રોજના 300 રૂપિયા કમાતા મોચીના દીકરાએ નીટની પરીક્ષામાં 'ટૉપ રેન્ક' કેવી રીતે મેળવ્યો?

બીબીસ ગુજરાતી, ગુજરાત, પંજાબ, નીટ, મોચીકામ, શિક્ષણ, યુવા
    • લેેખક, ભરત ભૂષણ, રાજેશકુમાર ગોલ્ડી
    • પદ, બીબીસી સહયોગી

"મારો પુત્ર નાનો હતો ત્યારે હું એને કહેતો કે આપણા પરિવારમાં કોઈની પાસે સરકાર નોકરી નથી, કોઈ ભણેલું નથી."

"તેથી હું મારા પુત્રને પાર્ટ-ટાઇમ કામ કરીને આગળ વધારવા માગતો હતો."

દારુણ ગરીબીમાં સંઘર્ષ છતાં જે પુત્રની મહેનત ફળી છે, આ એ પિતાના શબ્દો છે.

મલાઉતના ગુરુ રવિદાસનગરના રહેવાસી જતીને નૅશનલ ઍલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-યુજી)માં ઑલ ઇન્ડિયા 7191 રેન્ક હાંસલ કર્યો છે. નોંધનીય છે કે એસસી કૅટગરીમાં તેમનો રેન્ક 170મો છે.

આ પરીક્ષાનું પરિણામ 14 જૂનના રોજ આવ્યું હતું.

બીબીસ ગુજરાતી, ગુજરાત, પંજાબ, નીટ, મોચીકામ, શિક્ષણ, યુવા
ઇમેજ કૅપ્શન, મલાઉતના જતીને નીટની પરીક્ષા પાસ કરી

તેમના પ્લાસ્ટર વગરના ઘરમાં આજે ખુશીનો માહોલ છે, ઢોલ વાગી રહ્યા છે અને લોકોને મીઠાઈ વહેંચવામાં આવી રહી છે.

જતીનના પિતા ધરમવીર મોચીકામ કરે છે. ધરમવીર અને જતીનનાં માતાં સુમન રાની ખુશખુશાલ છે.

જતીનના પિતા પંજાબી પગરખાં બનાવીને દૈનિક 300 રૂપિયા કમાય છે.

નીટની તૈયારી કેવી રીતે કરી?

બીબીસ ગુજરાતી, ગુજરાત, પંજાબ, નીટ, મોચીકામ, શિક્ષણ, યુવા
ઇમેજ કૅપ્શન, જતીનના પિતા ધરમવીર પંજાબી મોચીકામ કરે છે

જતીન મુક્તસર સાહિબ ખાતેની જવાહર નવોદય વિદ્યાલયમાં 12મા ધોરણ સુધી ભણ્યા. દસમા ધોરણમાં તેમના 91 ટકા આવ્યા હતા જ્યારે 12મા ધોરણમાં તેમના 92 ટકા માર્ક્સ આવ્યા હતા.

તેઓ પાંચમા ધોરણ સુધી પોતાના જ વિસ્તારમાં એક ખાનગી સ્કૂલમાં ભણ્યા હતા. જે બાદ તેમણે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશપરીક્ષા આપી અને તેમાં તેમને ઍડમિશન મળી ગયું.

દસમા ધોરણમાં હતા ત્યારે જ જતીને નીટની પરીક્ષા આપવાનું વિચાર્યું હતું.

12મા ધોરણ બાદ પુણેની દક્ષિણા ફાઉન્ડેશનમાં અભ્યાસ માટે તેમની પસંદગી થઈ.

દક્ષિણા ફાઉન્ડેશન ગરીબ બાળકોના શિક્ષણ માટે મદદ કરે છે.

બીબીસ ગુજરાતી, ગુજરાત, પંજાબ, નીટ, મોચીકામ, શિક્ષણ, યુવા
ઇમેજ કૅપ્શન, જતીનના ઘરની સ્થિતિ ખૂબ કથળેલી છે

જતીન કહે છે કે, "મેં એક વર્ષ સુધી ઘરે રહીને નીટની તૈયારી કરી. હું સારી રીતે તૈયારી કરી શકું એ માટે મેં પહેલા વર્ષે પરીક્ષા ન આપી. અમે ગરીબ હોવા છતાં, મારાં માતાપિતાએ ક્યારેય ન કહ્યું કે આપણી પાસે પૈસા નથી અને મારે હિંમત હારી જવી જોઈએ."

ભવિષ્યમાં જતીન શું કરવા માગે છે, એ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "અમુક વાર ગરીબોની સારી રીતે વાત નથી સાંભળવામાં આવતી અને તેઓ ઇલાજથી વંચિત રહે છે. હું એક મોટી હૉસ્પિટલ શરૂ કરીને ગરીબોને મદદ કરવા માગું છું."

તેઓ કહે છે કે તેમનાં માતાપિતા, સંબંધીઓ, સ્કૂલ ટીચરો અને દક્ષિણા સંસ્થાએ તેમને આ સફરમાં મદદ કરી.

'મેં આના વિશે વિચાર્યું સુધ્ધાં નહીં'

બીબીસ ગુજરાતી, ગુજરાત, પંજાબ, નીટ, મોચીકામ, શિક્ષણ, યુવા
ઇમેજ કૅપ્શન, જતીનના પિતા પંજાબી પગરખાં બનાવીને દૈનિક 300 રૂપિયા કમાય છે

જતીનના પિતા કહે છે કે તેમનો પુત્ર કયા પ્રવાહમાં ભણી રહ્યો હતો એ વિશે તેમને કશી ખબર નહોતી.

તેમણે કહ્યું, "જ્યારે મને દક્ષિણા ફાઉન્ડેશનથી જતીનની કોચિંગ માટે પસંદગી થઈ હોવાનો કૉલ આવ્યો તો હું ઘણો ખુશ થઈ ગયો. અમે પોતે ત્યાં ગયાં અને તેને ત્યાં મૂકી આવ્યાં."

"મેં એના વિશે વિચાર્યું પણ નહીં, હવે એ જ્યાં પહોંચ્યો છે ત્યાં અમારા કોઈ પરિવારજન નથી પહોંચ્યા, છતાં હું એ પટાવાળો બને એવું ઇચ્છતો હતો."

લૅપટૉપ વગર શિક્ષણ

ધરમવીર કહે છે કે તેમનો દીકરો આટલે સુધી પહોંચશે એની તેમને કલ્પનાય નહોતી.

ધરમવીરે કહે છે કે જતીન લૅપટૉપ વગર ભણ્યા. તેમણે કહ્યું, "અમે એક જૂનો મોબાઇલ લીધો, જે જતીને પોતાના શિક્ષણ માટે વાપર્યો."

તેમણે કહ્યું કે જતીને અગાઉ પણ પરીક્ષા આપી હતી, જેમાં તેમને 459 માર્ક્સ આવ્યા હતા. ધરમવીર ઇચ્છતા હતા કે તેમનો પુત્ર એઇમ્સમાં ભણે, જેના માટે જતીન પુણે ગયા અને ત્યાં દિવસરાત ભણ્યા, ઘણી વાર તો દિવસના 16 કલાક પણ. જેનું આ પરિણામ છે.

પરિણામ બાદ આખા પરિવારમાં આનંદનો માહોલ છે.

જતીન કહે છે કે તેઓ યૂટ્યૂબ પર નીટ યુજી પરીક્ષાના વીડિયો જોતા, અને તેમને લાગ્યું કે તેઓ આ પરીક્ષા પાસ કરી શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બન્યું

બીબીસ ગુજરાતી, ગુજરાત, પંજાબ, નીટ, મોચીકામ, શિક્ષણ, યુવા
ઇમેજ કૅપ્શન, જતીનનો પરિવાર ઘણી ખરાબ હાલતમાં રહેલા મકાનમાં રહે છે

આર્થિક રીતે નબળા હોવા છતાં જતીનનાં માતાપિતાએ તેમનો દરેક પ્રકારે સપોર્ટ કર્યો અને આજે તેઓ પોતાની મહેનતને બળે અહીં સુધી પહોંચી ગયા.

જતીનનો પરિવાર હાલ જે ઘરમાં રહે છે એ પહેલાં માટીનું હતું, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળેલી સહાયની રકમથી તેમણે પાકું બાંધકામ કરાવ્યું.

તેમના ઘરમાં ત્રણ રૂમ છે. જેમાં જતીન, જતીનના ભાઈ, માતાપિતા અને દાદી રહે છે.

જતીનનાં માતા કહે છે કે, "મારું સ્વપ્ન હતું કે મારો દીકરો ઑફિસર બને અને પરિવારનાં સપનાં પૂરાં કરે."

જતીનનું ઘર ખૂબ ખરાબ હાલતમાં છે, તેમના પરિવારને આશા છે કે તેમના દીકરાના જીવનના આ ટર્નિંગ પૉઇન્ટથી તેમનું પણ જીવન સુધરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન