ગુજરાત : ગાય કે ભેંસને ગર્ભ છે કે નહીં એ તપાસ કરતી કીટ કેટલી અસરકારક, નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
પશુપાલકોએ તેમની ગાય કે ભેંસ ગર્ભવતી (ગાભણી) છે કે નહીં તે તપાસ કરવા માટે હવે 90 દિવસની રાહ જોવી પડશે નહીં. ગાય કેં ભેંસ ગાભણી છે કે નહીં તે પુષ્ટિ કરતી એક પ્રેગનન્સી કીટ વિકસાવાઈ છે.
આ કીટની મદદથી ગાય કે ભેંસના પ્રજનન કે કૃત્રિમ બીજદાનના 28 દિવસ બાદ જ ગર્ભ છે કે નહીં તેના ખબર પડી જશે.
સામાન્ય રીતે ગાય કે ભેંસને ગર્ભ છે કે નહીં તે તપાસ કરવા માટે પ્રજનન કે બીજદાન કર્યાના 90 દિવસ બાદ ચેક કરી શકાય છે. પ્રેગનન્સી કીટથી 28થી 35 દિવસમાં ચેક કરી શકાશે. કીટ બનાવતી કંપનીઓ દ્વારા 80 ટકાથી લઈને 99 ટકા સુધીની સચોટતા અંગેના દાવા કરવામાં આવ્યા છે.
જોકે વેટેનરી નિષ્ણાતોનું કહેવું છે કે આ કીટનો હજુ વધારે પ્રમાણમાં ઉપયોગ થતો ન હોવાથી તેની સચોટતા અંગે સવાલો છે.
પશુચિકિત્સા નિષ્ણાતોનું માનવું છે કે ગર્ભની પુષ્ટિ કરતી કીટ આવવાથી પશુપાલકોના એક પશુના બે મહિના બચી શકે છે. જે તેના જીવનકાળ દરમિયાન બે વેતર (બચ્ચું) વધી શકે છે.
ગુજરાત પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગામડાંમાં લોકો ખેતી સાથે પશુપાલન કરે છે. પશુપાલકો માટે ગાય અને ભેંસ સમયસર ગર્ભવતી થાય તે ખૂબ જ મહત્ત્વનું છે.
ગાય કે ભેંસને ગર્ભ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે?

ઇમેજ સ્રોત, Getty Images
પશુઓએ ગર્ભધારણ કરેલ છે કે નહીં તે અલગ-અલગ પદ્ધતિથી તપાસવામાં આવે છે. જોકે હાલ જે પદ્ધતિઓ છે તેમાં સોનોગ્રાફી મશીનની મદદથી અલ્ટ્રા સાઉન્ડની મદદથી તપાસ કરી શકાય છે.
આ ઉપરાંત પશુનાં ગર્ભશય અને ડીમ્બાશયની હાથથી ચકાસણી પદ્ધતિમાં 90 દિવસ સમય લાગે છે. પ્રેગનન્સી કીટમાં 28 દિવસમાં તપાસ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર સીજી ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે પશુ ગાભણ છે કે નહીં તે અંગેની તપાસ કરવા માટે સૌથી વધારે વપરાતી પદ્ધતિ Rectal Pulpepation (જેમાં તાલીમબદ્ધ ડૉક્ટર હાથ નાખીને પશુના ગર્ભાશયની તપાસ કરે) છે.
ડૉ. ચૌધરીએ વધુમાં જણાવ્યું કે પશુઓ સામાન્ય રીતે 20થી 21 દિવસે ગરમીમાં આવે છે. ત્યારે પશુનું મેટિંગ અથવા કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે. મેટિંગ અથવા કુત્રિમ બીજદાનના 90 દિવસ બાદ હાથથી ગર્ભાશયની તપાસ કરવામાં આવે છે. ગર્ભાશયમાં જો ગર્ભ હોય તો તે ફૂટબૉલના દડા જેવું હોય છે. આ પદ્ધતિ ખૂબ જ સચોટ છે.
આ સિવાય સોનોગ્રાફી કરીને પશુએ ગર્ભધારણ કરેલ છે કે નહીં તે તપાસ કરી શકાય છે. મેટિક કે કુત્રિમ બીજદાન બાદ 28 દિવસ બાદ જ અલ્ટ્રા સાઉન્ડમાં ખબર પડે છે. જોકે આ ખર્ચાળ પદ્ધતિ છે. મોટી વેટેનરી હૉસ્પિટલમાં જ આ મશીન હોય છે. સામાન્ય રીતે આ પદ્ધતિથી ઘોડીને તપાસવામાં આવે છે. ઘોડીમાં હાથ નાખીને ગર્ભાશય તપાસ કરવી થોડું અઘરું હોય છે.
વેટેનરી ડૉક્ટર વીડી ઝાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે "ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંર્તગત અમે દરેક ગામોમાં કૅમ્પ કરીએ છીએ. પશુપાલકો તેમનાં પશુ લઈને આવે છે. અમે તેને હાથ નાખીને ચેક કરીએ છીએ. આ પદ્ધતિ સુરક્ષિત છે. અમે દિવસના 70 જેટલાં પશુઓ કૅમ્પમાં તપાસીએ છીએ. દરેક પશુને તપાસ કર્યા બાદ અમે હાથનાં મોજાં બદલી નાખીએ છીએ."
ડૉ. ઝાલાએ વધુમાં કહ્યુ કે "તાલીમબદ્ધ ચિકિત્સક હોય તો તે મેટિંગ અને કુત્રિમ બીજદાનના 45 દિવસ બાદ પણ તપાસ કરી શકે છે."
ગર્ભ છે કે નહીં તે તપાસવાની કીટના ફાયદા શું છે?
ડૉ. સીજી ચૌધરીએ જણાવ્યું કે "ગાય અને ભેંસ ગાભણી છે કે નહીં તે તપાસવા માટે ચાર જેટલી કંપની છે. આ કંપનીઓએ અમારો સંપર્ક કર્યો છે. જોકે હજુ સુધી અમારે જરૂર ન હોવાથી પશપાલન વિભાગ દ્વારા કોઈ પણ કંપનીની કીટ ખરીદવામાં આવી નથી. આ કીટ બજારમાં અને ઑનલાઇન ઉપલબ્ધ છે."
ડૉ. વીડી ઝાલાએ જણાવ્યું કે "એક પશુપાલક (જેમને તબેલો છે) પ્રેગનન્સી કીટ લાવ્યા હતા. તેમને અમને આ અંગે તપાસ માટે વાત કરી હતી. જેથી અમે વાપરી હતી. અલગ-અલગ કંપનીની કીટ બજારમાં મળે છે."
ડૉ. વીડી ઝાલાએ વધુમાં જણાવ્યું કે "આ કીટનો ફાયદો એ છે કે પશુપાલકોને 90 દિવસના બદલે 28 દિવસે ખબર પડી શકે છે. જેથી પશુપાલકોના બે મહિના બચી શકે છે. જોકે આ કીટનો વધુ ઉપયોગ જોવા મળતો નથી."
"ગાય કે ભેંસના દર વેતરમાં બે મહિના બચી જાય તો તેના જીવનકાળ દરમિયાન તે બે વાર વધારે ગર્ભધારણ કરી શકે છે. પશુપાલક વધારે દૂધ ઉત્પાદન કરી શકે છે. સામાન્ય રીતે ગાય તેના જીવનકાળ દરમિયાન 12થી 14 વાર ગર્ભધારણ કરી શકે છે."
આ કીટના ગેરફાયદા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગર્ભ છે કે નહીં તે પુષ્ટિ કરવાની કીટના ગેરફાયદા છે કે કેમ અંગે વાત કરતાં ડૉ. જીસી ચૌધરી કહે છે કે હાલ ઉપલબ્ધ કીટમાં લોહી બેઝ છે. જેમાં ગાય કે ભેંસનું લોહી લેવાનું હોય છે. જે માટે પશુના ગળાની કે કાનની પાછળની નસ પરથી લોહી લેવાનું હોય છે જે પશુપાલક લઈ શકે નહીં, જેથી આ કીટથી તેઓ પોતે જ તપાસ કરી શકે નહીં. તેમને કોઈ નિષ્ણાતની મદદ લેવી જ પડે છે.
તેઓ કહે છે કે "જો યુરિન બેઝ અથવા તો મિલ્ક બેઝ તપાસ કીટ આવશે તો તે પશુપાલકો પોતે જ તપાસ કરી શકશે. તામિલનાડુમાં હાલ પ્રોજેસ્ટોરેન બેઝ (મિલ્ક બેઝ ) કીટ અંગે રિસર્ચ ચાલી રહ્યું છે. આ પ્રકારની કીટથી પશુપાલકો માટે સરળ રહેશે."
ડૉ. વીડી ઝાલાએ જણાવ્યું કે "એક પશુપાલક 10 પ્રેગનન્સી કીટ લાવ્યા હતા. અમે તેમના ઘરે પાંચ પશુને ચેક કર્યાં તો તેનું પરિણામ સચોટ આવ્યું હતું, પરંતુ અન્ય ડૉક્ટરને બીજા કોઈ પશુપાલકના ત્યાં તપાસ કરવા માટે કીટ આપી હતી તેમાં ફોલ્સ પૉઝિટિવ જોવા મળ્યા હતા. આ કીટ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો નથી, તેથી તેની સચોટતા અંગે સવાલો છે."
ડૉ. સીજી ચૌધરીએ જણાવ્યું હતું કે "ગાય કે ભેંસનું બચ્ચું અંદર મરી ગયું હોય તો પણ ટેસ્ટ કીટમાં તો પૉઝિટિવ જ બતાવે, પરંતુ જો હાથથી ગર્ભાશય ચેક કરવામાં આવે તો તે અંગે પણ ખબર પડી શકે છે."
આ ટેસ્ટ કીટથી એવું નથી કે ગાય કે ભેંસના ગર્ભાશયને હાથથી ચેક નહીં કરવું પડે. ગર્ભમાં અન્ય હલચલ કે ખામી વગેરે જાણવા માટે હાથ નાખવાની પદ્ધતિ વધુ આદર્શ મનાય છે.
28 દિવસમાં જ ગર્ભધારણની ખબર પડે એ કિટ કેવી રીતે કામ કરે છે?
અમદાવાદની એક કંપનીએ બીગ નેનો નામની તપાસ માટેની પ્રેગનન્સી કીટ બનાવી છે. આ સ્ટાર્ટઅપ છે. જેની I Hubમાં નોંધણી થયેલી છે.
કંપનીનાં ફાઉન્ડર કોમલ કલાન્ત્રીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "અમે ગાય અને ભેંસ માટે પ્રેગનન્સી કીટ બનાવી છે. અમારી પ્રેગનન્સી કીટ બ્લડ બેઝ છે. ગાય કે ભેંસને પ્રજનન કે કૃત્રિમ બીજદાનના 28 દિવસ બાદ ગાય કે ભેંસના બે ટીપાં લોહી લઈને તપાસ કરી શકાય છે. આ અંગે વધારે સ્કીલની જરૂર નથી."
જોકે પશુપાલન વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે પશુના લોહીના સૅમ્પલ કોઈ પણ ન લઈ શકે તે માટે તાલીમબદ્ધ વેટેનરી સ્ટાફની જરૂર પડે છે.
કોમલ વધુમાં જણાવે છે કે "અમારી પાસે ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ્સ વિભાગની મંજૂરી છે. અમે 20 હજાર ગાયોને આ કીટથી તપાસી હતી."
તેમનો દાવો છે કે આ કીટનું પરિણામ 99% સચોટ છે.
બીગ નેનો કંપની દ્વારા ગુજરાત સરકારના પશુપાલન વિભાગને જે પ્રપોઝલ મોકલી છે તેમાં પણ તેણે તેમની કીટનું પરિણામ 99% સચોટ હોવાનો દાવો કર્યો છે.
આ અંગે ડૉ. સીજી ચૌધરીએ કહ્યું કે "કીટ બનાવતી ચાર કંપનીએ અમને મોકલેલી પ્રપોઝલમાં આ કંપનીએ સૌથી વધુ 99% સચોટતાનો દાવો કર્યો છે. જોકે અમારા વિભાગ દ્વારા આ પ્રકારની કોઈ કીટની જરૂરીયાત ન હોવાથી ખરીદી નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












