ગુજરાત : ધોરાજીના પાટણવાવ ગામમાં અજ્ઞાત જંતુએ ફફડાટ ફેલાવ્યો, આ જંતુ કરડે પછી શું થાય?

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.આ ભયના માહોલનું કારણ બન્યું છે એક ઝેરી જંતુ.
છેલ્લા છ મહિનાથી જીવજંતુના કરડવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ગામમાં ગત 19 જુલાઈના રોજ બે વ્યક્તિને 'અજ્ઞાત ઝેરી જંતુ' કરડી જતાં પગમાં દુ:ખાવો શરૂ થયો હતો અને ત્યાર બાદ ત્રણ કલાક બાદ આખા પગમાં ફોલ્લીઓ સાથે રસી નીકળવાનું ચાલુ થઈ જતાં પીડિતોને ઉપલેટા સારવાર અર્થે ખસેડાયા હતા.
આ ઘટનાને પગલે રાજકોટ આરોગ્ય ખાતાની ટીમ પાટણવાવ ખાતે દોડી ગઈ હતી અને તપાસ કામગીરી હાથ ધરી હતી.
આ જંતુ કયું છે અને તેના કરડવાને કારણે લોકો કેમ ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે તે વિશે આરોગ્ય વિભાગ તપાસ કરે છે. જોકે, તેમને હજુ એ ખબર પડી નથી કે આ ગામના લોકો જંતુ કરડવાને કારણે બીમાર પડી રહ્યા છે કે પછી કોઈ ચેપ લાગવાને કારણે.
ઝેરી જંતુ પગ પર કરડે ત્યારે શું થાય છે?

તાલુકા હેલ્થ ઑફિસર ડૉ. પુનીત વાછાણી અને ગામલોકોના કહેવા પ્રમાણે આ જંતુ કરડ્યાના કલાક બાદ પગમાં દુ:ખાવો થાય છે ત્યાર બાદ પગમાં ફોલ્લીઓ પડી જાય છે.
ડૉ. પુનીત વાછાણી કહે છે, "જંતુ પગમાં કરડે છે અને કરડવાથી ચાર કલાકમાં સોજો આવી જાય છે અને 24 કલાકમાં આખા પગમાં ફેલાઈ જાય છે અને બાદમાં તેની અસર કિડની ઉપર થાય છે."
દર્દીનાં સંબંધી અને સ્થાનિક રહેવાસી વનીતાબહેન ભીમાણી કહે છે કે, "જંતુ કરડવાને કારણે સોજો અને તાવ આવી જાય છે. રસી થઈ જાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અત્યાર સુધીમાં પાંચ લોકોને આ જંતુ કરડ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ અહીં તપાસ કરે છે, પણ આ જંતુ વિશે કંઈ જાણવા મળતું નથી."
અત્યાર સુધીમાં કેટલા લોકોને આ જંતુ કરડ્યું છે?

ગામલોકોના જણાવ્યાનુસાર છેલ્લા છ મહિનામાં આવા પાંચ બનાવ નોંધાયા છે જેમાં 'એકનું મૃત્યુ' થયું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર નીતિન પેથાણી નામના વૃદ્ધને જંતુ કરડ્યું હોવાને કારણે તેમનું મૃત્યુ થયું છે. જોકે, આરોગ્ય વિભાગે આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.
જિલ્લા પંચાયત સભ્ય વિરલ પનારાના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં જીવડું કરડવાને કારણે, જે-તે અંગમાં ચેપ લાગે છે. આ કેસમાં એક દર્દીને રાજકોટ ખાતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય ટીમ હાલ કામગીરી કરી રહી છે.
બૅકટેરિયાનો ચેપ જવાબદાર હોવાનું પ્રાથમિક તારણ

આ ઘટનાને પગલે તાલુકા હેલ્થ અધિકારી રાજકોટ આરોગ્ય ખાતાની ટીમ, પશુપાલન વિભાગ, ફૉરેસ્ટ વિભાગ, ઍન્ટોમોલૉજિસ્ટ વિભાગ, મલેરિયા ઍક્સપર્ટની ટીમે પાટણવાવ ખાતે સમગ્ર વિસ્તારમા ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.
તાલુકા હેલ્થ અધિકારી ડૉ. પુનીત વાછાણીના જણાવ્યા પ્રમાણે ગામમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.
ડૉ. વાછાણી કહે છે, "ડિસેમ્બર-જાન્યુઆરીમાં બે બનાવ બન્યા હતા. ત્યાર બાદ ત્રણ બનાવ બન્યા છે. દર્દીના રિપોર્ટ જોઈને અમે જે પ્રાથમિક તારણ કાઢ્યું છે એ પ્રમાણે આ કેસમાં બૅકટેરિયાનો ચેપ જવાબદાર હોવાનું સામે આવ્યું છે."
તેમના જણાવ્યા પ્રમાણે એક મોત ડિસેમ્બર મહિનામાં થયું છે.

ડૉ. વાછાણીના જણાવ્યા અનુસાર બચુભાઈ ભીમાણી નામના પ્રૌઢને રાજકોટ સરકારી હૉસ્પિટલમાં સર્જરી વિભાગમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં અઠવાડિયા બાદ રિપોર્ટ આવ્યા પછી સમગ્ર જંતુજન્ય કેસો અંગે માહિતી મળશે.
આ દરમિયાન એક દર્દીને તપાસ અર્થે રાજકોટ પીજી મેડિકલ ખાતે મોકલવામાં આવ્યા છે, અહીં તપાસ બાદ આ જંતુજન્ય કેસમાં કયો બૅક્ટેરિયા છે તે આગામી રિપોર્ટ બાદ ખબર પડશે.
હાલ ગામલોકોમાં અજ્ઞાત જંતુને કારણે ભયનો માહોલ છે ત્યારે સ્થાનિક રહેવાસી મયૂર જોષી કહે છે, "રિપોર્ટ આવે તો કંઈક ખ્યાલ આવે. બધાને ડર લાગે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












