લૅપ્ટોસ્પાયરોસિસ : પ્રાણીઓના પેશાબના સંપર્કમાં આવતા ફેલાતી આ બીમારીનાં લક્ષણો કેવાં હોય છે, તેનાથી કેવી રીતે બચી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
"મા વગરની જિંદગી ખૂબ જ દુ:ખદ હોય છે. હું અને મારો ભાઈ મારા મામાના ઘરે રહીએ છીએ. મારા મામા-મામી અમને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ મમ્મીની કમી હંમેશાં અનુભવાય છે."
"અમે દરેકને પ્રાર્થના કરીએ છીએ કે નાની પણ બીમારી હોય તો પણ તેને ગંભીરતાથી લઈને ડૉક્ટર પાસે સારવાર કરાવવી જેથી અમારી જેમ કોઈએ પોતાના સ્વજન ન ગુમાવવા પડે."
આ હ્રદયદ્રાવક શબ્દો છે લૅપ્ટોસ્પારોસિસમાં મૃત્યુ પામનારાં એક મહિલાની દીકરીના.
17 સપ્ટેમ્બર 2024ના રોજ દક્ષિણ ગુજરાતના એક જિલ્લામાં 42 વર્ષનાં મહિલાનું લૅપ્ટોસ્પાયરોસિસને કારણે મોત થયું હતું. સામાન્ય તાવથી શરૂ થયેલી બીમારી મલ્ટી ઑર્ગન ફેલ્યોર થવા સુધી પહોંચી હતી.
લૅપ્ટોસ્પાયરોસિસ બૅક્ટેરિયાને કારણે મૃત્યુ પામનારાં મહિલાનાં 21 વર્ષીય દીકરી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. ( દર્દીની ઓળખ છતી ન થાય તે હેતુથી તેમનું તેમજ તેમના પરિવારનું નામ લખવામાં નથી આવ્યું.)
મૃતકની દીકરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "અમારા ઘરે ગાય હતી. જેથી મારી મમ્મી ખેતરમાં ઘાસ લેવા માટે જતી હતી. મારી મમ્મી ખેતીનાં અન્ય કામો ન કરતી હતી. જોકે, ગયા સપ્ટેમ્બર મહિનામાં મારી મમ્મીને તાવ આવ્યો હતો. સામાન્ય લાગતો તાવ જીવલેણ હોઈ શકે એવું અમે ક્યારેય વિચાર્યુ ન હતું."
"અમને લાગ્યું કે સામાન્ય તાવ હશે. બે દિવસ બાદ મારી મમ્મીની તબીયત ઘણી બગડવા લાગી હતી. મારી મમ્મી પથારીમાંથી ઊભી પણ થઈ શકતી ન હતી. અમે તાત્કાલીક મમ્મીને સુરત સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. અમને હૉસ્પિટલમાં ગયા બાદ ખબર પડી કે મારી મમ્મીનાં અંગો શિથિલ થઈ ગયાં હતાં. હૉસ્પિટલમાં દાખલ કર્યાના ત્રીજા દિવસે મારી મમ્મીનું મૃત્યુ થયું હતું. મારી મમ્મીનું મૃત્યુ થયું તેના એક કલાક પહેલાં જ અમને ખબર પડી હતી કે મારી મમ્મીને લૅપ્ટોસ્પાયરોસિસની બીમારી થઈ હતી."
ઊંદરનાં મળમૂત્રમાં હોય છે આ બીમારીના બૅક્ટેરિયા

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય તાવ ક્યારેક ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. ચોમાસામાં જ મોટે ભાગે દેખાતી લૅપ્ટોસ્પાયરોસિસની બીમારીની શરૂઆત પણ તાવ આવવાથી થતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ ગુજરાતમાં આ બીમારી જોવા મળે છે. આ બીમારી લૅપ્ટોસ્પાયરા નામના બૅક્ટેરિયાથી ફેલાય છે.
ખેતરમાં રહેતા ઊંદરના પેશાબમાં આ બૅક્ટેરિયા જોવા મળે છે. જોકે, ઊંદર સિવાયનાં ગાય, ભેંસ, ઘોડાં, ભૂંડ, કુતરાં વગેરે પ્રાણીઓમાં પણ આ બૅક્ટેરિયા જોવા મળે છે.
આ બૅક્ટેરિયાગ્રસ્ત પ્રાણીનાં મળમૂત્રના સંપર્કમાં આવનારી વ્યક્તિને આ બીમારી ફેલાય છે. જોકે, બૅક્ટેરિયાગ્રસ્ત પ્રાણીઓમાં તેનાં લક્ષણો જોવાં મળતાં નથી.
નિષ્ણાતોનું કહેવું છે કે જો શરૂઆતના પાંચ દિવસમાં તેની ઍન્ટિબાયૉટિક સારવાર કરવામાં આવે તો આ બીમારી સંપૂર્ણ રીતે મટી શકે છે.
જો, યોગ્ય સારવાર ન થાય તો આ બીમારી લીવર, કિડની તેમજ ફેફસાંને નુકસાન કરીને મોત સુધી લઈ જઈ શકે છે.
આ બીમારીને થતી અટકાવવા માટે સરકાર તરફથી દરેક આરોગ્ય કેન્દ્રમાં દર અઠવાડીયે પ્રિવેન્ટીવ દવા આપવામાં આવે છે.
સરકારી આંકડા અનુસાર વર્ષ 2011માં દક્ષિણ ગુજરાતમાં 916 કેસ આવ્યા હતા જેમાંથી 177નાં મોત થયાં હતાં.
ગુજરાતમાં આ બીમારીની શરૂઆત ક્યારે થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારના પરિપત્ર અનુસાર આંદમાન નિકોબાર ટાપુ પર 1920માં લૅપ્ટોસ્પાયરોસિસનો પહેલો કેસ નોઁધાયો હતો. ત્યારબાદ 1980થી કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર થઈ આ બીમારી ગુજરાત પહોંચી.
લૅપ્ટોસ્પારોસિસ બીમારીના કેસોનું વધારે ભારણ આંદમાન અને નિકોબાર ,ગુજરાત (ચાર જિલ્લા) કેરળ (14 જિલ્લા), મહારાષ્ટ્ર (4 જિલ્લા અને મુંબઈ શહેર) કર્ણાટક (9 જિલ્લા), તામિલનાડુ ( 2 જિલ્લા અને ચેન્નાઈ શહેર)માં વધારે છે.
ગુજરાતમાં લૅપ્ટોસ્પાયરોસિસનો પ્રથમ કેસ 1994 દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો હતો. લૅપ્ટોસ્પાયરોસિસના કેસ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે.
લૅપ્ટોસ્પાયરોસિસની બીમારી ચોમાસાની ઋતુમાં વધુ ફેલાય છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થાય તે પછી તેના કેસો ઘટી જતા હોય છે.
WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન અનુસાર દુનિયાભરમાં દર વર્ષે 10.3 લાખ લોકો લૅપ્ટોસ્પાયરોસિસનો ભોગ બને છે. જેમાંથી 58,900 લોકોનાં મોત થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
એક અભ્યાસના ડેટા પ્રમાણે વર્ષ 1988થી 2005 સુધી ગુજરાતમાં 3,121 કેસ નોંધાયા હતા. જેમાંથી 383 લોકોનાં મોત થયાં હતાં.
ખેડૂતો કે ખેતમજૂરો, પશુપાલન સાથે જોડાયેલા લોકો, ગટર સફાઈ કામદારોને આ બીમારી વધુ અસર કરે છે.
દક્ષિણ ગુજરાતમાં 1994માં આ બીમારીના કેસ આવ્યા ત્યારે ડૉ. જનક પારેખ સુરતમાં ખાનગી હૉસ્પિટલમાં સર્જન તરીકે પ્રૅક્ટિસ કરી રહ્યા હતા.
ડૉ. જનક પારેખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "1994ના સમયમાં મલેરિયાના કેસ વધુ આવતા હતા. શરૂઆતમાં તાવનાં લક્ષણો લઈને આવતા દર્દીઓના લોહીના રિપોર્ટમાં મલેરિયા ન હોવાનું દેખાતું હતું. પરંતુ દર્દીની તબીયત ત્રણ-ચાર દિવસમાં ગંભીર થવા લાગતી હતી."
"જેથી અમે દર્દીઓને સિવિલ હૉસ્પિટલમાં મોકલતા હતા. જોકે, આ જ પ્રકારનાં લક્ષણો ધરાવતા 5થી 7 દર્દીઓ આવતા અમે સિવિલ હૉસ્પિટલના નેફ્રોલૉજીસ્ટ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ આ પ્રકારના કેસ આવે છે. બાદમાં દર્દીઓનાં સૅમ્પલ પુણે ખાતે મોકલ્યાં ત્યારે આ બીમારી લૅપ્ટોસ્પાયરોસિસ હોવાનું જણાયું."
લૅપ્ટોસ્પાયરોસિસનાં લક્ષણો શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતનું કહેવું છે કે સામાન્ય રીતે જે ગામોમાં પહેલા કેસ જોવા મળ્યા હોય તેવાં ગામોમાં બીજા વર્ષે કેસ મળવાની શક્યતા વધારે રહે છે.
લક્ષણો અંગે વાત કરતાં ડૉ. અનિલ પટેલ જણાવે છે કે "જે લોકોમાં તાવની સાથે પગની પિંડીમાં દુ:ખાવો થવો, શરીરમાં અસહ્ય દુ:ખાવો થવો, આંખો લાલ થવી, પેશાબ ન આવવો કે પીળો આવવો જેવાં લક્ષણો દેખાય તો દર્દીનો સ્થળ પર જ રૅપિડ કીટથી ટેસ્ટ કરવામાં આવે છે. જો રૅપિડ ટેસ્ટ પૉઝિટિવ આવે તો દર્દીઓને હેલ્થ સેન્ટર કે સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવે છે."
ડૉ. કે. એન. ભટ્ટ જણાવે છે કે "બીમારીની શરૂઆતના ફેઝમાં 8થી 9 દિવસમાં તાવ આવે, માથું દુ:ખે આંખોમાં હૅમરેજ થાય તેવાં લક્ષણો જોવા મળે છે. 9 દિવસ બાદ ઇન્ટર-ફેઝ શરૂ થાય છે જેમાં પગની પિંડીમાં દુ:ખાવો, કમરનો દુ:ખાવો, લીવર-કિડની કે ફેફસાંમાં નુકસાન થાય છે જેમાં કમળો કે પલ્મનરી હૅમરેજ જોવા મળે છે."
આ બીમારી કેવી રીતે ફેલાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. કે. એન. ભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "લૅપ્ટોસ્પારોસિસના કેસ દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળે છે. ઊંદર-બિલાડી વગેરે પ્રાણીનાં મળમૂત્રના સંપર્કમાં આવવાથી આ રોગ થાય છે."
"પ્રાણીઓમાં આ બૅક્ટેરિયા હોય છે. જોકે, પ્રાણીઓને તેની અસર થતી નથી. પરંતુ ચેપગ્રસ્ત પ્રાણીનાં મળમૂત્રના સંપર્કમાં આવનાર મનુષ્યોને આ બીમારી થાય છે. આ બીમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતી હોય તેવું જોવા મળતું નથી."
એટલે કે આ બીમારી ચેપી નથી.
ડૉ. કે. એન. ભટ્ટે વધુમાં જણાવ્યું કે "દક્ષિણ ગુજરાતમાં શેરડી, ડાંગરની ખેતી વધુ કરવામાં આવે છે. શેરડી અને ડાંગરની વાવણી કરી હોય તે ખેતરમાં પાણી ભરી રાખવામાં આવે છે. ખેતરમાં ઊંદરો પણ ફરતા હોય છે. ખેતરમાં કામ કરતાં લોકો ખુલ્લા પગે કામ કરે છે. ઊંદર, બિલાડી કે અન્ય પ્રાણી જે બૅક્ટેરિયા ગ્રસ્ત હોય તો તેના સંપર્કમાં આવવાથી આ બીમારી શકે છે."
નવસારીની કામધેનુ યુનિવર્સિટીના પશુપાલન વિભાગના નિવૃત્ત પ્રોફેસર ડૉ. સી. વી. સાવલીયાએ કહ્યું કે "લૅપ્ટોસ્પાયરો બૅક્ટેરિયા સ્ટેગનેન્ટ પાણીમાં જોવા મળે છે. વ્યક્તિની ચામડીથી લોહીમાં ભળે છે. જે લોકોને ઘા હોય કે પગમાં વાઢિયા હોય કે કાપો પડ્યો હોય તેવા લોકો આ બૅક્ટેરિયાના સંપર્કમાં આવે તો બૅક્ટેરિયા તેમના લોહીમાં ભળી જાય છે અને વ્યક્તિને બીમાર કરી શકે છે."
ડૉ. ભટ્ટ કહે છે કે "જો સમયસર નિદાન કરીને ઍન્ટિબાયૉટિક દવા લેવામાં આવે તો તેને મટાડી શકાય છે. જો ચેપ લાગ્યાના શરૂઆતના પાંચ દિવસમાં જ ધ્યાન રાખીને ડૉક્ટર પાસે સારવાર શરૂ કરવામાં આવે તો દવા કરવાથી આ બીમારીને હરાવી શકાય છે."
ડૉ. કે. એન. ભટ્ટ જણાવે છે કે "પહેલાં લૅપ્ટોસ્પારોસિસના કેસ ગ્રામ્ય વિસ્તારમાં જ જોવા મળતા હતા. પરંતુ હવે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા હોય તે વિસ્તારોમાંથી પણ કેસ જોવા મળે છે. ગટર સફાઈનું કામ કરનાર કામદારોમાં પણ ક્યારેક કેસ જોવા મળે છે. પશુના ડૉક્ટર કે વર્કરમાં પણ કેસ જોવા મળે છે."
ડૉ, અનિલ પટેલ કહે છે કે "શહેરમાં સ્લમ વિસ્તારમાં વરસાદી સિઝનમાં લૅપ્ટોસ્પારોસિસના કેસ જોવા મળે છે."
દક્ષિણ ગુજરાતમાં કેસ કેમ વધારે જોવા મળે છે?
આ અંગે ડૉ. કે. એન ભટ્ટે જણાવ્યું હતું કે "દક્ષિણ ગુજરાતની જમીન કાંપવાળી છે તેમજ વાતાવરણ પણ ભેજવાળું છે. તેમજ આ વિસ્તારમાં વરસાદ વધારે પડે છે. આ વિસ્તારમાં ખેડૂતો ડાંગર, શેરડી અને કેળની ખેતી કરે છે જેમાં પાણીમાં વધારે સમય રહેવું પડે છે. મારું માનવું છે કે આ બધાં કારણોથી આ વિસ્તારમાં લૅપ્ટોસ્પારોસિસના કેસ વધારે જોવા મળે છે"
કયાં પ્રાણીઓમાં લૅપ્ટોસ્પાયરોસિસની બીમારીના બૅક્ટેરિયા જોવા મળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. સી.વી. સાવલિયાએ પ્રાણીઓમાં લૅપ્ટોસ્પાયરા બૅક્ટેરિયા જોવા મળે છે તેનો અને તેની અસર અંગે અભ્યાસ કર્યો હતો.
ડૉ. સાવલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "અમારા અભ્યાસમાં અમે ઘોડાં, ગધેડાં, ગાય, ભેંસ, બકરી અને ઘેટાંનાં સૅમ્પલ લીધાં હતાં. આ દરેક પ્રકારનાં પ્રાણીઓમાં અમને લૅપ્ટોસ્પાયરા બૅક્ટેરીયા જોવા મળ્યા. અભ્યાસમાં જોવા મળ્યું હતું કે આ બૅક્ટેરિયાના ખૂબ જ અલગ-અલગ વૅરિયન્ટ જોવા મળ્યા હતા. જેમાં દરેક પ્રાણીમાં અલગ-અલગ વૅરિયન્ટ જોવા મળ્યો હતો."
"જોકે, પ્રાણીઓમાં આ બીમારીનાં લક્ષણો જોવાં મળતાં નથી. તેમજ પ્રાણીઓમાં આ બૅક્ટેરિયાની કોઈ ગંભીર અસરો જોવા મળતી નથી. ગાય અને ભેંસમાં આંચળમાં આવતા સોજામાં અલગ-અલગ બૅક્ટેરિયા હોય છે. તેમાં લૅપ્ટોસ્પારોસિસ પણ ક્યારેક જોવા મળે છે. જોકે, આ બૅક્ટેરિયાગ્રસ્ત પ્રાણીનું દૂધ કાચું પીવામાં આવે તો ક્યારેક મનુષ્યોને બીમારી થઈ શકે છે."
ડૉ. સાવલિયા કહે છે "પ્રાણીઓનું દૂધ કાચું ન પીવું જોઈએ. હંમેશાં ઉકાળીને જ પીવું જોઈએ. જેથી કોઈ બૅક્ટેરિયાથી બીમારી નહીં થાય. પ્રાણીઓમાં અન્ય પણ બૅક્ટેરિયા જોવા મળતા હોય છે. જેથી જો કાચું દૂધ પીવામાં આવે તો તે મનુષ્યોને તે બૅક્ટેરિયા બીમાર કરી શકે છે."
બીમારીને રોકવા સરકાર શું પગલાં ભરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સુરતના ચીફ હેલ્થ ઑફિસર અનિલ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "ચોમાસાની સિઝન શરૂ થાય એટલે સરકારી આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે."
તેમના કહેવા પ્રમાણે આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર ગામમાં ઘરે ઘરે જઈને તાવનું સર્વેલન્સ કરે છે.
અનિલ પટેલ કહે છે, "આ સર્વેલન્સની પ્રક્રિયા ચોમાસા દરમિયાન સતત ચાલુ હોય છે. જે ગામોમાં અગાઉ કેસ જોવા મળ્યા હોય અને વધુ જોખમ ધરાવતાં ગામો હોય તેવાં ગામોમાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા લોકોને પ્રિવેન્ટિવ દવા આપવામાં આવે છે."
ડૉ અનિલ પટેલે વધુમાં જણાવ્યું કે " જે લોકોને ઘા હોય કે પગમાં ચીરા પડ્યા હોય તેવા લોકોને તે ઘા રુઝાઈ જાય તે માટે મલમ આપવામાં આવે છે. તેમજ ઘા રુઝાય નહીં ત્યાં સુધી પાણીમાં ન જવા માટેની સલાહ આપવામાં આવે છે."
આ અંગે સુરત સિવિલ હૉસ્પિટલના મેડિસીન વિભાગના વડા ડૉ. કે. એન. ભટ્ટે જણાવ્યું હતું કે "ખેતરમાં કામ કરતાં કામદારોએ ઢીંચણ સુધીનાં બૂટ પહેરવાં જોઈએ. જે લોકોને વરસાદની સિઝનમાં પાણીમાં રહેવાનું થતું હોય તેમને તેમના નજીકના સરકારી હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવો જોઈએ. આના પ્રિવેન્શન માટે જે દવા આપવામાં આવે છે તે દર અઠવાડીયે લેવાની હોય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












