ગુજરાત : અમદાવાદ ખરેખર દેશનું 'સૌથી સુરક્ષિત શહેર' છે, સુરક્ષા અંગે લોકો શું કહે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

તાજેતરમાં ગુજરાતના મુખ્ય મંત્રીના કાર્યાલયે અમદાવાદ શહેરને 'દેશનું સૌથી સુરક્ષિત શહેર' જાહેર કરાયાની એક ઍક્સ પર પોસ્ટ કરી હતી.

પોસ્ટમાં નમ્બિયો નામક યુરોપિયન સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટને ટાંકીને આ દાવો કરાયો છે.

મુખ્ય મંત્રીની આ પોસ્ટ પર યૂઝર્સનો મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક યૂઝર્સે અભિનંદન પાઠવ્યાં હતાં, તો કેટલાકે આ વાતને 'મજાક' ગણાવી અમદાવાદમાં રસ્તા પર થતા અકસ્માત, ચાલતા લોકોની સુરક્ષા જેવા મુદ્દે સવાલ કર્યા હતા.

રિપોર્ટ અનુસાર જીવનની ગણવત્તાનાં વિવિધ પરિમાણોમાં સુરક્ષા મામલે અમદાવાદ ભારતનાં શહેરો કરતાં આગળ સ્થાન પામ્યું છે. જ્યારે આ જ રિપોર્ટમાં દર્શાવેલા ગુનાખોરીનાં પરિમાણોને આધારે સુરક્ષિત જાહેર કરવામાં આવેલાં શહેરો પૈકી ભારતનું મૅંગ્લોર સુરક્ષાના 74ના રેટિંગ સાથે વૈશ્વિક સ્તરે 49મા ક્રમે અને ભારતમાં પ્રથમ નંબરે છે.

જ્યારે આ પરિમાણો આધારે અમદાવાદ 68.3ના રેટિંગ સાથે વૈશ્વિક 90મા નંબરે અને ભારતમાં ત્રીજા નંબરે છે. આ પરિમાણોને આધારે રિપોર્ટમાં અમદાવાદથી આગળ ગુજરાતનું વડોદરા શહેર સુરક્ષાના 68.8ના રેટિંગ સાથે વૈશ્વિક 86 નંબરે અને દેશમાં બીજા નંબર પર છે.

મુખ્ય મંત્રીના કાર્યાલયે શું પોસ્ટ કરી હતી?

સોશિયલ મિડીયા પ્લેટ ફોર્મ એક્સ પર સીએમની પોસ્ટ પર લોકોના પ્રતીભાવ

ઇમેજ સ્રોત, @CMOGuj

ઇમેજ કૅપ્શન, સોશિયલ મિડીયા પ્વૅટફૉર્મ એક્સ પર સીએમની પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયા

મુખ્ય મંત્રી કાર્યાલયે કરેલી આ પોસ્ટમાં લખાયું છે કે, "ગર્વની વાત છે કે અમદાવાદ શહેરે દેશમાં સૌથી સ્વચ્છ શહેરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. તાજેતરના ગ્લોબલ ક્રાઉડ સોર્સ ડેટાબેઝ નમ્બિયોની ક્રાઇમ ઇન્ડેક્સ પ્રમાણે હવે અમદાવાદ દેશમાં સૌથી સુરક્ષિત શહેર તરીકે ઊભરી રહ્યું છે."

આ પોસ્ટમાં આગળ લખાયું હતું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યે શાંતિ અને સલામતીના નવા માપદંડો સ્થાપ્યા છે. અને વિકાસ અને પ્રગતિની દૃષ્ટિએ એક રોલમૉડલ રાજ્ય બન્યું છે."

મુખ્ય મંત્રીની પોસ્ટ પર યૂઝરોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી.

મુખ્ય મંત્રીની પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયા શું હતી?

સોશિયલ મિડીયા પ્લેટ ફોર્મ એક્સ પર સીએમની પોસ્ટ પર લોકોના પ્રતીભાવ

ઇમેજ સ્રોત, @CMOGuj

એક યૂઝરે પોસ્ટ પર જવાબ આપ્યો હતો કે, "Safest only if you inside your home. બાકી રસ્તે જતા કોઈ પીધેલ તમને એસયુવીથી ઉડાડી દે. રસ્તા sorry ખાડા અને ભૂવા એટલા મોટા છે કે રોજ સહીસલામત ઘરે પહોંચી જઈએ તો એમ લાગે કે કોઈ ચમત્કાર છે. નાની એવી તકરારમાં ચાકુ મારી દે એટલું સુરક્ષિત છે અમદાવાદ."

એક યૂઝરે શાળાનાં બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં પોસ્ટ કરી હતી કે "શાળાઓને સુરક્ષિત બનાવો. શાળાઓની બહાર સ્પીડબ્રેકર ફરજિયાત બનાવો. શાળાનાં બાળકો અને તેમનાં માતાપિતાની સુરક્ષાને ધ્યાને રાખીને દરેક મ્યુનિસિપલ કૉર્પોરેશનને સ્પીડબ્રેકર લગાવવા આદેશ કરો. રસ્તા પર યોગ્ય સાઇનબોર્ડ લગાવો."

એક યૂઝરે લખ્યું હતું કે, "હાહાહાહા... કેવી મજાક છે. કેવી સલામતી સ્ટ્રીટ લાઇટ, સ્પીડ બ્રેકર ન હોવાને કારણે તેમજ ચાર રસ્તા પર યોગ્ય પોલીસ ન હોવાને કારણે અમદાવાદ દરરોજ કેટલાય લોકો મરી રહ્યા છે."

જોકે, સામેની બાજુએ કેટલાક યૂઝરે 'ધન્યવાદ' કરતી પોસ્ટ પણ કરી હતી.

અમદાવાદની સુરક્ષા અંગે લોકો શું માને છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઍડ્વૉકેટ અમી યાજ્ઞિકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આ દાવા અંગે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે "શહેરમાં લોકો ઓવરસ્પીડ ગાડી ચલાવે છે અને જેને કારણે અકસ્માત થાય છે. લોકો રૉંગ સાઇડમા ગાડીઓ ચલાવે છે. વધતા જતા રોડ અકસ્માતોને કારણે બાળકો અને સિનિયર સિટીઝન રસ્તા પર ચાલી શકતાં નથી. રસ્તા પર ફૂટપાથ અને સાઇકલ ટ્રેક નથી. અમદાવાદને કયા સંદર્ભમાં સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે."

રોડ સેફ્ટી મુદ્દા પર કામ કરતાં અમિત ખત્રીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "શહેરમાં રોડ અકસ્માતમાં થતાં મોતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા કેટલાંક પગલાં લેવાઈ રહ્યાં છે. જેની અસર દેખાઈ રહી છે. જોકે હજુ આ મુદ્દા પર સતત કામ કરવાની જરૂર છે."

અમિત ખત્રી જણાવે છે કે, "રોડ,રસ્તા કે બ્રિજ કે અંડરપાસ બનાવવામાં ટેકનિકલ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું ન હોવાને કારણે પણ અકસ્માતની સમસ્યાઓ સર્જાય છે. કેટલાક ઓવરબ્રિજ પૂરા થતા હોય ત્યાં તરત જ ચાર રસ્તા આવતા હોય છે. ઓવરબ્રિજ પરથી વાહનો ઊતરતાં હોય ત્યારે સ્પીડ થોડી વધી જતી હોય છે તે વાહન નીચે ઊતરીને સેટલ થાય એટલી જગ્યા ન હોય તો અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે."

અમિત ખત્રી નાગરિક ફરજો અંગે પણ ધ્યાન દોરતાં કહે છે કે, "નાગરિકોએ પણ તેમના વર્તનમાં સુધારો લાવવાની જરૂર છે. હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવો, ગાડી ઓવરસ્પીડમાં ન ચલાવવી જેવા નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે."

બીબીસી ગુજરાતી, ગુનાખોરી, અમદાવાદ, અમદાવાદ પોલીસ, પોલીસ વિભાગ, ગુજરાત પોલીસ

ઍડ્વૉકેટ સમીર ક્રીષ્ટી કહે છે કે, "અમદાવાદમાં મહિલાઓ રાત્રે ટુ વ્હીલર પર એકલી ફરી શકે છે એટલે સુરક્ષાની બાબતમાં અમદાવાદ આગળ છે તેમ કહી શકાય. સીસીટીવીને કારણે ગુનેગારો ઝડપથી પકડાઈ જાય છે."

સમીર ક્રીષ્ટીએ વધુમાં જણાવ્યું કે, "રસ્તા પરની સુરક્ષાના સંદર્ભમાં ધ્યાન આપવાની જરૂર જણાય છે. હીટ ઍન્ડ રન અને અકસ્માતોના ગંભીર ગુનાઓ બની રહ્યા છે."

ઍડ્વૉકેટ સુબોધ કુમુદે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, " સૌથી મોટો વિરોધાભાસ તો એ છે કે સુરક્ષિત જાહેર થયેલા અમદાવાદ શહેરમાં પોલીસ એવાં હૉર્ડિંગ લગાડવામાં આવ્યાં છે કે - ગમે તે થઈ શકે છે, તમે રાત્રે નીકળતા નહીં. તમારે તમારું ધ્યાન ખુદ રાખવાનું પોલીસ કહી રહી છે."

જોકે, નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં તાજેતરમાં સુરક્ષા મામલે વિવાદાસ્પદ પોસ્ટર મૂકવામાં આવ્યાં હતાં, જે અંગે જાણ થતા પોલીસ સ્પષ્ટતા કરી હતી કે આ પોસ્ટર એક ગ્રૂપ દ્વારા લગાવવામાં આવ્યાં હતાં. પોલીસના ધ્યાન પર આવતાં પોલીસે આ પોસ્ટર હઠાવી દીધાં છે.

સુબોધ કુમુદે વધુમાં જણાવ્યું હતું કે, "કોઈ પણ પીડિત પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ લઈને જાય તો તેની સાથે ગુનેગાર જેવું વર્તન થાય છે. પોલીસ જજની ભૂમિકામાં આવીને ફરિયાદીને પરેશાન કરે છે. ફરિયાદીને પોતાની ફરિયાદ નોંધાવા ધક્કા ખવડાવવામાં આવે છે."

અમદાવાદમાં સુરક્ષા, ગુનાખોરી અંગે પોલીસ શું કહે છે?

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલીક

ઇમેજ સ્રોત, @AHMEDABADPOLICE

ઇમેજ કૅપ્શન, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે શહેરમાં ચોરી, ધાડ જેવા ગુનાઓ ઘટ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમજ અકસ્માતમાં થતાં મોતના આંકડામાં પણ ઘટાડાની વાત કરી હતી.

તેમના મતે પોલીસે લીધેલાં અલગ-અલગ પગલાંને પરિણામે ગુનાખોરીમાં ઘટાડો જોવા મળ્યો છે.

જીએસ મલિકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "નમ્બિયો નામની યુરોપિયન સંસ્થા છેલ્લાં 15વર્ષથી કામ કરે છે. આ સંસ્થા બહુ બધા સ્રોતોથી ડેટા લે છે, જેમ કે ક્રાઉડ સ્રોતો, ક્રાઇમ ડેટા, સોશિયલ મીડિયા, લોકોનાં ઇન્ટરવ્યૂ, ફીડબૅક વગેરેના આધારે કામ કરે છે."

બીબીસી ગુજરાતી, ગુનાખોરી, અમદાવાદ, અમદાવાદ પોલીસ, પોલીસ વિભાગ, ગુજરાત પોલીસ

પોલીસ દ્વારા લેવામાં આવેલાં પગલાં અંગે વાત કરતાં જીએસ મલિકે જણાવ્યું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તેમજ નિર્ભયા પ્રોજેક્ટ અંર્તગત શહેરમાં ચાર હજાર સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે. આ કૅમેરાની ફીડ પોલીસ કંટ્રોલરૂમમાં મળી રહી છે. આ કૅમેરાનો ઉપયોગ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી માટે તેમજ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ચલણ આપવા માટે થાય છે."

"આ ઉપરાંત પોલીસે ખાનગી લોકોને સીસીટીવી કૅમેરા લગાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેના પરિણામ સ્વરૂપે શહેરમાં 22,774 ખાનગી સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કૅમેરાને કારણે ગુનાખોરીમાં ઘટાડો તેમજ ગુનો ઉકેલવામાં સુધારો જોવા મળી રહ્યો છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "શહેરમાં ચોરી, લૂંટ,ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર પોલીસની વિઝિબલિટી વધારે હોવાથી રોડ અકસ્માતમાં થતાં મોતમાં પણ 20 ટકા કરતાં વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે."

જીએસ મલિક આગળ જણાવે છે કે, "છેલ્લાં બે વર્ષમાં અમે એ પણ બદલાવ કર્યો છે કે જેમાં કોઈ પણ નાગરિક પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને પોલીસ કમિશનરને સરળતાથી મળી શકે છે. અમારી પીસીઆર ટીમના રિસ્પોન્સ ટાઇમમાં પણ ઘટાડો થયો છે. અમારી 'શી ટીમ' દ્વારા જાહેર જગ્યાઓ પર રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હોવાથી મહિલા સંબંધી ગુનાઓમાં પણ ઘટાડો જોવા મળે છે."

બીબીસી ગુજરાતી, ગુનાખોરી, અમદાવાદ, અમદાવાદ પોલીસ, પોલીસ વિભાગ, ગુજરાત પોલીસ

અમદાવાદ પોલીસે વર્ષ 2023 અને 2024માં શહેરમાં નોંધાયેલા ગુનાની સંખ્યા અંગે પ્રેસનોટ બહાર પાડીને જાણકારી આપી હતી.

જોકે, તેમાં બંને વર્ષના 1 જાન્યુઆરીથી 31 ઑક્ટોબર સુધીના આંકડા જ સામેલ હતા.

આ આંકડા પ્રમાણે અમદાવાદમાં 2023માં કુલ 10,622 ગુના નોંધાયા હતા. જ્યારે વર્ષ 2024માં 8,366 ગુના નોંધાયા હતા. દસ મહિનામાં વર્ષ 2023ની સરખામણીમાં વર્ષ 2024માં ગુનાઓમાં 21 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન