Saudi Aramco : વિશ્વના કેટલાય દેશોથી વધારે પૈસાદાર આરબ કંપની

આરામકો

ઇમેજ સ્રોત, Getty Images

સાઉદી અરેબિયાની ઑઇલકંપની અરામકોની કિંમત શૅરબજારમાં 1.6થી 1.7 લાખ કરોડ અમેરિકન ડૉલર વચ્ચે આંકવામાં આવી છે.

સાઉદી આરામકો ભારતની રિલાયન્સ કંપનીમાં રોકાણ કરવાની છે જેની રિફાઇનરી ગુજરાતના જામનગરમાં છે.

જોકે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને 2016માં કંપનીનું મૂલ્યાંકન બે લાખ કરોડ ડૉલર રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી.

મૂલ્યાંકન પછી હવે આ સાઉદી કંપની પોતાના 4.5 ટકા શૅરોને શૅરબજારમાં ઉતારશે.

સાઉદી અરેબિયાની આ કંપનીની કમાણી લાંબા સમયથી એક રહસ્ય હતું. ત્યાંની સરકાર કાયમ એને છૂપાવીને રાખતી હતી.

પરંતુ હાલમાં જ સાઉદી અરેબિયાની સરકારે કહ્યું કે ગત વર્ષે કંપનીએ 111.1 અબજ ડૉલરનો નફો રળ્યો છે. કહેવામાં આવે છે કે આ કોઈ પણ એક કંપનીએ કરેલી સૌથી મોટી કમાણી છે.

આરામકો

ઇમેજ સ્રોત, Reuters

2018માં ઍપલની કમાણી 59.5 અબજ ડૉલર હતી.

આ સાથે જ અન્ય મોટી ઑઇલ કંપનીઓ જેવી કે રૉયલ ડચ શૅલ અને ઍક્સોન મૉબિલ આ હરીફાઈમાં ઘણી પાછળ છે.

અરામકોએ પોતાની કમાણીને જાહેર કરીને એ સાબિત કરી દીધું છે કે તેની ક્ષમતા શી છે.

અરામકો તરફથી નાણાકીય આંકડાઓ જાહેર કરાયા એ ઘટનાને બૉન્ડ વેચીને 15 અબજ ડૉલરની મૂડી ભેગી કરવાની કવાયત તરીકે પણ જોવામાં આવી રહી છે.

આ એ વાતનો પણ સંકેત આપે છે કે સાઉદી અરેબિયા અને અરામકો મૂડી ઊભી કરવા માટે આક્રમક વલણ અપનાવી શકે છે. સાઉદી અરેબિયા તેલ અને ગૅસના મહેસૂલ પરની નિર્ભરતા ઓછી કરવાના પ્રયાસો કરી રહ્યું છે.

અરામકોને આ મૂડીથી સાઉદી અરેબિયાની માલિકીની પેટ્રોકેમિકલ કંપની ખરીદવામાં મદદ મળશે. આ પેટ્રોકેમિકલ કંપનીના ચૅયરમૅન ક્રાઉન પ્રિન્સ સલમાન છે અને આ સોદો 69 અબજ ડૉલરનો છે.

આરામકો

ઇમેજ સ્રોત, Getty Images

ક્રાઉન પ્રિન્સ સલમાન ઇચ્છે છે કે સાઉદી અરેબિયાના અર્થતંત્રમાં વૈવિધ્ય હોય અને તેની ઑઇલ પરની નિર્ભરતા ઓછી થાય.

સાઉદી અરેબિયાએ ટેકનૉલૉજીની કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે.

આ જ રીતે સાઉદી અરેબિયાએ ઉબર અને ટૅસ્લામાં પણ રોકાણ કર્યું છે. આરામકોની યોજના પોતાના શૅર વેચવાની પણ છે, જેથી મૂડી ઊભી કરી શકાય. જોકે, ગત વર્ષે આ યોજનાને અટકાવી દેવાઈ હતી.

બેઝિક ઇન્ડ્રસ્ટીઝ અને પેટ્રોકેમિકલ કંપનીના શૅરો વેચીને ભંડોળ ઊભું કરવાનો વૈકલ્પિક માર્ગ સાઉદી અરેબિયાએ અપનાવ્યો છે.

ક્રાઉન પ્રિન્સ નવાં રોકાણો તરફ એવા માટે નજર કરી રહ્યા છે કે ગત વર્ષે સાઉદી મૂળના પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યામાં સાઉદી અરેબિયાની ભૂમિકા જાહેર થયા બાદ સર્જાયેલી અલગતાની સ્થિતિની અસર હળવી કરી શકાય.

અરામકો પોતે જ એક મોટી ઊર્જાઉત્પાદક કંપની બનવા માગે છે, એવામાં જો સરકાર એના થોડા શૅર ખરીદવાનો નિર્ણય કરે છે તે એ કંપનીના હકમાં જશે.

અરામકોના ચીફ એક્ઝેક્યુટિવ અમીન નાસીરે કહ્યું છે કે કંપની ગૅસના સેક્ટરમાં અધિગ્રહણ કરવા માગે છે જેથી તે ઑઇલની જેમ એમાં પણ બાદશાહ બની શકે.

line

ભવિષ્ય

આરામકો

ઇમેજ સ્રોત, Getty Images

અરામકોની કમાણીથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે તેનુ ભવિષ્ય ઑઇલની કિંમતોના વધારા-ઘટાડા પર આધાર રાખે છે.

2016માં જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઑઇલની કિંમતો ઓછી હતી ત્યારે અરામકોએ કહ્યું હતુ કે તેને ફક્ત 13 અબજ ડૉલર કમાણી થઈ હતી.

જોકે, રોકાણકારો માટે અરામકો અને સાઉદી અરેબિયાનો સંબંધ એક ગંભીર મુદ્દો રહ્યો છે.

કન્સલ્ટિંગ ફર્મ 'યુરેશિયા ગ્રૂપ'ના ઍનાલિસિસ અયહામ કામેલે હાલમાં જ એક ક્લાયન્ટ નોટમાં કહ્યું કે ઍક્સોન અને શૅવરોનથી અલગ આરામકોનું ભંડોળ સમગ્ર રીતે એક દેશ પર નિર્ભર છે અને તે એની સ્થિરતા માટે ખતરનાક છે.

જોકે, વિશ્લેષકોનું કહેવું છે કે સોમવારે અરામકોએ નાણાકીય માહિતી જાહેર કરી ત્યારે ખબર પડી કે તેની પાસે બેહદ ક્ષમતા છે અને અનેક કંપનીઓનું અધિગ્રહણ કરવાની તાકાત છે.

સોમવારે મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસના સંચાલક ડૅવિડ જી સ્ટૅપલ્સે કહ્યું કે અરામકો પાસે બેશુમાર મૂડી છે.

આરામકો

ઇમેજ સ્રોત, Getty Images

સ્ટૅપ્લસ અને તેમના સહકર્મી રેહાન અકબરનું કહેવું છે કે કંપનીએ કોઈ કરજ લીધા વગર કે શૅર વેચ્યા વગર આ કમાણી કરી છે.

2018માં અરામકોએ સાઉદી અરેબિયાની સરકારને 160 અબજ ડૉલરની રકમ આપી હતી. મૂડીઝનું કહેવું છે કે ઑઇલના વધારે ઉત્પાદનથી આ કમાણી થઈ છે.

અરામકો પાસે ઑઇલનાં કેટલાંક મોટાં ક્ષેત્રો છે અને ખૂબ ઓછી કિંમતે મેળવેલાં છે.

અરામકોની નાણાકીય માહિતી બહાર આવ્યા પછી સાઉદી અરેબિયામાં ઑઇલનાં મોટાં ક્ષેત્રોની વિગતો પણ સામે આવી છે.

સાઉદી અરેબિયાના પૂર્વ ભાગમાં ઘવાર સૌથી મોટું ઑઇલ ક્ષેત્ર છે. તેનો ઘેરાવો 193 કિલોમિટરનો છે. ઘવારમાં સાઉદી અરેબિયાના ઑઇલનો અડધો હિસ્સો છે. હજી પણ અહીં 48 અબજ બૅરલ ઑઇલ છે.

અરામકો ઑઇલ કંપનીના 5 ટકા શૅર વેચવાની યોજના હતી. આને અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ કહેવામાં આવતો હતો.

અરામકોનો આઈપીઓ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030નો એક ભાગ છે જેમાં તેઓ સાઉદી અરેબિયાને ઑઇલ પર આધારિત અર્થવ્યવસ્થામાંથી બહાર કાઢવા માગે છે.

સાઉદી અરેબિયામાં અરામકો શાહી પરિવાર માટે એક ઑઇલ કંપનીથી વધારે મહત્ત્વ ધરાવે છે.

આ ઑઇલ કંપનીની સ્થાપના અમેરિકન ઑઇલ કંપનીએ કરી હતી. અરામકો એટલે કે 'અરેબિયન-અમેરિકન ઑઇલ કંપની'નું સાઉદી અરેબિયાએ 1970માં રાષ્ટ્રીયકરણ કર્યું હતું.

સોમવારે અરામકોના આંકડાઓ બહાર આવ્યા તો તેના આધારે વિશ્લેષકો કહે છે કે અરામકો એકથી દોઢ ટ્રિલિયન ડૉલરની કંપની છે.

જોકે, પ્રિન્સ સલમાન તેને બે ટ્રિલિયન ડૉલરની કંપની બનાવવા માગે છે. અહીં એ વાત પણ નોંધવી રહી કે ભારતનું અર્થતંત્ર 5 ટ્રિલિયન ડૉલરનું છે.

આરામકો

ઇમેજ સ્રોત, Getty Images

કહેવામાં આવે છે અરામકોને લઈને કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે મતભેદો હતા અને તેને લીધે ક્રાઉન પ્રિન્સ પણ તેનું લિસ્ટિંગ ન કરાવી શક્યા.

ક્રાઉન પ્રિન્સ તેના 5 ટકા શૅર વેચવા માગે છે પરંતુ કિંગ સલમાન સહમત નથી.

વૈશ્વિક મીડિયામાં એવું કહેવાઈ રહ્યું છે કે સલમાનનો આ નિર્ણય થોપી દેવા જેવો હતો અને આ કંપનીના આઈપીઓ સાથે અનેક સમસ્યાઓ હતી.

પબ્લિક લિસ્ટિંગ માટે દેખરેખ સહિતની અનેક બાબતો સાર્વજનિક કરવાની જરૂર પડશે. આ સાથે જ અમેરિકામાં 9-11ના ઉગ્રવાદી હુમલામાં સાઉદી ભંડોળના આરોપનો મામલો પણ આઈપીઓ સાથે જ ફરી જોર પકડી શકે છે.

વર્ષ 1980થી સાઉદી અરેબિયા પાસે અરામકોની માલિકી છે. વર્ષ 1982થી કંપની પાસે ઑઇલનો ભંડાર અને ઑઇલ-ફિલ્ડ હોવાની જાણકારી હતી પરંતુ તેને ગુપ્ત બનાવી દેવાઈ.

જો અરામકો શૅરબજારમાં લિસ્ટિંગના નિયમોનું પાલન કરે છે તો તેણે ઑઇલના ભંડાર વિશેની માહિતીઓ આપવી પડશે.

જોકે, એમ પણ કહેવામાં આવે છે કે અરામકો શૅરબજારમાં આવે તે પછી પણ વધારે પારદર્શકતાની આશા રાખી નહીં શકાય.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો