એ ચાર કારણો જે દુનિયાના સૌથી નાના મુસ્લિમ દેશને ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનાવે છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
માલદીવ 1200 ટાપુઓનો સમૂહ છે. ભૌગોલિક રીતે માલદીવને દુનિયાનો સૌથી વિખેરાયેલો દેશ માનવામાં આવે છે.
એક ટાપુથી બીજા ટાપુ પર જવા માટે ફેરીનો ઉપયોગ કરવો પડે છે. માલદીવની વસ્તી માત્ર 5.21 લાખ છે.
માલદીવ 1965માં બ્રિટનથી રાજકીય રીતે સંપૂર્ણપણે સ્વતંત્ર થયું હતું. સ્વતંત્રતા પછીનાં ત્રણ વર્ષમાં માલદીવ બંધારણ મુજબ ઇસ્લામિક ગણરાજ્ય બન્યું હતું.
સ્વતંત્રતા પછીથી માલદીવની રાજનીતિ અને લોકોના જીવનમાં ઇસ્લામને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. 2008માં માલદીવમાં ઇસ્લામને રાજ્ય ધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. માલદીવ દુનિયાનો સૌથી નાનો ઇસ્લામિક દેશ છે.
26 જુલાઈએ માલદીવ પોતાનો 60મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યું છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીની આ ત્રીજી માલદીવ યાત્રા છે.
2023માં મોહમ્મદ મુઇઝ્ઝુ રાષ્ટ્રપતિ બન્યા પછી નરેન્દ્ર મોદી માલદીવ પહોંચનારા પ્રથમ વિદેશી નેતા છે. મુઇઝ્ઝુના સત્તામાં આવવામાં ભારતવિરોધી અભિયાનની પણ ભૂમિકા રહી હતી.
પહેલાંની માલદીવ સરકાર 'ઇન્ડિયા ફર્સ્ટ' નીતિ પર ચાલી રહી હતી, પરંતુ મુઇઝ્ઝુએ આ નીતિને સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું. મુઇઝ્ઝુએ ચીન સાથે સંબંધો વધુ મજબૂત કર્યા હતા.
સમાચાર એજન્સી રૉયટર્સે લખ્યું છે કે 7.5 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા ધરાવતું માલદીવ જ્યારે ડિફૉલ્ટ થવાથી બચ્યું, ત્યારે મુઇઝ્ઝુએ ભારત પ્રત્યે પોતાનું વલણ બદલ્યું. રાષ્ટ્રપતિ બન્યા પછી મુઇઝ્ઝુએ પહેલાં તુર્કી, UAE અને ચીનની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મુઇઝ્ઝુએ ભારત સાથેની કડવાશ દૂર કરવાની પહેલ શરૂ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે ભારત અંગે માલદીવ સરકાર તરફથી ખૂબ જ આક્રમક નિવેદનો આવી રહ્યાં હતાં, ત્યારે પણ ભારતના અધિકૃત નિવેદનમાં ધીરજ અને સંયમ જોવા મળ્યું હતું.
આવા સંજોગોમાં પ્રશ્ન ઊભો થાય છે કે એક નાનકડા દેશ, જેનું અર્થતંત્ર માત્ર 7.5 અબજ ડૉલરનું છે, તેના માટે ભારતે એટલો સંયમ શા માટે દાખવ્યો?
1. માલદીવનું સ્થાન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માલદીવ જ્યાં આવેલું છે, એ જ તેને ખાસ બનાવે છે. હિંદ મહાસાગરના મોટા સમુદ્રી માર્ગો નજીક માલદીવ આવેલું છે.
હિંદ મહાસાગરમાં આ જ માર્ગો દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. ખાડીના દેશોથી ભારતમાં ઊર્જાની સપ્લાય આ જ માર્ગથી થાય છે.
આવા સંજોગોમાં ભારત અને માલદીવ વચ્ચે સંબંધો ખરાબ થવા એ ભારત માટે યોગ્ય નથી.
બાંગ્લાદેશમાં ભારતનાં પૂર્વ ઉચ્ચાયુક્ત વીણા સિક્રી કહે છે કે માલદીવ એક મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે અને વૈશ્વિક વેપારમાં તેની ખાસ ભૂમિકા છે.
સિક્રી કહે છે, ''ભારતનાં આર્થિક અને વ્યૂહાત્મક હિતો માટે આ માર્ગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ખાડીના દેશોથી ભારતનો ઊર્જા આયાત આ જ માર્ગથી થાય છે. માલદીવ સાથે સારા સંબંધો ભારતની ઊર્જા સુરક્ષાને પણ સુનિશ્ચિત કરે છે. ભારતના સમુદ્રી દેખરેખ (મેરિટાઇમ સર્વેલન્સ) માટે પણ માલદીવનો સહયોગ મહત્ત્વપૂર્ણ છે.''
થિંકટૅન્ક ORFના સિનિયર ફૅલો મનોજ જોશી કહે છે કે, "માલદીવ જ્યાં આવેલું છે, ત્યાં મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગો છે. આ માર્ગો પર્સિયન ગલ્ફથી પૂર્વ એશિયાની દિશામાં જાય છે. ભારત પણ વેપાર માટે આ માર્ગનો ઉપયોગ કરે છે."
2. ભારત સાથે ભૌગોલિક સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
માલદીવ ભારતની બિલકુલ નજીક આવેલો છે. ભારતના લક્ષદ્વીપથી માલદીવ લગભગ 700 કિલોમીટર દૂર છે અને ભારતના મુખ્ય ભૂભાગથી 1200 કિલોમીટર.
મનોજ જોશી કહે છે, ''જો ચીને માલદીવમાં નૌકાદળનો બેઝ બનાવી લીધો, તો તે ભારતની સુરક્ષા માટે પડકારરૂપ બની શકે છે. માલદીવમાં ચીન મજબૂત બને છે તો યુદ્ધ જેવી સ્થિતિમાં ભારત સુધી પહોંચવું તેના માટે ખૂબ સરળ બની જશે. ચીનના માલદીવમાં ઘણા પ્રોજેક્ટ છે. ચીન વિશે કહેવામાં આવે છે કે તે માલદીવમાં નૌકાદળનો બેઝ બનાવવા ઇચ્છે છે. આવા સંજોગોમાં ભારતે સતર્ક રહેવું જરૂરી છે.''
મનોજ જોશી કહે છે, ''માલદીવ ભારત માટે હજુ પણ પડકાર છે. ભલે નરેન્દ્ર મોદીને માલદીવએ આમંત્રિત કર્યા હોય, પણ રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ આર્થિક મજબૂરીમાં એવું કર્યું છે. માલદીવનો જનમત ભારતની વિરુદ્ધ હજુ પણ છે અને મુઇઝ્ઝુએ એનો લાભ લઈને જીત મેળવી હતી. મુઇઝ્ઝુએ મજબૂરીમાં ભારત સાથે સંબંધો સુધાર્યા છે, એવું નથી કે તેઓ આમ ઇચ્છતા હતા.''
3. ચીનની વધતી હાજરી

ઇમેજ સ્રોત, Getty Images
માલદીવે ચીન સાથે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ કર્યું છે. માલદીવ ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના "બેલ્ટ ઍન્ડ રોડ"નો ખુલ્લેઆમ સમર્થન કરે છે અને તેમાં સામેલ પણ છે.
હિંદ મહાસાગરમાં ચીનની વધતી હાજરીને રોકવામાં માલદીવને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતે માલદીવની ઘણી મહત્ત્વપૂર્ણ યોજનાઓમાં રોકાણ કર્યું છે.
આ યોજનાઓમાં ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટને ચીનનો સામનો કરવા માટેની પહેલ તરીકે જોવામાં આવે છે.
ગયા વર્ષે માર્ચમાં માલદીવે કહ્યું હતું કે ચીન તેને રક્ષણના ક્ષેત્રે મદદ કરશે. ત્યારે માલદીવના સંરક્ષણ મંત્રાલયે ઍક્સ પર લખ્યું હતું, "ચીન સાથે જે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે, તેનાથી સંરક્ષણ મામલે સહાય મળશે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે."
ચીન માલદીવમાં 20 કરોડ ડૉલરનો "ચાઇના-માલદીવ ફ્રેન્ડશિપ બ્રિજ" બનાવી રહ્યું છે.
ઘણા વિશ્લેષકો માને છે કે માલદીવમાં ચીનની વધતી હાજરી ભારતની સુરક્ષા માટે ખતરો છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં મુઇઝ્ઝુએ ચીનની મુલાકાત લીધી હતી અને બંને દેશો વચ્ચે 20 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા.
"ઇન્ડિયાઝ નૅશનલ સિક્યૉરિટી એન્યુઅલ રિવ્યૂ 2018" મુજબ, 27 ડિસેમ્બર 2016ના રોજ માલદીવે માલે ઍરપૉર્ટ નજીકના એક ટાપુને ચીનને 40 લાખ ડૉલરમાં 50 વર્ષ માટે લીઝ પર આપ્યો હતો.
ફેયધૂ ફિનોલ્હુ, જે રાજધાની નજીકનો ગેર-રહેણાક ટાપુ છે, તેને ચીનને લીઝ પર આપવામાં આવ્યો હતો.
હિંદ મહાસાગરમાં ચીન "બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ" હેઠળ પોતાની હાજરી વધારી રહ્યું છે અને તેના માટે માલદીવમાં અનેક યોજનાઓ પર કામ કરી રહ્યું છે.
માલદીવે જુલાઈ 2016માં એક કાયદો બનાવ્યો હતો, જેમાં નવી યોજનાઓને હરાજી પ્રક્રિયામાંથી મુક્ત કરવામાં આવી હતી અને તેને ચીનને મદદરૂપ થવાની દૃષ્ટિએ જોવામાં આવ્યું હતું.
મનોજ જોશી કહે છે, ''અરબી સમુદ્રમાં ચીન સૈન્ય હાજરી ઇચ્છે છે જેથી પર્સિયન ગલ્ફમાંથી આવતું તેલ સુરક્ષિત રીતે આવી શકે. બીજી તરફ, ભારત ઇચ્છે છે કે માલદીવ ચીન માટે સરળ ઠેકાણું ન બને.''
4. રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુનું ભારત પ્રત્યે વલણ

ઇમેજ સ્રોત, Getty Images
મુઇઝ્ઝુએ ગયા વર્ષે માર્ચમાં કહ્યું હતું, "10 મે પછી માલદીવમાં કોઈ પણ રૂપે ભારતીય સૈનિકોની હાજરી નહીં હોય. ભારતીય સૈનિકો યુનિફૉર્મમાં હોય કે સિવિલ ડ્રેસમાં, હવે માલદીવમાં નહીં રહે. હું આ વાત સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છું.''
મુઇઝ્ઝુએ ગયા વર્ષે 13 જાન્યુઆરીએ ચીનની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત પછી ભારતનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું.
મુઇઝ્ઝુએ ભારતનું નામ લીધા વિના કહ્યું હતું, "માલદીવ ભલે નાનો દેશ હોય, પણ એથી કોઈને અમને ધમકાવવાનું લાઇસન્સ મળતું નથી."
આના જવાબમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, "ધમકાવનાર દેશ 4.5 અબજ ડૉલરની મદદ નથી કરતો."
થિંકટૅન્ક અનંતા સેન્ટરનાં CEO ઇન્દ્રાણી બાગચી કહે છે કે માલદીવ ભારત માટે એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ત્યાં હજુ પણ ભારતવિરોધી ભાવના છે.
બાગચી કહે છે, "માલદીવ કદાચ ભારતને પ્રેમ નહીં કરે, પણ એ સુરક્ષા માટે પડકાર ન બને એ સુનિશ્ચિત કરવું પડશે."
પૂર્વ-પશ્ચિમ શિપિંગ લેન નજીક હોવાને કારણે માલદીવ ચીન માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ચીનમાં ખાડીમાંથી આવતું બધું તેલ આ જ માર્ગથી આવે છે.
આ ઉપરાંત માલદીવ નજીક ડિએગો ગાર્સિયા ખાતે અમેરિકાનું મહત્ત્વપૂર્ણ નૌકાદળ બેઝ આવેલું છે.
1988માં રાજીવ ગાંધીએ સૈન્ય મોકલીને અબ્દુલ ગયૂમની સરકારને બચાવી હતી.
2018માં જ્યારે માલદીવના લોકો પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા, ત્યારે ભારતે પાણી મોકલ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












