તાવ આવવાના કારણો, તેને ગંભીરતાથી ક્યારે લેવો જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. પ્રતિભા લક્ષ્મી
- પદ, બીબીસી માટે
આપણે સૌએ જીવનમાં ક્યારેક તો તાવ આવ્યાની સ્થિતિનો અનુભવ કર્યો જ હશે.
કદાચ તમારી આસપાસ ઘણા એવા પણ લોકો હશે, જેઓ દિવસમાં એક વખત તો પોતાના શરીરનું તાપમાન જરૂર ચેક કરતા હશે.
તાવ આવવાના અનેક કારણો હોય છે, અને સતત તાવ આવતો હોય તો તબીબી પરીક્ષણની પણ જરૂર પડે છે.
ક્યારેક તાવ કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ આપતો હોય છે.
જોકે, જ્યારે તાવની વાત કરીએ તો એ જાણવું પણ જરૂરી બની જાય છે કે આપણા શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે? અને ક્યારે આપણને તાવ આવ્યો છે એવું કહી શકાય? ક્યારે તાવ ચિંતાજનક કહેવાય?
જાણીએ તાવ વિશેના તમામ સામાન્ય સવાલોના જવાબ આ અહેવાલમાં...
તાવ આવ્યો છે એમ ક્યારે કહી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરતું તંત્ર મગજના હાઇપોથેલેમસમાં હોય છે.
આ તંત્ર આપણા શરીરના તાપમાનને સામાન્ય સ્તરે જાળવવા માટે અલગ અલગ રીતે મદદ કરે છે. આ રીતો આપણી ત્વચા અને રક્તના તાપમાન પર આધારિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તંત્રને કારણે જ આપણું શરીર ખૂબ ઓછા તાપમાને ધ્રૂજવા લાગે છે અને ખૂબ વધુ તાપમાને તેમાંથી પરસેવો છૂટવા લાગે છે. આ પ્રક્રિયાઓ આપણા શરીરના તાપમાનને સામાન્ય સ્તરે જાળવી રાખવા મદદરૂપ થાય છે.
જો શરીરનું તાપમાન 98.6 ડિગ્રી ફેરનહિટ કરતાં વધુ હોય તો એ સ્થિતિને 'તાવ આવ્યો' એવું કહેવાય. પરંતુ આ એટલું સરળ પણ નથી.
જોકે, શરીરનું તાપમાન ઘણાં બધાં પરિબળો પર આધારિત છે જેમ કે, વ્યક્તિની ઉંમર, તેની જાતિ (સ્ત્રી-પુરુષ-ટ્રાન્સજેન્ડર અને અન્ય), રોજિંદું જીવન, શરીરનું તાપમાન જ્યાંથી લીધું એ સ્થળ, તેનો સમય, હવામાન અને ઋતુ વગેરે.
સવારના છ વાગ્યે આપણા શરીરનું તાપમાન ઓછું હોય છે. જ્યારે સાંજના ચારથી છ વાગ્યા સુધી એ ટોચ પર હોય છે.
તેથી જો સવારના સમયમાં શરીરનું તાપમાન 98.9 ડિગ્રી ફેરનહિટ કરતાં વધુ હોય અને સાંજના સમયે તાપમાન 99.9 ડિગ્રી ફેરનહિટ કરતાં ઝાઝું હોય તો એ અવસ્થાને તાવ આવ્યો એવું કહી શકાય.
મહિલાઓ અને બાળકોમાં તાવ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહિલાઓમાં માસિકચક્રના બદલાવોની સાથે પણ શરીરના તાપમાનમાં બદલાવ આવી શકે છે.
મહિલાઓમાં માસિક પહેલાંનાં બે અઠવાડિયાં અને માસિક પછીના એક અઠવાડિયા દરમિયાન શરીરનું તાપમાન સામાન્ય કરતાં 0.9 ડિગ્રી ફેરનહિટ જેટલું વધુ હોય છે.
પરંતુ ઘણી વાર 'ઓછો તાવ', આ શબ્દ પણ સાંભળવા મળે છે.
જોકે, આવું કંઈ હોતું નથી. મોઢાની આસપાસ થતી ફોલ્લીઓ રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવાને કારણે થાય છે.
જ્યારે તમે આળસનો અનુભવ કરો છો, થાકી ગયા હો કે આંખમાં દુખાવા જેવું લાગે તો એ પરિસ્થિતિને 'ઓછો તાવ' કહેવાય છે.
જો તમે સ્વાસ્થ્યપ્રદ ખોરાક અને ફળો લો અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાની દિશામાં કામ કરો તો આ સ્થિતિના નિર્માણની શક્યતા ઘટશે.
વડીલોનાં શરીરનું તાપમાન પણ ઓછું હોય છે. તેથી તેમને લઈને વધારે સાવધ રહેવાની જરૂર હોય છે. જો વૃદ્ધ વ્યક્તિના શરીરના તાપમાનમાં હળવો વધારો પણ થાય તો તેને હળવાશમાં ન લેવું જોઈએ.
જ્યારે નાનાં બાળકોમાં તાવની તીવ્રતા વધુ હોય છે, ખાસ કરીને પાંચ મહિનાથી પાંચ વર્ષની ઉંમરનાં બાળકોમાં આ સ્થિતિ વધુ જોવા મળે છે. જો તીવ્ર તાવ અંગે યોગ્ય સારવાર તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં ન આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે.
★ થર્મોમીટર ક્યાં મૂકીએ છીએ તેનાથી પણ ફર્ક પડે
- આપણે તાપમાન લેવા માટે થર્મોમીટર ક્યાં મૂકીએ છીએ એ વાત પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો નાકમાં થર્મોમિટર મુકાય તો તાપમાન 98.6 ડિગ્રી ફેરનહિટ જેટલું આવે છે. જે લોકો મોઢેથી શ્વાસ લે છે તેમના શરીરનું તાપમાન આના કરતાં પણ ઓછું આવી શકે.
- સામાન્ય રીતે બાળકોમાં ગુદા ભાગનું તાપમાન કાન પાસેના તાપમાન કરતાં 0.5 ડિગ્રીથી એક ડિગ્રી ફેરનહિટ વધુ હોઈ શકે છે. તેમજ કાખમાં થર્મોમિટર મૂકી તપાસતાં તાપમાન સામાન્યપણે 97.7 ડિગ્રી ફેરનહિટ હોય છે.
તાવનાં કારણો

ઇમેજ સ્રોત, Getty Images
- વાઇરલ ઇન્ફેક્શન
- બૅક્ટેરિયલ ઇન્ફેક્શન
- મલેરિયા જેવી બીમારીઓ
- ઑટોઇમ્યુન બીમારીઓ
- અમુક જાતની દવાઓ (ખાસ કરીને અમુક ઍન્ટિબાયૉટિક જેનો મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ માટે ઉપયોગ થાય છે)
- રસી (બાળકો માટેની ડીપીટીની રસીથી માંડીને કોવિડની રસી)
- શરીરમાં ગમે ત્યાં કૅન્સરની હાજરી
- શરીરના સ્રાવ (થાઇરોઇડ, કાર્ટિસોન, પ્રોજેસ્ટેરોન)
- ઉનાળામાં વધુ તાપમાન
તાવની સારવાર ક્યારે કરાવવી?
જો કોઈ કારણસર તાવ આવે તો તેના માટે ઝડપથી સારવાર મેળવવી જોઈએ. નહીંતર શરીરમાં પાણીની માત્રામાં ઘટાડો થઈ શકે છે અને શરીર નબળું પડી શકે છે.
જેટલા સમય સુધી તમે શરીરના વધુ તાપમાન પર ધ્યાન નહીં આપો એટલા વધુ સમય સુધી તમારું શરીર તાવગ્રસ્ત રહેશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના મામલે વધુ સાવધાન રહેવાની જરૂર છે.
- તાવ દરમિયાન ભરપૂર માત્રામાં પાણી અને પ્રવાહી લો.
- જો નખને થોડા ગરમ પાણીથી ધોવામાં આવે તો તાવમાં રાહત મળી શકે
તાવ માટેની દવા પેરાસિટામોલ છે. જો તાવ પર યોગ્ય દવા થકી કાબૂ ન મેળવાય તો દર્દી અશક્તિ અનુભવે છે, બધા ઉપાયો કર્યા છતાં જો બે દિવસ બાદ પણ તાવમાં ઘટાડો ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
શરદી, ગળાની તકલીફો, સૂકી ખાંસીની સાથે તાવનાં લક્ષણો દેખાય તો 80-85 ટકા કિસ્સામાં વાઇરલ તાવ હોઈ શકે છે. તેમજ 75-80 ટકા ડાયરિયાના કિસ્સા માટે પણ વાઇરલ ઇન્ફેક્શન જ જવાબદાર હોય છે.
ઘણી વાર અન્ય બૅક્ટેરિયલ ઇન્ફેક્શનની માફક આ ઇન્ફેક્શન પણ આપમેળે ઠીક થઈ જાય છે. ઉપરાંત જો શરીરની પ્રણાલી યોગ્ય રીતે કામ કરે તો તાવનું પ્રમાણ આપમેળે ઘટી જાય છે.
પરંતુ અહીં એ યાદ રાખવાની જરૂરિયાત છે કે વાઇરસના ઇન્ફેક્શન સામે ઍન્ટિબાયોટિક કામ નથી લાગતી. નિરર્થક ઍન્ટિબાયોટિકના ઉપયોગથી ભૂખમાં ઘટાડો, અનિદ્રા અને અશક્તિ જેવી આડઅસરો થઈ શકે છે.
વાઇરલ ઇન્ફેક્શનનાં લક્ષણો તીવ્ર હોય છે પરંતુ આ સ્થિતિ એક અઠવાડિયાની અંદર ઠીક થઈ જાય છે. પરંતુ સામેના પક્ષે બૅક્ટેરિયલ ઇન્ફેક્શનની શરૂઆતમાં લક્ષણો ઓછાં તીવ્ર હોય છે અને આ પ્રકારનાં ઇન્ફેક્શનો દિવસો સુધી જળવાઈ રહી શકે છે. જો ઠંડીનો અહેસાસ થાય તો એ મૂત્રમાર્ગના ઇન્ફેક્શનને કારણે થઈ શકે છે, ઉપરાંત મલેરિયા, ન્યુમોનિયા અને પરુ ભરાઈ જવાના કારણે પણ ઠંડીનો અહેસાસ થઈ શકે છે.
તાવ એ એક લક્ષણ છે. આ દરમિયાન શરીર પર ભીનું કપડું મૂકવાથી, વધુ પ્રમાણમાં પાણી લેવાથી કે પેરાસિટામોલ લેવાથી પણ કાબૂ મેળવી શકાય છે.
તેમજ આ લક્ષણ પાછળનાં કારણો અંગે જાણીને યોગ્ય સારવાર લેવાનું પણ જરૂરી બની જાય છે.
(લેખિકા એક ડૉક્ટર છે. આ અહેવાલ સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓની સામાન્ય સમજ કેળવવા માટે છે. ચોક્કસ પ્રકારની સારવારસંબંધી સલાહ માટે ડૉક્ટરનો સંપર્ક સાધો.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












