'મારો જન્મ અને ઉછેર પાકિસ્તાનમાં થયો હતો અને હવે ભારતીય નાગરિક બની તેનો ગર્વ છે'

ઇમેજ સ્રોત, Bhavna Maheshwari
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"મારો જન્મ અને ઉછેર કરાચી - પાકિસ્તાનમાં થયો હતો. મને ભારતીય નાગરિકતા મળી તેનો આનંદ અને ગર્વ છે. હું પરણીને રાજકોટ આવી હતી. છેલ્લાં 10 વર્ષથી રાજકોટમાં રહું છું. મેં કરાચીમાં જ ગ્રૅજ્યુએશન તથા એમ.બી.એ.નો અભ્યાસ કર્યો હતો. હાલ હું રાજકોટની હૉસ્પિટલમાં આઠ વર્ષથી નોકરી કરું છું. નાગરિકત્વ મળવાથી મારી આગળ વધવાની તક વધી છે."
આ શબ્દો ભાવનાબહેન મહેશ્વરીના છે. તાજેતરમાં રાજકોટમાં જ નાગરિકતા સંશોધન કાયદો - સી.એ.એ. (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ) હેઠળ, જે 185 લોકોને ભારતીય નાગરિક તરીકેનું પ્રમાણપત્ર મળ્યું તેમાં ભાવનાબહેન પણ હતાં.
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા ગેર-મુસ્લિમોને નાગરિકતા આપવા માટે સી.એ.એ.નો દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો.
ભાવનાબહેનનાં મમ્મી – પપ્પા કરાચીમાં રહે છે. ભાવનાબહેન કહે છે, "મને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જે નાગરિકતા પ્રમાણપત્ર આપ્યું, તેનો ફોટો મારા પપ્પાએ ઘરમાં મઢાવીને રાખ્યો છે."
"મારાં મમ્મી-પપ્પા ઉપરાંત ભાઈ-ભાભી ત્યાં જ રહે છે. તે લોકો પણ ઇચ્છે છે કે તેઓ ભારતમાં રહેવા આવી જાય. અમે હિંદુ છીએ અમને લાગે છે કે અમારું જીવન અહીં છે. મુસ્લિમ દેશમાં એટલી ફૅસિલિટી ન મળે."
'નાગરિકત્વ એ અમારા માટે સામાજિક સ્વીકૃતિનું પણ પ્રમાણપત્ર'

ઇમેજ સ્રોત, Gujarat State Information
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સરકારે બહુચર્ચિત સી.એ.એ.-2019 નો કાયદો માર્ચ-2024માં ભારતમાં લાગુ કર્યો હતો.
આ કાયદા અંતર્ગત 31 ડિસેમ્બર, 2014, પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી 'ધાર્મિક ઉત્પીડન'ના કારણે ભારત આવેલા બિનમુસ્લિમ લઘુમતીઓને ભારતનું નાગરકિત્વ મળી શકે છે.
જે 185 લોકોને રાજકોટમાં ભારતિય નાગરિકતા પ્રમાણપત્ર મળ્યું, તેઓ પૈકી ઘણા પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રિતમ મહેશ્વરી કરાચીમાં જન્મ્યા હતા અને માધ્યમિક શિક્ષણ સુધીનો અભ્યાસ પણ ત્યાં જ કર્યો હતો અને હવે ભારતના નાગરિક બન્યા છે.
પ્રિતમ મહેશ્વરી જણાવે છે, "હું સતરેક વર્ષથી રાજકોટમાં રહું છું. હું પાકિસ્તાનના કરાચીમાં મોટો થયો ત્યાં 10 ધોરણ સુધી ત્યાં ભણ્યો હતો. અગિયારમું અને બારમા ધોરણનો અભ્યાસ મેં ગુજરાતમાં કર્યો હતો."
"અમે નવેમ્બર-2008 માં કરાચીથી ગુજરાત આવ્યા હતા, એ વખતે જ મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. અમે હિંદુ હોવા છતાં પણ એ ગાળામાં અમે પાકિસ્તાનમાંથી આવ્યા હતા, તેથી લોકોનો ઉમળકો અમને મળતો ન હતો."
"અમને સ્કૂલના ઍડમિશન વગેરેમાં પણ તકલીફ પડી હતી. હવે નાગરિકત્વનું પ્રમાણપત્ર એ અમારા માટે એક પ્રકારની લોકોની સ્વિકૃતિનું પણ પ્રમાણપત્ર છે. લોકોને હવે એ વાતનું અચરજ નહીં રહે કે અમે પાકિસ્તાનથી આવ્યા છીએ."
પ્રિતમભાઈ રાજકોટમાં એક ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરે છે. અગાઉ તેમણે મોબાઇલ કંપનીમાં પણ કામ કર્યું હતું. કરાચીમાં તેમણે અંગ્રજી માધ્યમની શાળામાં અભ્યાસ કર્યો હતો.
પ્રિતમભાઈ મહેશ્વરી કહે છે, "હું ગુજરાતી કક્કો લખતા અને વાંચતા રાજકોટ આવીને શીખ્યો છું. હું મૂળે કચ્છનો છું. 1947માં ભાગલા થયા ત્યારે મારા દાદાજીનાં મકાન-મિલ્કત અને વ્યવસાય કચ્છના એ ભાગમાં હતા જે ભાગલા વખતે પાકિસ્તાનમાં જતો રહ્યો હતો."
"તેથી એ લોકો ત્યાં જ રહેવા માંડ્યા હતા. અમારા પાકિસ્તાનમાં જે કોઈ સગા રહે છે તેઓ પણ ઘરમાં કચ્છી બોલી બોલે છે."
ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Gujarat State Information
રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કૅમ્પ યોજવામાં આવ્યો હતો.
જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું, "જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે, તેવા પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે. "
હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું, "પાકિસ્તાનથી સુરક્ષા માટે પોતાનો જીવ બચાવીને છેલ્લાં અનેક વર્ષોથી ભારતમાં રહે છે તેવા હિંદુ પરિવારોને ભારતીય નાગરિકત્વ આપવાનો કાર્યક્રમ છે."
"આ લોકો પોતાના પરિવારને બચાવીને હેમખેમ ભારત આવ્યા છે. મિલ્કત, જન્મભૂમિ અને કારોબાર છોડીને આવવું પડ્યું. વડા પ્રધાનનો આભાર માનું છું કે તેમના નેતૃત્વમાં સી.એ.એ.-2019 જે પાસ થયો તેના કારણે આ જે પીડિત લોકો છે તેઓ પોતાનાં પરિવારનું અને બાળકોનું ભવિષ્ય અહીં ઉજ્જવળ કરી શકશે."
જ્યારે આ કાયદો બન્યો ત્યારે દેશના ઘણા ભાગોમાં તેના વિરોધમાં વિરોધ થયો હતો. સામાજિક કાર્યકરો, માનવાધિકાર માટે કામ કરનારાં સંગઠનો અને સમાજના એક વર્ગે આ કાયદાને ભારતીય બંધારણની ભાવના વિરુદ્ધ ગણાવીને તેનો વિરોધ કર્યો હતો.
2019માં CAA વિરુદ્ધ વિરોધ શરૂ થયો, ત્યારે તેનો અંત દિલ્હી રમખાણોના રૂપમાં થયો હતો. આ રમખાણોમાં 53 લોકોનાં મોત થયાં હતાં. 2019માં લોકસભાની ચૂંટણી હતી તેથી ચૂંટણીના વર્ષમાં તેનો અમલ થઈ રહ્યો હતો ત્યારે વિરોધ પક્ષોએ તેને ચૂંટણીનો ખેલ ગણાવ્યો હતો.
અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે આ કાયદા પર ચિંતા વ્યક્ત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું હતું કે, "આ કાયદો મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ છે અને ભારતની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર જવાબદારીઓનું ઉલ્લંઘન કરે છે."
હર્ષ સંઘવીએ કહ્યું હતું, "પાકિસ્તાનમાં મારા આ હિન્દુ, શિખ, ઇસાઈ, જૈન, બૌદ્ધ પરિવારો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતા તેમના મનમાં સતાવે છે."
"પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આ પરિવારો પાસેથી જાણવા મળ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર ખૂબ અત્યાચાર કરવામાં આવે છે. મારી તો આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનને અપીલ છે કે ખરેખર માનવાધિકાર નિહાળવા હોય તો એ ભારતમાં છે."
વિસ્થાપિતો એ ભારત પર બોજ નથી

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ, ડીએમકે, તૃણમૂલ કૉંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, સીપીએમ, ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી), રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, આમ આદમી પાર્ટી અને પીપલ્સ ડેમૉક્રટિક પાર્ટી જેવા પક્ષોએ આ કાયદાનો વિરોધ કર્યો હતો.
જયારે આ કાયદો લાવવામાં આવ્યો, ત્યારે શિવસેનાએ તેમના મુખપત્ર 'સામના'માં તંત્રી લેખમાં લખ્યું હતું કે આ કાયદો ગર્ભિતપણે હિંદુ-મુસ્લિમ અલગતાવાદને આગળ પ્રેરશે.
અરવિંદ કેજરીવાલ જ્યારે દિલ્હીના મુખ્ય મંત્રી હતા એ વખતે સીએએ સામે વિરોધ નોંધાવતા કહ્યું હતું, 'મોટી સંખ્યામાં લોકોને આપણા દેશમાં લાવવામાં આવશે. તેમને રોજગાર આપવામાં આવશે. કેન્દ્ર સરકાર આપણાં બાળકોને રોજગારી આપી શકતી નથી અને પાકિસ્તાનથી આવેલા લોકોને રોજગારી આપશે?'
પ્રિતમ મહેશ્વરીએ કહ્યું હતું, "હું કેજરીવાલજીને કહેવા માગું છું કે અમારા જેવા વિસ્થાપિતો એ ભારત પર કોઈ બોજ નથી. અમે આત્મનિર્ભર છીએ અને ભારતની અર્થવ્યવસ્થામાં અમે પણ યોગદાન આપીએ છીએ."
"આનો જે રાજકીય વિરોધ થયો હતો તે પણ યોગ્ય નથી. આમાં તબક્કાવાર પૂરતી ખરાઈ કરવામાં આવે છે. એ પછી જ નાગરિકતા મળે છે. કોઈ ઘૂસણખોરને નાગરિકતા મળી જાય એવું નથી. તેથી બંગાળ વગેરેમાં જે વિરોધ થયો તે ગેરવાજબી લાગે છે."
પાકિસ્તાન હંમેશાં તેમને ત્યાં અલ્પસંખ્યકો પર અત્યાચાર થઈ રહ્યો હોવાના આરોપોનું ખંડન કરે છે.
ભારતના ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ પર સંસદમાં જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સંખ્યા 1947માં 23 ટકા હતી જે 2011માં ઘટીને માત્ર 3.7 ટકા થઈ ગઈ છે.
પાકિસ્તાને અમિત શાહના આ દાવાને ફગાવી દીધો હતો. તે વખતે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે પાકિસ્તાની અખબાર ધ ઍક્સપ્રેસ ટ્રિબ્યૂનને જણાવ્યું હતું કે અમિત શાહનો દાવો ઐતિહાસિત તથ્યો અને વસ્તીગણતરીનાં પરિણામો સાથે મેળ ખાતો નથી.
તેમણે દાવો કર્યો કે પાકિસ્તાનમાં બિન-મુસ્લિમોની વસ્તી એટલા માટે ઘટી છે કારણકે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ અલગ દેશ બન્યો.
ડૉ. ફૈઝલે કહ્યું, "પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ લીલા રંગની માફક જ છે. અમારા રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ અલ્પસંખ્યકોની ભાગેદારીને દર્શાવે છે. અમિત શાહે જે આંકડો ગણાવ્યો ત્યારે દેશનું વિભાજન નહોતું થયું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












