બાળકનું જન્મ પ્રમાણપત્ર હૉસ્પિટલમાંથી રજા આપતા પહેલાં મળી જશે, જાણો નવો નિયમ

હૉસ્પિટલો, જન્મ પ્રમાણપત્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 12 જૂનથી દેશની તમામ હૉસ્પિટલો માટે જન્મ પછી તરત જ માતાને જન્મ પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે.

ભારતના રજિસ્ટ્રાર જનરલ (RGI)એ જન્મ પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.

12 જૂન, 2025ના રોજ જાહેર કરાયેલી એક સત્તાવાર નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે હવે બધી હૉસ્પિટલો, ખાસ કરીને સરકારી હૉસ્પિટલોએ ખાતરી કરવી પડશે કે બાળકના જન્મ પછી માતાને હૉસ્પિટલમાંથી રજા આપતા પહેલાં જન્મ પ્રમાણપત્ર આપવામાં આવે.

આ નિર્દેશ એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કે ભૂતકાળમાં જન્મ પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયામાં ઘણી ગેરરીતિઓ જોવા મળી હતી.

અગાઉ પણ રજિસ્ટ્રાર ઑફિસે સરકારી અને ખાનગી હૉસ્પિટલોને ચેતવણી આપી હતી કે તે કાયદાનું પાલન નથી કરતી.

12 જૂનના નવા નિર્દેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જન્મ પછી તરત જ માતાને પ્રમાણપત્ર આપવું ફરજિયાત રહેશે.

જન્મ પ્રમાણપત્રના નિયમમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે?

જન્મ પ્રમાણપત્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, RGICCI

ઇમેજ કૅપ્શન, જન્મ પ્રમાણપત્રનું ફોર્મેટ

ભારતમાં જન્મ પ્રમાણપત્ર જન્મ અને મૃત્યુ નોંધણી (RBD) અધિનિયમ 1969ની કલમ 12 હેઠળ જાહેર કરવામાં આવે છે.

આ કાયદામાં 2023માં સુધારો કરવામાં આવ્યો હતો.

હવે ભારતના રજિસ્ટ્રાર જનરલે આ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે અને નિર્દેશ આપ્યો છે કે બાળકના જન્મ પછી તેની નોંધણી પૂર્ણ થતાંની સાથે જ, રજિસ્ટ્રારે સાત દિવસની અંદર ઇલેક્ટ્રોનિક અથવા અન્ય માધ્યમથી કલમ 8 અને 9 હેઠળ જન્મ પ્રમાણપત્ર જારી કરવું પડશે.

ઉપરાંત, એ સુનિશ્ચિત કરવું જોઈએ કે બાળકની માતાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પહેલાં પ્રમાણપત્ર સોંપવામાં આવે.

સામાન્ય લોકોને સુવિધા કેવી રીતે મળશે?

રજિસ્ટ્રાર જનરલ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, RGICCI

ઇમેજ કૅપ્શન, ભારતના રજિસ્ટ્રાર જનરલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતના રજિસ્ટ્રાર જનરલે એક નોટિસ જાહેર કરીને જણાવ્યું છે કે સામાન્ય લોકોની સુવિધા માટે બર્થ સર્ટિફિકેટ (જન્મ પ્રમાણપત્ર)ની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે રજિસ્ટ્રારને હૉસ્પિટલમાં બાળકના જન્મની નોંધણી કરાવવા અને તાત્કાલિક જન્મ પ્રમાણપત્ર જાહેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે, જેથી માતાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પહેલાં પ્રમાણપત્ર મળી શકે.

આનાથી સામાન્ય લોકોને સુવિધા મળશે અને નોંધણી પ્રક્રિયામાં વિશ્વાસ પણ વધશે.

નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "તમે એ વાતની પ્રશંસા કરશો કે સામાન્ય લોકો માટે નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસમાં આ કચેરીએ ઘણાં મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે. આમાં જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969માં સુધારા, રાજ્યના નિયમોમાં ફેરફાર અને એક નવું કેન્દ્રીય CRS પોર્ટલ બનાવવાનો સમાવેશ થાય છે."

"જન્મ પ્રમાણપત્રના વધતા મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ દસ્તાવેજ નવજાત શિશુની માતાને હૉસ્પિટલમાંથી રજા આપતા પહેલાં સોંપવામાં આવે તે જરૂરી છે, ખાસ કરીને સરકારી હૉસ્પિટલોમાં જ્યાં દેશમાં 50 ટકાથી વધુ બાળકો જન્મે છે."

આ કેવી રીતે કામ કરશે?

બર્થ સર્ટિફિકેટ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તમામ હૉસ્પિટલોને જન્મ પછી તરત જ બર્થ સર્ટિફિકેટ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ નિર્દેશ દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે છે, જેમાં તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલોનો સમાવેશ થાય છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સરકારી હૉસ્પિટલો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પહેલાંથી જ નોંધણી એકમો તરીકે કાર્યરત્ છે.

હવે આ એકમોના રજિસ્ટ્રારને તાલીમ આપવામાં આવશે અને એનામાં જાગૃતિ કેળવવામાં આવશે, જેથી બર્થ સર્ટિફિકેટ શક્ય તેટલી ઝડપથી જાહેર કરવામાં આવે, કારણ કે તાજેતરનાં વર્ષોમાં તેની જરૂરિયાત અને માગ ઝડપથી વધ્યાં છે.

જન્મ અને મૃત્યુ નોંધણીની અગાઉ પ્રક્રિયા શું હતી?

જન્મ, મૃત્યુ, ગૃહમંત્રાલય, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જન્મ અને મૃત્યુ નોંધણી ગૃહ મંત્રાલય હેઠળ આવે છે

જન્મ અને મૃત્યુ નોંધણી (RBD) અધિનિયમ, 1969ની કલમ 12માં રજિસ્ટ્રાર દ્વારા 2023માં સુધારો કરવામાં આવ્યો હતો.

આ પછી, 1 ઑક્ટોબર, 2023થી કેન્દ્ર સરકારના પોર્ટલ પર તમામ સંસ્થાકીય જન્મોની નોંધણી કરવાની જોગવાઈ અમલમાં આવી.

આ સુધારા પહેલં દરેક રાજ્ય પોતાના સ્તરે ડેટા તૈયાર કરતું હતું અને પછી તેને ગૃહ મંત્રાલયને મોકલતું હતું, પરંતુ હવે તમામ ડેટા સીધો કેન્દ્રીય પોર્ટલ પર દાખલ થાય છે.

આ કેન્દ્રીયકૃત ડેટાનો ઉપયોગ સચોટ મતદારયાદી, રૅશનકાર્ડ અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર જેવા અન્ય સરકારી રેકૉર્ડ જાળવવા માટે થાય છે.

નવો નિયમ લાવવાની સરકારને જરૂર કેમ પડી?

સરકાર, ખાનગી, હૉસ્પિટલો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં લગભગ દસ ટકા જન્મોની નોંધણી થતી ન હતી

આ નિર્દેશ એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કે ભારતના રજિસ્ટ્રાર જનરલને જાણવા મળ્યું હતું કે ઘણી સરકારી અને ખાનગી હૉસ્પિટલો જન્મ પ્રમાણપત્ર સંબંધિત કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરી રહી નથી.

17 માર્ચે રજિસ્ટ્રાર ઑફિસે જાહેર કરેલી એક નોટિસમાં જણાવાયું હતું કે લગભગ 10% જન્મોની નોંધણી થતી નથી.

ઉપરાંત, હૉસ્પિટલોને 21 દિવસની અંદર જન્મ અને મૃત્યુ સંબંધિત ડેટા શૅર કરવા ચેતવણી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ પગલાનો હેતુ લોકોને સુવિધા પૂરી પાડવાનો અને આ નોંધણી પ્રણાલી પર સામાન્ય લોકોનો વિશ્વાસ વધારવાનો છે.

ઉપરાંત, તેઓ કોઈ પણ વધારાની મુશ્કેલી વિના સમયસર તેમના નવજાત શિશુનું બર્થ સર્ટિફિકેટ મેળવી શકે છે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન