અનિલ અંબાણીએ રિલાયન્સ કૉમ્યુનિકેશનમાંથી રાજીનામું આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images
અનિલ અંબાણી અને બીજા ચાર લોકોએ રિલાયન્સ કૉમ્યુનિકેશનના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે, કંપની દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી.
એનડીટીવી પ્રોફિટના અહેવાલ અનુસાર શુક્રવારે જાહેર થયેલા બીજા ક્વાર્ટરના આંકડામાં આરકોમએ 30,142 કરોડ રૂપિયાની કોન્સોલિડેટ ખોટ કરી હતી.
અનિલ અંબાણી ઉપરાંત છાયા વિરાણી, રાયના કરણી, મંજરી કાક્કેર અને સુરેશ રંગાચરે પણ રાજીનામું આપ્યું છે.

બુલેટ ટ્રેન : જંત્રીના ભાવમાં 7 ગણા વધારાની દરખાસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે વડા પ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા નેશનલ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ માટે જમીન મેળવવામાં છેલ્લા કેટલાક સમયથી તંત્રને મુશ્કેલીઓ અને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પરિસ્થિતિને નિવારવા માટે સુરતના જિલ્લા કલેક્ટર ધવલ પટેલે સરકારને સુરત જિલ્લાના 8 ગામડાંની ખેતીલાયક જમીન સંપાદિત કરવા માટે જંત્રીની રકમમાં 7 ગણો વધારો કરવાની દરખાસ્ત કરી છે.
નોંધનીય છે કે માત્ર સુરત જિલ્લામાં જ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 28 ગામડાંની જમીન સંપાદિત કરવાની જરૂર છે.
તેથી આ ગામડાંના ખેડૂતો દ્વારા જંત્રના નીચા ભાવને કારણે ખેડૂત સમાજ, ગુજરાતના ઝંડા હેઠળ સરકારના આ પ્રોજેક્ટ માટેની જમીન સંપાદન પ્રક્રિયાનો વિરોધ કરાઈ રહ્યો છે.
આ ગામોના ખેડૂતો અનુસાર જંત્રીની રકમ છેલ્લે વર્ષ 2011માં વધારાઈ હતી. હાલ આ વિસ્તારોમાં જંત્રીની રકમ 100 રૂપિયા પ્રતિ મિટર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની જમીનના બદલામાં આ સરકાર દ્વારા નક્કી કરાયેલી આ રકમ ખૂબ જ ઓછી હોવાની ફરિયાદો ઊઠી હતી.
તેથી હાલ નવી દરખાસ્તમાં જિલ્લા કલેક્ટરે સુરત જિલ્લાના 8 ગામોની જમીન માટે જંત્રીની રકમ રૂપિયા 708 પ્રતિ મિટર સુધી વધારવા માટે દરખાસ્ત કરાઈ છે.

બૅંક ડિપોઝિટ પર વીમાકવચની મર્યાદા વધારાશે : નાણામંત્રી

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કો-ઑપરેટિવ બૅંકો પર RBIના નિયંત્રણમાં વધારો કરવા માટેના કાયદામાં સુધારાની સાથે સરકાર આગામી દિવસોમાં બૅંક ડિપોઝિટ પરના વીમાકવચની મર્યાદા વધારવાનો નિર્ણય લેવાની છે, એવા સંકેતો આપ્યા હતા.
હાલમાં PMC બૅંકમાં સર્જાયેલી પરિસ્થિતિઓને કારણે સરકારે આ નિર્ણયો લીધા હોવાનું કહેવાઈ રહ્યું છે.
નાણામંત્રીએ આ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, "સરકાર ટૂંક સમયમાં બૅંક ડિપોઝિટ પર વીમાકવચની મર્યાદા વધારવાનો નિર્ણય લેશે, કારણ કે બૅંક ડિપોઝિટ પર હાલ જે મર્યાદા છે તે વર્ષો પહેલાં નક્કી કરાઈ હતી."
નોંધનીય છે કે હાલ ભારતમાં બૅંક ડિપોઝિટ પર વીમાકવચની મર્યાદા 1 લાખ રૂપિયા છે.

શિયાળુ સત્રમાં સંસદમાં નાગરિકતા સુધારા બિલ રજૂ કરાશે

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે આગામી દિવસોમાં યોજાનાર સંસદના શિયાળુ સત્રમાં નાગરિકતા સુધારા બિલ રજૂ કરાશે. નોંધનીય છે કે આ બિલ અંતર્ગત મુસ્લિમ ધર્મના લોકોને બાદ કરતાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકો ભારતની નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકશે.
સત્તાધિકારી પક્ષ ભાજપના મુખ્ય એજન્ડામાં સામેલ એવું નાગરિકતા સુધારા બિલ અગાઉ રાજ્યસભામાં પસાર ન થઈ શકવાના કારણે રદ્દબાતલ થયું હતું. નોંધનીય છે કે ભાજપ દ્વારા આસામની જેમ જ આખા દેશમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનની પ્રક્રિયા શરૂ કરવાની સાથે નાગરિકતા સુધારા બિલનો જોરશોરથી પ્રચાર કરાયો હતો.
અહેવાલ પ્રમાણે હવે આખરે આ બિલ સંસદમાં ફરીથી રજૂ કરવામાં આવશે ત્યારે સરકાર આ બિલને સફળતાપૂર્વક પસાર કરવા માટે તમામ પ્રયત્નો કરશે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

રાજનાથ સિંહે ચીનનાં વખાણ કર્યાં, ચીને કર્યો વિરોધ

ઇમેજ સ્રોત, Reuters
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશના બુમ લાની અગ્રીમ ચોકી પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે સીમા મુદ્દે ભારત અને ચીનની અવધારણામાં અંતર હોવા છતાં બંને દેશોની સેના એટલી સમજુ છે કે તેઓ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી પર તણાવ ઘટાડી શકે.
પરંતુ ચીને રાજનાથ સિંહના અરુણાચલ પ્રદેશની આ મુલાકાતનો વિરોધ કર્યો અને કહ્યું કે તેમણે ક્યારેય ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશને માન્યતા નથી આપી.
ચીનનો દાવો છે કે એ રાજ્ય દક્ષિણ તિબ્બતનો એક ભાગ છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ "મૈત્રી દિવસ" સમારોહમાં સામેલ થવા માટે ગુરુવારના રોજ તવાંગ ગયા હતા. "મૈત્રી દિવસ" ચીન સાથે સૈન્ય-અસૈન્ય મિત્રતાને વધારવા માટે ઊજવાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












