શેફાલી જરીવાલાનું મૃત્યુ : યુવાની ટકાવવાની ઍન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ જીવલેણ બની શકે? શું તેનાથી ખરેખર તમે યુવાન દેખાઈ શકો?

ઇમેજ સ્રોત, shefalijariwala/Insta
અભિનેત્રી શેફાલી જરીવાલાનું માત્ર 42 વર્ષની ઉંમરે નિધન થયું છે અને તેમનાં મૃત્યુ પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.
તેમના મૃત્યુની તપાસ કરતા કેટલાક પોલીસ અધિકારીઓનું કહેવું છે કે શેફાલી ઍન્ટી-એજિંગ ટૅબ્લેટ્સ સહિત ઘણી દવાઓ લેતાં હતાં. આ દવાઓ ખાલી પેટે ખાવાના કારણે કદાચ તેમનું બ્લડ પ્રેશર અચાનક ઘટી ગયું હોય તે શક્ય છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ એક પોલીસ અધિકારીનો હવાલો આપીને જણાવ્યું કે 27 જૂનની બપોરે શેફાલીએ એક ઇન્જેક્શન લીધું હતું. તે કદાચ ઍન્ટી-એજિંગ ઇન્જેક્શન હતું.
પોલીસ અધિકારીઓએ કહ્યું કે "તેમનું બ્લડ પ્રેશર અચાનક ઘટી ગયું અને તેમને ધ્રુજારી આવવા લાગી. ત્યાર પછી તેમના પરિવારજનો તેમને હૉસ્પિટલે લઈ ગયા."
શેફાલી જરીવાલાને 27 જૂનની રાતે અંધેરીની બેલેવ્યૂ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલે લઈ જવાયાં હતાં, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં. પોલીસને રાતે એક વાગ્યે તેની માહિતી આપવામાં આવી અને પછી તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે કૂપર હૉસ્પિટલે મોકલાયો.
પોલીસના કહેવા પ્રમાણે, "અંબોલી પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોનાં નિવેદન નોંધ્યાં છે. તેમાં શેફાલીના પતિ અને માતાપિતા ઉપરાંત ઘરમાં કામ કરતા સહાયકનું નિવેદન સામેલ છે. તે વખતે તેઓ બધા ઘરમાં જ હતા. જોકે, હજુ સુધી કંઈ શંકાસ્પદ જણાયું નથી. તપાસ હેઠળ પોલીસની એક ટીમ ફૉરેન્સિક એક્સપર્ટ્સની સાથે તેમના ઘરે ગઈ અને કેટલીક ચીજોનાં સૅમ્પલ એકત્ર કર્યાં છે. તેમાં શેફાલીની દવાઓ અને ઇન્જેક્શનો પણ સામેલ છે."
શેફાલી જરીવાલાના મૃત્યુ પછી એ વાતની ચર્ચા શરૂ થઈ કે ઉંમરને લગતા શારીરિક ફેરફારો રોકવા માટે લેવાતી ઍન્ટી-એજિંગ ટ્રીટમેન્ટની સાથે કેવા કેવા જોખમો સંકળાયેલા છે.
જાણીતી અભિનેત્રીઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
શેફાલી જરીવાલાના મૃત્યુ પછી અભિનેત્રી મલ્લિકા શેરાવતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે પોતાના ફૅન્સને એક તંદુરસ્ત લાઈફસ્ટાઈલ અપનાવવાની સલાહ આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું કે, "મેં કોઈ ફિલ્ટર નથી લગાવ્યું, મેકઅપ નથી કર્યો. વાળ પણ સેટ નથી કર્યા. હું તમને આ વીડિયો શેર કરું છું જેથી આપણે બોટૉક્સ, આર્ટિફિશિયલ કૉસ્મેટિક ફિલર્સને દૂર રાખીએ અને હેલ્ધી લાઇફસ્ટાઇલને અપનાવી શકીએ."
અભિનેત્રી કરીના કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે "હું બોટૉક્સની વિરુદ્ધ છું."
જોકે, તેઓ માત્ર વધતી ઉંમરના કારણે અભિનેત્રીઓ માટે વધતા પડકારો વિશે વાત કરતાં હતાં. તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ કરચલીઓ અને વધતી ઉંમરથી ગભરાય છે કે નહીં.
તેના પર કરીનાએ કહ્યું કે, "હું બોટૉક્સની વિરુદ્ધ છું. હા, હું પોતાની કાળજી રાખવાની હિમાયતી છું, જેનો અર્થ છે તંદુરસ્ત રહેવું. સારું ફીલ કરવું અને નેચરલ થેરૅપી. આ પોતાને અને પોતાની ટેલેન્ટને જાળવવા વિશે છે કારણ કે આ જ મારું હથિયાર છે. તેનો અર્થ છે તમે રજાઓ લો, પરિવાર અને મિત્રો સાથે સમય ગાળો, સેટ પર જે કરતા હોવ તેનાથી કંઈક અલગ કરો. ઇન્જેક્શનો અને સર્જરીમાં ન પડો."
જોકે, આ બંને અભિનેત્રીઓએ પોતાની વાતમાં શેફાલી ઝરીવાલાનો ઉલ્લેખ કર્યો ન હતો. પરંતુ શેફાલીના મોત પછી બંને અભિનેત્રીઓના નિવેદનને તેની સાથે સાંકળવામાં આવે છે.
ઍન્ટી એજિંગ ટ્રીટમેન્ટ શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આપણી ઉંમર જેમ વધતી જાય તેમ તેમ ચહેરા પર રેખાઓ, કરચલીઓ દેખાવા લાગે છે. ચહેરાની ત્વચા ઢીલી પડી જાય છે. પરંતુ તેને રોકવા માટે આજકાલ કૉસ્મેટિક સર્જરી, ઇન્જેક્ટેબલ ફિલર્સ, બોટૉક્સ વગેરેનું ચલણ વધ્યું છે.
ઍન્ટી એજિંગ ટ્રીટમેન્ટમાં કેટલીક દવાઓ અથવા એવા કમ્પાઉન્ડનું કૉમ્બિનેશન હોય છે જે વધતી ઉંમરની અસરને ધીમી કરવામાં મદદ કરે છે.
તેમાં બોટૉક્સ એ સૌથી વધુ પ્રચલિત છે જે એક પાવલફુલ ઇન્જેક્શન હોય છે. તે આપણી માંસપેશીઓને બહુ નાનકડા હિસ્સામાં રિલેક્સ કરે છે. માથા પરની કરચલી અથવા આંખ પાસે દેખાતી કરચલી, નાકની આસપાસની રેખાઓ ઓછી કરવા માટે બોટૉક્સનો ઉપયોગ કરી શકાય છે.
20 વર્ષ કરતા વધુ સમય અગાઉ ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ કૉસ્મેટિક પ્રક્રિયાઓમાં તેના ઉપયોગની મંજૂરી આપી દીધી હતી.
ધ એસ્થેટિક ક્લિનિક્સના સિનિયર કૉસ્મેટિક સર્જન ડૉક્ટર દેબરાજ શોમે હિંદી ન્યૂઝ વેબસાઈટ ધ લલ્લનટૉપને જણાવ્યું કે ડર્મલ ફિલર્સ ઇન્જેક્શન સ્કીનની અંદર આપવામાં આવે છે. તે એ પદાર્થના બનેલા હોય છે જેનાથી આપણી ત્વચાની કોશિકાઓ બનેલી હોય છે.
તેમણે જણાવ્યું કે ઉંમર વધવાની સાથે ત્વચામાં કૉલેજન ઘટવા લાગે છે, પરંતુ ફિલર્સની મદદથી કૉલેજન ફરી નાખવામાં આવે છે અને ચહેરો યુવાન લાગે છે.
યુવાન દેખાવા માટે ઘણા લોકો ગ્લૂટાથિયોન ઇન્જેક્શનનો પણ ઉપયોગ કરે છે. તે એક ઍન્ટી-ઑક્સિડન્ટ છે, જે આપણા શરીરની કોશિકાઓને થતા નુકસાનને રોકવાનું કામ કરે છે. ગ્લૂટાથિયોન મોટા ભાગે ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન અને ટૅબ્લેટ્સ દ્વારા લેવામાં આવે છે.
કૈલાશ હૉસ્પિટલના ડર્મેટોલૉડી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ અંજુ ઝા જણાવે છે કે, "ગ્લૂટાથિયોન આપણા શરીરમાં પહેલેથી હાજર હોય છે. પરંતુ ઉંમરની સાથે સાથે શરીરમાં ગ્લૂટાથિયોન પેદા થવાનું ઘટી જાય છે, તેથી તેને બહારથી લેવામાં આવે છે."
"એવું પણ માનવામાં આવે છે કે ગ્લૂટાથિયોન લેનારની ત્વચામાં થોડો નિખાર આવે છે. ઇન્ટ્રાવેનસ ગ્લૂટાથિયોન લેવામાં આવે તે તેનું રિઝલ્ટ વધુ સારું આવે છે. પરંતુ તેની આડઅસરો પણ છે. તેને એફડીએની માન્યતા નથી મળી."
આ સારવાર કેટલી સુરક્ષિત છે?

ઇમેજ સ્રોત, Getty Images
શું આ ફિલર્સ કે ગ્લૂટાથિયોન ઇન્જેક્શન જીવલેણ બની શકે એટલા જોખમી હોય છે?
સર ગંગારામ હૉસ્પિટલમાં ડર્મેટોલૉજી વિભાગના ચેરમેન ડૉક્ટર ઋષિ પરાશરે 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ને જણાવ્યું કે "એક-બે અપવાદને બાદ કરતા આ પ્રકારના ઇન્જેક્શનો અત્યાર સુધી સુરક્ષિત સાબિત થયા છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કામ રજિસ્ટર્ડ ડર્મેટોલૉજિસ્ટની દેખરેખ હેઠળ થવું જોઈએ."
તેમાં જણાવાયું છે કે બોટૉક્સના જોખમો વિશે એપ્રિલ 2024માં ચર્ચા થઈ હતી જ્યારે યુએસ સેન્ટર ફૉર ડિઝીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ એક ચેતવણી આપી હતી કે 25થી 59 વર્ષની ઉંમરની 22 મહિલાઓમાં બોટૉક્સના નુકસાનકારક રિએક્શન જોવા મળ્યા છે. તેમાં 11 મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં. છ મહિલામાં બોટૉક્સથી અપાયેલા ટૉક્સિન્સ ફેલાઈને નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર) સુધી પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં મોત પણ થઈ શકે છે.
ડૉક્ટર પરાશરે આના વિશે કહ્યું કે, "આ તમામ મહિલાઓએ હેલ્થકેર સેન્ટર ન હોય એવા લાઇસન્સ વગરના અથવા બિનતાલીમબદ્ધ લોકો પાસે ઇન્જેક્શન લીધાં હતાં એ સાબિત થયું છે."
આ દવાઓથી પેદા થતા જોખમ વિશે ડૉક્ટર અંજુ ઝાએ કહ્યું કે એફડીએએ ગ્લૂટાથિયોનને એટલા માટે મંજૂરી ન આપી કારણ કે તેમાં કેટલીક આડઅસરો જોવા મળી છે. તેનાથી કેટલાક દર્દીઓને એનાફાઇલેક્સિસ થઈ શકે છે. ઇન્જેક્ટેબલ દવાઓથી સ્ટીવન જૉન્સન જેવી બીમારી થઈ શકે છે. આ દવાના રિએક્શનથી પેદા થતી સ્થિતિ છે, જેમાં મોત પણ નીપજી શકે. જોકે, આવું જવલ્લે જ બને છે."
તેઓ કહે છે કે આ લોકો સ્કિન ટાઇટનિંગ કે ત્વચાને ઊજળી બનાવવા આ દવાઓનો ઉપયોગ કરે છે. આ દવાઓ ચાલુ હોય ત્યાં સુધી જ અસર રહે છે. કાયમી અસર નથી રહેતી.
ડૉક્ટર અંજુએ જણાવ્યું કે, "તમે કેટલી દવાઓ લો છો, દવા લેવી જોઈએ કે નહીં, તમને પહેલેથી કોઈ તકલીફ છે કે નહીં એ બધું જોવું જરૂરી છે. આ માટે સારા ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી જોઈએ."
તેમણે કહ્યું કે, "આ (દવાઓ) હાર્ટ ઍટેક ન લાવી શકે. પરંતુ ઘણી વખત વધારે ડોઝ લેવાથી લીવર, કિડની પર અસર થઈ શકે છે. આવી પરોક્ષ અસર થાય છે. તેથી કોઈ ઍક્સપર્ટ જ ટ્રીટમેન્ટ કરે તે જરૂરી છે, જેને ખબર હોય કે કયા સ્નાયુમાં અને કેટલા પ્રમાણમાં ઇન્જેક્ટ કરવાનું છે. આ દવા જાતે ન લો, કોઈ પાર્લરમાં પણ ન જાવ. તેના બદલે જાણકાર ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવો."
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












