મુંબઈમાં કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ સામે પક્ષીપ્રેમીઓ મેદાને ઊતર્યા, અમદાવાદમાં શું સ્થિતિ છે?

બીબીસી ગુજરાતી કબૂતર દાણા કબૂતરખાના એચપી ફાઈબ્રોસિસ હાઈપરસેન્સિટિવ ન્યુમોનાઈટિસ એલર્જી બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રમાં કબૂતરોની વધતી સંખ્યા અને તેની ચરકના કારણે લોકોના આરોગ્ય સામે પેદા થતાં જોખમોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચબૂતરા સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

ખાસ કરીને લોકો જાહેરમાં કબૂતરોને દાણા ન નાખે તે માટે આ કાર્યવાહી થઈ રહી છે. તેના ભાગરૂપે મુંબઈમાં અનેક કબૂતરખાના પર તાડપત્રી ઢાંકી દેવામાં આવી છે.

પરંતુ પક્ષીપ્રેમીઓ સરકારની કાર્યવાહીથી નારાજ છે અને તેઓ જાહેરમાં વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે.

હાલમાં આ મામલો બૉમ્બે હાઈકોર્ટમાં છે જ્યાં સુનાવણી ચાલે છે.

બીબીસીએ આ મામલે પક્ષીપ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ, તબીબી નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે કબૂતરોને ચણ નાખવાનું કે કબૂતરોના સંસર્ગમાં રહેવાનું કેટલું જોખમી છે.

આખો મામલો શું છે?

બીબીસી ગુજરાતી કબૂતર દાણા કબૂતરખાના એચપી ફાઈબ્રોસિસ હાઈપરસેન્સિટિવ ન્યુમોનાઈટિસ એલર્જી બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈમાં કબૂતરોને દાણા નાખવા મામલે મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પક્ષીપ્રેમીઓ આમનેસામને છે (ફાઇલ ફોટો)

ગઈ 30 જુલાઈએ બૉમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે મુંબઈના કબૂતરખાનાંમાં કબૂતરોની સંખ્યા રોકવા જરૂરી પગલાં લેવા જોઈએ. હાઈકોર્ટે તમામ જરૂરી સખત પગલાં લેવા કહ્યું હતું.

આ ઉપરાંત જરૂર પડે ત્યાં સીસીટીવી કૅમેરા લગાવવા અને બીટ માર્શલ ગોઠવવાનો નિર્દેશ પણ અપાયો હતો. કબૂતરખાના નજીક રહેતા લોકો ત્યાં અનાજ ન ફેંકે તે જોવાનું કામ બીટ માર્શલો અને અધિકારીઓને સોંપાયું હતું.

આ વિશે દાદરના કબૂતરખાના પર એક નોટિસ લગાવવામાં આવી છે જેમાં જણાવાયું છે કે પક્ષીઓને ચણ નાખવી એ ગુનો છે અને તે બદલ 500 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.

જીવદયા પ્રેમીઓની દલીલ

બીબીસી ગુજરાતી કબૂતર દાણા કબૂતરખાના એચપી ફાઈબ્રોસિસ હાઈપરસેન્સિટિવ ન્યુમોનાઈટિસ એલર્જી બીમારી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, મુંબઈમાં પક્ષીપ્રેમીઓએ કબૂતરોને દાણા નાખવા પરના પ્રતિબંધનો વિરોધ કર્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કબૂતરો કોઈ પણ રીતે માનવી માટે જોખમી છે તે વાત સાથે જીવદયા પ્રેમીઓ સહમત નથી.

મુંબઈમાં જૈન સમુદાયે કબૂતરોને દાણા નાખવા પરના પ્રતિબંધનો ઉગ્ર વિરોધ કર્યો છે. દાદર સ્થિત કબૂતરખાનાને બંધ કરવામાં આવ્યું ત્યારે ત્રીજી ઑગસ્ટે જૈન સમુદાય દ્વારા તેનો વિરોધ કરાયો હતો જેમાં જૈન મુનીઓ પણ હાજર હતા. તેમણે રાજ્યભરમાં આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી હતી.

અમદાવાદ સ્થિત શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજના સેક્રેટરી સુરેશભાઈ શાહ માને છે કે "કબૂતરોને દાણા નાખવા જ જોઈએ, પરંતુ તેની એક સિસ્ટમ હોવી જોઈએ."

તેઓ કહે છે કે "કબૂતરો જ્યાં બેસે ત્યાં ગંદકી થતી હોય છે તેથી ચોક્કસ જગ્યા પૂરતું ચણ નાખવામાં આવે તે જરૂરી છે. બાકી ચણ નાખવાનું બંધ થવું ન જોઈએ."

ભારતીય શહેરોમાં કબૂતરોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે તેવી દલીલના જવાબમાં સુરેશભાઈ શાહે કહ્યું કે "એમ જોવામાં આવે તો દુનિયામાં માણસોની સંખ્યા પણ વધી રહી છે. તેથી કુદરતના કામમાં કોઈએ દખલગીરી કરવી ન જોઈએ."

અમદાવાદમાં જ શ્રી કચ્છી જૈન સેવા સમાજના રજનીભાઈ પારેખ માને છે કે કબૂતરોને જાહેરમાં ચણ નાખવાનું બંધ કરવું ન જોઈએ. તેઓ કહે છે કે "દરેક પશુપક્ષીને જીવવાનો અધિકાર છે. કબૂતરોથી આરોગ્યનું જોખમ થાય છે એવું કહેવાય છે, પરંતુ હજુ સુધી તેના કોઈ પુરાવા નથી મળ્યા. જ્યાં સુધી આ વાત સાબિત ન થાય ત્યાં સુધી ફિડિંગ ચાલુ રાખવું જોઈએ."

'કબૂતરોને ખોટી રીતે ટાર્ગેટ કરાય છે'

બીબીસી ગુજરાતી કબૂતર દાણા કબૂતરખાના એચપી ફાઈબ્રોસિસ હાઈપરસેન્સિટિવ ન્યુમોનાઈટિસ એલર્જી બીમારી

ઇમેજ સ્રોત, Sneha Visaria/BBC

મુંબઈ સ્થિત જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટ કબૂતરોને દાણા નાખવા પરના પ્રતિબંધ સામે કોર્ટમાં લડત આપી રહ્યું છે. આ ટ્રસ્ટનાં ઍક્ટિવિસ્ટ સ્નેહા વિસારિયાએ બૉમ્બે હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે.

સ્નેહા વિસારિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) હાઇપરસેન્સિટિવ ન્યુમોનાઇટિસ (એચપી)નું કારણ આપીને કબૂતરોના ફિડિંગ પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ તેની પાસે આના કોઈ પુરાવા નથી. અમે કોર્ટમાં એચપી થવા માટેનાં 92 કારણો આપ્યાં હતાં, પરંતુ બીએમસી માત્ર કબૂતરોને ટાર્ગેટ કરે છે."

તેમની દલીલ છે કે, "પોલ્ટ્રી ઉદ્યોગ, ઍર કન્ડિશનર, વાહન પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, બાંધકામ ઉદ્યોગ, ધૂળ, લાકડાનું ભૂસું વગેરેના કારણે શ્વસનતંત્રને સૌથી વધારે અસર થાય છે પણ તેને રોકવામાં નથી આવતું. ધૂમ્રપાનથી પણ પેસિવ સ્મોકિંગનું જોખમ રહે છે છતાં ધૂમ્રપાન પર પ્રતિબંધ નથી."

સ્નેહા વિસારિયાએ જણાવ્યું કે, "કબૂતરોના કારણે રોગ ફેલાય છે વાત ખોટી રીતે ફેલાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણા ઇન્ફ્લુઅન્સરો કોઈ પણ પુરાવા વગર કબૂતર વિરુદ્ધ ડર ફેલાવે છે. જો ખરેખર કબૂતરોના કારણે એચપી થતું હોત તો તેના દર્દીઓની સંખ્યા બહુ મોટી હોત. પરંતુ એવું નથી."

નિર્દોષ દેખાતા કબૂતરો ખરેખર ખતરારૂપ?

બીબીસી ગુજરાતી કબૂતર દાણા કબૂતરખાના એચપી ફાઈબ્રોસિસ હાઈપરસેન્સિટિવ ન્યુમોનાઈટિસ એલર્જી બીમારી

ઇમેજ સ્રોત, Synergyrajkot

કબૂતરોની ચરક અને તેના પીછાંના સંસર્ગમાં આવવાથી લોકોને શ્વસનની બીમારીઓ થઈ શકે તે મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે.

ફેફસાંની બીમારીઓના નિષ્ણાત અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. જયેશ ડોબરિયાએ બીબીસીને જણાવ્યું કે, કબૂતરોના સંસર્ગથી હાઈપરસેન્સિટિવ ન્યુમોનાઈટિસ (એચપી) નામની તકલીફ થઈ શકે છે. તે ધીમે ધીમે ફેફસાંમાં વધારે નુકસાન પહોંચાડે ત્યારે ફાઇબ્રોસિસ થઈ શકે છે.

ડૉ. ડોબરિયાએ જણાવ્યું કે, "ફાઇબ્રોસિસ થવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આગળ જતા ફેફસાં ફેઇલ થઈ શકે છે. આ બીમારી માત્ર ફેફસાં નબળા હોય એવા લોકોને જ નહીં, પરંતુ ગમે તેને થઈ શકે છે."

તેઓ કહે છે કે, "કબૂતરો ચરક મૂકે તે સૂકાઈ જાય ત્યાર પછી ઊડીને તમારા બેડરૂમમાં આવે છે અને અંતે તમારા શ્વસનમાં જાય છે. ખાસ કરીને ફ્લેટમાં રહેતા હોય, બારી નજીક બેસતા હોય તેમના માટે આ ખતરો રહે છે."

તેમણે કહ્યું કે, "એલર્જી પ્રત્યે સંવેદનશીલ લોકોને આ બીમારી થઈ શકે છે. તેની સારવારમાં સ્ટીરૉઇડ્સ અને બીજી દવાઓ લેવી પડે છે. પરંતુ યોગ્ય સારવાર ન મળે તો તે ગંભીર બને છે."

તેમની સલાહ છે કે "જે લોકોને એલર્જીની સમસ્યા રહેતી હોય, શરદી-ઉધરસ વારંવાર થતા હોય તેમણે કબૂતરોના સંસર્ગથી દૂર રહેવું."

કેટલાક અભ્યાસ અનુસાર કબૂતરના ચરકમાં કેટલાંક નુકસાન કરી શકે એવાં ફંગસ રહેલાં છે (જેમ કે ક્રિપ્ટોકૉકસ અને હિસ્ટોપ્લાઝ્મા) જે ચરક સૂકાય ત્યારે વાતાવરણમાં રિલીઝ થઈ શકે છે. નિષ્ણાતો અનુસાર આ ફંગસ ફેફસાંના ઇન્ફેક્શનનું કારણ બની શકે છે, ખાસ કરીને એવા લોકોમાં જેમની રોગપ્રતિકારક ક્ષમતા નબળી છે.

અમદાવાદમાં અધિકારીઓ શું કહે છે?

બીબીસી ગુજરાતી કબૂતર દાણા કબૂતરખાના એચપી ફાઈબ્રોસિસ હાઈપરસેન્સિટિવ ન્યુમોનાઈટિસ એલર્જી બીમારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે કબૂતરોના ફિડિંગ કરતાં રસ્તા પર રખડતા ઢોરઢાંખર વધુ મહત્ત્વનો પ્રશ્ન છે

2023ના સ્ટેટ ઑફ ઇન્ડિયાઝ બર્ડ્સ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2000થી 2023 વચ્ચે ભારતમાં કબૂતરોની સંખ્યા 150 ટકા કરતા વધુ વધી છે.

મુંબઈની જેમ ગુજરાતનાં શહેરોમાં પણ પક્ષીઓને જાહેરમાં દાણા નાખવાના કારણે કબૂતરોની સંખ્યામાં ભારે વધારો થયો છે, જેના કારણે કબૂતરની ચરક અને બીજી સમસ્યાઓ વધી છે.

જૂન 2025ના ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ફૂટપાથ, ખુલ્લા મેદાન કે ટ્રાફિક જંક્શન જેવાં જાહેર સ્થળો પર જાહેરમાં ચણ નાખવા પર મનાઈ ફરમાવવાનું વિચારે છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઢોર નિયંત્રણ વિભાગના વડા નરેશ રાજપૂતે બીબીસીને જણાવ્યું કે, "અમદાવાદમાં કબૂતરોને ચણ નાખવા પર નિયંત્રણની હાલમાં કોઈ યોજના નથી." તેમણે કહ્યું કે, "ખુલ્લા રસ્તા પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે ઢોરને ઘાસચારો નાખવા પર કૉર્પોરેશને નિયંત્રણ રાખ્યા છે. પરંતુ કબૂતરોને ચણ નાખવા પર કોઈ મનાઈ નથી."

એએમસીના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, "સિઝનલ ફ્લુ વખતે ધ્યાન રાખવું પડે, પરંતુ એકંદરે આરોગ્યનું કોઈ જોખમ નથી. હા, પક્ષીઓને પાણી પીવડાવવા માટે પાણીની છાબલીઓ ભરી રાખવામાં આવે તેમાં મચ્છર પેદા થઈ શકે છે જે અમારા માટે ચિંતાનું મુખ્ય કારણ છે. કબૂતરોમાં કોઈ વાઈરસ આવે તો તે અલગ વાત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન