'સૈયારા' ફિલ્મને કોરિયન ફિલ્મ 'એ મૉમેન્ટ ટૂ રિમેમ્બર'ની રિમેક કહેવી કેટલી યોગ્ય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, YRF/INSTAGRAM

ઇમેજ કૅપ્શન, મોહિત સૂરી નિર્દેશિત ફિલ્મ 'સૈયારા' 18 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી.

સિનેમાઘરોમાંથી લઈને સોશિયલ મીડિયા સુધી આજકાલ યશરાજ ફિલ્મ્સની નવી ફિલ્મ 'સૈયારા'ની ચર્ચા ચાલી રહી છે.

ફિલ્મ સૈયારાને લઈને દર્શકોમાં ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, ખાસ કરીને યુવાઓમાં. જાણકારોનું કહેવું છે કે એક અલગ પ્રેમ કહાણી, સુંદર સંગીત અને અહાન પાંડે તથા અનીત પઢ્ઢા જેવા નવા ચહેરાઓનો સીમિત પ્રચાર સાથે લૉન્ચ કરવાની રણનીતિને કારણે આ ફિલ્મને મોટી સફળતા મળી છે. જોકે, કેટલાક તેની આલોચના કરતા કહે છે કે તે એક કોરિયન ફિલ્મની રિમેક છે.

ફિલ્મનાં ભાવનાત્મક દૃશ્યોને જોતા યુવાનોની આંખોમાં આંસુ છે અને હાઉસફૂલ થિયેટરોના કારણે નિર્માતાઓના ચહેરા પર ખુશી છે.

પરંતુ સફળતાની આ લહેર વચ્ચે, આ ચર્ચા પણ તેજ બની રહી છે કે શું 'સૈયારા' કોરિયન ક્લાસિક ફિલ્મ 'A Moment to Remember'ની રીમેક છે?

જો તમે 'સૈયારા' જોઈ નથી, તો આ સ્ટોરીમાં કેટલાંક સ્પૉઇલર્સ હોઈ શકે છે.

કઈ ફિલ્મ છે 'A Moment to Remember' ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, NETFLIX

ઇમેજ કૅપ્શન, 'A Moment to Remember' વર્ષ 2004માં રિલીઝ થઈ હતી અને જબરદસ્ત હિટ થઈ હતી

'A Moment to Remember' વર્ષ 2004માં રિલીઝ થયેલી એક દક્ષિણ કોરિયન રોમૅન્ટિક ફિલ્મ છે, જે કોરિયા ઉપરાંત જાપાનમાં પણ ખૂબ જ સફળ રહી હતી.

ફિલ્મની કહાની જાપાનની એક ટીવી સિરીઝ 'પ્યૉર સોલ' પરથી પ્રેરિત છે.

2012માં તેનું 'ઇવિમ સેન્સિન' નામે તુર્કીમાં એક અધિકૃત રીમેક પણ બનાવવામાં આવ્યું હતું.

'A Moment to Remember'ની વાર્તા હીરો ચોઇ ચુલ-સૂ અને હીરોઈન કિમ સૂ-જિનની આસપાસ ફરે છે, જે બંને અલગ-અલગ સામાજિક વર્ગમાંથી આવે છે.

ચોઇ ચુલ-સૂ (જંગ વૂ-સંગ) એક કડક સ્વભાવ ધરાવતી પરંતુ અંદરથી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે, જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે. તેનું સપનું છે કે તેઓ એક આર્કિટેક્ટ બને.

બીજી તરફ કિમ સૂ-જિન એક ફૅશન ડિઝાઇનર છે, જે તાજેતરમાં તૂટી ગયેલા સંબંધમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે.

બંનેની મુલાકાત થાય છે, જે ધીમે ધીમે પ્રેમમાં બદલાય છે અને પછી લગ્નમાં.

પરંતુ લગ્ન પછી થોડા સમયમાં એક કડવું સત્ય સામે આવે છે — પત્ની કિમ સૂ-જિનને અલ્ઝાઇમરની શરૂઆત થઈ ગઈ છે.

એનો અર્થ એ છે કે ધીમે ધીમે તેની યાદશક્તિ ખોવાઈ રહી છે.

બંને ફિલ્મોની તુલના

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, INSTAGRAM/YRF

ઇમેજ કૅપ્શન, હીરોઇન તરીકે અનીત પઢ્ઢાની આ પહેલી ફિલ્મ છે.

'સૈયારા'માં હીરોઇન અનીત પઢ્ઢાનું પાત્ર 'વાણી' પણ અલ્ઝાઇમરની શરૂઆતની સ્થિતિનો સામનો કરે છે. તે પણ તૂટી ગયેલા સંબંધમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે.

આ જ સમાનતા છે જેના કારણે ઘણા લોકો 'સૈયારા'ને 'A Moment to Remember'ની રીમેક ગણાવે છે.

'A Moment to Remember'માં હીરો-હીરોઇનનાં લગ્ન કહાણીની શરૂઆતમાં જ થઈ જાય છે અને ત્યારબાદ સૂ-જિનને અલ્ઝાઇમર હોવાનું સત્ય બહાર આવે છે.

આ પછીની આખી વાર્તા એ જંગ પર આધારિત છે — એક એવો પતિ જે પોતાની પત્નીની યાદશક્તિ ધીમે ધીમે ખોવાતી જોઈ રહ્યો છે, પણ છતાં પણ તેને પકડી રાખે છે.

જ્યારે 'સૈયારા'માં વાર્તાની દિશા થોડી જુદી છે.

જ્યાં 'A Moment to Remember' એક પરિપક્વ દંપતીનો ભાવનાત્મક સંઘર્ષ બતાવે છે, ત્યાં 'સૈયારા'માં યુવાન પ્રેમની નિર્દોષતા જોવા મળે છે.

અહીં હીરો-હીરોઇન 'કૃષ' અને 'વાણી'નો સંબંધ ધીમે ધીમે વિકસે છે અને બંનેનાં લગ્ન ફિલ્મના અંતિમ ભાગમાં થાય છે.

સૈયારા ફિલ્મમાં શું અલગ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍક્ટર અહાન પાંડે તથા અનીત પઢ્ઢાની કેમિસ્ટ્રી લોકોને પસંદ આવી છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'સૈયારા'માં તે સામાજિક વર્ગના ટકરાવની કોઈ ઝાંખી જોવા મળતી નથી, જે કોરિયન મૂળ ફિલ્મ 'A Moment to Remember'નો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો.

'A Moment to Remember'થી અલગ, 'સૈયારા'માં બંને પાત્રોની પૃષ્ઠભૂમિ સંગીત સાથે જોડાયેલી છે.

ફિલ્મમાં એક ગાયકના સંઘર્ષની વાત છે અને ગીતો આ ભાવનાત્મક વાર્તામાં એક પાત્ર તરીકે ઊભરી આવે છે.

આ બાબતો 'સૈયારા'ને 'A Moment to Remember'ના સીધા રીમેકથી અલગ બનાવે છે.

પરંતુ તેમ છતાં, 'સૈયારા' પર કોરિયન ફિલ્મનો અસર સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી.

ઇત્તેફાક પણ એક અજાયબી તો છે જ, ખાસ કરીને જ્યારે તે વારંવાર થઈ રહ્યો હોય.

બંને ફિલ્મોમાં હીરોઇન અલ્ઝાઇમરના શરૂઆતના સ્ટેજમાં છે, તેની યાદદાશ્ત ખોવાઈ રહી છે, તે ઍક્સ-બૉયફ્રૅન્ડ સાથે જોવા મળે છે.

બંને વાર્તાઓમાં છોકરી ક્યાંક ભાગી જાય છે અને પછી હીરો તેને જૂની સુવર્ણ પળોની યાદ અપાવે છે.

'સૈયારા'નું એક દૃશ્ય તો એવું છે જે વાર્તા અને ફિલ્માંકન બંને દૃષ્ટિએ કોરિયન ફિલ્મની સીધી નકલ લાગે છે.

આ ખાસ સિક્વન્સમાં હીરોઇન વાણી (અનીત પઢ્ઢા) તેના ઍક્સ-બૉયફ્રૅન્ડ સાથે છે.

કૃષ ગુસ્સામાં હુમલો કરે છે. એ સમયે વાણીની યાદદાશ્ત ડગમગાય છે અને તે અચાનક છરીથી કૃષ પર હુમલો કરે છે.

'A Moment to Remember'માં પણ સૂ-જિન અને ચુલ-સૂ વચ્ચે બિલકુલ આવું જ દૃશ્ય છે.

આ દૃશ્ય બંને ફિલ્મો જોઈ ચૂકેલા દર્શકો દ્વારા તરત ઓળખી કાઢવામાં આવ્યું અને તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયું.

પ્રેરણા ક્યાંથી પણ આવી શકે છે — કોરિયન ફિલ્મ, કોઈ જૂની વાર્તા, અથવા પછી કોઈ ઉદાસ સાંજનો સૂરજ.

અને તેમ છતાં, પ્રેરણાને 'રીમેક' ન કહી શકાય.

જેમ કે યશરાજ ફિલ્મ્સે અત્યાર સુધી 'સૈયારા'ને રીમેક નથી કહી.

હવે શક્ય છે કે કાલે કહી પણ દે.

પણ જે દર્શકો બંને ફિલ્મો જોઈ ચૂક્યા છે, તેમનું દિલ જ સાચો ન્યાય કરી શકે.

પરંતુ આ પહેલી વાર નથી જ્યારે નિર્દેશક મોહિત સૂરી કોરિયન ફિલ્મોથી પ્રેરિત થયા હોય.

મોહિત સૂરીની 'પ્રેરણા'ની સફર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images

ઇમેજ કૅપ્શન, નિર્દેશક મોહિત સૂરી

રોમાન્સ, દુઃખ અને થ્રિલની લાઇનોને જોડવામાં નિપુણ મોહિત સૂરી પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના ભાણેજ છે.

2005માં ભટ્ટ ફિલ્મ્સની ફિલ્મ 'ઝહર' સાથે તેમણે નિર્દેશક તરીકે પોતાના સફરની શરૂઆત કરી.

ફિલ્મમાં હીરો તેમના કઝિન ઇમરાન હાશમી હતા.

આ ફિલ્મ હોલીવૂડની 'આઉટ ઑફ ટાઇમ' (2003) પરથી પ્રેરિત હતી.

શરૂઆતથી જ મોહિત સૂરીએ ભટ્ટ કૅમ્પની સુપરહિટ મ્યુઝિક પરંપરાને મજબૂતીથી પકડી રાખી.

2006માં તેમણે કંગના રનૌત અને શાઇની આહૂજા સાથે હિટ ફિલ્મ 'વો લમ્હે'નું નિર્દેશન કર્યું, જે મહેશ ભટ્ટ-પરવીન બાબીની વાર્તા પર આધારિત હતી.

કોરિયન ફિલ્મો સાથે તેમનો સંબંધ 2007માં આવેલી તેમની ફિલ્મ 'આવારાપન'થી શરૂ થયો.

આ ફિલ્મની વાર્તા દક્ષિણ કોરિયાની હિટ ફિલ્મ 'A Bittersweet Life' પરથી પ્રેરિત હતી.

આ જ ફિલ્મથી મોહિત સૂરીનો સિગ્નેચર સ્ટાઇલ શરૂ થઈ — 'પ્રેમમાં ડૂબેલાં, આત્મા સુધી તૂટી ગયેલાં પાત્રો', જે જુનૂન અને તબાહીના કાંઠે ઊભાં હોય છે.

તેમની આગળની ફિલ્મોમાં પણ આવા જ હીરો-હીરોઇન જોવાં મળ્યાં.

તેમની સુપરહિટ ફિલ્મ 'મર્ડર 2' કોરિયન ફિલ્મ 'The Chaser' પરથી પ્રેરિત હતી,

'આશિકી 2' હોલીવૂડ ફિલ્મ 'A Star is Born' પરથી અને 'એક વિલન'માં 'I Saw the Devil'ની ઝાંખી જોવા મળી.

સુન રહા હૈ ના તૂ, તેરી ગલીયાં, હમદર્દ જેવી ફિલ્મોનાં ગીતો યુવા વર્ગમાં ખૂબ લોકપ્રિય થયાં.

જોકે, મોહિત સૂરી હંમેશા આ વાતથી ઇન્કાર કરતા રહ્યા કે તેમની ફિલ્મો કોરિયન ફિલ્મોથી પ્રભાવિત છે.

નવાઈની વાત એ છે કે 'એક વિલન' પછી તેમની નિર્દેશિત ચાર ફિલ્મો —'હમારી અધૂરી કહાની' (2015), 'હાફ ગર્લફ્રૅન્ડ' (2017), 'મલંગ' (2020), અને 'એક વિલન રિટર્ન્સ' (2022)-જે વિદેશી ફિલ્મોથી પ્રેરિત નહોતી, તે બધી બધી ફ્લૉપ સાબિત થઈ હતી.

જો સફળતાની શોધમાં 'સૈયારા'એ થોડું દુઃખ, થોડું ઝનૂન અને થોડી પળો, કોરિયન ફિલ્મનાં ભાવનાત્મક પાત્રોથી ઉધાર લીધી પણ હોય શકે.

આ ઉધારીની સુંદરતાથી દર્શકોના દિલને સ્પર્શી જવું અને તેને પોતાના રંગમાં ઢાળી ફરીથી દર્શકોને સિનેમાહૉલ સુધી ખેંચી લાવવું, એ કોઈ આ સામાન્ય વાત નથી.

બોલીવૂડને કોરિયન ફિલ્મો કેમ પસંદ આવે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ફિલ્મ, સૈયારા, બોલીવૂડ, કોરિયન ફિલ્મો, કોરિયા, ભારતીય સિનેમા ઉદ્યોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બોલીવૂડમાં પહેલાં પણ કોરિયન ફિલ્મોથી પ્રેરિત થઈને ફિલ્મો બનતી રહી છે

માત્ર 'સૈયારા' કે મોહિત સૂરીની વાત નથી, બોલીવૂડ વર્ષો સુધી કોરિયન ફિલ્મોથી પ્રેરિત થતું રહ્યું છે.

કોરિયન ક્લાસિક 'ઑલ્ડ બૉય' પરથી સંજય ગુપ્તાએ સંજય દત્ત-જોન અબ્રાહમ સાથે 'ઝિંદા' બનાવી,

પછી '7 ડેઝ' પરથી ઇરફાન-ઐશ્વર્યા સાથે 'જઝ્બા',

સલમાન ખાનની ફિલ્મો 'રાધે' અને 'ભારત' પણ કોરિયન ફિલ્મ 'The Outlaws' અને 'Ode to My Father'ની રીમેક હતી.

આ ઉપરાંત 'અગલી ઔર પગલી', 'રૉકી હૅન્ડસમ', 'ધમાકા' જેવી રોમૅન્ટિક અને થ્રિલર ફિલ્મોની વાર્તા પણ કોરિયા પરથી આવી છે.

તો એવું શું ખાસ છે કે બોલીવૂડ કોરિયન વાર્તાઓ તરફ વળે છે?

અસલમાં મેઇનસ્ટ્રીમ બોલીવૂડ અને કોરિયન કૉમર્શિયલ સિનેમા વચ્ચે ઘણા ઊંડા સાંસ્કૃતિક તંતુઓ જોવા મળે છે.

હોલીવૂડ અને યુરોપિયન ફિલ્મોથી અલગ, બોલીવૂડની ફિલ્મોમાં ઘણીવાર અનેક શૈલીઓ ભેગી કરવામાં આવે છે —દર્શકોને ભાવનાઓ, ડ્રામા, ઍક્શન અને રોમાન્સ બધું એક સાથે મળે છે.

કોરિયાની ઘણી ફિલ્મો અને સિરીઝ પણ આવી જ રીતે ભાવનાઓની એક આખી દુનિયા રચે છે, જ્યાં મનોરંજનની સુંદર જાળ પાથરવામાં આવે છે અને વાર્તામાં અનેક શૈલીઓ મિક્સ થાય છે.

અન્ય સમાનતાઓ પણ છે. કોરિયન ટીવી સિરીઝ (K-Drama) મજબૂત લાગણીઓ અને માનવીય સંબંધો પર ધ્યાન આપે છે — જેમ કે માતા-પુત્રીનો સંબંધ અથવા પહેલો પ્રેમ. ભારતીય દર્શકો આ લાગણીઓ સાથે સરળતાથી જોડાઈ શકે છે. આ વાર્તાઓમાં કુટુંબ, સન્માન, મહેનત અને માનવતા જેવાં મૂલ્યોને મહત્ત્વ આપવામાં આવે છે — જે ભારતીય સમાજમાં પણ મહત્ત્વપૂર્ણ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તે અંગ્રેજી ફિલ્મોથી અલગ છે અને મોટાભાગની કોરિયન વાર્તાઓ સાદગી અને સંવેદનશીલતા સાથે રજૂ થાય છે,

જેમાં અશ્લીલતા અથવા અતિશય કામુક દૃશ્યો નથી — જેથી તેને પરિવાર સાથે જોઈ શકાય છે.

કોવિડ લૉક-ડાઉન દરમિયાન આ જ સમાનતાઓના કારણે ભારતીય દર્શકો હિંદી અથવા અંગ્રેજીમાં ડબ કરેલી કોરિયન ટીવી સિરીઝ તરફ વળ્યા. Netflixની સૌથી સફળ સિરીઝ પણ કોરિયન 'Squid Game' રહી છે.

આ પહેલાં Parasite, Crash Landing on You, It's Okay to Not Be Okay, The Queen's Classroom જેવી ફિલ્મો અને K-Drama ભારતમાં ખૂબ લોકપ્રિય રહી છે.

હવે જ્યારે યશરાજની 'સૈયારા' દર્શકોના દિલ પર રાજ કરી રહી છે ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય નિર્માતા પણ પ્રેમ અને ભાવનાઓની આ 'કોરિયન લહેર'ની રોકડી કરવામાં પાછળ નહીં રહે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન