ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ જામ્યો, કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વરસાદ, ચોમાસું, વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Nachiket Mehta

ઇમેજ કૅપ્શન, ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ ચાલુ હોઈ બજારો પણ જળમગ્ન બન્યાં છે

શનિવાર સાંજથી જ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ જામ્યો છે. રવિવારે સવારે પણ આ ક્રમ ચાલુ રહ્યો હતો.

અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં ગઈ કાલ સાંજથી જ કેટલોક સમય મુશળધાર અને મોટા ભાગે ધીમી ધારે વરસાદ પડતો જોવા મળ્યો હતો.

આ સિવાય અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની જમાવટથી વાતાવરણમાંથી બફારો જાણે ગાયબ જ થઈ ગયો છે.

જોકે, કેટલીક જગ્યાએ અનારાધાર વરસાદ સ્થાનિકો માટે મુશ્કેલીઓ પણ લઈ સાથે લાવ્યો હતો. કેટલીક જગ્યાએ રસ્તા જળમગ્ન બનતાં રાહદારીઓનાં વાહનો બંધ થવાના બનાવા બન્યા હતા. જેના કારણે તેમણે વાહનોને ધક્કા મારવાનો વારો આવ્યો હતો.

નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા લગભગ બે માસથી ચોમાસું જામ્યું છે, ટૂંકા ગાળાના વિરામ બાદ હવે ફરી એક વાર હવામાન વિભાગની આગાહી અનુસાર સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગે 26 જુલાઈએ જાહેર કરેલા વેધર બુલેટિન અનુસાર ગુજરાતથી કેરળના ઉત્તર ભાગ સુધી સમુદ્ર કાંઠાથી કેટલાક અંતરે ટ્રફ જોવા મળી રહ્યો છે.

આ સિવાય દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર અપર ઍર સાયક્લૉનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. આ બંને ફૅક્ટર્સને કારણે હાલમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું જણાય છે.

બનાસકાંઠાના વડગામમાં 8 ઇંચ વરસાદ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આજથી વધશે વરસાદ, કેટલા દિવસ સુધી રહેશે હજુ વરસાદનું જોર?

બનાસકાંઠામાં ભયંકર વરસાદ પડી રહ્યો છે. આજે સવારના છ વાગ્યા સુધીના આંકડાની વાત કરીએ તો બનાસકાંઠાના વડગામમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ડીસામાં ચાર ઇંચ, પાલનપુરમાં ત્રણ ઇંચ, દાંતીવાડામાં ત્રણ ઇંચ અને ધાનેરામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. લાખણી, દાંતા, અમીરગઢમાં પણ એક-એક ઇંચ વરસાદ પડ્યો છે.

રાજકોટમાં પણ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. અહીં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.

તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ વિસ્તારમાં વરસાદી માહોલ છે.

સાબરકાંઠામાં તાલોદમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડામાં પણ લગભગ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યના લગભગ 181 તાલુકામાં વરસાદનો માહોલ છે.

કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વરસાદ, ચોમાસું, વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં રવિવારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદાર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ સહિત દીવ-દમણ અને દાદરા નગરહવેલી ખાતે પણ મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે.

આ સિવાય 28 જુલાઈ એટલે કે સોમવારે પણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

જોકે, રવિવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં કેટલાંક સ્થળોએ છૂટોછવાયો પરંતુ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે.

ઉપરાંત રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને સુરેન્દ્રનગરમાં પણ કેટલાંક સ્થળોએ છૂટોછવાયો પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આવી જ રીતે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં રવિવારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સોમવારે પણ છૂટોછવાયો પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ સિવાય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સોમવારે પણ કેટલાંક સ્થળો છૂટોછવાયો પરંતુ ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વરસાદ, ચોમાસું, વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠા જિલ્લામાં શનિવાર રાતથી જ મુશળધાર વરસાદ પડવાને કારણે ઠેરઠેર પાણી ભરાયાંનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે

ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં શનિવાર સવારથી તો કેટલાક જિલ્લામાં સાંજથી વરસાદી માહોલ જામ્યો હતો.

અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, અરવલ્લી અને ખેડા જિલ્લામાં શનિવાર સાંજથી ટૂંકા વિરામ સાથે ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.

સમગ્ર ગુજરાતમાં મોટા ભાગનાં સ્થળો મેઘમહેર થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.

ખેડા જિલ્લામાં ડાકોર, ઠાસરા, નડિયાદ, કપડવંજ અને કઠલાલ તાલુકામાં શનિવારથી વરસાદ જામ્યો છે.

બનાસકાંઠામાં પણ વડગામના છાપી પંથકમાં ભારે વરસાદ થતાં પંથક સંપર્કવિહોણું બની ગયું હતું. બનાસકાંઠામાં વરસાદી સિસ્ટમને કારણે વડગામ, ડીસાા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા લાખણી, દાંતા, અમીરગઢ, વાવ, થરાદ, ભાભર, દિયોદર અને સુઈગામમાં શનિવારથી જ વરસાદે માઝા મૂકી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં દસ કલાકમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. અનારાધાર વરસાદને પગલે જનજીવનને પણ અસર થઈ હતી.

જ્યારે બીજી બાજુ વરસાદ પડતાં રાજકોટમાં સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન