંધી વિવાદમાં ઇંગ્લૅન્ડની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન અનિલ અંબાણીએ સ્વીકાર્યું હતું કે તેમણે દેવાળું ફૂંક્યું છે અને લોન ચૂકવી શકે તેમ નથી.

અનિલ અંબાણીના વકીલે એવી દલીલ કરી હતી કે "અનિલ અંબાણીની નેટવર્થ ઝીરો છે. તેઓ દેવાળિયા છે. તેથી દેવું ચૂકવી શકે તેમ નથી. પરિવારના લોકો પણ તેમની મદદ નહીં કરી શકે."

બીજી તરફ, અનિલ અંબાણીની કંપનીઓ સંબંધી રૂ. 17,000 કરોડની લોન છેતરપિંડીની તપાસ ચાલી રહી છે.

મની લૉન્ડરિંગ કેસમાં ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનિલ અંબાણીને પૂછપરછ પણ કરી છે.

તેમની ગ્રૂપની કંપનીઓના શૅરધારકોને તો આંચકો લાગ્યો જ છે. સાથે સાથે અનિલ અંબાણીની ખુદની જે થોડીઘણી હિસ્સેદારીની કિંમત પણ "સફાચટ" થઈ રહી છે.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શૅરોમાં પાછલા એક મહિનામાં 28 ટકા ઘટાડો થયો છે.

રિલાયન્સ પાવરના શૅર છેલ્લા પાંચ-છ બિઝનેસ સત્રોમાં લગભગ 20 ટકા તૂટ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન