પાકિસ્તાનથી ગુજરાત આવેલા હિંદુ ડૉક્ટર હવે કેમ કોઈ દેશના નાગરિક નથી રહ્યા, તેમનું ક્લિનિક કેમ બંધ કરાવી દેવાયું?

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
"મારો સરકારને એક જ સવાલ છે કે મારી નાગરિકતા કઈ? કેટલાક લોકો મને પાકિસ્તાની કહે છે, કેટલાક લોકો મને ભારતીય કહે છે. પરંતુ કાગળ પર હું ન તો ભારતીય છું, ન પાકિસ્તાની."
છેલ્લાં ચાર વર્ષથી ભારતીય નાગરિકતા મેળવવા સરકારની વિવિધ કચેરીઓના ધક્કા ખાતા ડૉ. નાનીકરાજ મુખી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પોતે કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેની જાણકારી આપે છે.
તેઓ કહે છે, "ભારતીય નાગરિકતા ન હોવાને કારણે મારું ક્લિનિક સીલ કરી દેવામાં આવ્યું છે. તેને કારણે મારી રોજગારી પણ છીનવાઈ ગઈ છે."
તેમના કહેવા પ્રમાણે તેમની સમસ્યા એવી છે કે તેમણે બાળકોની સ્કૂલના ફૉર્મમાં પિતાની નાગરિકતાનું સ્થાન ખાલી રાખવું પડે છે.
આ વિશે તેઓ કહે છે, "મેં પાકિસ્તાની નાગરિકતા છોડી દીધી છે તેથી તેમ લખી શકતો નથી અને ભારતીય નાગરિકતા છે નહીં તેથી તેવું લખું તો ગુનો બને છે."
ડૉ. નાનીકરાજ મૂળ પાકિસ્તાનના હૈદરાબાદના વતની હતા. તેઓ વર્ષ 2009માં તેમનાં પત્ની અને બે બાળકો સાથે ભારત આવ્યાં હતાં.
વર્ષ 2016માં તેમણે અમદાવાદની કલેક્ટર કચેરીમાં ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરી હતી. અમદાવાદ કલેક્ટર કચેરી તરફથી મળેલા ઍક્સેપ્ટન્સ લેટરના આધારે તેમણે વર્ષ 2021માં પાકિસ્તાની નાગરિકતા સરેન્ડર કરી દીધી હતી.
હાલમાં જ રાજકોટમાં નાગરિકતા સંશોધન કાયદો-સી.એ.એ. (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ) હેઠળ પાકિસ્તાનથી ભારતમાં આવેલા 185 લોકોને ભારતીય નાગરિક તરીકેનું પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. પરંતુ અમદાવાદમાં રહેતા નાનીકરાજ એવી વ્યક્તિ છે જેમને ચાર-ચાર વર્ષથી ભારતની નાગરિકતા મળી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય નાગરિકતા મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી

ઇમેજ સ્રોત, NANIKRAJ MUKHI
ચાર-ચાર વર્ષ થયાં હોવા છતાં તેમને ભારતીય નાગરિકતા મળી નથી. તેથી આખરે તેમણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.
નાનીકરાજ મુખીએ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં આપેલી માહિતી અનુસાર તેમણે 20 ઑગસ્ટ, 2016ના રોજ ભારતીય નાગરિકતા મેળવવા માટે અમદાવાદ કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. 11 જુલાઈ, 2017ના રોજ નાનીકરાજને કલેક્ટર કચેરી તરફથી તેમની અરજી સ્વીકારી હોવાનો ઍક્સેપ્ટન્સ લેટર મળ્યો હતો.
નાનીકરાજ કહે છે આ લેટર મળ્યા બાદ 30 માર્ચ, 2021ના રોજ નાનીકરાજે પોતાનો પાકિસ્તાની પાસપૉર્ટ દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની દૂતાવાસમાં જમા કરાવ્યો હતો અને 7,600 રૂપિયાની નિર્ધારીત ફી પણ ચૂકવીને તેની પહોંચ પણ મેળવી હતી.
આ પહોંચ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જમા કરાવી હતી. તેમજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે તેનું ચલાણ ભરીને તેમની ભરવા પેટે થતી ફી પણ ચૂકવી હતી.

ઇમેજ સ્રોત, gujarathighcourt.nic.in
હાઇકોર્ટમાં કરેલી અરજીમાં આપેલી માહિતી અનુસાર 18 ફેબ્રુઆરી, 2025ના રોજ નાનીકરાજને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરફથી મળેલા પત્રમાં લખ્યુ હતું કે 'કાં તો સેન્ટ્રલ આઈબીનો રિપોર્ટ મિસપ્લેસ થઈ ગયો છે અથવા તો અપલોડ કરેલા નથી.'
નાનકીરાજ કહે છે, "મને જે અમદાવાદ કલેક્ટર કચેરી દ્વારા ઍક્સેપ્ટન્સ લેટર આપવામાં આવ્યો હતો તે પત્ર આઈબીની તપાસ પૂર્ણ થાય ત્યાર પછી જો પૉઝિટિવ રિપોર્ટ મળ્યો હોય ત્યાર પછી જ આપવામાં આવે છે."
હવે આઈબીની તપાસનો રિપોર્ટ ન હોવાને કારણે કે પછી ખોવાઈ જવાને કારણે નાનીકરાજ પરેશાન થઈ રહ્યા છે.
તેઓ આરોપ લગાવતા કહે છે, "કેટલાક અધિકારીઓની બેદરકારીને કારણે હું ચાર વર્ષથી હેરાન થાઉં છું. 50 કરતાં વધારે વખત હું કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ ચૂક્યો છું. અંતે મેં હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મને આશા છે કે ન્યાય મળશે."
'મારું ક્લિનિક બંધ કરાવી દીધું'

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાનીકરાજ મુખીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "મે પાકિસ્તાનની હૈદરાબાદ ખાતેથી સિંધ યુનિવર્સિટીમાંથી વર્ષ 1999માં એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ એક વર્ષનો સોનોગ્રાફી ડિપ્લોમાં કોર્સ કર્યો હતો. વર્ષ 2002થી વર્ષ 2009 સુધી હું પાકિસ્તાનના હૈદરાબાદમાં ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરતો હતો."
તેઓ વધુમાં કહે છે કે "વર્ષ 2009માં હું મારા પરિવાર સાથે પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ હું મેડિકલ કાઉન્સિલની પરવાનગી લઈને અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં પ્રૅક્ટિસ કરતો હતો. મૅડિકલ કાઉન્સિલ દ્વારા પ્રૅક્ટિસ કરવાની પરવાનગી આપવામાં આવે છે. જે દર વર્ષે રિન્યૂ કરાવવાની હોય છે. જે હું રિન્યૂ પણ કરાવતો હતો."
ત્યાં નાનીકરાજ પર વધુ એક સમસ્યા આવી. મેડિકલ કાઉન્સિલે પાકિસ્તાનથી ભારત સ્થળાંતર કરીને આવેલા ડૉક્ટરોને પ્રૅક્ટિસ માટે આપવામાં આવતી કામચલાઉ પરવાનગી બંધ કરી દીધી.
નાનીકરાજ આ વિશે કહે છે, "મેડિકલ કાઉન્સિલે દરેક પાકિસ્તાનથી ભારત આવેલા ડૉકટરોને એક પત્ર લખીને જાણ કરી હતી કે તમે સ્થળાંતર કરીને ભારત આવ્યા છો. હવે તમને પ્રૅક્ટિસ કરવા માટે જે કામચલાઉ પરવાનગી અપાતી હતી તે હવે બંધ કરવામાં આવે છે. તમે નૅશનલ મેડિકલ કાઉન્સિલની પરીક્ષા આપો. ત્યાર પછી મેં દોઢ વર્ષ તૈયારી કરી અને પરીક્ષા પાસ પણ કરી. નૅશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા મને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે."
આમ છતાં નાનીકરાજનું ક્લિનિક ઑક્ટોબર, 2024માં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યું.
તેઓ કહે છે, "મારું ક્લિનિક બંધ થઈ જતાં હું બેકાર થઈ ગયો, મારી રોજગારી જતી રહી. મારા ઘરમાં કમાનાર માત્ર હું એક જ છું."

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
નાનીકરાજની આ સમસ્યા પર અમે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ ઑફિસર ડૉ. અશ્વિન ખરાડી સાથે વાત કરી.
તેમણે જણાવ્યું, "હું ફરજ પર હાજર થયો તે પહેલાં જ તેમનું ક્લિનિક સીલ કરી દેવામાં આવ્યું હતું. ફાઇલમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે તેમની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ન હોવાને કારણે તેમનુ ક્લિનિક સીલ કરવામાં આવ્યું છે."
નાનીકરાજે તેમના ક્લિનિક ચાલુ થાય તે માટે પણ વિવિધ કચેરીઓના ધક્કા ખાધા પરંતુ તેમનો કોઈ પ્રયાસ સફળ થયો નહીં.
નાનીકરાજ કહે છે કે "હું જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીમાં જાઉં છું તો તેઓ કહે છે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું સર્ટિફિકેટ આપો. મેડિકલ કાઉન્સિલમાં સર્ટિફિકેટ લેવા જાઉં છું તો તેઓ કહે છે કે નાગરિકતાનું પ્રમાણપત્ર આપો. નાગરિકતા લેવા માટે કલેક્ટર કચેરીએ જાઉં છું તો તેઓ કહે છે કે તમારી અરજીનો આઈબીનો રિપોર્ટ ખોવાઈ ગયો છે અથવા તો અપલૉડ થયો નથી."
નાનીકરાજ કહે છે કે "મેં નૅશનલ મેડિકલ કાઉન્સિલની પરિક્ષા પણ પાસ કરી છે. હું ક્વૉલિફાઇડ ડૉક્ટર છું. પરંતુ નાગરિકતા ન મળવાને કારણે છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર છું. મારી દીકરી પુણે ખાતે એમબીબીએસનો અભ્યાસ કરે છે. તેમજ એક દીકરો રાજસ્થાનના કોટા ખાતે એમબીબીએસનો અભ્યાસ કરે છે. છેલ્લા છ મહિનાથી હું મારા ભાઈઓ કે સંબંધીઓ પાસેથી પૈસા લઈને તેમની ફી ભરું છું. પરંતુ કોઇકની પાસેથી પૈસા લઈને કેટલા દિવસ ચાલી શકે?"
નાનીકરાજની સમસ્યા પર સરકારી અધિકારીઓનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
નાયબ મામલતદાર યજુવેન્દ્રસિંહ રાઠોડે આપેલી માહિતી અનુસાર સિટીઝનશિપ કાયદામાં અલગ અલગ કૅટેગરી હોય છે.
યજુવેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે, "અહીં બતાવેલા સંજોગો પ્રમાણે 6.1 કૅટેગરીમાં નાગરિકતા આપવામાં આવે છે. આ કૅટેગરીમાં અરજી કરનાર વ્યક્તિ છ વર્ષથી ભારતમાં રહેતી હોવી જોઈએ. તેમજ અરજી કરે તે પહેલાં સળંગ એક વર્ષ સુધી તેમણે ભારત છોડેલું ન હોવું જોઈએ."
આ કૅટેગરી હેઠળ નાગરિકતા મેળવવા માટેની અરજી ઑનલાઇન કરવાની હોય છે.
ઑનલાઇન અરજી કર્યા બાદ તે અરજીની પ્રિન્ટ અને તેની સાથે જરૂરી દસ્તાવેજોની ત્રણ નકલો કલેક્ટર કચેરીએ જમા કરાવવાની હોય છે.
ત્યારબાદ તેમના સોગંદ લેવડાવવામાં આવે છે. જેમાં અરજદારે બે ગૅરંટર લઈને આવવાના હોય છે. આ ગૅરંટર ભારતીય નાગરીક હોવા જોઈએ.
આ અરજી મળ્યા બાદ કલેક્ટર કચેરી તરફથી શહેર પોલીસ કમિશનર અને એફઆરઆરઓને તપાસ માટે પત્ર લખીને જાણ કરવામાં આવે છે.
સેન્ટ્રલ આઈબી આ અરજીને ઑનલાઇન જ ઍક્સેસ કરી શકે છે. જેથી અરજી મળ્યા બાદ સેન્ટ્રલ આઈબી દ્વારા રિપોર્ટ તૈયાર કરીને ઑનલાઇન અપલોડ કરવામાં આવે છે.
યજુવેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા પ્રમાણે સેન્ટ્રલ આઈબી, શહેર પોલીસ તેમજ એફઆરઆરઓ ત્રણેયના રિપોર્ટ હકારાત્મક આવવા જરૂરી છે.
દિલ્હી દૂતાવાસમાં પહેલાના દેશની નાગરિકતા છોડ્યા બાદ તેની પહોંચ કલેક્ટર કચેરી જમા કરાવવાની હોય છે. ત્યારબાદ એક ચલાણ ભરવાનું હોય છે.
ઉલ્લેખનીય છે કે નાનીકરાજ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેમને કલેક્ટર કચેરી તરફથી મળેલા ઍક્સેપ્ટન્સ લેટર બાદ જ પાકીસ્તાની નાગરિકતા સરેન્ડર કરી હતી. તેમજ તેની પહોંચ પણ કલેક્ટર કચેરીમાં જમા કરાવી છે અને કલેક્ટર કચેરીમાં ચલાણની ફી પણ ભરી છે.
નાનીકરાજને નાગરિકતા કેમ મળી રહી નથી તે અંગેના જવાબમાં યજુવેન્દ્રસિંહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "તેમની અરજી અંગેનો આઈબીનો રિપોર્ટ ઑનલાઇન જોવા મળી રહ્યો નથી. તેથી તેમને નાગરિકતા આપવામાં આવી રહી નથી."
નાનીકરાજને ઍક્સેપ્ટન્સ લેટર કલેક્ટર કચેરી તરફથી મળ્યો છે જે આઈબીના રિપોર્ટ બાદ જ મળે છે.
આ અંગે સવાલના જવાબમાં યજુવેન્દ્રસિંહે જણાવ્યું કે "હું જુલાઈ 2024માં જ આ જગ્યા પર આવ્યો છું. જેથી તેમની આગળની પ્રક્રિયા અંગે મને કંઇ જાણ નથી."
જો કે નાનીકરાજને ઍક્સેપ્ટન્સ લેટર કલેક્ટર કચેરી તરફથી જ મળ્યો હોવાનો પણ યજુવેન્દ્રસિંહે સ્વીકાર કર્યો હતો.
હવે નાનીકરાજે જે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે તેમાં આપેલી માહિતી અનુસાર નાનીકરાજે 23 ઑક્ટોબર, 2021માં નાગરિકતા માટે બીજી વાર અરજી કરી હતી. નાનીકરાજે બધી જ ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરી હોવા છતાં સેન્ટ્રલ આઈબી તરફથી ક્લિયરન્સ રિપોર્ટ ન મળ્યો હોવાને કારણે તેમની નાગરિકતાની અરજી નકારવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, NANKIRAJ MUKHI
નાનીકરાજ કહે છે કે તેમનાં પત્નીને વર્ષ 2022માં અને તેમની એક દીકરીને વર્ષ 2024માં ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે.
નાનીકરાજે હાઇકોર્ટમાં જે અરજી કરી છે તેમાં આપેલી માહિતી અનુસાર તેઓ સાત ભાઈ-બહેન છે. જેમાથી તેમના ભાઈ મંગુમલ, ભોજમલ, વાસુમલ તેમજ તેમનાં બહેન વિજયંતીને ભારતીય નાગરિકતા મળી છે. તેમના અન્ય એક ભાઈ વર્ષ 2019માં ભારત આવ્યા છે. તેમણે ભારતીય નાગરિકતા માટે હજુ અરજી કરી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












