મહિલા મર્યા પછી લાખો લોકોનું જીવન કેવી રીતે બચાવી રહી છે?

મેરીલેન્ડનાં બાલ્ટીમોર સ્થિત પૌત્રનાં ઘરમાં હેનરીટા લેક્સની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેરીલેન્ડના બાલ્ટીમોરસ્થિત પૌત્રના ઘરમાં હેનરીટા લેક્સની તસવીર

તેમનું નામ જૈવિક વિજ્ઞાન ક્ષેત્રે જાણીતું છે, પરંતુ તેઓ કોઈ સંશોધક કે શિક્ષણશાસ્ત્રી ન હતાં. તેઓ થોડાં સંસાધનો ધરાવતાં સામાન્ય મહિલા હતાં. તેમના કોષો આજે પણ જીવંત છે અને વિશ્વભરના લાખો લોકોને બચાવવામાં મદદ કરે છે.

તેમનું નામ હેનરીટા લેક્સ છે. તમાકુની ખેતી કરતા સાધારણ આફ્રિકન-અમેરિકન મહિલા. તેમની આનુવાંશિક સામગ્રી તેમની મંજૂરી વિના કાઢી લેવામાં આવી હતી અને એ જેનેટિક મટીરિયલ બાયૉટેક્નૉલૉજી ઉદ્યોગને કરોડો રૂપિયા રળી આપતા અભ્યાસોનો આધાર બન્યું છે.

લેક્સના શરીરમાં એક એવી વિચિત્ર ગાંઠ હતી કે અમેરિકાના મેરીલૅન્ડની જ્હૉન હૉપકિન્સ હૉસ્પિટલના ડૉક્ટરોએ તેનો નમૂનો પ્રયોગશાળામાં મોકલવાનું નક્કી કર્યું હતું. સંશોધનમાં તેમને જાણવા મળ્યું હતું કે તેના કોષોને અનંત કાળ સુધી સંવર્ધિત કરી શકાય તેમ છે. તે ઐતિહાસિક સફળતાએ અસંખ્ય તબીબી સારવારનો તેમજ માનવકોષો પર પરીક્ષણ કરી શકાય તેવી પ્રોડક્ટ્સના વિકાસનો માર્ગ મોકળો કર્યો હતો.

લેક્સના પરિવારને ક્યારેય વળતર આપવામાં આવ્યું ન હતું અને લેક્સે વિજ્ઞાનમાં આપેલા આટલા મહત્ત્વના પ્રદાન વિશે થોડાં વર્ષો પહેલાં સુધી કોઈ ખાસ કશું જાણતું ન હતું.

અમેરિકાની કોર્ટમાં 2021માં શરૂ થયેલી કાયદાકીય લડાઈ પછી હાલમાં જ લેક્સના વંશજોએ થર્મો ફિશર સાયન્ટિફિક કંપની સાથે કરાર કર્યો હતો. લેક્સના પરિવારે મેસેચ્યુએટ્સસ્થિત કંપની પર લેક્સના કોષોમાંથી દાયકાઓથી નફો કરવાનો આરોપ મૂક્યો હતો. બન્ને પક્ષના વકીલોના જણાવ્યા અનુસાર, કરારની શરતો ખાનગી છે.

જોકે, લેક્સનું નામ ફરી એક વાર વિશ્વભરનાં વિવિધ માધ્યમોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેનું કારણ, વિજ્ઞાન માટેની તેની ઉત્કૃષ્ટતા અને તેમનામાંથી કાઢવામાં આવેલા જેનેટિક મટીરિયલ સાથે સંકળાયેલી નૈતિક દુવિધા છે. તેથી અમે તમને તેની કથા જણાવી રહ્યા છીએ.

ગ્રે લાઇન

કૅન્સર

તમાકુની ખેતી કરતાં હેનરીટા લેક્સને 1951ની સાલમાં અજ્ઞાત કબ્રમાં દફનાવવામાં આવ્યાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તમાકુની ખેતી કરતાં હેનરીટા લેક્સને 1951ની સાલમાં અજ્ઞાત કબ્રમાં દફનાવવામાં આવ્યાં હતાં

લેક્સ બાલ્ટીમોરમાં તેમના પતિ તથા બાળકો સાથે રહેતાં હતાં. તેનાથી લગભગ 10 કિલોમીટર દૂર ડૉ. જ્યૉર્જ ગ્રેની લૅબ હતી.

કૅન્સરના ઈલાજનું સતત સંશોધન કરી રહેલા વિજ્ઞાની કોષો વિકસાવવા 30 વર્ષથી મહેનત કરતા હતા. તેમણે મરઘીના જીવંત બચ્ચાના હૃદયના લોહી સાથે કૅન્સરયુક્ત પેશીઓ મિક્સ કરી હતી. તેમને એવી આશા હતી કે આ રોગગ્રસ્ત કોષો જીવંત રહેશે અને સંવનન કરશે. તેથી તેનો શરીરની બહારથી અભ્યાસ કરી શકાશે, પરંતુ કોષો હંમેશાં મરી જતા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લેક્સને પેટમાં જોરદાર દુખાવો અને રક્તસ્રાત થતો હોવાથી 1951ની પહેલી ફેબ્રુઆરીએ હૉસ્પિટલે લઈ જવામાં આવ્યાં હતાં. પહેલાં તો ડૉક્ટરોને એવું લાગ્યું હતું કે આ માસિકધર્મ સંબંધી સમસ્યા છે, પરંતુ તપાસ કરી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

લેક્સને તપાસ્યાં હતાં તે સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. હોવર્ડ જૉન્સે 1997માં બીબીસીના એડમ કર્ટિસને કહ્યું હતું, “મેં એવું કશું ક્યારેય જોયું ન હતું અને એ પછી ક્યારેય જોયું નથી. તે ખાસ પ્રકારની ગાંઠ હતી.”

ડૉક્ટરના જણાવ્યા મુજબ, તેમના ગર્ભાશયની ડોક (સર્વિક્સ) પર જે કૅન્સર હતું તે જાંબલી રંગનું હતું અને તેને સ્પર્શ કરવામાં આવે કે તરત જ તેમાંથી લોહી નીકળતું હતું. તેની સારવાર કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. ઑક્ટોબર, 1951માં મહિલાનું અવસાન થયું હતું.

જે ઘરમાં તેમનો જન્મ થયો હતો તે ઘરના ખંડેરમાં તેમનો મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો. તેમના શરીરમાંનો કૅન્સરગ્રસ્ત હિસ્સો ડૉ. જ્યૉર્જ ગ્રે દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ માટે કાઢી લેવામાં આવ્યો હતો. આ બધું કેવી રીતે થયું તેની લેક્સના પરિવારને ક્યારેય ખબર પડી ન હતી.

ગ્રે લાઇન

અમર કોષો

28 માર્ચ, 2017ના રોજ પોતાનાં પરદાદીની તસવીર સાથે હેનરીટા લેક્સનાં પ્રપૌત્રી વેરોનિકા સ્પેન્સર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 28 માર્ચ, 2017ના રોજ પોતાનાં પરદાદીની તસવીર સાથે હેનરીટા લેક્સનાં પ્રપૌત્રી વેરોનિકા સ્પેન્સર

ડૉ. જ્યૉર્જ ગ્રેને જાણવા મળ્યું હતું કે તેમણે દાયકાઓ સુધી કરેલા કૅન્સરના કોષોના અભ્યાસથી વિપરીત, લેક્સના શરીરમાંથી કાઢી લેવામાં આવેલા કોષો જીવંત હતા. તેઓ ઘણાં વર્ષોથી આની જ શોધ કરી રહ્યા હતા. તેમણે તેને 'ધ હેલા સેલ લાઇન' નામ આપ્યું હતું. બે આદ્યક્ષર અને મૃતકનું નામ.

હેલાએ 24 કલાકમાં કોષોની એક આખી પેઢીનું પુનઃઉત્પાદન કર્યું હતું અને એ કામ સતત ચાલતું રહ્યું છે. એ પ્રયોગશાળામાં ‘ઉગાડવામાં’ આવતા પ્રથમ અમર માનવકોષ હતા. જીવંત માનવકોષોમાં પ્રથમ વખત કોઈ પરીક્ષણ શક્ય બન્યું હતું.

બ્રિટનની ન્યૂકેસલ યુનિવર્સિટીના જેનેટિક્સના પ્રોફેસર જ્હૉન બર્ને 2017માં બીબીસીને કહ્યું હતું, “તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ પોલિયોની રસી છે. તેને વિકસાવવા માટે લૅબોરેટરીમાં વાઇરસનો વિકાસ કરવો જરૂરી હતો અને તેના માટે માનવકોષની જરૂર હતી.”

તે પ્રયોગ માટે હેલા કોષો પરફેક્ટ સાબિત થયા હતા અને તેના પરના પ્રયોગને લીધે બનાવી શકાયેલી રસીએ લાખો લોકોને બચાવ્યા. આ કોષોને લીધે અન્ય મેડિકલ ટ્રીટમેન્ટ્સનો વિકાસ પણ થઈ શક્યો. આ કોષોને અવકાશમાં પણ મોકલવામાં આવ્યા હતા. શૂન્ય ગુરુત્વાકર્ષણમાં માનવશરીરનું શું થાય છે તે ચકાસવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો અણુ પ્રયોગોમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એ ઉપરાંત તે વિશ્વભરની લાખો પ્રયોગશાળાઓને ખરીદ, વેચાણ અને પૅકેજ માટે મોકલવામાં આવેલા પ્રથમ કોષો હતા. એ પૈકીના કેટલાકનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો સંબંધી પ્રયોગ માટે કરવામાં આવ્યો હતો, જેથી બ્યૂટી પ્રોડક્ટ્સની કોઈ આડઅસર ન થાય તે સુનિશ્ચિત કરી શકાય.

જ્હૉન બર્નના કહેવા મુજબ, “1940 અને 1950ના દાયકામાં ઑપરેશન દ્વારા દૂર કરાયેલી ગાંઠો અથવા પેશીઓને ત્યજી દેવાયેલી ગણવામાં આવતી હતી. તેથી એવી પેશીઓનો સંશોધનના હેતુસર ઉપયોગ કરવા તેમના માલિકની પરવાનગી જરૂરી છે કે નહીં એ સ્પષ્ટ ન હતું.”

ગ્રે લાઇન

પરિવાર

પૉલીયો વૅક્સિન બનાવવામાં માટે કોષોનો ઉપયોગ કરવામાં આવ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૉલીયો વૅક્સિન બનાવવામાં માટે કોષોનો ઉપયોગ કરવામાં આવ્યો છે

હેનરીટા લેક્સના કોષો હજુ પણ જીવંત છે તેની ખબર તેમના પરિવારને 1973 સુધી ન હતી.

જનીનોના કાર્યક્ષમ ઉપયોગ વડે કૅન્સરનો ઈલાજ કરી શકાય છે તેવો સિદ્ધાંત આકાર પામ્યો હોવાથી જનીનશાસ્ત્રીઓની એક ટીમ લેક્સના પરિવારને તેમના ડીએનએની તપાસ કરવા માટે શોધી રહી હતી.

હેનરીટાના પુત્ર ડેવિડ લેક્સે 1997માં બીબીસીને કહ્યું હતું, “તેમણે અમારાં બધાં ભાઈ-બહેનના લોહીના નમૂના લીધા હતા અને જણાવ્યું હતું કે મારાં માતાના શરીરમાં જે હતું તે વારસાગત છે કે કેમ એ તેઓ ચકાસવા ઇચ્છે છે.”

જનીનશાસ્ત્રીઓ હેનરીટાના કોષો સાથે શું કરી રહ્યા છે તેની જાણ લેક્સ પરિવારને થઈ એ પછી તેમણે, તેઓ બાયૉટેક ઉદ્યોગ પાસેથી વળતર મેળવવાના હકદાર છે કે કેમ એ જાણવા વકીલોની સલાહ લેવાનો નિર્ણય કર્યો હતો.

એ પછી તેમણે કાયદાકીય લડાઈ શરૂ કરી હતી, જેમાં તેમની હાર પણ થઈ હતી અને જીત પણ.

ગ્રે લાઇન

‘તબીબી જાતિવાદ’

એક પત્રકાર પરિષદમાં બેન ક્રમ્પે ઉમેર્યું હતું કે બન્ને પક્ષ સમાધાનથી સંતુષ્ટ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાગરિક અધિકારોના વકીલ બેન ક્રમ્પે થર્મો ફિશર સાથેની વાટાઘાટમાં લેક્સ પરિવારનું પ્રતિનિધિત્વ કર્યું હતું

નાગરિક અધિકારોના વકીલ બેન ક્રમ્પે થર્મો ફિશર સાથેની વાટાઘાટમાં લેક્સ પરિવારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બેન ક્રમ્પે જણાવ્યું હતું કે ડૉક્ટરોએ કરેલી પ્રક્રિયાને લીધે હેનરીટાએ જીવનના અંતમાં પીડા અનુભવી હતી.

તેમણે એવી દલીલ પણ કરી હતી કે અન્ય અશ્વેત અમેરિકનો સાથે ડૉક્ટરો જેવો દુર્વ્યવહાર કરે છે તેવો જ દુર્વ્યવહાર હેનરીટા સાથે કરવામાં આવ્યો હતો.

આ કેસના સમાધાનની વિગત અનુસાર, “હેનરીટા લેક્સનું શોષણ સમગ્ર ઇતિહાસમાં અશ્વેત લોકો સર્વસામાન્ય લડાઈનું પ્રતિનિધિત્વ કરે છે. અમેરિકામાં તબીબી પ્રયોગોની કથા ઘણી વાર તબીબી જાતિવાદની કથા બની રહે છે.”

હેનરીટા લેક્સ જીવંત હોત તો 1 ઑગસ્ટે (2023) તેમનો 103મો જન્મદિવસ હોત. એક પત્રકારપરિષદમાં બેન ક્રમ્પે ઉમેર્યું હતું કે બન્ને પક્ષ સમાધાનથી સંતુષ્ટ છે.

વકીલે ઉમેર્યું હતું, “હેનરીટા લેક્સને થોડો આદર, થોડું સન્માન અને સૌથી વધુ તો હેનરીટા લેક્સને ન્યાય આપવા માટે આનાથી વધારે સારી ભેટ કોઈ ન હોઈ શકે, એવું હું માનું છું.”

વળતરના દાવાનો સમય વીતી ગયો છે, એવી દલીલ કરીને થર્મો ફિશરે આ કેસને પડતો મૂકવવાના ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ લેક્સ પરિવારના વકીલોના મતે સમયમર્યાદા પૂર્ણ થઈ ન હતી, કારણ કે કંપની હજુ પણ હેનરીટાના કોષોને રેપ્લિકેટ કરી રહી છે.

વકીલે કહ્યું હતું, “હેલા કોષો હેનરીટા લેક્સના શરીરમાંથી મેળવવામાં આવ્યા હતા એટલું જ નહીં, પણ હેલા કોષો વાસ્તવમાં હેનરીટે લેક્સ છે.”

ગ્રે લાઇન

મરણોત્તર પુરસ્કારો

લેક્સ કોષોને કારણે શક્ય બનેલી અનેક વૈજ્ઞાનિક સિદ્ધિઓની યાદમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને 2021માં એક સમારંભ યોજ્યો હતો.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં યોજાયેલા આ વિશેષ સમારોહમાં કહ્યું હતું, “હેનરીટા સાથે જે થયું તે ખોટું હતું. હેનરીટા લેક્સનું શોષણ કરવામાં આવ્યું હતું. તેઓ એવી અનેક અશ્વેત સ્ત્રીઓ પૈકીનાં એક છે, જેમના શરીરનો વિજ્ઞાને દુરુપયોગ કર્યો છે.”

મેરીલૅન્ડના એક પ્રતિનિધિમંડળે હેનરીટાને મરણોત્તર કૉંગ્રેશનલ ગોલ્ડ મેડલ આપવાનો ખરડો અમેરિકન સંસદમાં ગયા સપ્તાહે રજૂ કર્યો હતો.

સેનેટર ક્રિસ વેન હોલેને એક નિવેદનમાં જણાવ્યું હતું, “હેનરીટા લેક્સે આધુનિક ઔષધોનો માર્ગ બદલી નાખ્યો છે. સમગ્ર વિશ્વમાં અનેક લોકોનું જીવન બચાવવામાં તેમના યોગદાનને સ્વીકારવાનો સમય આવી પહોંચ્યો છે.”

રેડ લાઇન
રેડ લાઇન