અંબાણીથી માંડીને દેવાદાર પિતા સુધી, લગ્નમાં ભારતના લોકો આટલો ખર્ચ કેમ કરે છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, નંદિની વેલ્લિચામી
- પદ, બીબીસી સંવાદદાતા
છેલ્લા કેટલાક દિવસોથી આખા દેશમાં બધાની નજર એક લગ્ન અને તેને સંબંધિત આયોજન પર છે. આ લગ્ન ભારતના સૌથી વધુ ધનિક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં છે.
આ લગ્નની નાનામોટી માહિતીની મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે.
વિખ્યાત ભારતીય હસ્તીઓ તેમના પરિવાર સાથે ચમકદાર રંગનાં વસ્ત્રોમાં અને ઝગમગતાં ઘરેણાંમાં જોવા મળે છે.
વિશ્વવિખ્યાત ગાયક જસ્ટિન બીબર, બોલીવૂડના સ્ટાર્સ, ટોચના ક્રિકેટર્સ અને બિઝનેસમૅનોએ મુંબઈમાં ધામા નાખ્યા છે.
બારમી મેએ અનંત-રાધિકાનાં લગ્ન થયાં છે. જોકે લગ્નની તૈયારીઓ અગાઉથી ચાલતી રહી છે. જેમાં ખર્ચાના પણ અંદાજ લગાવાઈ રહ્યા છે.

બારમી મેએ અનંત-રાધિકાનાં લગ્ન થયાં છે. જોકે લગ્નની તૈયારીઓ અગાઉથી ચાલતી રહી છે. જેમાં ખર્ચાના પણ અંદાજ લગાવાઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ આયોજન પર હજારો કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હકીકતમાં ભારતમાં લગ્ન ધૂમધામ અને અનેક કાર્યક્રમોવાળો “પારિવારિક ઉત્સવ” હોય છે.
ભારતીય પરિવારો આ લગ્નનો ઉપયોગ સમાજ સમક્ષ પોતાના પ્રભાવ અને ધનના પ્રદર્શન તરીકે કરતા હોય છે. આ લગ્નોત્સવનો ક્રેઝ ભારતના તમામ વર્ગના લોકોમાં એક અનોખી પરંપરા બની ગયો છે.
ઉત્તર ભારતીય હિન્દુઓનાં લગ્નમાં સંગીત, હલ્દી અને અન્ય કાર્યક્રમોનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવે છે. ઇસ્લામિક શાદીમાં મહેંદી, નિકાહ અને વલીમાની વિધિ થાય છે. ખ્રિસ્તી મૅરેજમાં સગાઈ, લગ્ન અને રિસેપ્શનનો સમાવેશ થાય છે.
અંબાણી પરિવારમાંના લગ્ન નહીં પણ ભારતીય સમાજમાં લગ્ન શાનનું પ્રતીક ગણાય છે. મોટા ભાગના લોકો પોતપોતાની અનુકૂળતા અને નાણાકીય ક્ષમતા પ્રમાણે આયોજન કરે છે, આયોજન પણ ભવ્ય અને યાદગાર રહે તેવું ઇચ્છતા હોય છે.
દરેક પરિવાર પોતાના મિત્રો, સંબંધીઓ અને સામાજિક દાયરામાં પોતાની હેસિયત દર્શાવવા માટે વધારે પડતો ખર્ચ કરવામાં રસ રાખે છે.
કરોડોનું મૅરેજ માર્કેટ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ અને કેપિટલ માર્કેટ્સ ફર્મ જેફ્રીઝે જૂન, 2024માં અહેવાલ રજૂ કર્યો છે.
એ રિપોર્ટ મુજબ, ભારતીય અર્થતંત્રમાં લગ્નનો બિઝનેસ 130 અબજ ડૉલર (લગભગ રૂ. 10.7 લાખ કરોડ)નો હોવાનો અંદાજ છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે સામાન્ય રીતે ભારતીયો શિક્ષણ કરતાં લગ્ન પર બમણો ખર્ચ કરે છે.
રૂ. 56.5 લાખ કરોડના ફૂડ અને ગ્રોસરી બિઝનેસ પછી તે ભારતનું બીજું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ છે. અમેરિકાના 5.8 લાખ કરોડના મૅરેજ માર્કેટ કરતાં ભારતનું મૅરેજ માર્કેટ લગભગ બમણું છે, જ્યારે 14 લાખ કરોડના ચીનના માર્કેટ કરતાં ઓછું છે.
આંકડા દર્શાવે છે કે ભારતમાં દર વર્ષે લગભગ 80 લાખથી એક કરોડ લગ્નો થાય છે. ચીનમાં 70થી 80 લાખ લગ્ન થાય છે અને અમેરિકામાં 20થી 25 લાખ લગ્ન થાય છે.
પ્રસ્તુત આંકડા દર્શાવે છે કે ભારતીય સમાજમાં લગ્ન સંબંધે ઘણું આર્થિક દબાણ હોય છે.
જેફ્રીઝનો રિપોર્ટ સૂચવે છે કે ભારતમાં લગ્નનો સરેરાશ ખર્ચ રૂ. 12.5 લાખ સુધીનો હોય છે, જ્યારે ભવ્ય લગ્નનો ખર્ચ રૂ. 20થી 30 લાખની વચ્ચે હોય છે. રૂ. સાડા બાર લાખનો સરેરાશ લગ્ન ખર્ચ ભારતના કુલ માથાદીઠ ઉત્પાદન (જીડીપી, આશરે રૂ. 2.4 લાખ) કરતાં પાંચ ગણો વધારે છે. પરિવારની સરેરાશ વાર્ષિક આવક (રૂ. ચાર લાખ)ની સરખામણીએ તે ત્રણ ગણો હોય છે.
એ ઉપરાંત આ ખર્ચ ભારતમાં કિન્ટરગાર્ટનથી ગ્રેજ્યુએશન એમ 18 વર્ષ સુધી સંતાનને શિક્ષિત કરવાના ખર્ચ કરતાં લગ્નનો ખર્ચ લગભગ બમણો છે. અમેરિકામાં લગ્નમાં શિક્ષણ કરતાં અડધો ખર્ચ થાય છે. આ આંકડાઓને આધારે આપણે સાંસ્કૃતિક વિરોધાભાસને સમજી શકીએ.
જેફ્રીસનો આ રિપોર્ટ વર્તમાન ડેટા તથા લગ્ન કેન્દ્રોની મુલાકાત પર આધારિત છે.
વૈભવી લગ્નોથી ઓછી આવકવાળા અને મધ્યમ વર્ગના પરિવારો પર અસહ્ય બોજો આવે છે.
દેવાંનું નિરંતર ચાલતું ચક્ર

ઇમેજ સ્રોત, Getty Images
ચેન્નાઈસ્થિત કાર્તિકા (બદલેલું નામ)એ એક દાયકા પહેલાં 22 વર્ષની વયે ચિક્કાર ખર્ચ સાથે ભવ્ય લગ્ન કર્યાં ત્યારે તો “બધું બરાબર હતું.”
હવે કાર્તિકા કહે છે કે તેમનાં માતા-પિતા અને પતિને લગ્ન માટે કરેલા દેવાંની જાળમાંથી બહાર આવતાં લગભગ દસ વર્ષ લાગ્યાં હતાં.
કાર્તિકાના જણાવ્યા મુજબ, 2014માં તેમનાં લગ્ન થયાં ત્યારે મૅરેજ હૉલ અને ભોજનપેટે જ તેમણે લગભગ 10 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.
કાર્તિકા કહે છે, “મેં લવમૅરેજ કર્યાં છે. એ વખતે અમારી બન્નેની વય 22 વર્ષ હતી. અમારું કુટુંબ ઓછી આવક ધરાવતો પરિવાર છે. મારા પિતાએ મને એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવ્યો હતો. તેમણે મારા લગ્નમાં મોટો ખર્ચ કર્યો હતો. લગ્ન પહેલાં મને અને મારા ભાવિ પતિને પહેલી નોકરી મળી ત્યારે અમારો પગાર રૂ. 20,000થી ઓછો હતો. તેથી કોઈ બચત ન હતી. લગ્ન સારી રીતે કરવા મારા પિતાજીએ સાત લાખ રૂપિયાની લોન લીધી હતી. મારા પતિએ ખાનગી બૅન્કમાંથી ત્રણ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી હતી.”
કાર્તિકાનું કહેવું છે કે તેમના પતિએ લીધેલી રૂ. ત્રણ લાખની લોન ચૂકવવાનું અશક્ય જણાતું હતું. આખરે 2022માં તેમણે તમામ વ્યાજ સાથે એ પેટે રૂ. 6 લાખ ચૂકવ્યા હતા. લગ્નના શરૂઆતનાં થોડાં વર્ષો દરમિયાન એક લોન ચૂકવવા બીજી લોન અને તેને ચૂકવવા ત્રીજી લોન એમ એક પછી એક લોનના ચક્રમાં અટવાયેલા રહ્યા હતા.
કાર્તિકા કહે છે, “આઈટી ક્ષેત્રે કામ કરતા મારા પતિની નોકરી કોરાનાના સમયગાળામાં ચાલી ગઈ હતી. એક વર્ષ બાદ નોકરી મળી ત્યાર પછી જ તેઓ લોનનું રિપેમેન્ટ કરી શક્યા. એક લોન વડે ઘર ખરીદી શકાય તેમ ન હતું. બૅન્ક સાથેના અમારા સિબિલ સ્કોર પર પણ અસર પડી હતી.”
કાર્તિકાનાં માતા-પિતા દીકરીનાં લગ્ન માટે લીધેલી લોનના કરજમાંથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા હતા ત્યાં ઑક્ટોબર-2023માં તેમણે કાર્તિકાના નાના ભાઈનાં લગ્ન માટે રૂ. છ લાખની વધુ એક લોન લીધી હતી. કાર્તિકાનું કહેવું છે તે આ લોન ચૂકવવાનું આગામી ચાર-પાંચ વર્ષ સુધી ચાલતું રહેશે.
કાર્તિકા પોતાનાં લગ્નના અનુભવમાંથી એ શીખ્યાં છે કે પોતે જે મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું તેવી મુશ્કેલીમાંથી તેમની બન્ને દીકરીઓએ પસાર ન થવું પડે. તેથી કાર્તિકા દીકરીઓનાં લગ્ન સાદાઈથી કરવા ઇચ્છે છે.
આલિશાન પાર્ટીઓ અને યુવાઓનું આકર્ષણ

ઇમેજ સ્રોત, MARRIAGE COLORS
એક તરફ એવા લોકો છે, જેઓ લગ્ન માટે લોન લે છે અને તેની જાળમાંથી બહાર આવી શકતા નથી, જ્યારે બીજી તરફ એવા લોકો છે, જેઓ પોતાની બચતના મોટા ભાગના હિસ્સાનો ખર્ચ લગ્નમાં સ્વેચ્છાએ કરે છે.
ચેન્નાઈમાં રહેતા દિનેશ પોતાની બચતનો 70 ટકા હિસ્સો લગ્ન માટે કરતાં ખચકાયા ન હતા. એ હિસ્સો તેમણે ચાર-પાંચ વર્ષથી બચાવી રાખ્યો હતો. તેઓ લગ્ન સહિતના વિવિધ કાર્યક્રમોના આયોજન અને સંકલનનો બિઝનેસ કરે છે. દિનેશે તેમનાં લગ્નમાં ઘરેણાં, વેડિંગ હૉલ અને સ્ટેજ ડેકોરેશન પાછળ લગભગ રૂ. 30 લાખનો ખર્ચ કર્યો હતો.
દિનેશ કહે છે, “અમારામાં લગ્ન પહેલાં અનેક પ્રકારની વિધિઓ થાય છે. અમે એ બધી ભવ્ય રીતે કરી હતી. અમે કન્યાદર્શન, લગ્ન, અને રિસેપ્શન જેવા તમામ કાર્યક્રમો કર્યા હતા.”
દિનેશે લગ્નના ફોટો શૂટ પાછળ જ દોઢ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. દિનેશે પોતાના લગ્નમાં મ્યુઝિક બૅન્ડ, હેલીકેમ વડે ફોટોગ્રાફી જેવી આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હતો.
પોતે શા માટે લગ્ન કરવા ઇચ્છે છે તેના દરેક વ્યક્તિ પાસે અલગ-અલગ કારણો હોય છે.
દિનેશ કહે છે, “મારાં માતા કે પિતા બન્નેમાંથી કોઈ હયાત નથી. મારાં માતા અને પિતાએ જે રીતે લગ્નજીવન પસાર કર્યું હતું તેવી જ રીતે મારે પણ કરવાનું છે એવું વિચારીને મેં કોઈ મુશ્કેલી વિના લગ્ન કર્યાં હતાં. આપણી ખુશી માટે આપણે જ ખર્ચ કરવો પડે. હું કેટલો સમૃદ્ધ થયો છું એ લોકો સમક્ષ અન્ય કઈ રીતે સાબિત કરી શકું?”
લગ્નમાં મોંઘાં ઘરેણાં

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય લગ્નોમાં સૌથી મોંઘી વસ્તુઓ પૈકીની એક જ્વેલરી છે. જેફ્રીઝના અહેવાલ મુજબ, માત્ર ઘરેણાં પાછળ 35થી 40 અબજ ડૉલર (રૂ. 2.9થી 3.3 લાખ કરોડ) ખર્ચવામાં આવ્યા હતા.
ભારતમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોમાં સોનાનાં ઘરેણાં જેટલું જ મહત્ત્વ હીરાનાં ઘરેણાંને પણ આપવામાં આવે છે. કન્યાના પરિવાર તરફથી વરરાજાના પરિવારને દહેજના રૂપમાં સોનું આપવામાં આવે છે. માતા-પિતા લોન દેવું કરીને દીકરીઓ માટે ઘરેણાં ખરીદે છે.
ઘરેણાં પછી આવે છે ભોજન. લગ્નમાં પીરસવામાં આવતા ભોજન પાછળ લગભગ 24થી 26 અબજ ડૉલર (રૂ. 1.9થી 2.1 લાખ કરોડ) ખર્ચવામાં આવે છે. ઉપરાંત લગ્નના કાર્યક્રમો, કપડાં, શણગાર અને ફોટોગ્રાફ્સ માટે પણ ખર્ચ થાય છે.
હવે મોટા ભાગનાં લગ્નોમાં ડીજે અને ફ્લોર ડાન્સના કાર્યક્રમો પણ હોય છે. તેમાં મહેમાનો પણ ભાગ લે છે. એ સિવાય મૅરેજ હૉલમાં ફોટો બૂથ, સેલ્ફી બૂથ, થ્રીડી કૅમેરા જેવી નવી ટેક્નૉલૉજી માટે હજારો રૂપિયા ખર્ચવામાં આવે છે.
ખાનગી સૉફ્ટવૅર કંપનીમાં કામ કરતા તિરુપુર જિલ્લાના સતીશનાં લગ્ન ગયા જૂનમાં થયાં હતાં. તિરુપુર સેકન્ડ ક્લાસ સિટી હોવાને કારણે સતીશનાં લગ્નમાં રૂ. 12 લાખનો ખર્ચ થયો હતો.
સતીશ કહે છે, “હું ખર્ચાળ લગ્ન સાથે સહમત નથી. દરેક વર્ષે મારું મિત્રવર્તુળ વિકસી રહ્યું છે. લગ્નમાં દરેકને આમંત્રણ આપવું જરૂરી હોય છે. એ ઉપરાંત અમારી આસપાસના લોકો અમારા લગ્નની સરખામણી અન્યોનાં લગ્ન સાથે કરતા હોય છે. તેથી બીજાઓ પ્રશંસા કરે એટલા માટે આવાં લગ્ન કરવા મજબૂરી છે.”

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં લગ્નનું સાંસ્કૃતિક મહત્ત્વ દેશ ઉપરાંત ભારત બહાર માર્કેટ બનાવવા માટે એક નવો ઉદ્યોગ બની ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે વિદેશને બદલે ભારતમાં લગ્ન કરવાને આગ્રહ કર્યો હતો.
ભારતમાં રાજસ્થાનમાં જયપુર તથા ઉદયપુર જેવાં સ્થળોમાં મહેલો, હોટલો વગેરે અને ગોવા જેવા દરિયા કિનારાના વિસ્તારોમાંનાં વૈભવી સ્થળો બોલીવૂડ સેલિબ્રિટીઝથી માંડીને ધનિકો સુધીના લોકોના ફેવરિટ વેડિંગ ડેસ્ટિનેશન છે.
‘મૅરેજ કલર્સ’ના વેડિંગ પ્લાનર પ્રદીપ ચંદરના કહેવા મુજબ, ઘણા સેલિબ્રિટીઝમાં હવે મામલ્લાપુરમ, તામિલનાડુ અને કેરળમાં લગ્ન કરવાનો ટ્રેન્ડ છે.
પ્રદીપ કહે છે, “અંબાણીએ પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન, જ્યાં કોઈ સેટ ન હતા ત્યાં કર્યું હતું. આ ટ્રેન્ડિંગ છે. બોલીવૂડની અભિનેત્રીઓએ સમુદ્ર તટે લગ્ન કર્યાં હતાં. અનોખા લગ્નનો ટ્રેન્ડ છે. હિટ ફિલ્મોને આધારે લગ્નનું આયોજન કરવામાં આવે છે. તેઓ પોનીન સેલ્વન થીમ અને બાહુબલી થીમ પર લગ્ન કરવાનો આગ્રહ રાખે છે.”
જોકે, એવા પણ ઘણા યુવાઓ છે, જેઓ સાદાઈથી લગ્ન કરવા અને વિવિધ ખર્ચ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે.
આવા જ એક યુવાન તિરુપુર જિલ્લાના મનોજ છે. તેઓ કહે છે, “મેં મારા કેટલાક દોસ્તો અને સંબંધીઓની જ હાજરીમાં લગ્ન કર્યાં હતાં.”
મનોજનું કહેવું છે કે મારાં લગ્ન થઈ ગયાં છે એવું અન્યોને જણાવવા માટે મેં સાદું રિસેપ્શન યોજ્યું હતું. તેમાં લગભગ રૂ. 50,000 ખર્ચ્યા હતા.
મનોજ કહે છે, “લોન લઈને લગ્ન તથા રિસેપ્શનમાં લાખો ખર્ચવાને બદલે અમે તે પૈસાનો ઉપયોગ ઘર માટે જરૂરી વસ્તુઓ ખરીદવાની યોજના બનાવી હતી. ઘર માટે જરૂરી તમામ વસ્તુઓ અમે ખરીદી લીધી છે. અમે ધામધૂમથી લગ્ન કર્યાં હોત તો કરજમાં ડૂબી ગયાં હોત.”
સામાજિક દબાણ અને ઉપભોક્તા સંસ્કૃતિ
દિલ્હીના મહિલા વિકાસ સંશોધન કેન્દ્રનાં ડિરેક્ટર મણિમેકલાઈનું કહેવું છે કે નીમ્ન મધ્યમ વર્ગના લોકો શ્રીમંતોના લગ્નોથી અંજાઈ જતા હોય છે.
મણિમેકલાઈ કહે છે, “વૈભવી લગ્નો સમાજ પર વ્યાપક નાણાકીય તાણનું કારણ બને છે. તેમને એવું લાગે છે કે લગ્ન તો ભવ્ય જ કરવાં પડશે. પછી ભલે એ માટે લોન લેવી પડે. આજના યુવાઓ જીવનનો આનંદ લેવા ઇચ્છે છે. તે કન્ઝ્યુમર કલ્ચરનો વિસ્તાર છે.”
તેમના જણાવ્યા મુજબ, વૈભવી લગ્નો અન્યોના કાર્યો અને તેના પરિણામ જોઈને લોકોના પર પડતા પ્રભાવને લીધે પણ યોજવામાં આવે છે.
મણિમેકલાઈ કહે છે, “લગ્ન વખતે કન્યાનાં ઘરેણાં, વાસણથી માંડીને ઇલેક્ટ્રિકલ ઉપકરણો તથા ઘરવખરી સુધીનો સામાન ખરીદવો પડે છે. આ રીતે તેમને ઘણું શ્રેય મળે છે. જે દીકરીઓ નોકરી કરતી હોય છે તેમનાં લગ્ન થઈ જાય છે. તેમણે આજીવન દેવું ચૂકવવું પડે છે અને વૃદ્ધાવસ્થામાં તેમની પાસે કોઈ આર્થિક સહારો રહેતો નથી.”












