સિગારેટ છોડવાની 'ગર્લફ્રેન્ડ ફૉર્મ્યુલા શું છે?

સિગરેટ પીતી વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

આપણે બધા જાણીએ છીએ કે તમાકુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, સિગારેટ-બીડીનું ધૂમ્રપાન હાનિકારક છે.

આમ છતાં લોકો સિગારેટ અને બીડી શા માટે પીવે છે અને સ્ટાઇલમાં ધુમાડો કેમ ઉડાવે છે? તમાકુ અને ધૂમ્રપાનના નુકસાન મામલે સરકારો અને સમાજસેવી સંગઠનો લોકોને સાવચેત કરતા રહ્યા છે. છતાં લોકો ધૂમ્રપાન કરે છે.

એક અનુમાન અનસાર દુનિયામાં આશરે 100 કરોડ કરતાં વધારે લોકો ધૂમ્રપાન કરે છે. તેમાંથી મોટા ભાગના લોકો જાણે પણ છે કે ધૂમ્રપાન નુકસાનકારક છે.

તો શા માટે લોકો ધૂમ્રપાન કરે છે? બીબીસીની રેડિયો સિરીઝ 'ઇન્ક્વાયરી'માં સંગીતા ભાસ્કરે આ સવાલનો જવાબ મેળવવા પ્રયાસ કર્યો હતો.

તેમણે આ મામલે ઘણા વિશેષજ્ઞો સાથે વાતચીત પણ કરી હતી.

સિગરેટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર રૉબર્ટ વેસ્ટ લંડનની પ્રખ્યાત યુનિવર્સિટી કૉલેજમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મનોવિજ્ઞાન વિશે ભણાવે છે.

તેમણે એક પુસ્તક લખ્યું છે - ધ સ્મૉક ફ્રી ફૉર્મ્યુલા. તેમાં પ્રોફેસર વેસ્ટે સિગારેટના નશાને છોડવા માટે કેટલાક નુસખા બતાવ્યા છે.

પ્રોફેસર વેસ્ટ પોતે તેમના અભ્યાસના પ્રાથમિક દિવસોમાં ધૂમ્રપાનની વિરુદ્ધ હતા. તેઓ બીજા લોકોને પણ સિગારેટ ન પીવાની સલાહ આપતા હતા. પરંતુ કૉલેજમાં તેઓ પણ આ નશાના શિકાર બની ગયા હતા.

તેમણે સતત ત્રણ વર્ષ સુધી સિગારેટ પીધી, પરંતુ તેમનાં ગર્લફ્રેન્ડને તેમની આ ટેવ પસંદ નહોતી. પ્રોફેસર વેસ્ટનાં ગર્લફ્રૅન્ડ ધૂમ્રપાનની વિરુદ્ધ હતાં એટલે તેમણે પણ સિગારેટ પીવાનું છોડી દીધું.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

સિગારેટ છોડવાનો ગર્લફ્રેન્ડ ફૉર્મ્યુલા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર રૉબર્ટ વેસ્ટ કહે છે કે સિગારેટ છોડવાની સૌથી સારી ફૉર્મ્યુલા છે- ગર્લફ્રેન્ડ ફૉર્મ્યુલા.

જો તમારાં ગર્લફ્રેન્ડ સિગારેટ પીવાનું પસંદ કરતાં નથી તો તમે સહેલાઈથી આ ટેવ છોડી શકશો. પ્રોફેસર વેસ્ટે પોતાનાં ગર્લફ્રેન્ડ સાથે જીવનનાં 30 વર્ષ વીતાવ્યાં છે.

તેઓ કહે છે કે સિગારેટની ટેવ પડવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે.

તમાકુમાં એક કેમિકલ હોય છે નિકોટિન. જ્યારે સિગારેટનો ધુમાડો તમારી અંદર જાય છે તો તમારાં ફેફસાં ધુમાડાથી આ નિકોટિનને સોસી લે છે.

થોડી જ સેકન્ડની અંદર આ નિકોટિન તમારા મગજની નસ સુધી પહોંચે છે. નિકોટિનની અસરથી આપણું મગજ, ડોપામાઇન નામનું હૉર્મોન છોડે છે. તેનાથી સારો અનુભવ થાય છે.

જ્યારે મગજ ડોપામાઇન છોડે છે, તો આપણને બહુ મજા આવે છે. એવું લાગે છે કે આપણને કોઈ કામ માટે ઇનામ મળ્યું છે. આ બધું નિકોટિનને કારણે થાય છે.

મગજને નિકોટિનની એવી ટેવ લાગે છે કે તમે વારંવાર બીડી કે સિગારેટ પીવો છો.

સિગરેટ પીતી વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

મગજ આપણને સાવચેત પણ કરે છે. પણ આપણે તેની અવગણના કરી દઈએ છીએ.

એ જ કારણ છે કે સામાન્ય વ્યક્તિથી માંડીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જેવા લોકો પણ સિગારેટની ટેવના શિકાર બની જાય છે.

એટલે કે એક વ્યક્તિ ગમે તેટલી બુદ્ધિમાન હોય, નિકોટિનનો નશો તેના પર ભારે પડી જાય છે.

લાઇન
લાઇન

ઈ-સિગારેટ છોડાવી શકે છે ધૂમ્રપાનની ટેવ

ઈ સિગરેટ પીતી એક મહિલા

ઇમેજ સ્રોત, Science Photo Library

આંતરરાષ્ટ્રીયસ્તરે કરવામાં આવેલી સમીક્ષામાં જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રૉનિક સિગારેટ ધૂમ્રપાન છોડવા અથવા તો તેને ઓછું કરવા માટે મદદરૂપ સાબિત થાય છે.

પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે ધૂમ્રપાન કરતાં જે લોકોએ ઈ-સિગારેટનો ઉપયોગ કર્યો, તેમાંથી આશરે 9% લોકો એક વર્ષ અથવા તો તેના કરતાં વધારે સમય માટે ધૂમ્રપાન પર રોક લગાવી શકવા સક્ષમ રહ્યા હતા.

તેની સરખામણી ધ્રૂમપાન કરતાં એ 4% લોકો સાથે કરવામાં આવી કે જેઓ આવાં ઉપકરણોનો ઉપયોગ કરે છે કે જેમાં નિકોટિન હોતું નથી.

ઈ-સિગારેટ ધૂમ્રપાન કરતાં 95% ઓછી હાનિકારક માનવામાં આવે છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ (પીએચઇ)ના એક રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે આશરે 20 હજાર લોકો ઈ-સિગારેટની મદદથી ધૂમ્રપાન છોડી રહ્યા છે.

ઈ સિગરેટ પીતી એક વ્યક્તિ

ઇમેજ સ્રોત, Science Photo Library

જોકે, જાણકારો એ વાત પર એકમત નથી ધરાવતા કે ઈ-સિગારેટ સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે.

પીએચઈના રિપોર્ટની સમીક્ષા કરનારા વિશેષજ્ઞોએ તેના પર સવાલો ઉઠાવ્યા છે.

પરંતુ પીએચઈના હેલ્થ ઇમ્પ્રુવમૅન્ટ ડાયરેક્ટર જૉન ન્યૂટન જણાવે છે કે એ વાતના પૂરતા પુરાવા છે કે ઈ-સિગારેટ ધૂમ્રપાન કરતાં ઘણી વધારે સુરક્ષિત છે. તેમજ ઈ-સિગારેટ પીવાથી પાસે ઊભેલી વ્યક્તિને નહિવત્ અસર પહોંચે છે.

ઈ સિગરેટ પીતી એક વ્યક્તિ

ઇમેજ સ્રોત, Science Photo Library

કિગ્સ કૉલેજ લંડનમાં ટૉબેકો એડિક્શનના પ્રોફેસર અને રિપોર્ટ પર કામ કરતાં મુખ્ય લેખક એન મૈકનીલનું કહેવું છે, "આ ચિંતાનો વિષય છે કે ધૂમ્રપાન કરતા લોકોને હજુ સુધી જાણકારી નથી કે પારંપરિક સિગારેટનો ઉપયોગ કેટલો હાનિકારક છે."

મૈકનીલ કહે છે, "જ્યારે લોકો તમાકુવાળી સિગારેટ પીવે છે તો તેઓ ધુમાડાના 7000 ઘટક પોતાની અંદર લઈ જાય છે. તેમાંથી 70ને કેન્સર ઉત્પન્ન કરતાં ઘટકો માનવામાં આવે છે. ઈ-સિગારેટમાં આ તત્ત્વો ખૂબ ઓછી માત્રામાં હોય છે અથવા તો હોતાં જ નથી. આથી અમને વિશ્વાસ છે કે ઈ-સિગારેટ ઓછું નુકસાન પહોંચાડે છે."

મૈકનીલ એમ પણ જણાવે છે કે, "લોકો સિગારેટ નિકોટિન માટે પીવે છે. પરંતુ ઓછા લોકો જાણે છે કે નિકોટિનથી વધારે નુકસાન થતું નથી. ખરેખર તો ઝેરીલા ધુમાડાથી નુકસાન થાય છે, જે તમાકુથી થતી બીમારીઓ અને મૃત્યુનું સૌથી મોટું કારણ છે."

રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે એવો કોઈ પુરાવો નથી કે જેનાથી કહી શકાય કે ઈ-સિગારેટ યુવાઓને ધૂમ્રપાન તરફ ખેંચી રહી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન