મહિલાઓમાં પુરૂષોની પસંદ મનાતી બીયર કેવી રીતે લોકપ્રિય થઈ રહી છે

beer

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દુનિયાભરમાં કેટલીય મહિલાઓ બીયર પીવાનું પસંદ કરે છે પણ અનેકવિધ શરાબ વચ્ચે બીયરના મામલામાં તેમની અવગણના કરાતી રહી છે.

ગુરુગ્રામની એક સૉફ્ટવૅર કંપનીમાં કામ કરનારાં અદિતી સિંહે બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું કે એવી ધારણા સામાન્ય છે કે મહિલાઓને બીયર નથી ગમતી.

તેમણે કહ્યું, “હું પોતે અને હું જેમને ઓળખું છું તે મહિલાઓને બીયર ગમે છે. પણ મેં જોયું કે જ્યારે પણ હું કોઈ નવી પાર્ટીમાં ગઈ તો મને પૂછવામાં આવ્યું કે હું વોડકા લઈશ કે વાઇન? એટલે લોકો એવું માનીને જ ચાલે છે કે છોકરી તો બીયર પીશે જ નહીં.”

બીયરની જાહેરાતો અને બ્રાન્ડિંગમાં પણ આ વિચાર નજરે પડે છે કે બીયર મહિલાઓનું ડ્રિન્ક નથી.

આવી માન્યતાથી વિરુદ્ધ ન્યૂયૉર્કમાં સુપરમાર્કેટના ક્રાફ્ટ બીયર વિભાગમાં, રંગબેરંગી પેટર્નવાળી બીયરનાં ચાર પૅક છે. જેઓ ફ્રૂટ ફ્લેવર્ડ બીયર પસંદ કરે છે તેમને આકર્ષવા તેને રખાયાં છે.

બીબીસી વર્કલાઈફનાં લિલિયન સ્ટોન કહે છે કે તે એકદમ 'સ્ત્રીઓ જેવું' લાગે છે. એવું લાગે છે કે તે સ્ત્રીઓ માટે બનાવવામાં આવ્યું છે.

આનું કારણ એ છે કે આની બાજુમાં રાખવામાં આવેલી બાકીની બીયરનું માર્કેટિંગ એવી રીતે કરવામાં આવ્યું છે જાણે કે તે પુરૂષો માટે હોય તેવું દેખાય. આ સુંદર પૅકેજિંગ તાલિયા બીયર કંપનીએ કર્યું છે.

મહિલાઓનું ડ્રિન્ક બીયર નથી?

બીયર

ઇમેજ સ્રોત, KEEPING TOGETHER

ઇમેજ કૅપ્શન, બીયર

અમેરિકાના બ્રૂકલિનમાં આવેલી આ તાલિયા બીયર મેન્યુફેક્ચરિંગ ફેકટરી લીએન ડાર્લેન્ડ અને તારા હેન્કિનસન નામની મહિલાઓ ચલાવે છે. તેમણે વર્ષ 2019માં આ બ્રુઅરીની સ્થાપના કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યાં નાની ફેક્ટરીઓમાં કોઈ મોટાં મશીનોની મદદ વિના નાના પાયે બીયર તૈયાર કરવામાં આવે છે તેને ક્રાફ્ટ બ્રુઅરી કહેવાય છે.

આ રીતે બનાવાયેલી બીયર કહેવાય છે ક્રાફ્ટ બીયર. જેનું ચલણ આજકાલ વધારે જોવા મળી રહ્યું છે.

બીબીસી વર્કલાઇફને મોકલાયેલા એક ઇ-મેઇલમાં ડાર્લૅન્ડ અ હૅન્કિન્સન લખે છે, “તાલિયાની સ્થાપના કરતી વખતે અમારો વિચાર એ હતો કે ક્રાફ્ટ બીયર બનાવતી કંપનીઓ અમારાં જેવાં મહિલાઓને તેમનાં ગ્રાહકો માનતી જ ન હતી.”

તેઓ બંને કહે છે કે તેમનો હેતુ ક્રાફ્ટ બીયરને બધા માટે સમાવેશી બનાવવાનો છે. ભલે તમે મહિલા હોય, એલજીબીટીક્યૂ પ્લસ સમુદાય હોય, અલ્પસંખ્યક હોય કે પહેલીવાર ક્રાફ્ટ બીયર અજમાવી રહ્યા હોય.

દુનિયાભરમાં એ જોવા મળે છે કે બીયરની કેટલીક વૈશ્વિક બ્રાન્ડ અને સ્થાનિક ક્રાફ્ટ બ્રુઅરીઝ પણ પુરૂષોને જ મુખ્ય ગ્રાહક માને છે.

ભારતમાં શરાબની જાહેરાત પર પ્રતિબંધ છે પણ યૂટ્યુબ પર દુનિયાના અલગ અલગ ભાગોમાં જાણીતી કંપનીઓ તરફથી અપાતી જાહેરાતોમાં પણ કેન્દ્રસ્થાને પુરૂષો હોય છે.

જોકે બ્રિટન અને અમેરિકામાં કેટલીયે બ્રુઅરીઝ હવે લિંગના આધાર પર ભેદભાવ કરનારા માર્કેટિંગથી બચવાનો પ્રયાસ કરતી દેખાય છે.

બીબીસી વર્કલાઇફ અનુસાર મિલર લાઇટ અને કોરોના જેવી બ્રાન્ડ પણ તેમના માર્કેટિંગમાં મહિલાઓને કેન્દ્ર સ્થાને લાવી રહી છે.

આંકડાઓ પણ કહે છે કે અમેરિકામાં મહિલાઓ શરાબ પીવાના મામલામાં પુરૂષોને પાછળ છોડી રહી છે.

એવામાં બીયર ઇન્ડસ્ટ્રી પણ તેના પર ધ્યાન આપી રહી છે અને અત્યાર સુધી પુરૂષ પ્રધાન રહેલા તેમના વલણમાં પરિવર્તિન લાવી રહી છે.

ભારતમાં ક્રાફ્ટ બીયરનું વધતું ચલણ

બીયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીયર પીતાં યુવા મહિલાઓ

ગયા વર્ષે મહિલા દિવસના અવસરે બૅંગલુરુ સ્થિત ગીસ્ટ નામની ક્રાફ્ટ બ્રૂઅરીએ 'વુમન હુ લૅગર' અભિયાન હેઠળ એક ખાસ ક્રાફ્ટ બીયર લોન્ચ કરી હતી.

લૅગર એ બીયરને કહેવાય છે જે ઓછાં તાપમાન પર ધીરે ધીરે કામ કરનારી યીસ્ટની મદદથી ખૂબ ધીમી પ્રક્રિયાથી તૈયાર થાય છે.

'વુમન હુ લૅગર'નો અર્થ થયો એવી મહિલાઓ જે લૅગર પ્રકારની બીયર તૈયાર કરે છે.

આ અભિયાનમાં એવાં છ મહિલાઓ સામેલ હતાં, જે ભારતમાં બીયર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં છે. કેટલાકની પોતાની બ્રુઅરી છે, કેટલાંક નાની બ્રુઅરી ચલાવનારાઓનાં સલાહકાર છે તો કેટલાક બીયર માટે જરૂરી સામાન ઉપલબ્ધ કરાવે છે.

તેમણે સ્ટ્રૅટોસ્ફીયર નામથી બીયર લૉન્ચ કરી હતી જે કેટલાક સમય માટે ઉપલબ્ધ હતી, પણ આ બીયર ફક્ત મહિલાઓ માટે ન હતી.

આ અભિયાન સાથે જોડાયેલા મહિલાઓનું કહેવું હતું કે તેમનો હેતુ એ મતને તોડવાનો હતો કે મહિલાઓ જે બીયર બનાવે છે કે ફક્ત મહિલાઓ માટે નથી હોતી.

આર્થિક મજબૂરીને કારણે આવી રહેલું પરિવર્તન

બીયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

કેટ બર્નોટ અમેરિકામાં બેવરેજ-આલ્કૉહોલ રિપોર્ટર છે. તેમણે ‘ગુડ બીયર હન્ટિંગ્સ સાઇટલાઇન્સ’ માટે આ વિષય પર ઘણું વિસ્તારપૂર્વક લખ્યું છે.

બીબીસી વર્કલાઇફ માટે લિલિયન સ્ટોન સાથે વાત કરતા તેમણે કહ્યું કે હવે માર્કેટિંગમાં જે પરિવર્તન આવી રહ્યું છે તેની પાછળ આર્થિક મજબૂરી પણ છે.

તેઓ કહે છે, “હવે સાંસ્કૃતિક વ્યવસ્થાઓ લિંગ આધારિત નથી રહી. મને લાગે છે મહિલાઓ અને કેટલાય પુરૂષો નવા અને સમજપૂર્ણ વિચારોને પસંદ કરે છે. આ માટે હવે કંપનીઓને અગાઉ કરતાં વધારે મહેનત કરવી પડી રહી છે.”

બર્નોટને લાગે છે કે આ પરિવર્તન પાછળનું એક કારણ એ પણ છે કે અત્યાર સુધી ઐતિહાસિક રીતે પુરૂષપ્રધાન રહેલી બીયર ઇન્ડસ્ટ્રીની કંપનીઓમાં ઉચ્ચ પદો પર મહિલાઓની સંખ્યા વધી છે અને તેઓ ખુલીને નિર્ણયો પણ લઈ શકે છે.

હેનિકેન અમેરિકાની સીઈઓ મૅગી ટિમની 2021માં કંપનીના ઉચ્ચ પદ પર પહોંચ્યાં હતાં. આ રીતે મૉલસન કૂર્સમાં મિશેલ સૅંટ જાક ચીફ કૉમર્શિયલ ઑફિસર છે.

ભારતમાં પણ કેટલીયે આવી ક્રાફ્ટ બ્રુઅરીઝ ખુલી છે જેને મહિલાઓ ચલાવી રહ્યાં છે. ઉપરાંત મોટી શરાબ કંપનીઓમાં ઉચ્ચ પદો પર મહિલાઓ પોતાની હાજરી નોંધાવી રહી છે.

મહિલાઓને કેન્દ્રમાં રાખી બનતી બીયર

બીયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીયર પીતાં મહિલાઓ

ન માત્ર જૂની કંપનીઓએ તેમની માર્કેટિંગની રીત બદલી છે પણ નવી કંપનીઓ પણ આને અવસર તરીકે જુએ છે અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

આ માટે પૅકેજિંગથી લઈને બીયરનું નામ રાખવા માટે પણ વિચાર કરાઈ રહ્યો છે. એટલું જ નહીં, અલગ રીતે બીયર પણ તૈયાર કરાય છે. જેમકે તાલિયા જે બીયર બનાવે છે તેમાંથી કેટલીકમાં હળવા પ્રમાણમાં ફ્લેવર હોય છે. કેટલીક બીયરમાં ફળોની ફ્લેવર પણ ઉમેરવામાં આવે છે.

ભારતની ક્રાફ્ટ બીયર કંપનીઓ પણ આ રીતની રણનીતિ અપનાવી રહી છે. શિમલામાં રહેનારાં દીપિકા શર્મા બીબીસી સહયોગી આદર્શ રાઠોડને જણાવે છે કે કડવાશને કારણે તેમને અને તેમની મોટા ભાગની મિત્રોને બીયર નહોતી ગમતી.

તેમણે કહ્યું, “એકવાર શિમલાની એક બ્રુઅરીમાં મેં મૅંગો ફ્લેવર ક્રાફ્ટ બીયર ચાખી અ તે મને ખૂબ જ ગમી. હવે હું ક્યારેક કોઈ ક્રાફ્ટ બ્રુઅરીની ફ્લેવર્ડ બીયર પી લઉં છું.”

kd

ઇમેજ સ્રોત, Getty Images

દીપિકાને લાગે છે કે ક્રાફ્ટ બ્રુઅરીઝે પરંપરાગત રીતે એક જેવા જ સ્વાદવાળી બીયર કરતાં કંઈક અલગ વિકલ્પ આપવાનો શરૂ કર્યો છે. આ કારણે બીયર મહિલાઓમાં પહેલાં કરતાં વધારે લોકપ્રિય થઈ છે.

તાલિયાના સહસંસ્થાપક તારા હૅન્કિન્સ્ન કહે છે, “અમે રેટિંગ વેબસાઇટ બીયર ઍડ્વોકેટનું રેટિંગ જોયું. તેનાથી ખબર પડી કે મહિલાઓને શું પસંદ છે. તેને જોતાં અમે ફ્રૂટ ફ્લેવરવાળી બીયર બનાવી જેમાં કડવાશ ઓછી હોય છે.”

“અમારું માનવું છે કે મહિલાઓને એવા સ્વાદવાળી બીયર ચખાડવામાં આવે જે સ્વાદથી તેઓ વાકેફ હોય અને જે તેમને પસંદ હોય. પછીથી તેઓ અન્ય પ્રકારની બીયરનો સ્વાદ પણ માણી શકે છે.”

આ રીત કામ લાગી છે. તાલિયાના સંસ્થાપકોનું માનવું છે કે તેમના ગ્રાહકોમાં 70 ટકા મહિલાઓ હોય છે.

મહિલાઓના સશક્ત હોવાની અસર

બીયર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીયર

અમેરિકામાં બેવરેજ આલ્કૉહોલ રિપોર્ટર બર્નોટ કહે છે કે મહિલાઓની ખરીદીક્ષમતા વધતા પણ આ પરિવર્તન આવ્યું છે.

તેઓ કહે છે કે જો તમે એક બીયર કંપની તરીકે મહિલાઓની અપેક્ષાઓનું ધ્યાન રાખશો તો એવા પુરૂષો પણ તમારા તરફ ખેંચાશે જેમને હાલમાં ઉપલબ્ધ બીયર પસંદ નથી.

તે જ સમયે અદિતિ સિંહ કહે છે, “હવે ઘણી એવી બ્રાન્ડ્સ માર્કેટમાં આવી ગઈ છે જે છોકરીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ દર્શાવે છે કે ઉદ્યોગને સમજાયું છે કે જો તે મહિલાઓ વચ્ચે ઉત્પાદનો વેચવા માંગે છે તો તેણે તેમની પસંદગીની વસ્તુઓ બનાવવી પડશે.”

કેટ બર્નોટ કહે છે, “મહિલાઓ હવે સારા પૈસા કમાઈ રહી છે. તે કૉલેજ જઈ રહી છે અને સારી પ્રોફેશનલ જોબમાં કામ કરી રહી છે. તેમની પાસે પૈસા અને સત્તા પણ છે."

તેઓ કહે છે કે મહિલાઓ દારૂની બ્રાન્ડ્સને પ્રભાવિત કરવા સશક્ત છે કારણ કે તેઓ તેમની પસંદગીના ઉત્પાદનો શોધવા પૈસા અને શક્તિ બંનેનો ઉપયોગ કરી શકે છે.