હાર્દિક પટેલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આંદોલન કરવાની ચીમકી કેમ આપી, વીરમગામના લોકો તેના વિશે શું કહે છે?

વીરમગામ, રોડ, રસ્તા, ભાજપ, વિખવાદ, વરુણ પટેલ, બીબીસી ગુજરાતી, હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA/FACEBOOK

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"ખાડા અને ગંદકીમાં આખું ગામ પતી ગયું. આ આજકાલનો નહીં વર્ષોનો પ્રશ્ન છે." પ્રવીણભાઈ દુકાનમાં અગરબત્તીના પૅકેટ ગોઠવતા ગોઠવતાં આ વાત કહે છે. પ્રવીણભાઈની વીરમગામના મુખ્ય બજારમાં અગરબત્તીની દુકાન છે. આસપાસ કાદવ - કીચડ એટલાં છે કે વીરમગામ એ ખરેખર શહેર છે કે વિકાસથી વંચિત રહી ગયેલું ગામ, એ સવાલ સ્વાભાવિક રીતે થાય.

વીરમગામમાં ભરવાડી દરવાજો હોય કે મોચીબજાર કે પછી પાન ચકલા કે ગોલવાડ. ત્યાં એક વાત સામાન્ય છે અને તે છે ગંદકી અને ખાડા. મુખ્ય બજારથી લઇને રહેણાંક વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે.

વીરમગામના વતની અને ચશ્માના કારોબાર સાથે સંકળાયેલા ચેતનભાઈ કંસારા બીબીસી ગુજરાતીને જણાવે છે કે "ગોલવાડમાં છેલ્લા બાર મહિનાથી અવિરત ગટરો ઊભરાતી રહે છે. આનો કોઈ દિવસ નિવેડો જ નથી આવતો. વીરમગામમાં છત્રીસ વૉર્ડ છે કોઈ નગરસેવક એવો દાવો કરી શકે તેમ નથી કે મારા વૉર્ડમાં ગટરો ઊભરાતી નથી."

તેઓ વધુમાં ગંભીર આરોપ લગાવતા કહે છે, "નગરપાલિકાના નગરસેવકો રોજ આ રસ્તા પરથી નીકળે છે પણ આંખ આડ કાન કરે છે. લોકોને દવાખાને જવું હોય કે બજારમાં, કંઈ ખરીદી કરવા જવું હોય તેમણે ગંદકીમાં થઈને જ જવું પડે છે."

ગંદકીની સમસ્યાથી કંટાળીને વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્ય સરકારને પત્ર લખ્યો કે આનો કોઈ નિવેડો લાવવામાં આવે.

વીરમગામના ધારાસભ્ય ફરિયાદ કરે છે પરંતુ નગરપાલિકા કહે છે કે તેમની પાસે સ્ટાફ અને સંસાધનોનો અભાવ છે.

હાર્દિક પટેલે આંદોલન કરવાની આપી ચીમકી

ટેલ, પાટીદાર, આંદોલન, ભુપેન્દ્ર પટેલ, સરકાર, નરેન્દ્ર મોદી, વિકાસ, ખાડો

ઇમેજ સ્રોત, Hardik patel/FB

ઇમેજ કૅપ્શન, વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ

રાજ્યમાં ભાજપની સરકાર છે અને હાર્દિક પટેલ પણ ભાજપના જ ધારાસભ્ય છે. હાર્દિક પટેલે હાલમાં જ એક પત્ર લખીને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે, "મુખ્ય મંત્રીએ જે સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ તેમજ 11 કેવી અંડર ગ્રાઉન્ડ લાઇનના કામનું ભૂમિ પૂજન કર્યું હતું તેને સાત મહિના થયા છતાં પણ એક ટકા કામ થયું નથી."

તેમણે મુખ્ય મંત્રીને સંબોધીને એમ પણ ચીમકી આપી હતી કે, "જરૂર પડ્યે પ્રજા સાથે આંદોલનમાં પણ જોડાવું પડશે."

વીરમગામના સુમનભાઈ સોનીએ હાર્દિક પટેલની વાત સાથે સંમત થતા કહ્યું હતું કે "ધારાસભ્ય પણ અંતે તે વીરમગામના નાગરિક છે, પછી ધારાસભ્ય બન્યા છે. તેથી તેમની વાત ખૂબ સ્વાભાવિક છે."

ચેતન કંસારા કહે છે કે, "પ્રજાએ આંદોલન કરવું જોઈએ અને હાર્દિકભાઈ સો ટકા એ આંદોલનને ટેકો આપશે એની મને ખાતરી છે."

'વીરમગામમાં કરોડોનાં કામ મંજૂર થયાં પણ ગંદકી ત્યાં ને ત્યાં'

ટેલ, પાટીદાર, આંદોલન, ભુપેન્દ્ર પટેલ, સરકાર, નરેન્દ્ર મોદી, વિકાસ, ખાડો

ઇમેજ સ્રોત, Tejas Vaidya

ઇમેજ કૅપ્શન, વીરમગામના લોકોનું કહેવું છે કે તેઓ ખાડા અને ગંદકીથી પરેશાન થઈ ગયા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વીરમગામ, માંડલ, નળકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે.

ગંદકીને લીધે લોકો વીરમગામની ખરાબ છબિ લોકોના મનમાં પડે છે એવું હિરેન જોશી માને છે. તેઓ શિક્ષણના ક્ષેત્રમાં સંકળાયેલા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં હિરેન જોશી કહે છે કે" વીરમગામ ચાર જિલ્લાને જોડતું મથક છે. તેથી તેની ભૌગોલિક ઉપયોગીતા ઘણી છે. ઑટો ઇન્ડસ્ટ્રીઝથી લઇને ઘણા ઉદ્યોગો અહીં વિકસી રહ્યા છે. દેશભરમાંથી લોકો આ પંથકમાં આવી રહ્યા છે. એમાં ગંદકીને લીધે બહારથી આવતા કોઈ પણ નાગરિક અહીં આવ્યા બાદ મનમાં વીરમગામની ખરાબ છાપ લઇને જાય છે."

વીરમગામની ગટર વ્યવસ્થા દુરસ્ત થવી જોઈએ એવું તેમનું માનવું છે.

તેઓ કહે છે કે, "ખૂબ જૂની ગટર વ્યવસ્થા છે, જે કથળી ગઈ છે જેને લીધે ગંદકીની સમસ્યા પેદા થઈ છે. શાળાએ બાળકને મૂકવા જતા વાલીઓને પણ ખૂબ મૂશ્કેલી પડે છે. ઘણી જગ્યાએ ડ્રેનેજ લીકેજ છે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી તો સમસ્યાએ માઝા મૂકી છે. જેનું તાકીદે નિવારણ જરૂરી છે."

આ વર્ષે જાન્યુઆરીમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી વિકાસ પૈકી વીરમગામ, સાણંદ નગરપાલિકા તેમજ ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને 26.35 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું.

સ્થાનિક નાગરિકોનો આરોપ છે કે આટલી રકમનું ભંડોળ મળ્યું હોવા છતાં પણ વીરમગામમાં ગંદકીની સમસ્યા યથાવત્ છે.

ચેતનભાઈ કંસારા કહે છે કે, "સરકારની ગ્રાન્ટ વીરમગામ માટે આવી હશે પણ એનાથી ગટર સાફ નથી થઈ. અમે દર મહિને નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ પણ કોઈ ઉકેલ આવતા નથી. અહીંની નગરપાલિકાને વિકાસમાં રસ જ નથી. સરકારે યોગ્ય પગલાં લઇને વીરમગામનો વિકાસ કરવો જોઈએ."

વીરમગામ નગરપાલિકાની વળી પોતાની સમસ્યા છે

ગુજરાત, પટેલ, પાટીદાર, આંદોલન, ભુપેન્દ્ર પટેલ, સરકાર, નરેન્દ્ર મોદી, વિકાસ, ખાડો

ઇમેજ સ્રોત, Tejas Vaidya

ઇમેજ કૅપ્શન, વીરમગામના આ બજારમાં પાણી ભરાયું હોય તેવાં દૃશ્યો સામાન્ય હોવાનું સ્થાનિકો જણાવે છે.

"વીરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠામાં છેલ્લાં દોઢ વર્ષમાં એક હજાર કરોડથી વધુનાં કામો મંજૂર થયાં તેમાંથી દોઢસો કરોડનાં કામ પ્રગતિ પર છે." એવું હાર્દિક પટેલે ગત વર્ષે 20મી ઑક્ટોબરે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું.

આ કામોમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, પાણી પુરવઠા વગેરેનાં કામો સામેલ છે.

તેમણે એમ પણ લખ્યું હતું કે, "640 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને બીજા 300 કરોડનાં કામો મંજૂર થઈને ટેન્ડરની પ્રક્રિયામાં છે."

આ છતાં પણ વીરમગામ જેવા મોકાના શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢેર કેમ છે એ એક સવાલ છે.

આટલા કરોડોનાં કામ મંજૂર થયાં પછી પણ જો ધારાસભ્યને ગંદકી માટે મુખ્ય મંત્રી સુધી રજૂઆત કરવી પડતી હોય તો તેવું કેમ છે? આ સવાલ બધાને થાય તે સ્વાભાવિક છે.

ખુદ હાર્દિક પટેલના એક સમયના સાથી રહેલા વરુણ પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ લખીને સરકારી તંત્ર સામે બળાપો ઠાલવ્યો એટલું જ નહીં ગંભીર આરોપો પણ લગાવ્યા.

તેમણે લખ્યું, "વીરમગામની ઐતિહાસિક દુર્દશા પ્રથમ વખત આવી. અંદાજિત 45 કરોડ રૂપિયા સરકારમાંથી આવ્યા, 45 કરોડ ખર્ચ થયા પછી આ ઐતિહાસિક વિકાસ માટે જવાબદાર કોણ?"

તેમણે કોઈનું પણ નામ લીધા વગર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું, "વીરમગામની પ્રજા નકામા છોકરાને માફ નહીં કરે."

વરુણ પટેલ પણ ભાજપમાં જ છે અને એક સમયે જ્યારે પાટીદાર આંદોલન હતું ત્યારે તેઓ એકબીજાના સાથી હતા. પરંતુ તેમણે 'નકામા છોકરા' શબ્દનો ઉપયોગ કરીને તેમનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. જોકે, આ વિશે ભાજપમાંથી કોઈ ફોડ પાડીને બોલવા તૈયાર નથી.

ટેલ, પાટીદાર, આંદોલન, ભુપેન્દ્ર પટેલ, સરકાર, નરેન્દ્ર મોદી, વિકાસ, ખાડો

ઇમેજ સ્રોત, Kushal batunge

ઇમેજ કૅપ્શન, વીરમગામ નગરપાલિકાના નગરસેવક તેમજ વેરા વસૂલાત વિભાગના ચૅરમૅન અજયકુમાર ગોલવાડિયા

વીરમગામ નગરપાલિકાના નગરસેવક તેમજ વેરાવસૂલાત વિભાગના ચૅરમૅન અજયકુમાર ગોલવાડિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે "ગંદકીનો પ્રશ્ન છે,પૂરતા સ્ટાફના અભાવે આ સમસ્યા છે. અમારી પાસે કાયમી સ્ટાફ નથી. અમારી નગરપાલિકાની ટીમ અને અમે સૌ ઉકેલ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ સરકાર દ્વારા ગઈ કાલે જ સૅનેટરી ઇન્સ્પેક્ટર અને એકાઉન્ટન્ટની ભરતી કરી છે. અમે સરકારના આભારી છીએ. અમારી પાસે પૂરતાં સાધનો પણ નથી, એની પણ અમે ઉપર સરકાર સુધી રજૂઆત કરેલી છે, અને કરી રહ્યા છીએ."

હાર્દિક પટેલની રજૂઆત અંગે તેમણે કહ્યું કે "ધારાસભ્યે સરકારને જે પત્ર લખ્યો છે તે સંદર્ભે એટલું કહેવાનું કે હાલ ચોમાસાને લીધે ઊભરાતી ગટરના પ્રશ્નો થોડા વધ્યા છે. એનું નિરાકરણ કરવા માટે અમે કામ કરી રહ્યા છીએ."

સુમનભાઈ સોનીએ કહ્યું હતું કે, "ધારાસભ્ય હાર્દિક પટેલે પત્ર લખ્યો હતો. અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓ શું કરે છે અને શું નથી કરતા તે હવે ખબર પડશે. જો આમાં સારું કામ થશે તો વીરમગામ વિકસિત કહેવાશે. જો સારું કાર્ય નહીં થાય તો વિકસિત કેવી રીતે કહેવું? "

બીજી તરફ વીરમગામના ભાજપના નગરસેવક હર્ષદ ઠક્કરે હાર્દિક પટેલ પર નિશાન તાક્યું છે. તેમણે ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું, "અમે આજના ભાજપમાં નથી, અમે 38 વર્ષથી ભાજપમાં છીએ.

મનાય છે કે હાર્દિક પટેલ અને સ્થાનિક ભાજપના આગેવાનો વચ્ચે ખટરાગ પેદા થયો છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ટાવર લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક નગરસેવકોની ગેરહાજરી મામલે નારાજગી વ્યક્ત કરી હતી.

તે વખતે હાર્દિક પટેલે આરોપ લગાવ્યો હતો, "ગામમાં સારું ન થાય, ગામમાં વિકાસ ન થાય, એટલે મૂળ બધાયે ઝગડવાનું અંદરો-અંદર નક્કી કરી લીધું છે."

હાર્દિક પટેલની આ ટિપ્પણી બાદ વીરમગામ ભાજપમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ હોવાનું મનાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન