ટ્રમ્પે ફરી કહ્યું કે 'ભારત પર આવતા 24 કલાકમાં વધારે ટેરિફ લગાવશે'

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કહ્યું છે કે તેઓ 24 કલાકમાં ભારત પર સારો એવો ટેરિફ વધારવા જઈ રહ્યા છે.

સીએનબીસી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ટ્રમ્પે ભારતને બહુ વધારે ટેરિફ લગાવનાર દેશ ઠેરવ્યો છે.

તેમણે કહ્યું છે કે, "ભારત સારું ટ્રેડ પાર્ટનર નથી એટલે અમે તેમની સાથે વધુ બિઝનસ નથી કરતા. અમે તેમના પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો હતો પણ મને લાગે છે કે આવનારા 24 કલાકમાં અમે તેમના પર આનાથી પણ વધારે ટેરિફ લગાવવાના છીએ."

ટ્રમ્પે એક વખત ફરી કહ્યું છે કે ભારત રશિયા પાસેથી સતત ઑઇલ ખરીદે છે અને આ રીતે રશિયાના વૉર મશીનને મદદ કરી રહ્યું છે જે યુક્રેનમાં કેટલાય લોકોને મારી રહ્યું છે.

રશિયા પાસેથી ઑઇલ ખરીદવા પર ટ્રમ્પની ધમકી પર ભારતનો અમેરિકાને જવાબ, જાણકારો શું કહે છે

ટ્રમ્પ, મોદી, ભારત, અમેરિકા, ટેરિફ, રશિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની ઘોષણા કરી છે.

અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું, "ભારતને કોઈ ફરક નથી પડતો કે રશિયાના યુદ્ધથી યુક્રેનમાં કેટલા લોકો માર્યા જાય છે. તેથી, હું ભારત પર ટેરિફ વધારવાનો છું."

જવાબમાં ભારતે ટ્રમ્પની આ ધમકીને 'અયોગ્ય અને તર્કવિહિન' ગણાવી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે "અમેરિકા હજુ પણ રશિયા પાસેથી પોતાના ન્યુક્લિયર ઉદ્યોગ માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પેલેડિયમ, ખાતર અને રાસાયણિક પદાર્થો આયાત કરે છે."

ભારત હાલમાં રશિયન ઑઇલના સૌથી મોટા ખરીદદારોમાં સામેલ છે.

2022માં જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, ત્યારબાદ ઘણા યુરોપીય દેશોએ વેપાર ઘટાડ્યો, જેના કારણે ભારત રશિયા માટે એક મહત્ત્વપૂર્ણ બજાર બની ગયું.

વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ સ્ટીફન મિલરે ફૉક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે, "ભારતનું રશિયા પાસેથી ઑઇલ ખરીદીને યુક્રેન યુદ્ધને ફાઇનાન્સ કરવું સ્વીકાર્ય નથી."

'ભારત રશિયાથી ચીન જેટલું જ ઑઇલ ખરીદે છે'

ટ્રમ્પ, મોદી, ભારત, અમેરિકા, ટેરિફ, રશિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારવાની વાત તો કરી છે, પરંતુ તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે ટેરિફમાં કેટલા ટકા વધારો થશે.

ટ્રમ્પની આ ધમકી એવા સમયે આવી છે જ્યારે થોડા દિવસ પહેલા જ તેમણે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર કરેલી એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, "ભારત માત્ર રશિયા પાસેથી મોટી માત્રામાં ઑઇલ ખરીદી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ તેલનો મોટો હિસ્સો ખુલ્લા બજારમાં વેચીને ભારે નફો પણ કમાઈ રહ્યું છે. તેમને એ વાતની ચિંતા નથી કે યુક્રેનમાં રશિયાનું સૈન્ય કેટલા લોકોને મારી રહી છે. આ કારણસર, હું ભારત પર ટેરિફ વધારવાનો છું."

આ પહેલાં, 30 જુલાઈએ પણ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.

તેમણે એ પણ કહ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી સૈન્ય સાધનો અને તેલની ખરીદી ચાલુ રાખે છે, તો હાલના ટેરિફ સિવાય પૅનલ્ટી પણ લગાવવામાં આવી શકે છે.

ટ્રમ્પનો આરોપ છે કે ભારતની આ ખરીદી રશિયાને યુક્રેનમાં યુદ્ધ ચાલુ રાખવામાં મદદ કરે છે.

ટ્રમ્પની તાજી ટેરિફ વધારવાની ધમકી પહેલા સ્ટીફન મિલરે ફૉક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારત અને રશિયા વચ્ચેના વેપાર અંગે ટિપ્પણી કરી હતી.

મિલરે કહ્યું, "લોકો આ જાણીને આશ્ચર્યચકિત થઈ જશે કે રશિયા પાસેથી તેલ ખરીદવામાં ભારત લગભગ ચીનના બરાબર છે. આ આશ્ચર્યજનક છે. ભારત પોતાને અમારું સૌથી નજીકનું મિત્ર કહે છે, પણ અમારાં ઉત્પાદનો ખરીદતું નથી. ભારત ઇમિગ્રેશનમાં ગરબડ કરે છે. આ અમેરિકન કામદારો માટે ખૂબ જ ખતરનાક છે અને રશિયન તેલ પણ ખરીદે છે, જે સ્વીકાર્ય નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે, પણ અમારે હકીકત સમજવી પડશે."

ભારતનો અમેરિકાને જવાબ

ભારત, અમેરિકા, વિદેશનીતિ, ડોનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પની આ આલોચના ફગાવી દીધી છે અને કહ્યું છે કે અમેરિકા અને યુરોપીય સંઘ પોતે રશિયા સાથે વેપાર ચાલુ રાખી રહ્યા છે.

ગયા વર્ષે, કડક પ્રતિબંધો હોવા છતાં, અમેરિકા અને રશિયા વચ્ચે અંદાજે 3.5 અબજ ડૉલરના માલનો વેપાર થયો હતો.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી અમેરિકા અને યુરોપીય સંઘ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે નિશાન બનાવી રહ્યાં છે. હકીકતમાં, ભારતે રશિયા પાસેથી તેલ આયાત ત્યારે શરૂ કર્યું જ્યારે પરંપરાગત તેલ સપ્લાય યુરોપ તરફ વળી ગયો હતો.

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, "હકીકતમાં ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું શરૂ કર્યું કારણ કે સંઘર્ષ પછી પરંપરાગત સપ્લાય યુરોપ તરફ વળી ગયો હતો. તે સમયે અમેરિકા પોતે ભારતને આવી આયાત માટે પ્રોત્સાહિત કરતું હતું, જેથી વિશ્વનાં તેલબજારની સ્થિરતા જળવાઈ રહે."

"ભારત પોતાના ગ્રાહકો માટે સસ્તી અને સ્થિર ઊર્જા ઉપલબ્ધ કરાવવા માટે આ આયાત કરે છે. આ વૈશ્વિક બજારની પરિસ્થિતિઓની મજબૂરી છે. પરંતુ નોંધનીય છે કે જે દેશો ભારતની ટીકા કરે છે, તેઓ પોતે રશિયા સાથે વેપાર કરે છે. ભારતની જેમ તેમનો આ વેપાર તેમના દેશ માટે કોઈ મજબૂરી પણ નથી."

ભારતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોઈ પણ મોટી અર્થવ્યવસ્થાની જેમ, ભારત પણ પોતાનાં રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે.

જ્યારે ટ્રમ્પે ટેરિફ વધારવાની ધમકી આપી, ત્યારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર નવી દિલ્હીમાં બિમ્સટૅકના સંગીત મહોત્સવ 'સપ્તસુર'માં હાજરી આપી રહ્યા હતા.

આ દરમિયાન પોતાના ભાષણમાં જયશંકરે કહ્યું, "અમે જટિલ અને અનિશ્ચિત સમયમાં જીવીએ છીએ. અમારી સામૂહિક ઇચ્છા એ છે કે વિશ્વવ્યાપી વ્યવસ્થા ન્યાયસંગત અને પ્રતિનિધિત્વ ધરાવતી હોવી જોઈએ, માત્ર કેટલાક દેશોના પ્રભુત્વવાળી નહીં. આ પ્રયાસને ઘણીવાર રાજકીય કે આર્થિક સંતુલન તરીકે જોવામાં આવે છે. પરંપરાઓ ખાસ મહત્ત્વ ધરાવે છે કારણ કે અંતે એ જ અમારી ઓળખ નિર્ધારિત કરે છે."

શું કહે છે જાણકાર?

ટ્રમ્પ, મોદી, ભારત, અમેરિકા, ટેરિફ, રશિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાણકારોનું કહેવું છે કે ભારતે ઘરઆંગણે ઑઇલની શોધ પર ધ્યાન આપવું જોઈએ.

ભારતના રણનીતિક વિષયોના નિષ્ણાત બ્રહ્મા ચેલાની કહે છે કે ટ્રમ્પ સાથે ટકરાવું એ ભારત માટે એક પડકાર બની ગયું છે.

બ્રહ્મા ચેલાનીએ ઍક્સ પર લખ્યું, "તેમની આક્રમક ટેરિફ નીતિઓ અને નિયમોની અવગણના સાથે, ટ્રમ્પ ભૂ-રાજનીતિક વાતાવરણમાં અસ્થિરતા લાવનાર સાબિત થઈ રહ્યા છે. તેમનો સામનો કરવો કોઈપણ દેશ માટે પડકાર છે – ખાસ કરીને જોખમથી બચવા ઇચ્છતા ભારત માટે. તેમની હાલની ધમકીના કારણે ભારતને રશિયા સાથેના વેપાર અંગે પશ્ચિમી દેશોની પાખંડભરી નીતિ પર પ્રશ્ન ઉઠાવવો પડ્યો છે."

તેમણે લખ્યું, "ધ્યાન આપવાની વાત એ છે કે પશ્ચિમી દેશો ભારતની રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ટીકા કરે છે, જ્યારે તેઓ પોતે પોતાના વેપાર દ્વારા રશિયાને ઘણી વધુ રકમ મોકલે છે. આ વધુ વિસંગત છે કારણ કે, પશ્ચિમી ગઠબંધન યુક્રેનમાં રશિયા સામે પ્રૉક્સી યુદ્ધ લડી રહ્યું છે."

અજય શ્રીવાસ્તવ, દિલ્હી સ્થિત થિંકટૅન્ક "ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)"ના વડા છે.

તેમણે કહ્યું કે રશિયા સાથે ભારતના તેલ વેપાર અંગે ટ્રમ્પના દાવાઓ અનેક કારણોસર ભ્રામક છે.

અજય શ્રીવાસ્તવે બીબીસીને જણાવ્યું કે આ વેપાર પારદર્શક રહ્યો છે અને અમેરિકા પાસે તેની સંપૂર્ણ માહિતી રહી છે.

તેમણે કહ્યું, "પશ્ચિમી પ્રતિબંધો પછી સપ્લાયમાં વિક્ષેપ આવતા, ભારતે વૈશ્વિક બજારને સ્થિર રાખવા માટે તેલ ખરીદીમાં વધારો કર્યો, જેના કારણે વૈશ્વિક તેલ ભાવમાં તેજ ઉછાળો અટકાવવામાં મદદ મળી. ભારતની તેલ રિફાઇનરીઓ – જાહેર હોય કે ખાનગી – નક્કી કરે છે કે કાચું તેલ ક્યાંથી ખરીદવું. તેઓ ભાવ, સપ્લાયની સુરક્ષા અને નિકાસના નિયમો જેવામ પરિબળોના આધારે નિર્ણય લે છે. આ રિફાઇનરીઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને રશિયા કે અન્ય કોઈ દેશથી તેલ ખરીદવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી."

આ દરમિયાન, ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત એરિક ગાર્સેટીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.

આ વિડિયોમાં એરિક ગાર્સેટી કહે છે, "ભારતે રશિયન તેલ એ માટે ખરીદ્યું કારણ કે અમેરિકા ઇચ્છતું હતું કે ભારત નિર્ધારિત ભાવ મર્યાદા પર તેલ ખરીદે. આ કોઈ ઉલ્લંઘન નહોતું. અમેરિકા ઇચ્છતું નહોતું કે તેલની કિંમત વધે – અને ભારતે એ જ કર્યું."

એરિક ગાર્સેટીએ આ નિવેદન મે 2024માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યું હતું.

ટ્રમ્પ, મોદી, ભારત, અમેરિકા, ટેરિફ, રશિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કબીર તનેજા ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)માં સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડેપ્યુટી ડિરેક્ટર છે.

કબીર તનેજાનું માનવું છે, "આ રસપ્રદ છે કે અમેરિકાના ટેરિફ હુમલાઓ તુર્કી, યુએઈ, સાઉદી અરબ અને કતારને અસર કરતા નથી, જ્યારે આ બધા દેશો રશિયા સાથે વેપાર કરે છે. ટ્રમ્પ કદાચ ભારતને એ માટે નિશાન બનાવી રહ્યા છે કારણ કે ભારતે તેમના ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાના દાવા સાથે અસહમતિ વ્યક્ત કરી હતી."

ORFના સિનિયર ફૅલો સુશાંત સરીન ટ્રમ્પની આ ધમકીને ભારત-અમેરિકા સંબંધોમાં વિશ્વાસ ઘટવાનો સંકેત માને છે.

તેમણે ઍક્સ પર લખ્યું, "રસપ્રદ છે! ભારતે યુરોપીય સંઘ અને અમેરિકાના રશિયા સાથેના વેપારનો ઉલ્લેખ કર્યો, પણ ચીનના રશિયન તેલ ખરીદવા અને ટ્રમ્પ સાથે ચીનનાં વલણનો ઉલ્લેખ કર્યો નહીં. અમેરિકા ભારતનો વિશ્વાસ ગુમાવી ચૂક્યું છે. ભલે ટ્રમ્પના ગુસ્સામાં લગાવેલા ટેરિફ હટાવી દેવામાં આવે, પણ હવે ભારતમાં અમેરિકા પર કોણ વિશ્વાસ કરશે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન