મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ અંગે ઇસ્લામ શું કહે છે?

નમાઝ અદા કરતી મુસ્લિમ છોકરી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નાસિરુદ્દીન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

'ખુદા કી બંદીઓને ખુદા કી મસ્જિદ મેં જવાથી રોકો નહીં.'

'તમારામાંથી કોઈની સ્ત્રી મસ્જિમાં જવાની પરવાનગી માગે તો તેને ના ન કહો'

'મસ્જિદોમાં સ્ત્રીઓનો જે ભાગ છે, તેમાંથી તેમને ન રોકો'

'પોતાની મહિલાઓને મસ્જિદમાં જવાની ના ન કહો'

'જ્યારે તમારી મહિલાઓ રાત્રે મસ્જિદ જવાની પરવાનગી માગે તો તેમને પરવાનગી આપી દો'

આ વાત કોણ, કોને અને ક્યારે કહી રહ્યું છે. આ વાત સાડા ચૌદશો વર્ષ અગાઉની છે. ઇસ્લામના પયગંબર હજરત મોહમ્મદે કહ્યું હતું. આ ફરમાન પુરુષોને છે.

મામલો મસ્જિદમાં આવવા-જવાનો હતો. સ્પષ્ટ છે કે આમાં વાત મહિલાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

line

શું આ માત્ર ધાર્મિક મુદ્દો છે?

જામા મસ્જિદ, અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

જો વાત આટલી સ્પષ્ટ છે તો આના પર આજે કોઈ પ્રકારની ચર્ચા થવી જોઈતી ન હતી.

પરંતુ સમયાંતરે મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ અને નમાઝ અદા કરવાનો મુદ્દો ચર્ચામાં આવી જાય છે.

આ મુદ્દો એવી છબી ઊભી કરે છે, જેથી લાગે છે કે ઇસ્લામ ધર્મની મૂળ ભાવના મસ્જિદમાં મહિલાઓના પ્રવેશની વિરુદ્ધમાં છે.

કેટલાક મહિનાઓ પહેલાં સુપ્રીમ કોર્ટમાં મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ અંગેની એક અરજી કરવામાં આવી હતી.

સમસ્યા તો છે, પરંતુ સમસ્યા સામાજિક વ્યવસ્થા છે, જે કોઈ પણ ધર્મની મહિલાઓ પર કોઈ પણ જગ્યાએ મનમરજી અને આઝાદ રીતે અવરજવર પર પ્રતિબંધ લાદે છે.

તેમના પ્રવેશને પોતાના કાબૂમાં રાખવા ઇચ્છે છે. તે નક્કી કરે છે કે તે ક્યાં, ક્યારે, કેવી રીતે અને કેટલાં સમય સુધી જશે.

આ જ કારણે આપણાં આ પિતૃસત્તાક સમાજમાં સામાન્ય સ્થળો પર મહિલાઓની હાજરી, તેમની સંખ્યાના હિસાબે અને પુરુષોની સરખામણીએ ઘણી ઓછી છે.

આ જ વાત મસ્જિદોને લાગુ પડે છે. હા, અહીં મહિલાઓને કાબૂમાં રાખવા માટે ઘણી વખત ધર્મનો આશરો લેવામાં આવે છે.

મહિલાઓના એકલાં ફરવાં, કોઈ પણ સમયે અને કયાંય પણ જવા સામે જે તર્ક આપવામાં આવે છે, એ જ પ્રકારનો તર્ક મસ્જિદમાં મહિલાઓ ન પ્રવેશે તે માટે આપવામાં આવે છે.

સમસ્યા માત્ર મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ અંગે નથી. કેવળ મસ્જિદોમાં મહિલાઓની અવરજવરથી આ સમસ્યાનો અંત આવતો નથી.

line

આ મુસ્લિમ મહિલાનો ધાર્મિક હક છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

તો શું આનો અર્થ એ છે કે મહિલાઓએ આની રાહ જોવી જોઈએ? ક્યારેય નહીં.

જે પ્રકારે બીજી બધી જગ્યાએ મહિલાઓ પોતાનું સ્થાન બનાવી રહી છે, એ જ રીતે તેમણે પોતાની જગ્યા બનાવવી પડશે. તેમને જગ્યા આપવી પડશે. આ તેમનો ધાર્મિક અધિકાર છે.

આ અધિકાર તેમનો પુરુષ મુસલમાનનો છે, તેટલો જ મહિલાઓનો પણ છે.

ઇસ્લામે પોતાના અનુયાયીઓ માટે પાંચ વસ્તુઓને ધાર્મિક રીતે જવાબદાર ગણી છે :

શહાદત (એટલે ખુદા એક હોવા પર વિશ્વાસ), નમાઝ, રોઝા, દાન અને હજ. આમાં સ્ત્રી-પુરુષનો કોઈ ભેદ નથી.

પુરુષ અથવા સ્ત્રીના આધારે કોઈ મહેરબાની નથી. તો સવાલ છે કે જો પુરુષ પોતાની ધાર્મિક ફરજ અદા કરવા માટે મસ્જિદમાં નમાઝ અદા કરવા જઈ શકે છે તો મહિલાઓ કેમ નહીં?

line

તો હજરત મોહમ્મદના સમયમાં શું થતું હતું?

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આપણે એ સમયગાળામાં જઈએ જેને હઝરત મોહમ્મદનો સમયગાળો કહેવામાં આવે છે.

આ સમયગાળા વિશે આપણે તેમના સાથીઓ અને તેમનાં પત્ની, ખાસ કરીને હજરત આયેશા દ્વારા ઘણી જાણકારી (હદીસ) મળે છે.

આ તમામ જે જાણકારી આપણને આપે છે, તેનાથી ખ્યાલ આવે છે કે આ સમયગાળામાં મહિલાઓ મસ્જિદમાં જતી હતી.

હજરત મોહમ્મદના નેતૃત્વમાં નમાઝ અદા કરતી હતી. તેમના વિચારોથી પ્રકાશિત થતી હતી.

હજરત આયેશા પાસેથી ખબર પડે છે કે મહિલાઓ, સવારની નમાઝ તેમની સાથે જમાતમાં જઈને અદા કરતી હતી.

હજરત ઉમ્મ સલમા કહે છે કે હજરત મોહમ્મદ મસ્જિદમાં થોડો સમય રોકાતા હતા, જેથી મહિલાઓ મસ્જિદમાંથી શાંતિથી બહાર નીકળી શકે.

તેઓ મહિલાઓને મસ્જિદમાં આવવા અંગે પ્રોત્સાહન આપતા હતા. તેમનું ધ્યાન રાખતાં હતાં. તેમની મુશ્કેલીઓ વિશે ખૂબ જ સંવેદનશીલ હતા.

એક ઉલ્લેખ મળે છે. તે પ્રમાણે હજરત મોહમ્મદે ફરમાવ્યું કે હું નમાઝ શરૂ કરું છું અને આને લાંબી વાંચવા ઇચ્છું છું, પરંતુ કોઈ બાળકના રોવાનો અવાજ સાંભળું તો નમાઝને ટૂંકાવી દઉં છું.

line

આવું તેમણે કેમ કર્યું?

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હજરત મોહમ્મદ આગળ કહે છે, એટલા માટે મને ખ્યાલ છે કે બાળકના રોવાથી તેની માતાને તકલીફ અને બેચેની થશે.

એ તો વાત સ્પષ્ટ છે કે મહિલા મસ્જિદમાં નમાઝ અદા કરતી હતી. હા, આજની જેમ તે સમયે પણ સંતાનનું પાલનપોષણ માતાએ જ કરવાનું હતું.

હજરત મોહમ્મદને ન માત્ર આ જ વાતનો અહેસાસ હતો, પરંતુ તેમણે આ બાબતની કઠિનતાનો અહેસાસ પણ કર્યો.

આ મુસ્લિમ મહિલાઓ બાળકોના કારણે પરેશાન પણ ન થાય અને તેમની ઇબાદત પણ પૂર્ણ થાય, એ માટે તેમણે આ રીતે તેનો રસ્તો કાઢ્યો હતો.

શું આજના સમયમાં મહિલાઓ પ્રત્યે આ સંવેદનશીલતા જોવા મળે છે?

આ જ નહીં, એવાં ઘણાં ઉદાહરણ મળે છે, જ્યાં તે મહિલાઓને જુમા, ઈદ ઉલ ફિત્ર (ઈદ) અને બકરી ઈદની નમાઝમાં સામેલ થવાનો હુકમ કરવામાં આવતો હતો.

કોઈને આવામાં મુશ્કેલી હોય તો તેનું નિરાકરણ પણ કરતાં.

જેમ કે જ્યારે તેમણે મહિલાઓને ઈદની નમાઝમાં આવવા માટે કહ્યું તો ઘણી મહિલાઓએ કહ્યું કે તેમની પાસે ઓઢવા માટે ચાદર નથી.

તો તેમણે એ ન કહ્યું કે ન આવો. તેમણે કહ્યું કે આવી મહિલાઓને તેમની બહેનો ચાદર ઓઢાડે.

એટલું જ નહીં, તે એટલાં માટે પણ મહિલાઓને આવવા માટે પ્રોત્સાહન આપતાં હતાં, કારણ કે આ નમાઝની સાથે વ્યાખ્યાન પણ યોજાતાં હતાં.

આમાં તાલીમ અને પાલનપોષણની વાતો થતી હતી. તે આ વાતનો ખાસ ખ્યાલ રાખતા હતા કે મહિલાઓ સુધી આ વાત પહોંચે.

જ્ઞાન માત્ર પુરુષોને જ ન મળે પરંતુ અહીં મળનારા જ્ઞાનમાં મહિલાઓની પણ મોટી ભાગીદારી હોય.

એવાં પણ ઉદ્દાહરણ છે કે તે મહિલાઓને મસ્જિદમાં અલગથી ચર્ચા કરતા હતા.

એટલું જ નહીં, મહિલાઓ પણ નમાઝ અદા કરાવતી હતી. હા નમાઝ અદા કરવાની અને અદા કરાવવાની જગ્યા અલગઅલગ રહેતી હતી.

line

ત્રણ સૌથી મહત્ત્વની મસ્જિદ અને સ્ત્રીઓ

મક્કાની મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

ધાર્મિક દૃષ્ટિએ મુસલમાનો માટે મક્કાની મસ્જિદ અલહરામ, મદીનાની મસ્જિદ નબવી અને જેરુસલેમની અકસા મસ્જિદ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે.

આમાં ઇસ્લામના શરૂઆતના સમયમાં પણ મહિલાઓ નમાઝ અદા કરવા માટે જતી હતી.

આજ પણ હજ દરમિયાન મહિલા અને પુરુષ મુસલમાન સાથેસાથે ધાર્મિક હક અદા કરે છે અને સાથેસાથે નમાઝ પઢે છે.

આમાં એ દેશોની મહિલાઓ પણ હોય છે, જે પોતાના દેશની મસ્જિદોમાં ક્યારેય ગઈ ન હોય એટલે જેમને ન જવા દેવામાં આવ્યા હોય.

જેમને કહેવામાં આવ્યું નથી કે મહિલાઓએ મસ્જિદ જવું જોઈએ અથવા જેમને કહેવામાં તો આવ્યું, પરંતુ આમાં એક લાઈન ઉમેરી દેવામાં આવી કે મહિલાઓ માટે સારું છે કે ઘરમાં જ નમાઝ અદા કરે.

line

મસ્જિદ એટલે ઇબાદત, શિક્ષણ અને તાલીમની જગ્યા

જુમ્માની નમાઝ દરમિયાન વ્યાખ્યાન થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જુમ્માની નમાઝ દરમિયાન વ્યાખ્યાન થાય છે

શરૂઆતના સમયમાં મસ્જિદનો વિચાર, માત્ર નમાઝ સુધી સીમિત ન હતો. મસ્જિદની સ્થાપનાના ઘણા હેતુ હતા.

જેમ કે - નમાઝ, ઇબાદત, જ્ઞાન, વિચાર વિમર્શ, વિચારની ફેરબદલ, સામાજિક ચર્ચાઓ - એ સમયમાં આ તમામ વાત અહીં થતી હતી.

પોતાના વિચારથી મસ્જિદ ખૂલી જગ્યા છે. એટલા માટે જોઈએ તો મસ્જિદમાં મોટા હૉલ/ આંગણ જેવી જગ્યા સિવાય શું હોય છે?

અહીં ખુલ્લી જગ્યાનું જ આગવું મહત્ત્વ રહેલું છે.

એટલે કે તમામ એક સાથે કોઈ પ્રકારના સમૂહમાં એકઠા થઈ શકે છે.

અહીં કોઈ એવી ધાર્મિક વ્યવસ્થા નથી, જે સામાજિક/આર્થિક અસમાનતાને જગ્યા આપે કે મજબૂત કરે.

એટલા માટે જ ઇકબાલે કહ્યું હતું:

એક હી સફ મેં ખડે હો ગયે મહમૂદ ઓ અયાઝ,

ન કોઈ બંદા રહા, ન કોઈ બંદા નવાઝ.

શું ઇકબાલની આ એક લાઈન માત્ર પુરુષ મુસલમાન પર જ લાગુ થશે? શું આ મહિલાઓને બરાબરીની લાઈનમાંથી બહાર માને છે?

મૌલાના ઉમર અહમદ ઉસ્માની પોતાના પુસ્તક 'ફિક્હુલ કુરાન'માં લખે છે:

"મસ્જિદ અને ઇજ્તમાઈ ઇબાદતગાહેં ઇબ્તદાએ અહદે ઇસ્લામમાં માત્ર ઇબાદતની જગ્યા ન હતી, પરંતુ તે દર્સગાંહે (તાલીમની જગ્યા) અને શિક્ષણની પણ હતી."

"આનહજરત સલ્લેઅલ્લાહ અલૈહે વસલ્લમે મહિલાઓની શિરકતને સામાન્ય રીતે ઇબાદત માટે નહીં, પરંતુ મહિલાઓની તાલીમ અને શિક્ષણ માટે તેમની ભાગીદારીને પણ મહત્ત્વપૂર્ણ સમજી હતી."

એટલે ઇસ્લામના શરૂઆતી સમયમાં અને હજરત મોહમ્મદના સમયમાં એવું કાંઈ મળતું નથી, જે મહિલાઓના મસ્જિદમાં પ્રવેશ, ઇબાદત કરવી, જમાતમાં એકઠા થઈને નમાઝ પઢવાના વિરોધમાં હોય.

તો એ સમયમાંથી કેમ ન શીખીએ? આ સમયગાળાનાં મૂલ્યો અને નિયમોના આધારે આગળ કંઈક કરાય? તો કેમ ન મહિલાઓ માટે મસ્જિદ સુધી જવાનો રસ્તો ખુલ્લો કરીએ.

એટલા માટે જ ઇસ્લામના પાયાના ગ્રંથ "કુરાન"માં જ્યારે મહિલાઓ અને પુરુષોને ધાર્મિક વિશ્વાસ માટે પદવી અપાઈ ત્યારે તેમાં કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી.

આનું સૌથી મોટું ઉદાહરણ કુરાનના પ્રકરણ અલ-અહજાબની એક આયત છે -

મુસલમાન પુરુષ અને મુસલમાન મહિલાઓ

અને આસ્થાવાન પુરુષો અને આસ્થાવાન મહિલાઓ

આજ્ઞાનું પાલન કરનાર પુરુષ અને આજ્ઞાનું પાલન કરનાર મહિલાઓ

સત્ય બોલનાર પુરુષ અને સત્ય બોલનાર મહિલાઓ

ધીરજ રાખનાર પુરુષ અને ધીરજ રાખનાર મહિલાઓ

વિનમ્રતા દાખવનાર પુરુષ અને વિનમ્રતા દાખવનાર મહિલાઓ

...

અને અલ્લાહને ખૂબ યાદ કરનાર પુરુષ અને યાદ કરનાર મહિલાઓ

આ તમામ માટે અલ્લાહે મોટી માફી અને મોટો બદલો તૈયાર રાખ્યો છે.

જો કોઈ મુસલમાન છોકરી અથવા મહિલા આ સવાલ કરે કે સ્ત્રી અને પુરુષ માટે અમારા અલ્લાહનો હુકમ એક જેવો છે તો પછી આપણી સાથે ભેદભાવનું વર્તન કેમ?

શું તેમનો આ સવાલ ખોટો હશે?

(નોં: ઇસ્લામના સંદર્ભ માટે આ પુસ્તકોની મદદ લેવામાં આ છે- સીરતે આયશાઃ સૈયદ સુલેમાન નદવી/ ફિક્હુલ કુરાનઃ મૌલાના ઉમર અહમદ ઉસ્માની/ ઔરત અને ઇસ્લામઃ મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરી)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો