અમદાવાદ 1988 પ્લેન ક્રૅશ: 'હું જીવું છું ત્યાં સુધી ન્યાય મળી જાય તો... '37 વર્ષ બાદ પણ વળતરની રાહ જોતા મૃતકોના પરિવારજનોની વ્યથા

ઇમેજ સ્રોત, Gujarat Samachar/BBC
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને એક કરોડની સહાય આપવાની શરૂઆત થઈ છે પણ 1988માં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોને હજુ સુધી સહાય નથી મળી અને આજે પણ કાનૂની લડાઈ રહ્યા છે.
એમાંથી ત્રણ વ્યક્તિઓ સહાય મળે એની રાહ જોતાં-જોતાં અવસાન પામી છે તો ઘણા લોકોએ એમને જીવતે જીવ ન્યાય મળે એવી આશા છોડી દીધી છે.
બીબીસી ગુજરાતીએ મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.
અમદાવાદમાં 1988માં ઇન્ડિયન ઍલાઇન્સનું વિમાન કેવી રીતે ક્રૅશ થયું હતું?

ઇમેજ સ્રોત, Gujarat Samachar
મુંબઈથી અમદાવાદ આવવા 19 ઑક્ટોબરે સવારે પોણા સાત વાગ્યે આઈ.સી.113 નંબરની આ ફ્લાઇટ નીકળી હતી. વિમાન અમદાવાદ ઍરપૉર્ટ નજીક કોતરપુર ગામના એક ખેતરમાં લૅન્ડિંગ સમયે ક્રૅશ થયું હતું.
વિમાનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત કુલ 133નાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં માત્ર વિનોદ ત્રિપાઠી અને અશોક અગ્રવાલ નામના બે મુસાફરો જ બચ્યા હતા.
એ સમયે સરકારે 12 વર્ષથી ઉપરની ઉંમરના મૃતકો માટે બે લાખ અને તેનાથી ઓછી ઉંમરના મૃતકો માટે એક લાખની સહાય જાહેર કરી હતી તથા ઈજાગ્રસ્ત વ્યક્તિ સ્વસ્થ થાય ત્યાં સુધી રોજના 200 રૂપિયા લેખે સહાયની જાહેરાત કરી હતી, એમાં પણ એવો નિયમ રાખ્યો હતો કે ઈજાગ્રસ્ત વ્યક્તિને મહત્તમ 40 હજાર સુધી જ સરકારી સહાય મળી શકે.
એટલું જ નહીં પ્લેનમાં બોર્ડિંગ કરતી વખતે જે સામાન હતો એ ગમ થાય તો એની નુકશાની પેટે પ્રતિ કિલોગ્રામ 160 રૂપિયા અને ગમ થયેલા હૅન્ડબૅગેજના 1000 રૂપિયા નક્કી કરાયા હતા .
વિમાન દુઘટર્નામાં મૃત્યુ પામનાર પરિવારજનોને સરકારની સહાય સામે કેમ વાંધો પડ્યો ?

ઇમેજ સ્રોત, BBC/Bhargav Parikh
19 ઑક્ટોબર, 1988 થયેલા વિમાન અકસ્માત બાદ મૃતકોના પરિવારોને એમના પરિવારજનોનો સમાન મળ્યો ન હતો , એટલુંજ નહીં એ સમયે માત્ર બે લાખ રૂપિયામાં ફાઇનલ સેટલમેન્ટ કરવાનું નક્કી કરતા, મૃતકોના પરિવારના તમામ લોકો એકત્રિત થયા અને સામૂહિક રીતે આ કેસ લડવાનો નિર્ણય કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1988 પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામેલાના તમામ પરિવારજનોએ ઇન્ડિયન ઍરલાઇન્સ સામે કાનૂની લડાઈ લડવાનું નક્કી કર્યું અને પ્લેન ક્રૅશ પીડિતોના એક ઍસોસિયેશનનું ગઠન કર્યું.
આ ઍસોસિયેશનના પ્રમુખ પંકેશ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સરકારે 1988ના પ્લેન ક્રૅશના મૃતકોના પરિવારને એમની યાદગીરી રૂપે છેલ્લી નિશાનીનો સામાન તો આપ્યો જ નહીં પણ સાથે-સાથે દબાણ કર્યું કે પરિવારના મોભી પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામ્યા હોય એમને ફાઇનલ સેટલમેન્ટ તરીકે બે લાખ રૂપિયા મળશે. સરકારના આ વલણ સામે અમને વાંધો હતો આ પ્લેન ક્રેશમાં મેં મારો સાગો ભાઈ અને ભાભી ગુમાવ્યાં હતાં."
પંકેશ પટેલ કહે છે, "ઍરપૉર્ટ ઑથોરિટી અને ઇન્ડિયન ઍરલાઇન્સે અમને મારા ભાઈ ભાભીનો સમાન જે અમારા માટે આખરી નિશાની હતો, એ હજુ સુધી નથી આપ્યો અને અમને બે લાખ રૂપિયામાં ફૂલ ઍન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરવા દબાણ કરતા હતા."
"છેવટે અમે સરકારના આ નિર્ણય સામે કાનૂની લડાઈ લડવાનું નક્કી કર્યું, અમે સેશન્સ કોર્ટમાં કેસ જીતી ગયા, પછી ઍરપૉર્ટ ઑથૉરિટી ગુજરાત હાઈકૉર્ટમાં ગઈ, ત્યાં પણ અમે કેસ જીતી ગયા, એટલે એ લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા છે. જેની હજુ સુનાવણી પૂરી થઈ નથી."
"મારાં માતાપિતાએ એમની નજરે ભાઈ-ભાભીને ભગવાનના ઘરે જતાં જોયાં છે, 37 વર્ષથી અમે કાનૂની લડાઈ લડી રહ્યા છીએ, પણ કોઈ ન્યાય મળતો નથી. અમે અમારા સર્વેના પરિવારની સ્મૃતિમાં જ્યાં પ્લેન ક્રૅશ થયું હતું ત્યાં કોતરપુરમાં એક સ્મારક બનાવ્યું છે, એ સ્થળે અમે દર વર્ષે ભેગા થઈએ છીએ."
"મ્યુનિસિપલ કૉર્પોરેશને અહીં સ્મૃતિ વનબનાવ્યું છે, પણ ઍરલાઇન્સ અને ઍરપૉર્ટ ઑથૉરિટી અમને ન્યાય આપતી નથી, ન્યાય માટેની અમારી 37 વર્ષથી કાનૂની લડાઈ લડતા ત્રણ લોકોનાં અવસાન પણ થઈ ગયાં છે, હવે અમારો કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો છે એની સુનાવણી હજુ શરૂ પણ થઈ નથી."
શું કહે છે 1988 વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારજનો ?

ઇમેજ સ્રોત, Gujarat samachar
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતાં રીટા શાહ હવે કાનૂની લડાઈથી થાકી ગયાં છે, જૂના દિવસોને યાદ કરતાં રીટા શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારા પતિ સુનિલ શાહ આઈઆઈએમ ગ્રેજ્યુએટ હતા, કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા. મુંબઈ કોઈ કંપનીના કામથી ગયા હતા."
"એ વખતે મારી ઉંમર માત્ર 37 વર્ષની હતી, મારી દીકરી પ્રિયા એ વખતે 12 વર્ષની હતી. મારા પતિ એ સમયે દિવાળી નજીક આવતી હતી એટલે મુંબઈથી નવાં કપડાં લઈને આવવાના હતા, અમે માં દીકરી એમની રાહ જોઈ રહ્યાં હતાં અને અમારા ઘરે મારા પતિનો મૃતદેહ આવ્યો."

"મારા ઉપર આભ ફાટી પડ્યું , સરકારે તો બે લાખ રૂપિયા લઈ બધું ભૂલી જવાનું કહ્યું હતું, પણ બીજા લોકો સાથે મળી અમે ઍસોસિયેશન બનાવ્યું અને બધા સામૂહિક રીતે સરકારના આ તઘલખી નિર્ણય સામે લડી રહ્યા છીએ."
થોડો વિરામ લીધા બાદ રીટાબહેન કહે છે કે, "મેં ગમે તેમ કરીને મારી એકની એક દીકરીને ભણાવી આર્કિટેક્ટ બનાવી છે, એનાં લગ્ન કરાવ્યાં અને એના ઘરે બાળકો છે, પણ હજુ અમારો કેસ કોર્ટમાં ચાલે છે."
"અમારા ઍસોસિયેશનમાં કેટલાક લોકોનાં અવસાન થયાં છે, એમના પૈસા એમના વારસદારને મળે એવી પણ કવાયત ચાલે છે. મને એમ થાય છે કે હું જીવું છું ત્યાં સુધીમાં મને ન્યાય મળે અને વળતરના પૈસા મળી જાય જેથી મારી દીકરીએ નાનપણમાં એના પિતાના અવસાન પછી જે અભાવ જોયો છે એ દૂર થાય."

ઇમેજ સ્રોત, BBC/ Bhargav Parikh
"અત્યારે મને 74 વર્ષ થયાં, મારો એક પગ સ્મશાનમાં છે હવે હું કાયદાકીય લડાઈથી થાકી ગઈ છું. મારા જીવતા અમને ન્યાય મળે એવી આશા છોડી દીધી છે પણ ઠાકોરજીને કાયમ પ્રાર્થના કરું છું કે બીજા લોકોને ન્યાય મળે."
1988ની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અમદાવાદના 59 વર્ષીય શ્યામુભાઈ લવાસીનાં પત્ની કોકિલા બહેનને જીવનના છેલ્લા શ્વાસ સુધી એવી આશા હતી કે અમને ન્યાય મળશે, પણ એમનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયું છે.
શ્યામુભાઈના પુત્ર અને આ લડાઈમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અમલભાઈ લવાસીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હું ગ્રેજ્યુએટ થયો પછી તુરંત જ પિતાજીના ધંધામાં જોડાયો હતો. એમનો કાપડનો મોટો ધંધો હતો. એ સમયે મારી ઉંમર 30 વર્ષની હતી અને 1988માં વિમાન દુર્ઘટના બની, સરકારે અમને માત્ર બે લાખ રૂપિયાનું વળતર આપીને હાથ ઊંચા કરવાનો પ્રયાસ કરતી હતી."

ઇમેજ સ્રોત, BBC/ Bhargav Parikh
"અમે બધાએ નક્કી કર્યું કે સરકારના આ નિર્ણય સામે લડવું અને અમે લડાઈ શરૂ કરી, ઍરલાઇન્સે દાવો કર્યો કે જેમની જેટલી આવક હોય એ મુજબ વળતર આપવું, અમારા બધાના ઇન્ક્મ ટૅક્સ રિટર્ન કોર્ટમાં રજૂ કર્યા, ખુદ કોર્ટે આ વિમાન દુર્ઘટનામાં રનવેની ક્ષતિ સહિત ઍરલાઇન્સ અને ઍરપૉર્ટ ઑથૉરિટીની ભૂલ ગણાવી વળતર ચૂકવવાનો આદેશ આપ્યો, તો ઍરલાઇન્સે નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો."
"અમે દાયકાઓથી અમારી કાનૂની લડાઈ લડી રહ્યા છીએ પણ હજુ સુધી ન્યાય નથી મળ્યો, ગુજરાત હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખી યોગ્ય વળતર આપવાની ફૉર્મ્યુલા બનાવી, તો એની સામે ઍરલાઇન્સ અને ઍરપૉર્ટ ઑથૉરીટીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, સુપ્રીમ કોર્ટમાં હજુ સુનાવણી શરૂ નથી થઈ. અમને ન્યાય મળવામાં 37 વર્ષ થઈ ગયાં, પણ ન્યાય નથી મળ્યો હજુ કેટલાં વર્ષ લાગશે એની અમને ખબર નથી."
શું કહે છે ઇન્ડિયન ઍરલાઇન્સ અને ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા?

ઇમેજ સ્રોત, BBC/Bhargav Parikh
બીબીસીએ ઍરપૉર્ટ ઑથૉરિટીના વકીલ શાશ્વત પટનાયકનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ હોવાથી એમની ઑફિસે કોઈ વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં ઇન્ડિયન ઍરલાઇન્સ અને ઍરપૉર્ટ ઑથૉરિટી એ લેખિત રજૂઆત કરી છે કે વિમાન દુર્ઘટના માટે વૉરસૉ કન્વેનશનમાં નક્કી થયા મુજબ અમે વળતર ચૂકવી રહ્યા છીએ.
જેના નિયમ મુજબ વિમાન દુર્ઘટનામાં મહત્તમ બે લાખનું વળતર શિડયુઅલ ઍક્ટ 2ના નિયમ 22 મુજબ આપવાની જોગવાઈ છે, જે મુજબ આપવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત આ કેસ રેસ-ઇસ્પા લોકવીટરનો મામલો છે, જે મુજબ ઇન્ડિયન ઍરલાઇન્સ અને ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની બેદરકારી નથી, કાયદેસર જવાબદારીની મર્યાદા હોય છે અને એ મર્યાદામાં અમે વળતર ચૂકવી રહ્યા છીએ.
શું કહે છે બચાવપક્ષ ?

ઇમેજ સ્રોત, BBC/Bhargav Parikh
બચાવ પક્ષના વકીલ સમીર પારેખે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે નીચલી કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાને ઇન્ડિયન ઍરલાઇન્સ અને ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ પડકાર્યો છે, અમે અમારો જવાબ રજૂ કર્યો છે કે નીચલી કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં ઇન્ડિયન ઍરલાઇન્સ અને ઍરપૉર્ટ ઑથૉરિટીની બેજવાબદારી સાબિત થઈ છે, માટે પીડિતોને તાત્કાલિક વળતર મળવું જોઈએ અમે આ સાથે એમ પણ રજૂઆત કરી છે કે આ કેસને 37 વર્ષ થયાં છે ત્યારે ન્યાયિક પ્રક્રિયા ઝડપથી થવી જોઈએ, અમને આશા છે કે જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટમાં આ કેસની અંતિમ સુનાવણી થશે અને અમને ન્યાય મળશે."
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












