યુરિન થૅરપી : મૂત્ર પીવું સ્વાસ્થ્ય માટે સારું કે ખરાબ?

ઇમેજ સ્રોત, ISTOCK/BBC THREE
- લેેખક, અશીતા નાગેશ
- પદ, બીબીસી સંવાદદાતા
શું સવારે વહેલા ઊઠીને પોતાનું મૂત્ર પીવાથી બીમારીઓ દૂર ભાગી જાય છે? શું શરીર અને ચહેરા પર મૂત્ર લગાડવાથી ત્વચા સારી રહે છે? આ અંગે ડૉક્ટરો શું કહે છે?
જ્યારે ભૂકંપ જેવી મોટી આપત્તિને કારણે કોઈ ઇમારત ધરાશાયી થાય અને તેના કાટમાળમાં લોકો ફસાયા હોય ત્યારે એવાં ઉદાહરણો આપણને જોવા મળી શકે છે જેમાં સર્વાઇવર દિવસો સુધી પાણી વગર પોતાનું જ મૂત્ર પીને જીવતા રહ્યા હોય.
આવી આકસ્મિક પરિસ્થિતિમાં ‘બચાવના ઉપાય’ તરીકે પોતાનું મૂત્ર પીવાની વાત અજુગતી ન પણ લાગે પરંતુ ઘણા લોકો માને છે કે ‘સ્વસ્થ’ જીવન માટે પોતાનું જ મૂત્ર પીવાથી લાભ થાય છે.
બ્રિટનમાં રહેતાં 33 વર્ષીય યોગશિક્ષિકા કેલી ઓકલીએ તાજેતરમાં ખુલાસો કરતાં કહ્યું હતું કે પોતાનું જ મૂત્ર પીવાથી તેમને લાંબા ગાળાની કેટલીક તકલીફોમાં રાહત મળી છે. તેમણે કહ્યું કે તેમને આ ઉપાયથી થાઇરૉઇડ અને લાંબા ગાળાના દુખાવામાં રાહત મળી છે.
તેમણે ઍસોસિયેટેડ પ્રેસ સાથેની વાતચીતમાં કબૂલ્યું કે તેઓ પાછલાં બે વર્ષથી પોતાનું જ મૂત્ર પી રહ્યાં છે.

ઇમેજ સ્રોત, Twitter
કેલીએ કહ્યું કે, “મેં સાંભળ્યું હતું કે યુરિન પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે, આ ઉપાયથી સ્વાસ્થ્યની જાળવણીમાં મદદ થાય છે, તેમજ તે તમારી ત્વચા માટે પણ સારું છે. તેથી મેં મારું જ મૂત્ર પીવાનો ઉપાય અજમાવવાની શરૂઆત કરી.”
તેઓ દરરોજ પોતાનું મૂત્ર પીતાં જ નથી, પરંતુ એને રૂ વડે પોતાની ત્વચા પર પણ લગાવે છે. તેમણે કહ્યું કે આ ઉપાયથી તેમની ત્વચા વધુ ચળકતી બની છે.
ઘણા લોકો આ ઉપાયને ‘યુરિન થૅરપી’ કહે છે. તેમજ આ ઉપાય ‘યુરોફેજિયા’ નામે પણ ઓળખાય છે. રસપ્રદ વાત તો એ છે કે કેલી એકલી એવી વ્યક્તિ નથી કે જેઓ પોતાનું મૂત્ર પીને લાભ થયાનો દાવો કરી રહી હોય. તાજેતરમાં આવાં ઘણાં ઉદાહરણો જોવા મળ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅનેડાનાં આલ્બર્ટના 46 વર્ષીય સેમ્પસને સન મૅગેઝિન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મારું જ મૂત્ર પીવાથી મને મારું અડધોઅડધ વજન ઉતારવામાં મદદ મળી છે.”
તેમણે અગાઉ કહ્યું હતું કે તેમનું વજન 120 કિલોગ્રામ થઈ ગયું હતું, જેનાથી તેઓ તકલીફમાં હતાં, પરંતુ પોતાનું જ મૂત્ર પીવાની શરૂઆત કર્યા બાદ હવે તેમનું વજન સામાન્ય થયું છે.
તેમણે સમજાવ્યું કે, “મારા એક મિત્રે મને યુરિન થૅરપી અંગે સમજાવતો એક વીડિયો મોકલાવ્યો હતો. એ વીડિયો જોયા બાદ, હું બાથરૂમમાં ગઈ, કપમાં મારું મૂત્ર ભર્યું અને પી ગઈ. થોડા દિવસમાં જ મને મારી જાતમાં ફરક દેખાવા લાગ્યો.”

ઇમેજ સ્રોત, Twitter
હવે તેઓ દરરોજ યુરિન પીવાની સાથે સવારે બ્રશ કરતી વખતે મૂત્રના કોગળા પણ કરે છે. તેમજ તેઓ પોતાની આંખમાં પણ એનાં ટીપાં નાખે છે.
વધુ એક મહિલા, પોર્ટુગલનાં 39 વર્ષીય ફેઇથ કેન્ટરે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેઓ મચ્છરના કરડવાથી થતા દુખાવાથી છૂટકારો મેળવવા માટે પોતાનું મૂત્ર પીએ છે.
તેમણે કહ્યું, “પહેલાં તો મને થોડું અજુગતું લાગ્યું, પરંતુ ધીરે ધીરે આદત પડી ગઈ. હું રોજ સવારે થોડું મૂત્ર પીઉં છું. ભૂતકાળની સરખામણીએ મને હવે ઓછા મચ્છર કરડે છે. અને જો ક્યારેક કરડી જાય તો પણ સોજો, ખંજવાળ અને દુખાવો નથી થતો.”
‘યુરિન થૅરપી’ અંગે આટલા બધા સારા અભિપ્રાયો જાણીને મનમાં તેના લાભો વિશે સવાલો ઊઠે એ સ્વાભાવિક છે.

શું ‘ભારતના પૂર્વ વડા પ્રધાન પણ મૂત્ર પીતા?’

ગાર્ડિયન મૅગેઝિનના એક અહેવાલ અનુસાર ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ પણ ઘણા લાંબા સમય સુધી ‘યુરિન થૅરપી’ અજમાવતા રહ્યા.
વર્ષ 1978માં તેમણે અમેરિકન પત્રકાર ડૉન રાધર સાથે આ માહિતી શૅર કરી હતી.
તેમણે એવું પણ કહ્યું હતું કે ભારતમાં જે લાખો લોકોને દવાખાનાનો ખર્ચ પરવડતો ન હોય તેમના માટે આ એક ખૂબ સારો ઉપાય સાબિત થઈ શકે છે.
ચાઇના યુરિન થૅરપી ઍસોસિયેશનના સભ્યો અનુસાર મેઇનલૅન્ડ ચીનમાં લગભગ એક લાખ લોકો ‘યુરિન થૅરપી’ અનુસરે છે.

એ મહિલા જેઓ કૂતરાનું મૂત્ર પીતાં

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે જૂન મહિનામાં સોશિયલ મીડિયામાં એક મહિલાનો પોતાના કૂતરાનું મૂત્ર પીતો વીડિયો વાઇરલ થયો હતો.
આ વીડિયોમાં તેઓ પોતાના કૂતરાને પાર્કમાં લઈ ગયાં હોવાનું દેખાય છે. એ દરમિયાન એક દૃશ્યમાં દેખાય છે કે તેઓ કપમાં પોતાના કૂતરાનું મૂત્ર લઈને તેને પી રહ્યાં છે.
જોકે, ડૉક્ટરોનું કહેવું છે કે આવી રીતે મૂત્ર પીવું એ સ્વાસ્થ્ય માટે ઠીક નથી.

'કચરો પીવા જેવું'
મૂત્ર એ શરીરનો કચરો હોય છે. પાણીની સાથોસાથ તેમાં શરીર જેનો નિકાલ કરવા માગે છે તેવાં તત્ત્વો હોય છે.
ડૉ. ઝુબૈર અહમદે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ઘણા લોકો માને છે કે જો તમને કોઈ કિડની સંબંધી સમસ્યા ન હોય તો તમારું મૂત્ર શુદ્ધ હોય છે. તે જ્યાં સુધી શરીરની અંદર હોય ત્યાં સુધી તો ઠીક પરંતુ જ્યારે એ બહાર આવે છે ત્યારે તે બૅક્ટેરિયાથી પ્રદૂષિત બની શકે છે. આવી સ્થિતિમાં મૂત્ર પીવાથી ગંભીર સ્વાસ્થ્યસંબંધી સમસ્યા સર્જાઈ શકે છે.”
મૂત્ર પીવાનું લાભકારક હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.
તેઓ કહે છે કે, “મૂત્ર દ્વારા આપણે શરીરના કચરાનો નિકાલ કરીએ છીએ. તેથી કચરાવાળા મૂત્રને પીવાના ફાયદા હોવાની વાતનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.”

કિડની માટે નુકસાનકારક

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. એન્ડ્રુ થોન્બરના મતે મૂત્ર પીવાનો અર્થ એ થયો કે તમે શરીરે જે કચરાનો નિકાલ કર્યો હતો, એ તમે શરીરમાં પાછો ઠાલવો છો. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય વધુ બગડી શકે છે.
તેઓ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “કિડની લોહીને સાફ કરીને તેમાંથી કચરો અને મીઠું દૂર કરે છે. એક સ્વસ્થ વ્યક્તિના મૂત્રમાં 95 ટકા પાણી હોય છે, બાકીના પાંચ ટકામાં પોટેશિયમ અને નાઇટ્રોજન જેવાં તત્ત્વો હોય છે, આ તત્ત્વોને શરીર બહાર કાઢવા માગતું હોય છે. તેથી મૂત્ર પીવાથી પેટસંબંધી સમસ્યા થઈ શકે છે, તેમજ કિડની માટે પણ આવું કરવું જોખમકારક સાબિત થઈ શકે છે.”
તેમના મત પ્રમાણે, “ઘણા લોકો માને છે કે મૂત્ર પીવાથી શરીર માટે જરૂરી વિટામિન ઝડપથી મેળવી શકાય છે, આવી જોખમી રીતો અનુસરવાનું હિતાવહ નથી.”














