બીયર પીવાથી પથરી ઓગળી જાય એ વાત કેટલી સાચી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મુરુગેશ મડકન
- પદ, સંવાદદાતા, બીબીસી તમિલ
તમે એવી વાત તમારા મિત્રો કે પરિચિતો પાસેથી સાંભળી હશે કે પથરીથી પીડાતી કોઈ વ્યક્તિ જો બીયર પીવે તો પથરી નાની હોય તો તેના શરીરમાંથી નીકળી જાય અથવા ઓગળી જાય.
ઘણા લોકો વિચારે છે કે બીયરમાં વ્હિસ્કી, રમ, બ્રાન્ડી, વૉડકા અને વાઇનની સરખામણીમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય છે એટલે તે શરીર માટે ઓછો હાનિકારક મનાય છે.
દરેક બીયરમાં આલ્કોહોલનું પ્રમાણ અલગ-અલગ હોય છે.
જોકે તેના વિશે અનેક માન્યતાઓ પ્રચલિત છે. તેમાંથી કેટલીક માન્યતાઓનો આપણે ઉકેલ મેળવીએ.
શું બીયર ઠંડક આપતું પીણું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા લોકો એવું માને છે કે ગરમ હવામાનમાં બીયર પીવાથી શરીરને ઠંડક મળે છે.
તેઓ વિચારે છે કે બીયર શરીર માટે સારો છે. પરંતુ ગૅસ્ટ્રોએન્ટ્રૉલૉજિસ્ટ ડૉ. અરુલ પ્રકાશના મતે આ વાત ખોટી છે.
બીયર એ એક આલ્કોહોલિક પીણું છે. તેનો ઉપયોગ તમે ઠંડા હવામાનમાં કરો કે ગરમ હવામાનમાં તેનાથી કોઈ ફરક પડતો નથી. આલ્કોહોલની અસર યથાવત્ રહે છે.
તેઓ જણાવે છે કે, “એવું કોઈ પ્રમાણ મળતું નથી કે જેના પરથી આપણે કહી શકીએ કે તે શરીરમાં રહેલી ગરમીને ઘટાડે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું બીયર હૃદય માટે સારો છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘણા લોકો એવું માને છે કે પ્રમાણસર બીયર પીવો એ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ડૉ. નવીન રાજા કહે છે કે આ વાત સાચી નથી.
તેઓ જણાવે છે કે, “ન માત્ર બીયર પણ કોઈ પણ પ્રકારનાં આલ્કોહોલિક પીણાં શરીર માટે હાનિકારક જ છે. અગાઉ થયેલાં સંશોધનો દર્શાવે છે કે કોઈ પણ પ્રમાણમાં રહેલો આલ્કોહોલ એ હૃદય માટે સારો નથી.”
તેઓ જણાવે છે કે, “જ્યારે કોઈ વ્યક્તિ આલ્કોહોલનું સેવન કરે છે ત્યારે તેના હૃદયના ધબકારા વધી જાય છે. જે લોકો પહેલેથી જ હૃદય સંબંધિત બીમારીઓથી પીડાય છે તેમને આલ્કોહોલના સેવનથી અનેક આડઅસર થઈ શકે છે.”
ઘણા લોકો એવા હોય છે કે જેઓ બહાર ફરવા જાય કે વૅકેશન માણવા જાય છે ત્યારે તેઓ વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરે છે.
વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવાથી હૃદયના ધબકારા વધી જાય છે, જેના કારણે હૃદયના ધબકારા ચૂકી જવા કે બેભાન થઈ જવા જેવી ઘટનાઓ પણ બની શકે છે. આ ઘટનાને ‘હૉલીડે હાર્ટ સિન્ડ્રૉમ’ પણ કહે છે.
લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન કરવાને કારણે આલ્કોહોલિક કાર્ડિયૉમાયોપથી પણ થઈ શકે છે.
નવીન રાજા જણાવે છે કે, તેના કારણે ‘હાર્ટ-ફૅલ્યોર’ જેવી ઘટનાઓ પણ બની શકે છે.

બીયર પીવાથી પથરી ઓગળી જાય?

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુગ્રામમાં આવેલા પ્રિસ્ટાઇન કૅર નામના હેલ્થ ઑર્ગેનાઇઝેશને ભારતીયોની કિડની અંગેની માન્યતાઓ પર સરવે કર્યો છે.
આ સરવેમાં એક હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ સરવેનાં તારણોમાં ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ એવું માને છે કે બીયર પીવાથી પથરી ઓગળી જાય છે.
પરંતુ નૅફ્રૉલૉજિસ્ટો એવું કહે છે આ વાત સાચી નથી. દારૂના સેવનથી કિડનીને કોઈ સીધી અસર થતી નથી.
તેઓ કહે છે કે બીયર કિડની માટે ક્યારેય ફાયદાકારક હોઈ શકે નહીં.

બીયર પીવાથી શરીરનું વજન વધે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા લોકોની એવી પણ માન્યતાઓ છે કે બીયર પીવાને કારણે પાતળા લોકોનું વજન વધે છે.
ન્યુટ્રીશનિસ્ટ મીનાક્ષી બજાજ કહે છે કે આ વાત સાચી છે. બીયર પીવાને કારણે વજન વધે છે પરંતુ આ વધતું વજન એ ‘હેલ્ધી વેઇટ’ નથી.
એક ગ્રામ આલ્કોહોલનું સેવન કરવાથી સાત કૅલરી શરીરમાં જાય છે, તેના કારણે વજન વધે છે.
“જો તમે લાંબા સમય સુધી દારૂનું સેવન કરો તો તેના કારણે શરીરનાં અનેક અંગો પર તેની અસર થઈ શકે છે.”

શું બીયર પીવાથી વાળ વધે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા લોકો એવું કહે છે કે જો માથામાં શૅમ્પૂની જેમ તેનો મસાજ કરવામાં આવે તો વાળ ઊગે છે.
આ પ્રકારના ઘણા વીડિયો જાહેર માધ્યમોમાં ઉપલબ્ધ છે.
આ વિશે અમે ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ ડર્મેટૉલૉજિસ્ટ્સ, વૅનેરોલૉજિસ્ટ્સ અને લૅપ્રેલૉજિસ્ટ્સના સૅક્રેટરી જનરલ ડૉ. દિનેશકુમાર સાથે વાતચીત કરી.
તેઓ જણાવે છે કે, “આપણા વાળ મૃત કોષોમાંથી બનેલા હોય છે, એટલે આપણે તેને કાપીએ તો આપણને જરાય દુખાવો થતો નથી.”
“એટલે આ મૃત કોષો પર બીયર કે શૅમ્પૂ જે કંઈ પણ લગાડવામાં આવે તેના કારણે વાળની વૃદ્ધિમાં કોઈ જ અસર થતી નથી.”
કેટલાક લોકો વાળની વૃદ્ધિ માટે માથામાં લીંબુ કે ઈંડાંની જરદી પણ લગાવે છે. પણ તેનાથી ફાયદો થતો નથી.
ડૉ. દિનેશ આગળ જણાવે છે કે, “વાળ એ મૂળમાંથી મજબૂત હોવા જોઈએ. વિજ્ઞાન એ વાતની સાબિતી આપતું નથી કે વાળમાં આ પ્રકારની વસ્તુઓ લગાવવાથી તેની વૃદ્ધિ થશે. હાં, તે કદાચ તેને ચમકદાર બનાવી શકે છે.”
આ ઉપરાંત વધુ પડતો આલ્કોહોલ પીવાથી લિવરને નુકસાન થાય છે. વિટામિનની ઊણપ સર્જાય છે અને વાળ પણ ખરે છે.

બીયર શરીર માટે નુકસાનકારક છે?
જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે ઓછી કે વધુ કોઈ પણ માત્રામાં પીવાતો આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
આલ્કોહોલના લીધે અતિશય ગંભીર એવા સાત પ્રકારનાં કૅન્સર થઈ શકે છે.
ડૉ. અરુલ પ્રકાશ કહે છે, “તેની સાથે કોઈ લેવાદેવા નથી કે તમે કેટલા પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરો છો. ઝેર એ ઝેર જ છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે ઓછા પ્રમાણમાં બીયર પીવાથી કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. પણ તેમની આ ધારણા ખોટી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે કોઈ પણ માત્રામાં દારૂ પીવો એ ખતરનાક છે. દારૂ પીનારાનું લિવર જો પાંચ વર્ષમાં ખરાબ થતું હોય તો બીયર પીનારાનું દસ વર્ષમાં ખરાબ થઈ જશે.”














