બટાટા ટામેટામાંથી કેવી રીતે પેદા થયા હતા, 90 લાખ વર્ષો પહેલાંના આ રહસ્યને વૈજ્ઞાનિકોએ કેવી રીતે ઉકેલ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બટાટા, ખેતી, ટામેટા, સંશોધન, વિજ્ઞાન, ગુજરાતમાં તો બટાટા-ટામેટાનું શાક ઘણાનો પ્રિય આહાર પણ હશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં તો બટાટા-ટામેટાનું શાક ઘણાનો પ્રિય આહાર પણ હશે.

ગુજરાતી હોય કે અમેરિકન તમામ ભોજનમાં બટાટા એક મહત્ત્વપૂર્ણ ખાદ્ય પદાર્થની ભૂમિકા ભજવે છે. ઘઉં, ચોખા અને મકાઈની સાથે તે વિશ્વની 80 ટકા પ્રજાનું પેટ ભરતા ખાદ્ય પદાર્થોમાં સામેલ છે.

ગુજરાત સહિત દુનિયાના મોટા ભાગના પ્રદેશોમાં તેની મોટા પ્રમાણમાં ખેતી થાય છે અને ખેડૂતોની ખૂબ મોટી સંખ્યા બટાટાની ખેતી પર જ જાણે નભે છે.

આવી જ એક મહત્ત્વની શાકભાજી છે ટામેટા. ગુજરાતમાં તો બટાટા-ટામેટાનું શાક ઘણાનો પ્રિય આહાર પણ હશે.

એકમેકથી સાવ જુદી દેખાતી અને સ્વાદમાં એકમેકથી સાવ અલગ એવી આ શાકભાજીઓ માત્ર આહાર તરીકેનું સંયોજન જ નહીં, પરંતુ ઉત્પત્તિ પણ એકબીજા સાથે જોડાયેલી હોવાનું માલૂમ પડ્યું છે.

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક સંશોધન પ્રમાણે લગભગ 80-90 લાખ વર્ષ પૂર્વે દક્ષિણ સાઉથ અમેરિકાની એક બટાટા જેવી પ્રજાતિ અને જંગલી ટામેટાના છોડ વચ્ચે થયેલી આંતરપ્રજનનથી બટાટાની પ્રજાતિ અસ્તિત્વમાં આવી હતી.

નવા સંશોધનમાં બટાટાની ઉત્પત્તિનાં રહસ્ય ખૂલ્યાં

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બટાટા, ખેતી, ટામેટા, સંશોધન, વિજ્ઞાન,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બટાટા એ માણસ જાત માટે મુખ્ય ખાદ્ય પદાર્થો પૈકીનો એક છે.

સેલ જર્નલમાં તાજેતરમાં છપાયેલા સંશોધન પ્રમાણે બટાટા એ ટામેટા અને બટાટા જેવી પ્રજાતિ વચ્ચે સદીઓ પૂર્વ થયેલી એક આંતરપ્રજનનની ક્રિયાની ઊપજ છે.

સંશોધનમાં લખાયું છે એ મુજબ ઉપરોક્ત બંને પ્રજાતિઓમાંથી મેળવવામાં આવેલાં વંશસૂત્ર અને આધુનિક બટાટા અને જંગલી બટાટામાંથી મેળવાયેલાં 450 રંગસૂત્રોમાં સામ્યતા જોવા મળી હતી.

અભ્યાસ પ્રમાણે આ આંતરપ્રજનની ક્રિયા જ બટાટાની પ્રજાતિમાં જમીન નીચે ખાદ્ય કંદમૂળની ઉત્પત્તિ અને પ્રજાતિને વધુ અનુકૂલનશીલ અને વૈવિધ્ય આપવામાં ચાવીરૂપ સાબિત થઈ છે. પોતાની પૂર્વજ વનસ્પતિઓ પાસેથી જ બટાટાનો છોડ અજાતીય રીતે પ્રજાતિને આગળ વધારવાની લાક્ષણિકતા હાંસલ થઈ છે.

રૉયટર્સ ડોટ કૉમમાં આ સંશોધન અંગે છપાયેલા એક અહેવાલ અનુસાર સંશોધનના સિનિયર લેખક અને અને ચાઇનીઝ ઍકેડેમી ઑફ ઍગ્રિકલ્ચરલ સાયન્સીઝ ખાતે પ્લાન્ટ બ્રીડર સાનવેન હુઆંગે કહ્યું કે, "બટાટા એ માણસ જાત માટે મુખ્ય ખાદ્ય પદાર્થો પૈકીનો એક છે. જેમાં વિવિધતા, પોષકતત્ત્વો અને સર્વવ્યાપકતાના ગુણો છે, જે અન્ય મર્યાદિત ખાદ્ય પદાર્થોમાં છે."

આ સંશોધન કેવી તક ઊભી કરે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બટાટા, ખેતી, ટામેટા, સંશોધન, વિજ્ઞાન,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ઇન્ટરસ્પીસીઝ હાઇબ્રિડાઇઝેશન પર શિમલા નજીકના કુફરી-ફાગુ ખાતે આવેલા સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મોટા પાયે કામ થઈ રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડીસાના બટાટા સંશોધન કેન્દ્રના વડા દિનેશ જી. પટેલ સાથે બીબીસી ગુજરાતીએ બટાટાની ખેતીક્ષેત્રે સંશોધનના મહત્ત્વ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "તાજેતરનું સંશોધન ઇન્ટરસ્પીસીઝ હાઇબ્રિડાઇઝેશન અંગે છે. આ પ્રક્રિયા ઘણી વાર ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેનાં ઘણાં સારાં પરિણામો આવી શકે છે."

તેઓ કહે છે કે ભારતમાં ઇન્ટરસ્પીસીઝ હાઇબ્રિડાઇઝેશન પર શિમલા નજીકના કુફરી-ફાગુ ખાતે આવેલા સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મોટા પાયે કામ થઈ રહ્યું છે.

તેઓ આગળ કહે છે કે, "આ પ્રક્રિયામાં જે-તે પાકમાં થતા રોગચાળાને નાબૂદ કરવા માટે કામ કરી શકાય છે. આ પ્રક્રિયાથી રોગ સામે પ્રતિકાર કરી શકે તેવી સારામાં સારી જાત વિકસિત કરી શકાય છે. આ પ્રકારનાં સંશોધન ભવિષ્ય માટે સારી તકો ઊભી કરે છે."

ગુજરાતમાં બટાટાના ખેડૂતો સામે આવતા પડકારો ઉપર વાત કરતાં તેઓ કહે છે કે, "ગુજરાતમાં બટાટાની ખેતી માટે સૌથી મોટો પડકાર એ ગ્લોબલ વૉર્મિંગ જ છે. તેના કારણે તાપમાનની વધઘટ થાય છે, જે બટાટાની ખેતી માટે પડકારરૂપ સાબિત થાય છે."

તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "અમે ગ્લોબલ વૉર્મિંગની અસરો સામે બટાટાના ખેડૂતોને રક્ષણ મળે એ હેતુથી નવાં નવાં સંશોધનો કરી રહ્યાં છીએ. અમારા કેટલાક પ્રયાસોનો ખેડૂતો અને બટાટાના વેપારીઓને લાભ પણ થયો છે."

"અમારો મુખ્ય હેતુ ગ્લોબલ વૉર્મિંગના પડકારનો સામનો કરી શકે એવી જાત વિકસાવવાનો જ છે."

તેઓ કહે છે કે, "અમે ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઇસ અને ટેબલ પરપસ પોટેટોમાં કઈ હાઇબ્રિડ વેરાઇટી ગુજરાત માટે બંધ બેસે છે એ શોધવાનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય બટાટામાં લાગુ પડતા રોગોને નાબૂદ કરવાની દિશામાં પણ કામ કરાઈ રહ્યું છે."

પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર ગુજરાત

બીબીસી ગુજરાતી, ગુજરાતી, બટાટા, ખેતી, ટામેટા, સંશોધન, વિજ્ઞાન,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રોસેસ્ડ બટાકાના ઉત્પાદન અને નિકાસ મામલામાં તો ગુજરાત અગ્રેસર બન્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

ગુજરાતમાં બટાટા ભારે પ્રમાણમાં ખવાય છે, સાથે જ તેની ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે.

તાજેતરનાં વર્ષોમાં ગુજરાતમાં બટાટાનો કુલ વાવેતર વિસ્તાર પણ વધ્યો છે.

પ્રોસેસ્ડ બટાકાના ઉત્પાદન અને નિકાસ મામલામાં તો ગુજરાત અગ્રેસર બન્યું છે.

ગુજરાત રાજ્યના કૃષિ નિયામકની કચેરીના વર્ષ 2024-25ના કૃષિ પેદાશોના થર્ડ ઍડ્વાન્સ્ડ એસ્ટિમેટ પ્રમાણે રાજ્યમાં બટાટાનું 1,56,200 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ છે. જ્યારે 49.34 લાખ ટન ઉત્પાદનનો અંદાજ હતો.

ધ હિંદુના અહેવાલ અનુસાર વર્ષ 2024-25ની સિઝનમાં રાજ્યમાં બટાટાનું કુલ 48.59 લાખ ટન ઉત્પાદન થયું હતું.

ધ હિંદુ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર વર્ષ 2025માં ગુજરાત પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનના મામલે દેશમાં પ્રથમ ક્રમે હતું. જ્યારે બીજા અને ત્રીજા ક્રમે અનુક્રમે ઉત્તર પ્રદેશ અને પંજાબ હતું.

રાજ્યના કુલ બટાટા ઉત્પાદનમાં પ્રોસેસ્ડ બટાટાનો ભાગ 25 ટકા હતો. જ્યારે બાકીનું ઉત્પાદનમાં બટાટાની કુફરી જેવી વેરાઇટી સામેલ હતી.

ફ્રેન્ચ ફ્રાઇસના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં અગ્રેસર બની ગયું છે. અહીં મોટી સંખ્યામાં ફૅક્ટરીઓમાં ચિપ્સનું ઉત્પાદન થાય છે. તેમાં કૅનેડાની ટોચની કંપની મેક્કેન ફૂડ્સ અને ભારતની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઇસ ઉત્પાદક કંપની હાઇફન ફૂડ્સની ફૅક્ટરીઓ પણ સામેલ છે.

ગુજરાતમાંથી ફ્રેન્ચ ફ્રાઇસ આખી દુનિયામાં નિકાસ કરવામાં આવે છે. કેટલાંય વર્ષોથી બટાટાના બજારનો અભ્યાસ કરતા દેવેન્દ્ર કે.ના કહેવા મુજબ સૌથી મહત્ત્વનું બજાર એશિયા છે જેમાં ફિલિપીન્ઝ, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા સામેલ છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય ફ્રોઝન ફ્રાઇસની માસિક નિકાસ પહેલી વખત 20 હજાર ટનનો આંકડો વટાવી ગઈ. ફેબ્રુઆરી સુધીમાં ભારતની ફ્રાઇસની કુલ નિકાસ 1.81 લાખ ટન હતી જે ગયા વર્ષ કરતાં 45 ટકા વધુ છે.

આ સફળતાનું એક મોટું કારણ તેના ભાવ પણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન