ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલનો ઑનલાઇન સુનાવણીમાં બિયર પીતો વીડિયો વાઇરલ, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની બૅન્ચ સમક્ષ 25મી જૂનના રોજ સુનાવણી ચાલી રહી હતી.
આ સુનાવણી દરમિયાન જ ગુજરાત હાઈકોર્ટના વકીલ ભાસ્કર તન્નાએ કથિતપણે બિયર પીધો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટે ભાસ્કર તન્ના સામે સુઓ મોટો લઈને 'કન્ટેમ્પ્ટ'ની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.
બીબીસીએ આ મામલે વરિષ્ઠ વકીલ ભાસ્કર તન્ના સાથે પણ વાત કરી હતી. તેમણે શું કહ્યું? ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું અને તેમને કેટલી સજા થઈ શકે?
ગુજરાત હાઇકોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, gujarathighcourt.nic.in
ગુજરાત હાઇકોર્ટે મંગળવારે તારીખ એક જુલાઈના રોજ તેમની આ વર્તણૂકને 'અપમાનજનક અને ક્ષોભજનક' ગણાવી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, હાઇકોર્ટે તેમની સામે આ વર્તણૂક બદલ સુઓ મોટો ઍક્શન લઈને કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરવાનું કહ્યું હતું.
જસ્ટિસ સુપેહિયાએ કહ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી આ ક્લિપમાં તેમનું અવમાનનાજનક વર્તન દેખાય છે જેમાં તેઓ ફોન પર વાતચીત કરતા અને બિયર પીતા દેખાય છે, જ્યારે સુનાવણી ચાલી રહી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પીટીઆઈ નોંધે છે એ પ્રમાણે, જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ આર.ટી.વચ્છાણીએ કહ્યું હતું કે, "તેમની વર્તણૂકને ધ્યાને લેતાં ભાસ્કર તન્નાનું સિનિયર કાઉન્સેલ તરીકેનું ટાઇટલ પાછું ખેંચી લેવું જોઈએ."
જોકે, તેમણે વધુમાં કહ્યું હતું કે કેસ સાંભળ્યા પછી તેમની સામેના પગલાં લેવાશે.
હાઇકોર્ટે રજિસ્ટ્રીને ભાસ્કર તન્નાને નોટિસ આપવાનું કહ્યું છે અને તેમના સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજર થવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
બે અઠવાડિયાં પછી હવે આ મુદ્દે સુનાવણી થશે.
પહેલી જુલાઈના રોજ કોર્ટમાં જસ્ટિસ સુપહિયા સમક્ષ ભાસ્કર તન્નાએ પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે, "જે થયું છે એ ટેક્નિકલ ગ્લિચના કારણે થયું છે, હું તેના માટે સંપૂર્ણપણે જવાબદાર છું. હું દોષી છું અને તેના માટે મને સજા થવી જોઈએ. જે બન્યું છે એ માત્ર 15 સેકન્ડ માટે જ બન્યું છે અને હું તેના માટે બિનશરતી માફી માંગું છું. હું ઇચ્છું છું કે આ મુદ્દાનો અંત આવે. મેં મારી 52 વર્ષની કાર્યવાહીમાં કોર્ટની ગરિમા ઘવાય તેવું કોઈ કામ કર્યું નથી."
જોકે, તેમની આ દલીલના જવાબમાં જસ્ટિસ સુપહિયાએ કહ્યું હતું કે તમારી જે દલીલ છે તેને આગળની કાર્યવાહીમાં કરવામાં આવે.
ભાસ્કર તન્નાએ આ મામલે શું કહ્યું?
બીબીસી ગુજરાતીએ આ મામલે વરિષ્ઠ વકીલ ભાસ્કર તન્નાનો પક્ષ જાણવાની કોશિશ કરી હતી.
ભાસ્કર તન્નાએ આ મામલે કહ્યું હતું કે, "કોર્ટમાં આ 15 સેકન્ડનો વીડિયો મને બતાવવામાં આવ્યો હતો. આ મામલે મેં બંને જજ સમક્ષ બિનશરતી માફી બે વખત માંગી છે."
તેમણે વધુમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, "મારાથી ભૂલથી ઑડિયોને બદલે વીડિયો બટન દબાઈ જતાં આમ થયું હતું. જોકે, થોડીવારમાં મેં તેને તરત જ બંધ કરી દીધું હતું. પરંતુ એ ચાલુ સુનાવણી દરમિયાન થયું નહોતું, સુનાવણી પૂરી થઈ ગઈ હતી."
ભાસ્કર તન્નાએ કહ્યું હતું કે, "આજે પણ મેં જસ્ટિસ ભટ્ટ સાહેબ સમક્ષ હાજર થઈને માફી માંગી છે."
બીબીસીએ તેમને વધુમાં કથિત બિયર પીવા અંગે પણ સવાલ પૂછ્યો હતો પરંતુ તેમણે કહ્યું કે, "આ મેટર કોર્ટમાં હોવાથી હું વધુ કોઈ ટિપ્પણી કરું એ યોગ્ય નથી."
તેમને કેટલી સજા થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
કોર્ટની અવમાનના કરવી, જજ પ્રત્યે સન્માનનીય રીતે ન વર્તવું, કોર્ટની કાર્યવાહીમાં ખરાબ વર્તણૂક કરીને બાધા પહોંચાડવી, જાહેર ન કરવાનું હોય તેવું કોર્ટ મટિરિયલ કે બાબતો જાહેરમાં મૂકી દેવી વગેરે બાબતે કોર્ટ કન્ટેમ્ટ દાખલ કરી સુનાવણી પછી સજા કરી શકે છે.
કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ ઍક્ટ, 1971 પ્રમાણે આવા કિસ્સામાં જે-તે વ્યક્તિને વધુમાં વધુ છ મહિનાની સજા અથવા તો દંડ અથવા તો બંને થઈ શકે છે.
ગુજરાત હાઇકોર્ટના જ એક સિનિયર ઍડવોકેટે નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આવા મામલામાં નાની સજા થતી હોય છે અને એવી જ શક્યતા છે પરંતુ વધુમાં વધુ છ મહિનાની સજા થઈ શકે."
અગાઉ પણ કોર્ટમાં ચાલતી સુનાવણીના લાઇવસ્ટ્રીમિંગમાં બાધા પહોંચાડવા માટે ઘણા લોકોને સજા પણ થઈ ચૂકી છે.
આ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગુજરાત હાઇકોર્ટે એક વ્યક્તિને વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન સિગારેટ ફૂંકવા બદલ તેના પર કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ દાખલ કર્યું હતું અને તેમને દોષિત ઠેરવીને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.
એ સિવાય માર્ચ મહિનામાં પણ ગુજરાત હાઈકોર્ટે સુનાવણીમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલી એક વ્યક્તિને 'અશિષ્ટ વર્તણૂક' બદલ બે લાખનો દંડ ફટકાર્યો હતો અને તેમને હાઇકોર્ટના ગાર્ડન સાફ કરવાની સજા આપી હતી.
અન્ય એક કિસ્સામાં એક વ્યક્તિ બેડ પર હોય તેવી સ્થિતિમાં કોર્ટની કાર્યવાહીમાં જોડાઈ હતી, જેને પણ કોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો હતો.
તાજેતરમાં જ 20 જૂનના રોજ એક વ્યક્તિએ કથિતપણે હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં ટૉઇલેટ સીટ પર બેસીને ભાગ લીધો હોય એવો વીડિયો વીડિયા વાઇરલ થયો હતો.
ગુજરાત હાઇકોર્ટ ઍડવૉકેટ્સ ઍસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું હતું કે, "હમણાં પણ આવી જ એક ઘટના બની હતી. અમે અમારા તમામ વકીલોને કહ્યું છે કે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી તેમના ક્લાયન્ટને ઑનલાઇન મીટિંગમાં હાજર ન રાખવામાં આવે અને જ્યારે પણ હાજર રાખવામાં આવે ત્યારે ઑડિયો-વીડિયો મ્યૂટ કરેલા છે કે નહીં એ જોવામાં આવે. અમે આ મામલે લેખિતમાં સૌને ઍડવાઇઝરી પણ મોકલી છે."
તેમણે આ ઘટના અંગે કહ્યું હતું કે, "તન્નાસાહેબે કોર્ટમાં હાજર થઈને બે વાર માફી માંગી છે અને કહ્યું છે કે આ ઇરાદાપૂર્વકનું કૃત્ય નથી અને ટેક્નિકલ ભૂલને કારણે આવું થયું છે. તેમણે તેમનો મત કોર્ટમાં મૂક્યો છે. પરંતુ તેમ છતાં જજસાહેબે કહ્યું છે કે બે અઠવાડિયાં પછી સુનાવણી થાય ત્યારે તેમનો પક્ષ તેઓ રજૂ કરે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












