વિમાન દુર્ઘટના : અમદાવાદમાં 1988માં જ્યારે પ્લેન તૂટી પડ્યું અને 133 મુસાફરનાં મોત થયાં

ઇમેજ સ્રોત, gujarat vidyapith/Gujarat samachar
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદમાં 12 જૂન, 2025ના દિવસે ઍર ઇન્ડિયાનું પ્લૅન ક્રૅશ થયું, આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોનાં મોત થઈ ગયાં, એટલું જ નહીં વિમાન ક્રૅશ થઈને મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર પડ્યું, ત્યાં પણ ચાર વિદ્યાર્થીનાં મોત થયાં હતાં.
સમગ્ર દુનિયાને હચમચાવી દેનાર આ અકસ્માતે અમદાવાદમાં લગભગ 37 વર્ષ પહેલાં બનેલી દુર્ઘટનાની યાદ અપાવી દીધી છે. આ દુર્ઘટનામાં પણ પ્લેનમાં સવાર બે લોકોને છોડીને તમામ લોકો મૃત્યુ પામ્યા હતા.
અમદાવાદમાં 1988માં 19 ઑક્ટોબરે એક પ્લેન દુર્ઘટના થઈ હતી. જેમાં બે વ્યક્તિ જીવિત બચી ગઈ હતી. તેમાં એક વિનોદ ત્રિપાઠી પણ હતા. એ વખતે અકસ્માત કેવો ભયાનક હતો?
"સાત વાગવા આવ્યા હતા, પણ ઉતરાણનાં કોઈ ચિહ્નો નહીં? પણ ત્યાં તો કાન ફાડી નાખતો પ્રચંડ ધડાકો થયો. એમ લાગ્યું કે વિમાન અઢીસો – ત્રણસો કિલોમીટરની ઝડપે ધરતી તરફ ધસીને એના પૂરા વજનથી ધરતી સાથે અથડાયું. અથડાયું, એવું જ જાણે કે પાછું ઊછળ્યું, ને પછી પાછું અથડાયું, એ બીજી વાર અથડાયું એ સાથે જ એના લોખંડી માળખાના ટુકડેટુકડા થઈ ગયા અને એ જ સમયે એમાં આગ ફાટી નીકળી. વિમાન એક વિરાટ ચિતા બની ગયું હતું."
આ શબ્દો વિનોદ ત્રિપાઠીએ ગુજરાતના જાણીતા લેખક રજનીકુમાર પંડ્યાને કહ્યા હતા. રજનીકુમાર પંડ્યાએ તેમના પુસ્તક ઝબકારમાં આ ઘટનાનું વર્ણન કર્યું છે.
ગાંધીજીએ અમદાવાદમાં સ્થાપેલી શિક્ષણ સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠમાં વિનોદ ત્રિપાઠી કુલસચિવ (રજિસ્ટ્રાર) હતા. 18મી ઑક્ટોબરે ગૂજરાત વિદ્યાપીઠનો સ્થાપના દિવસ હોય છે.
એ દિવસે વિદ્યાર્થીઓને પદવીદાન સમારંભમાં પદવી (ડિગ્રી) આપવામાં આવે છે. એ વખતે વિદ્યાપીઠના કુલપતિ પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ (1896 - 1995) હતા. તેમની તબિયત નાદુરસ્ત હોવાને લીધે એ સમારંભ નિર્ધારિત દિવસે યોજાવાનો ન હતો, પરંતુ સ્નાતકોને આપવાનાં પ્રમાણપત્રોનો થોકડો લઈને તેના પર કુલપતિ મોરારજી દેસાઈની સહી કરાવવા વિનોદ ત્રિપાઠી મુંબઈ ગયા હતા.
306 પ્રમાણપત્રો પર મોરારજીભાઈની સહી લઈને તેઓ મુંબઈથી અમદાવાદ ફ્લાઇટમાં આવતા હતા. એ વખતે વિમાન ક્રૅશ થયું હતું. એમાં એ તમામ પ્રમાણપત્રો બળી ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરી એ પ્રમાણપત્રો બનાવવા પડ્યા હતા જેમાં ફરી મોરારજી દેસાઈની સહી લેવાઈ હતી.
'ભડકે બળતા ભંગારમાં વિનોદભાઈના પગ ફસાયા હતા'

ઇમેજ સ્રોત, gujarat vidyapith
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
19 ઑક્ટોબરે વહેલી સવારે વિમાન અમદાવાદના પાદરે આકાશમાં પહોંચ્યું ત્યારે સવારે 6.40 પ્લેનમાં જાહેરાત થઈ કે 'વી આર લૅન્ડિંગ ઍટ અહમદાવાદ ઍરપૉર્ટ ઇન એ શૉર્ટ વાઇલ ફ્રૉમ નાઉ. પૅસેન્જર્સ આર રિક્વેસ્ટેટ ટુ ટાઇટન ધેર સીટ બેલ્ટ્સ.'
અમદાવાદ ઍરપૉર્ટ પર વિનોદ ત્રિપાઠીને લેવા કાર લઈને તેમના ડ્રાઇવર બિપિનભાઈ જાની ગયા હતા.
તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "એ વખતે ઍરપૉર્ટ પર જાહેરાત થઈ કે દસેક મિનિટમાં વિમાન ઉતરાણ કરશે. હું ત્રિપાઠીજીની રાહ જ જોતો હતો. વિસેક મિનિટ સુધી ફ્લાઇટ આવી નહીં અને ખબર પડી કે વિમાન તો તૂટી પડ્યું છે."
રજનીકુમાર પંડ્યાએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે, "એમની ઉપર તો વિમાનનો પૂંછડીવાળો ભાગ તૂટીને બે કટકા થઈને સળગતો હતો. એ ભડકે બળતા ભંગારમાં વિનોદભાઈના પગ ફસાયા હતા."
"એમના પગના તળિયાનું માંસ શેકાતું હતું, છતાં જોર કરીને એમણે પગ બહાર કાઢ્યા અને બે કટકા થવાથી થઈ ગયેલી છાપરાની જગ્યામાંથી એમણે એક ધક્કો મારીને શરીરને બહાર ફંગોળ્યું."
"વેદનાગ્રસ્ત શરીરે તેઓ થોડું દોડીને અને પછી પેટે સરકીને બની શકાય તેટલું દૂર વિમાનથી દૂર ગયા હતા. તેમણે સાદ દઈને ઍમ્બ્યુલન્સવાળાને બોલાવ્યો, જે તેમને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ લઈ ગયો હતો."
ડ્રાઇવર બિપિનભાઈને જાણ થઈ કે વિમાન તૂટી પડ્યું છે એટલે તરત તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, "ત્યાં મુસાફરોના ભૂંજાઈ ગયેલા મૃતદેહ જોયા હતા. ઓળખવા મુશ્કેલ હતા. મગજ બહેર મારી જાય તેવાં દૃશ્યો હતાં."
વિનોદ ત્રિપાઠીએ 1954ની સાલમાં દેહરાદૂનમાં એક વર્ષનો પાઇલટનો કોર્સ કર્યો હતો. બિપિનભાઈએ જણાવ્યું હતું કે, "તેઓ જે મથામણ કરીને બચી શક્યા તેમાં, તેમણે જે પાઇલટનો કોર્સ કર્યો હતો તે વખતે મળેલી તાલીમ મદદરૂપ થઈ હતી."
અમદાવાદની વિમાન દુર્ઘટનાનાં નિશાન આજીવન રહ્યાં

ઇમેજ સ્રોત, Gujarat samachar
ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાયલમાં વર્ષો સુધી કામ કરનારા અને વિનોદભાઈના પરિચિત લવજી પરમારે જણાવ્યું હતું કે, "વિનોદભાઈ ખૂબ હિંમતવાળા હતા. આટલી મોટી દુર્ઘટનામાંથી બહાર આવ્યા છતાં એનો કોઈ ડર કે નિરાશા તેમના ચહેરા પર કે વાતોમાં ક્યારેય ડોકાયા નથી."
"એ ઘટના પછી સારવાર લઈને તરત તેઓ વિદ્યાપીઠના કામે વળગી ગયા હતા. તેમના શરીર પર દુર્ઘટનાના કેટલાંક નિશાન આજીવન રહી ગયાં હતાં. જેમ કે, તેમના આંગળા બળી ગયા હતા, તે સફેદ થઈ ગયા હતા. આંખોની પાંપણ પાસે છેક સુધી દાઝ્યાના ડાઘ રહ્યા હતા."
વીસેક વર્ષ સુધી વિદ્યાપીઠમાં કામ કરનારા ભીમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, "અન્ય મુસાફરો જે રીતે વિમાન હોનારતમાં આગની ઝપટે આવી ગયા હતા તેના પ્રમાણમાં વિનોદભાઈ થોડા ઓછા આગની લપટમાં આવ્યા હતા. તેનું એક કારણ એ પણ હતું કે તેમણે ખાદી પહેરી હતી. પોલિયેસ્ટર કે ટેરી કૉટન કપડાંની તુલનામાં ખાદીને આગ પકડતા થોડો વધારે સમય લાગે."
1988ની દુર્ઘટનામાં 133 લોકોનાં મોત
ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટ 113 મુંબઈથી અમદાવાદ આવી રહી હતી. તે વિમાનમાં ચાલકદળના 6 સભ્યો તેમજ 129 મુસાફરો સહિત કુલ 135 લોકો સવાર હતા. જેમાંથી 133 લોકોનાં મોત થયાં હતાં. પાઇલટ સહિત ચાલકદળના તમામ 6 સભ્યો મૃત્યુ પામ્યા હતા. દેશની ગોઝારી વિમાન દુર્ઘટનાઓ પૈકીની એક તે હતી.
નબળી વિઝિબિલિટી (ધૂંધળું વાતાવરણ)ને કારણે સવારે 6:53 વાગ્યે વિમાન ઝાડ અને વીજળીના થાંભલા સાથે અથડાયું હતું અને અમદાવાદ ઍરપૉર્ટથી 2.54 કિલોમીટરના અંતરે કોતરપુર ગામ પાસે ડાંગરના ખેતરમાં તૂટી પડ્યું હતું.
વિમાન હોનારતમાં વિનોદ ત્રિપાઠી ઉપરાંત અશોક અગ્રવાલ નામના મુસાફરનો બચાવ થયો હતો. તે વખતે નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રી શિવરાજ પાટીલે મૃતકોના પરિવારજનો માટે 2 લાખની જાહેરાત કરી હતી.
વિનોદ ત્રિપાઠી અમદાવાદમાં વનમાળી વાંકાની પોળમાં રહેતા હતા. છેલ્લાં વર્ષોમાં અમદાવાદમાં વાડજ વિસ્તારમાં રહેતા હતા. 2000ની સાલમાં તેમનું અવસાન થયું હતું.
અન્ય એક વિમાન મુસાફર અશોક અગ્રવાલ જેમનો પણ બચાવ થયો હતો તેઓ સાલ 2020માં અવસાન પામ્યા હતા.












