અમદાવાદ : એક સમયે ચોકીદારની નોકરી કરતાં યુવકે પ્રતિષ્ઠિત IIMમાં ઍડમિશન કેવી રીતે મેળવ્યું?

ઇમેજ સ્રોત, Dipesh Kewlani
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી સંવાદદાતા
"આ પ્રથમ વખત હશે જ્યારે હું માત્ર મારા અભ્યાસ પર જ ફોકસ કરી શકીશ. આ પહેલાં મેં મોટા ભાગે કોઈ ને કોઈ નોકરીની સાથે જ મારો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. મને માત્ર ભણવામાં જ ધ્યાન આપું એ પોસાય એમ જ નહોતું. હું આગળ ફાયનાન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગુ છું. આઇઆઇએમમાંથી એમબીએ બાદ હું ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર બનવા માંગુ છું."
અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે ચોકીદાર તરીકે કામ કરતાં દીપેશ કેવલાણી પોતાની સફળતા અંગે વાત કરતાં કંઈક આવું કહે છે.
27 વર્ષીય દીપેશ કેવલાણીએ દેશની ટોચની મૅનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (આઇઆઇએમ)માં પ્રવેશ માટેની નવેમ્બર 2024માં આયોજિત કૉમન ઍડમિશન ટેસ્ટ (કેટ)માં 92.5 પર્સેન્ટાઇલ મેળવીને આઇએમએમ શિલોંગમાં ઍડમિશન મેળવ્યું છે.
નોંધનીય છે કે આઇઆઇએમ એ બિઝનેસ મૅનેજમેન્ટના અભ્યાસ માટેની દેશની ટોચની સંસ્થા છે. આઇઆઇએમમાં અભ્યાસને નોંધપાત્ર સિદ્ધિ ગણવામાં આવે છે. સાથે જ દેશની આઇઆઇએમ સંસ્થાઓમાંથી પાસ થનારા ઉમેદવારોને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા લાખો રૂપિયાના પગારની ઑફર ઘણી વાર સમાચારમાં ચમકતી રહે છે.
નાની ઉંમરમાં પિતાને ગુમાવી કુમળી વયથી જ નોકરી સાથે અભ્યાસ કરનારા દીપેશ કહે છે કે ક્યારેય અભાવોથી ઘેરાયેલા જીવનથી તેઓ નિરાશ નથી થયા અને સખત મહેનત-પરિશ્રમ અને પોતાના કૌશલ્ય પર વિશ્વાસ કર્યો છે. એક રૂમ રસોડાના નાના એવા મકાનમાં રહેતા પરિવારના દીપેશે બીબીસી સાથેની વાતચીતમાં પોતાની સફળતા સુધીની સફર જણાવી હતી.
11 વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા, ગુજરાન માટે નાની ઉંમરથી કરવી પડી નોકરી

ઇમેજ સ્રોત, Dipesh Kewlani
દીપેશ કેવલાણી માત્ર 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાને ગુમાવી ચૂક્યા હતા.
પિતાને ગુમાવ્યા બાદ દીપેશનો પરિવાર જયપુરથી તેમના મામા સાથે અમદાવાદ આવીને નરોડા વિસ્તારમાં સ્થાયી થયો હતો.
તેમના પરિવારમાં નાનો ભાઈ દિનેશ (છ વર્ષ) અને માતા હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આમ, ખૂબ નાની ઉંમરે દીપેશના ખભે પરિવારની જવાબદારી આવી પડી હોવાનું તેઓ જણાવે છે.
તેઓ કહે છે કે, "અમારા સમાજના એક ટ્રસ્ટે અમારી મદદ કરી. ટ્રસ્ટમાંથી બંને ભાઈઓને સ્કૂલ ફી માટેની સહાય મળી જતી. આમ, શિક્ષણ તો ચાલતું પરંતુ ઘરમાં મદદ કરવા માટે મેં કંઈક કામ કરવાનું પણ વિચાર્યું."
દીપેશ કહે છે કે તેઓ સાતમા ધોરણમાં આવ્યા ત્યારે તેમણે તેમના વિસ્તારની એક હોલસેલ પગરખાંની દુકાનમાં નોકરી કરવાનું શરૂ કર્યું.
તેઓ કહે છે કે, "આ 2011-12ની વાત છે, તે સમયે મને મહિને 1500 રૂ.નો પગાર મળતો. એ ખૂબ મજૂરીવાળું કામ હતું. હું સવારે સ્કૂલેથી આવીને બાદમાં કામ પર જતો. મારા પગાર ઉપરાંત મામા પાસેથી પણ થોડી મદદ મળી રહેતી અને અમારું ગાડું ગબડતું રહેતું."
દીપેશ કહે છે નોકરી ચાલુ રાખીને જ તેમણે દસમા-બારમા ધોરણની પરીક્ષા આપી. બંનેમાં તેમને ઝળહળતી સફળતા પણ સાંપડી.
"અમે માંડ માંડ સ્કૂલમાં ભણી રહ્યા હતા, એ સમયે ટ્યુશન તો દૂરની વાત હતી. તેમ છતાં મેં દસમા ધોરણમાં મારી જાતમહેનતને બળે 85 ટકા મેળવ્યા, અને બારમા ધોરણમાં મને 89 ટકા માર્ક્સ મળ્યા. 12મા ધોરણમાં તો હું સ્કૂલનો ટૉપર હતો."
બારમા ધોરણ બાદ કરી ચોકીદારની નોકરી
દીપેશ આગળ કહે છે કે તેમણે માર્ચ 2017માં જ્યારે બારમા ધોરણની પરીક્ષા આપી ત્યારે જ એ સમયે અમદાવાદના શાહીબાગ ખાતે કેન્ટોનમેન્ટમાં ચોકીદારની નોકરી માટે જગ્યા હોવાનું જાણ્યું.
"મેં એ સમયે બારમા ધોરણની પરીક્ષા માત્ર આપી જ હતી. ત્યારે જ મને ખબર પડી ગઈ કે મને ચોકીદારની નોકરી લાગી ગઈ છે. હું હોંશેહોંશે એમાં જોડાઈ પણ ગયો. કારણ કે મને આવકના કાયમી સ્રોતની જરૂર હતી. આ એક સરકારી નોકરી હતી. મને એ સમયે મહિને 18 હજાર રૂપિયાનો પગાર મળવાનું શરૂ થઈ ગયું."
દીપેશ પોતાની આગળની કહાણી જણાવતાં કહે છે કે આ ચોકીદારની નોકરીમાં જ રહીને તેમણે બી. કૉમ અને એમ. કૉમ પણ કર્યું હતું.
દીપેશે પોતાની પ્રતિભાના બળે નોકરી કરવાની સાથોસાથ આ બંને પરીક્ષાઓ ડિસ્ટિંક્શન સાથે પાસ કરી બતાવી.
નાના ભાઈને IIM મોકલવા પોતે MBA કરવાનું ટાળ્યું

ઇમેજ સ્રોત, Dipesh Kewlani
એમબીએના પોતાના સ્વપ્ન અંગે વાત કરતાં દીપેશ આગળ કહે છે કે, "મારે શરૂઆતથી જ એમબીએ કરવાનું હતું. પરંતુ મારા પર ઘરની જવાબદારી હતી. અને સાથોસાથ મારો નાનો ભાઈ પણ આઇઆઇએમમાં પ્રવેશ માટે તૈયારી કરી રહ્યો હતો. તેથી મેં એને પ્રાથમિકતા આપી અને પોતાનું આઇઆઇએમ કરવાનું સ્વપ્ન બાજુએ મૂકી દીધું."
આ દરમિયાન દીપેશના નાના ભાઈ દિનેશને વર્ષ 2023માં આઇઆઇએમ-લખનૌમાં ઍડમિશન મળ્યું.
દીપેશ કહે છે કે તેમણે થોડા સમય માટે પોતાનું આઇઆઇએમમાંથી એમબીએ (માસ્ટર ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન) કરવાનું સ્વપ્ન છોડી દીધું હતું.
પરંતુ જ્યારે 2024માં તેમના નાના ભાઈ આઇઆઇએમ-લખનૌથી પોતાની ઇન્ટર્નશિપ માટે અમદાવાદ આવ્યા ત્યારે કેટલાક મિત્રો સાથે મળીને તેમણે મોટા ભાઈ દીપેશને પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે સમજાવ્યા.
દીપેશ કહે છે કે તેમની સમજાવટ બાદ તેમણે પણ કેટની પરીક્ષા આપવાનું નક્કી કરી લીધું.
દીપેશ કહે છે, "મેં મે 2024થી કેટની તૈયારી શરૂ કરી દીધી. તેના માટે કોચિંગમાં પણ જોડાઈ ગયો. મારો નોકરીનો સમય બપોરના અઢી વાગ્યા સુધીનો રહેતો. એ બાદ સાડા ચાર વાગ્યે મારા કેટ માટેના ક્લાસ રહેતા."
"આમ, હું કોચિંગમાં જતા પહેલાં એક-દોઢ કલાક મારા કામના સ્થળે ઑફિસમાં જ રહીને વાંચતો. એ બાદ ક્લાસમાં જઈને ઘરે પહોંચતો. એ બાદ બે કલાક જેટલો સમય વાંચવામાં ફાળવતો. આમ, હું દરરોજ સરેરાશ ચારેક કલાક વાંચતો."
દીપેશ કહે છે કે નોકરીની સાથોસાથ કેટની તૈયારી માટે એ સમયમાં દરરોજ 50-60 કિમી રોજનું ટ્રાવેલ કરવાનું રહેતું.
છતાં પણ તેમણે થાક અનુભવ્યા વગર મહેનત કરવાનું ચાલુ રાખ્યું.
આખરે તેમને આ મહેનત ફળી પણ ખરી.
નવેમ્બર 2024માં આયોજિત કેટની પરીક્ષાનું પરીણામ ડિસેમ્બર 2024માં આવ્યું. જેમાં ફરી એક વાર દીપેશને ઝળહળતી સફળતા મળી અને તેમને 92.50 પર્સેન્ટાઇલ આવ્યા.
એ બાદ કૉલેજ ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયામાં પણ તેમણે સારું પ્રદર્શન કર્યું અને અંતે તેમને આઇઆઇએમ શિલોંગમાં ઍડમિશન મળી ગયું.
દીપેશ ભારપૂર્વક કહે છે કે તેમની કહાણીને કોઈ દયા કે સહાનુભૂતિની દૃષ્ટિએ જુએ તેમને પસંદ નથી. તેમની ઇચ્છા છે કે તેમની આ કહાણી અન્ય લોકોને પણ કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનવા માટે પ્રેરણારૂપ બને.
દીપેશ કહે છે કે જીવનના બધા તબક્કામાં તેમને કોઈને કોઈ વ્યક્તિ કે સંસ્થાનો સાથ મળી રહ્યો, તેથી તેઓ આ મુકામ હાંસલ કરી શક્યા છે.
"સ્કૂલ સમયે મામા અને અમારા સમાજની સંસ્થા, કૉલેજમાં મારા સહકર્મીઓ, કેટની તૈયારી સમયે મારા સહકર્મીઓ અને કોચિંગમાં ભણાવતી ફેકલ્ટીનો સાથ મળ્યો. અંતે જ્યારે હવે ઍડમિશન મળી ગયું અને મારે શિલોંગ જવાનું છે, ત્યારે મારા ભાઈએ ઘરની જવાબદારી ઉઠાવી લીધી છે. કોચિંગ સમયે પણ તેણે મને પ્રેરણા આપી હતી. હવે ઍડમિશન સમયે મારાં મમ્મીએ પણ કહી દીધું કે તેઓ ઘરે એકલાં રહી જશે. હું તેમની ચિંતા કર્યા વગર ભણવા જઉં. આમ, ઘણા બધા લોકોએ મારી સફળતામાં ભૂમિકા ભજવી છે."
દીપેશનાં માતા ભારતી કેવલાણી પોતાના પુત્ર દીપેશની સફળતા માટે ગૌરવની લાગણી અનુભવે છે.
તેઓ કહે છે કે, "મારા મોટા દીકરા દીપેશે ખૂબ મહેનત કરી છે. હવે તેનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. એના માટે મારે ભલે થોડા સમય માટે એકલા રહેવું પડે. એની મહેનતથી જ આ બધું થઈ શક્યું છે. તેણે સંઘર્ષના દિવસો જોયા છે. હવે એ મહેનતનું ફળ એને મળી રહ્યું છે."
નોંધનીય છે કે વર્ષ 2025માં દિનેશે પોતાનો એમબીએનો અભ્યાસ પૂરો કર્યો અને તેમને હૈદરાબાદમાં સારી એવી કંપનીમાં નોકરી મળી ગઈ.
હવે દીપેશ પણ આગામી 23 જૂને આઇઆઇએમ-શિલોંગ પહોંચીને એમબીએ કરવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે એક નવી સફર શરૂ કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












