કર્ણાટકના ધર્મસ્થલામાં જાતીય હુમલાઓ પછી છોકરીઓની હત્યા અને તેમના મૃતદેહોને દાટી દેવાના આક્ષેપનું સત્ય શું છે?

ઇમેજ સ્રોત, UGC
કર્ણાટકના દક્ષિણ કન્નડા જિલ્લામાં નેત્રાવતી નદીના કિનારે કામદારોની એક ટુકડી 29 જુલાઈથી પોલીસ દેખરેખ હેઠળ ખોદકામ કરી રહી છે. અહીં હાડપિંજર દફનાવવામાં આવ્યાં છે કે કેમ તેની તપાસ માટે ખોદકામ ચાલી રહ્યું છે.
શ્રદ્ધાકેન્દ્ર ગણાતા ધર્મસ્થલામાં ભૂતપૂર્વ સફાઈ કર્મચારી હોવાનો દાવો કરતી એક વ્યક્તિએ આક્ષેપ કર્યો હતો કે તેમણે એક વગદાર પરિવાર અને તેના કર્મચારીઓના કહેવાથી અહીં સેંકડો મૃતદેહ દફનાવ્યા હતા.
તેના આરોપ પછી આ ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું.
એક અજાણ્યા વ્હિલસબ્લોઅર દલિતે ત્રીજી જુલાઈએ દાવો કર્યો હતો કે 1998થી 2014ની વચ્ચે અહીં દફનાવવામાં આવેલા મૃતદેહો પૈકીના ઘણા મહિલાઓ અને છોકરીઓના હતા. એ મહિલાઓ અને છોકરીઓની જાતીય હુમલાઓ પછી હત્યા કરવામાં આવી હતી.

કર્ણાટક સરકારે આ ઘટનાની તપાસ માટે 19 જુલાઈ એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની નિમણૂંક કરી હતી. ફરિયાદીએ ચિન્હિત કરેલાં 13 સ્થળો પર ખોદકામની જવાબદારી એસઆઈટીને સોંપવામાં આવી હતી.
અત્યાર સુધીમાં આઠ સ્થળે ખોદકામ કરવામાં આવ્યું છે અને એક સ્થળેથી કેટલાંક હાજપિંજરના અવશેષો મળી આવ્યા છે. જોકે, અંતિમ તારણ ફોરેન્સિક વિશ્લેષણ પછી કાઢી શકાશે, એમ પોલીસે જણાવ્યું છે.
ધર્મસ્થલા મંદિરના વડાના ભાઈએ ધાર્મિક સ્થળનું સંચાલન કરતા પરિવાર વિરુદ્ધની "બદનક્ષીજનક સામગ્રી"ના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવાનો આદેશ શરૂઆતમાં મેળવ્યો હતો. તે આદેશ કર્ણાટક હાઈકોર્ટે પાછો ખેંચી લીધો છે.
મંદિરના અધિકારીઓએ "નિષ્પક્ષ અને પારદર્શી" તપાસનું સમર્થન કરતું નિવેદન 20 જુલાઈએ બહાર પાડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "સત્ય અને શ્રદ્ધા સમાજની નૈતિકતા અને મૂલ્યોનો પાયો છે. અમે નિષ્ઠાપૂર્વક આશા રાખીએ છીએ અને સંપૂર્ણ તથા નિષ્પક્ષ તપાસ કરવા તેમજ તથ્યોને પ્રકાશમાં લાવવા એસઆઈટીને ભારપૂર્વક વિનંતી કરીએ છીએ."
ધર્મસ્થલામાં મૃત્યુ બાબતે રહસ્ય અને રોષ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તાજેતરની ઘટનાને પગલે ધર્મસ્થલા તરફ લોકોનું ધ્યાન ખેંચાયું છે, પરંતુ આવું પહેલીવાર નથી બન્યું.
માહિતીના અધિકારની અરજીના જવાબમાં સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે 2001થી 2011 દરમિયાન ધર્મસ્થલા અને નજીકના ઉજીરે ગામમાં 452 અકુદરતી મૃત્યુ નોંધાયાં હતાં.
અહીં નોંધવું જોઈએ કે આ મૃત્યુ આત્મહત્યા અને અકસ્માતને કારણે થયાં હોય તે પણ શક્ય છે.
વળી ભૂતપૂર્વ સફાઈ કામદારે જે મૃતદેહોને દફન કરવામાં આવ્યાનો આક્ષેપ કર્યો છે તેમાં ઉપરોક્ત 452 મૃત્યુ સમાવિષ્ટ નથી. તે પોલીસ દ્વારા તપાસ ન કરવામાં આવી હોય એવા કિસ્સા સંબંધિત છે.
તેમ છતાં, જે બિન-સરકારી સંગઠન નાગરિક સેવા ટ્રસ્ટે આરટીઆઈ અરજી દાખલ કરી હતી, તેણે બીબીસીને જણાવ્યું હતું કે ફક્ત બે ગામડાંમાં થયેલાં અકુદરતી મૃત્યુની સંખ્યા અસામાન્ય છે.
પોલીસ ચોપડે નોંધાયેલા મૃત્યુ ઉપરાંત અકુદરતી મૃત્યુના આરોપો પણ વર્ષોથી થતા રહ્યા છે.
મહેશ શેટ્ટી થિમારોડી અને ગિરીશ માટ્ટેનાવર નામના બે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ધર્મસ્થલાના વગદાર લોકો સામે કોર્ટમાં જવા બદલ 1979માં વેદવલ્લી નામના એક શિક્ષકને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
ધર્મસ્થલા અને ઉજીરેમાંના ઘણા લોકોએ ડિસેમ્બર 1986ની એક અન્ય ઘટનાની વાત કરી હતી. એ વખતે 17 વર્ષની એક યુવતી કૉલેજમાંથી ગુમ થઈ ગઈ હતી અને તેનો મૃતદેહ 56 દિવસ પછી નેત્રાવતીના કિનારેથી મળી આવ્યો હતો.
મૃતકના પિતાએ સ્થાનિક સંસ્થાની ચૂંટણી કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર સામે લડવાનું નક્કી કર્યું એટલે યુવતીની હત્યા કરવામાં આવી હોવાનો તેના પરિવાર તથા સ્થાનિક લોકોનો આરોપ છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસે તે કેસમાં યોગ્ય તપાસ કરી નથી.
મૃતકનાં બહેને કહ્યું હતું, "મારી બહેનનો મૃતદેહ હાથ-પગ દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. અમારી પરંપરા મુજબ, અગ્નિસંસ્કાર કરવાને બદલે અમારા પિતાએ તેના મૃતદેહને દફનાવ્યો હતો, જેથી ભવિષ્યની તપાસમાં ઉપયોગી થઈ શકે. મારાં માસીએ અમને કહ્યું હતું કે મૃતદેહ મળ્યો ત્યારે આગળના દાંત ગાયબ હતા. ગામના વગદાર લોકો અમારા પિતા પર ક્રોધિત હતા."
2003માં પણ આવી એક ઘટના બહાર આવી હતી. એ વખતે મિત્રોને મળવા ગયેલી ફર્સ્ટ યર મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની ધર્મસ્થલામાંથી ગુમ થઈ ગઈ હતી.
મેડિકલ વિદ્યાર્થિનીનાં માતાનો આરોપ છે કે પોલીસે ફરિયાદ સુદ્ધાં નોંધવાનો ઇનકાર કર્યો હતો.
વિદ્યાર્થિનીનાં માતાએ બીબીસીને જણાવ્યું હતું કે ગામના વડીલોએ તેમને ઠપકો આપ્યો હતો.
તેમને કહેવામાં આવ્યું હતું કે "તમને એમ લાગે છે કે અમારે આ એક જ કામ છે? તમે એકલાં છો." વિદ્યાર્થિનીનાં માતાનો દાવો છે કે તેમની અગ્નિપરીક્ષા ત્યાં પૂર્ણ થઈ ન હતી.
તેમણે ઉમેર્યું હતું, "હું મંદિરની બહાર બેઠી હતી ત્યારે કેટલાક લોકોએ મારું અપહરણ કરીને મને બંધક બનાવી હતી. મેં તેમને મારી પુત્રી વિશે પૂછ્યું ત્યારે તેમણે મારા માથાના પાછળના ભાગમાં ફટકા માર્યા હતા. ત્રણ મહિના પછી હું બેંગ્લુરુની એક હૉસ્પિટલમાં આંખો ખોલી શકી હતી."

તેઓ મેંગલુરુમાં પોતાના ઘરે પાછા ફર્યાં ત્યારે જોયું તો તેમનું ઘર બળીને રાખ થઈ ગયું હતું.
તેમણે બીબીસીને કહ્યું હતું, "મારાં કપડાં, મારી દીકરીનાં કપડાં, મારા દસ્તાવેજો, મારી દીકરીના દસ્તાવેજો બધું બળીને રાખ થઈ ગયું હતું."
તાજેતરની ઘટનાઓ પછી તેમણે માંગ કરી છે કે ખોદકામ દરમિયાન તેમની દીકરીના અવશેષો મળી આવે તો એ તેમને સોંપવામાં આવે.
આ બધામાં 2012માં એક એવી ઘટના બની હતી, જેનાથી ધર્મસ્થલામાં કથિત ગુનાના ઇતિહાસની દિશા બદલાઈ ગઈ હતી.
ઑક્ટોબર 2012માં એક સગીરાનો નગ્ન મૃતદેહ, ઈજાના નિશાન સાથે મળી આવ્યો હતો.
એ સગીરાનાં માતાએ બીબીસીને કહ્યું હતું, "મારી દીકરીના શરીરને જોઈને કોણ પણ કહી શકે કે તેના પર અનેક લોકોએ જાતીય હુમલો કર્યો હતો."
પરિવાર અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે એ સગીરાના મોતના કારણની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી ન હતી. સ્થાનિકો અને માનવાધિકાર સંગઠનોએ ન્યાયની માંગણી સાથે સમગ્ર કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
કર્ણાટક પોલીસે સંતોષ રાવને આરોપી તરીકે રજૂ કર્યો હતો અને ચાર વ્યક્તિઓ(બધા ધર્મસ્થલાના વગદાર લોકો)ને ક્લીનચીટ આપી હતી. એમના નામ છોકરીના પરિવારે ફરિયાદમાં આપ્યાં હતાં.
નવ વર્ષ જેલમાં રહ્યા પછી સીબીઆઈની ખાસ કોર્ટે 2023માં સંતોષ રાવને નિર્દોષ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે "તેની વિરુદ્ધ ફરિયાદ પક્ષ દ્વારા કશું પુરવાર કરવામાં આવ્યું નથી."
બીબીસીએ આ ચાર કેસમાં આરોપોના જવાબ માટે સ્થાનિક પોલીસના સંપર્કના પ્રયાસ કર્યા હતા, પરંતુ પોલીસનો સંપર્ક થઈ શક્યો ન હતો.
ધર્મસ્થલાના 'વગદાર લોકો'

આ ચાર કેસ અને દલિત વ્હિસલબ્લોઅર દ્વારા કરવામાં આવેલા આરોપો વચ્ચેની સામાન્ય કડી એ છે કે બધું ધર્મસ્થલાનું સંચાલન કરતા પરિવાર તરફ આગળી ચીંધે છે.
જે સગીરાનો મૃતદેહ 2012માં મળ્યો હતો તેના દાદાએ કહ્યું હતું કે, "ગુનેગાર કોણ છે તે બધાને ખબર છે. તેઓ પોલીસના ડર વિના, લોકોની હત્યા કરીને મૃતદેહને રસ્તાની બાજુમાં દાટી દેતા હતા. એ દિવસોમાં શૌચાલયના અભાવે અમે સ્નાન કરવા જંગલમાં જતા હતા. અમને જંગલી ડુક્કરે ખોદી કાઢેલા મૃતદેહો જોવા મળતા હતા."
આવી લાગણી નાગરિક સેવા ટ્રસ્ટ નામના એનજીઓના પદાધિકારી સોમનાધાએ પણ વ્યક્ત કરી હતી. સોમનાધાએ પ્રદેશમાં અકુરતી મોત બાબતે આરટીઆઈ અરજી દાખલ કરી હતી.
તેમણે બીબીસીને કહ્યું હતું, "અહીં એક ગૅંગ છે. તેને ડી ગૅંગ કહેવામાં આવે છે. એ ગૅંગને ધર્મસ્થલાના કેટલાક મોટા લોકોનું સમર્થન મળેલું છે."
મહેશ શેટ્ટી થિમારોડી એક માણસને જીવતો સળગાવી દેવાના કેસમાં કાનૂની લડાઈ લડી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં 13 વર્ષમાં તેમની સામે 25 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
ધર્મસ્થલામાં થયેલા કથિત ગુનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે "હું આ બધું મારા બાળપણથી જોઈ રહ્યો છું. જંગલમાં સડી ગયેલા કે રસ્તા નીચે દટાયેલા મૃતદેહોની સંખ્યાની તમને ખબર છે?"
કાનૂની લડાઈમાં મહેશના ભાગીદાર ભૂતપૂર્વ પોલીસ અધિકારી તેમજ ભાજપના ભૂતપૂર્વ નેતા ગિરીશ માટ્ટેનાવરે આક્ષેપ કર્યો હતો કે જાતીય હુમલાઓ અને હત્યાના સેંકડો કેસ ક્યારેય નોંધાયા જ નથી. તેમણે બીબીસીને કહ્યું હતું, "ગુનેગારો ધર્મ અને ભગવાનના આવરણનો ઉપયોગ કરી રહ્યા છે."
કર્મશીલો અને પત્રકારોએ મંદિરનું સંચાલન કરતા પરિવાર પર બદલો લેવાનો આરોપ તાજેતરમાં પણ લગાવ્યો છે.
વિદ્યાર્થી નેતા તનુષ શેટ્ટીએ જણાવ્યું હતું કે ધર્મસ્થલાના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર લખવાનું શરૂ કર્યા પછી તેમને ફોન પર એક મૅસેજ મોકલવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે "ટૂંક સમયમાં તમારો અકસ્માત થશે."
શેટ્ટીએ દાવો કર્યો હતો કે લગભગ બે મહિના પહેલાં એક ઑટોરિક્ષાએ તેમને ટક્કર મારી હતી.
એ પછી તેમને કથિત રીતે બીજો મૅસેજ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "હું તમારા અકસ્માતનો સાક્ષી છું. તમારો અકસ્માત ભગવાનની ઇચ્છા હતો."
શેટ્ટીએ એવો આરોપ પણ લગાવ્યો હતો કે પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ વડાનો સંપર્ક કર્યા પછી જ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
શેટ્ટીએ દાવો કર્યો હતો કે "તપાસ સામે કોર્ટમાંથી સ્ટે ઑર્ડર મેળવવામાં આવ્યો હતો. ધર્મસ્થલામાંના મોટા લોકો સામે જે વિરોધ કરે છે તેમને નિશાન બનાવવામાં આવે છે."

કર્ણાટકના વિખ્યાત યુટ્યૂબ પત્રકાર એમ.ડી. સમીરે પણ ફરિયાદ કરી હતી કે ધર્મસ્થલા વિરુદ્ધના રિપોર્ટિંગ બદલ તેમણે ધર્મસ્થલાના વગદાર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.
2012માં સગીર છોકરીના મોત પછી સમીર જેવા સ્થાનિક સોશિયલ મીડિયા પત્રકારોએ આ બાબતે ધ્યાન ખેંચવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સમીરે બીબીસીને જણાવ્યું હતું કે તેમની સામે હાલ ત્રણ કેસ ચાલી રહ્યા છે અને તેમની યુટ્યૂબ ચેનલ પરથી સામગ્રી દૂર કરવાના કાયદાકીય આદેશો મોકલવામાં આવ્યા છે.
ભૂતપૂર્વ સફાઈ કામદાર હોવાનો દાવો કરતા ફરિયાદીએ પોતાના નિવેદનમાં કસૂરવારોના નામ આપતાં પહેલાં "પોતાના ગુમ થઈ જવા અથવા માર્યા જવા"ની ચિંતા પણ વ્યક્ત કરી હતી.
આ બધા આરોપોના જવાબો માટે બીબીસીએ ધર્મસ્થલાના પ્રતિનિધિનો સંપર્ક સાધવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ પ્રતિભાવ માટે ઉપસ્થિત ન હતા.
મહેશ શેટ્ટી થિમારોડીએ દલીલ કરી હતી કે મંદિરનું સંચાલન કરતો પરિવાર ધાર્યું કરાવી શકે છે, કારણ કે કર્ણાટકમાં પ્રભાવશાળી ત્રણેય રાજકીય પક્ષો - ભાજપ, કૉંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) તેમને છાવરતા રહ્યા છે. "રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ તેમની મુલાકાતે આવતા રહે છે."
જોકે, ત્રણેય રાજકીય પક્ષોએ મહેશ શેટ્ટીના આરોપને નકારી કાઢ્યો હતો.

ભાજપના પ્રવક્તાએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, "આ ઘટનાની તપાસ એસઆઈટી કરી રહી છે. તપાસ પૂર્ણ થાય અને અહેવાલ બહાર આવે ત્યાં સુધી રાહ જુઓ."
કર્ણાટક કૉંગ્રેસની મીડિયા કમિટીના ઉપપ્રમુખ સત્ય પ્રકાશે જણાવ્યું હતું કે તેમના પક્ષના નેતૃત્વ હેઠળની સરકારે જ આ મામલાની તપાસ માટે એસઆઈટીની નિમણૂંક કરી છે.
સત્ય પ્રકાશે કહ્યું હતું કે "ગુનેગારો ભલે ગમે તેટલા શક્તિશાળી હોય તેમને ઓળખી અને પીડિતોને ન્યાય અપાવવાની જવાબદારી કૉંગ્રેસ પાર્ટીની છે. એ ઉપરાંત સત્ય બોલતા લોકોનું રક્ષણ કરવાની જવાબદારી પણ કૉંગ્રેસ પાર્ટીની છે."
જેડીએસના પ્રવક્તા અરિવલગને દાવો કર્યો હતો કે તેમના પક્ષને ધર્મસ્થલાનું સંચાલન કરતા પરિવાર સાથે કોઈ સંબંધ નથી. તેમણે ઉમેર્યું હતું કે "એસઆઈટીની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ."
આ મામલે અત્યાર સુધીના ઘટનાક્રમનો સારાંશ આપતાં ભૂતપૂર્વ સફાઈ કામદાર અને ફરિયાદીના વકીલ કે. વી. ધનુંજયે બીબીસીને જણાવ્યું હતું કે તેમના અસીલે કરેલા દાવાઓની સચ્ચાઈ ચકાસવાની જવાબદારી પોલીસની છે.
તેમણે કહ્યું હતું કે "મારા અસીલે કરેલા આરોપો ભૂતકાળની ફરિયાદો અથવા બાકીની તપાસ સાથે કોઈ પણ રીતે સંકળાયેલા નથી. આ સંપૂર્ણપણે નવી ફરિયાદ છે. હું જાણું છું ત્યાં સુધી ભારતીય ન્યાયતંત્રમાં આ એક દુર્લભ કેસ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












