અમદાવાદ પ્લેન ક્રૅશ બાદ પીડિતોની માનસિક સ્થિતિ પર કેવી અસર પડી રહી છે, શું છે તેનો ઇલાજ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, પીટીએસડી, માનસિક આરોગ્ય
12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રૅશમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ ભારે આઘાતમાં છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રૅશમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ ભારે આઘાતમાં છે.
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગર ખાતે અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રૅશ થતાં પ્લેનમાં સવાર 242 પૈકી 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના કસુંબડ ગામનાં સરોજબહેન ચૌહાણે પણ પોતાના ઘડપણના આશરા સમાન જુવાનજોધ દીકરો ગુમાવ્યો હતો.

આ માની આંખમાંથી વહેતાં આંસુ દીકરાના અકાળ મૃત્યુના આઘાતની જાણે સાક્ષી પૂરી રહ્યાં છે.

તેઓ દીકરા સાથે થયેલી છેલ્લી વાતચીત યાદ કરતાં કહે છે, "મારા દીકરા રણવીરસિંહનાં લગ્ન માટે અમે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા. મેં એને કહ્યું કે કે તું લગ્ન કરવા આવ્યો છે તો પછી લગ્ન કરીને જ લંડન જા. પણ એણે બે-ત્રણ છોકરીઓ જોઈને લગ્નની ના પાડી અને કહ્યું કે હું ફરી આવું ત્યારે લગ્ન કરીશ."

પ્લેન દુર્ઘટનામાં આ માતાના પોતાના લંડન સ્થાયી થયેલા જુવાન દીકરાને પરણાવવાના ઓરતા માત્ર ઓરતા જ રહી ગયા.

મોટા ભાગે કંઈક આવી જ સ્થિતિ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દરેક વ્યક્તિના પરિવારની પણ થઈ. અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતે પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોનાર પરિવારજનોના કલ્પાંતનાં દૃશ્યોએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું.

માનવીના જીવનમાં આવા કોઈ મોટા આઘાતનો સામનો કરવાનું આવે ત્યારે તેના માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર પડે એ સ્વાભાવિક હોય છે.

આવી જ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત એક પડકારજનક સમસ્યા છે, પીટીએસડી એટલે કે પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસૉર્ડર.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, પીટીએસડી, માનસિક આરોગ્ય
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુકેની નૅશનલ હેલ્થ સર્વિસની વેબસાઇટ પર જણાવ્યાનુસાર પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસૉર્ડર એ માનસિક આરોગ્યને લગતી એવી સ્થિતિ છે જે ખૂબ તણાવપૂર્ણ, ગભરાવનારી અને ચિંતિત કરનારી ઘટનાથી થાય છે.

અમદાવાદસ્થિત કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હેમાંગ દેસાઈ પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસૉર્ડર વિશે વાત કરતા કહે છે કે, "પીટીએસડી બાયૉલૉજિકલી તો ચિંતા (Anxiety)નો જ એક ભાગ છે. "

તેઓ સાદી ભાષામાં પીટીએસડીનો અર્થ સમજાવતાં કહે છે કે, "જ્યારે કોઈ પણ આઘાતજનક કે જીવ સટોસટનો બનાવ કોઈની સાથે બને તો તેના આઘાતની અસરને પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ કહેવામાં આવે છે. જો આ બધું લાંબા સમય સુધી ચાલે તો તે પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસૉર્ડર બની જાય છે."

"મૂળભૂતપણે જ્યારે તમે તાજેતરમાં જ જીવન-મૃત્યુનો નિર્ણય કરતી સ્થિતિમાંથી બચ્યા હો ત્યારે આવું થાય છે."

યુકેની એનએચએસની વેબસાઇટ પર પીટીએસડીનાં લક્ષણો વિશે લખાયું છે :

પીટીએસડીના દર્દી આઘાતજનક ઘટનાને દુ:સ્વપ્ન અને ફ્લૅશબૅક સ્વરૂપે વારંવાર જીવે છે.

દર્દીને એકલતાનો અહેસાસ, ચીડિયાપણું અને અપરાધભાવ જેવી લાગણીઓનો પણ અનુભવ થતો હોય છે.

આ સિવાય પીટીએસડીના દર્દીને ઊંઘવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડી શકે છે.

આ લક્ષણો સામાન્ય રીતે ખૂબ જ ગંભીર અને વારંવાર જોવા મળે એવાં હોય છે, જેના કારણે દર્દીના રોજિંદા જીવનને પણ અસર થઈ શકે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, પીટીએસડી, માનસિક આરોગ્ય

પીટીએસડીનું કારણ શારીરિક જોખમ કે ઈજા જ બને કે પછી ભાવનાત્મક ઈજા પણ તેનું કારણ બને?

આ પ્રશ્નના જવાબમાં ડૉ. દેસાઈ કહે છે કે, "મૂળભૂતપણે તો ભાવનાત્મક ઈજા પણ શારીરિક ઈજા જ છે. માત્ર એ ઈજા તમારા એમઆરઆઇમાં દેખાતી નથી. અચાનક વધુ પ્રમાણમાં શરૂ થતો ન્યૂરોકેમિકલ્સનો સ્રાવ થાય અને એના કારણે બાયૉલૉજિકલ ફંક્શનના ફેરફાર થાય તેના કારણે આ ઘટના બને છે."

"તેથી પીટીએસડી તમને ઈજા થાય કે કોઈ બીજી વ્યક્તિને ઈજા થાય તો પણ થઈ શકે. આમ, ગમે એ પ્રકારે લાગેલા આઘાતની ગંભીરતા વધુ હોય તો તેના કારણે થતી અવસ્થા પીટીએસડીમાં પરિણમી શકે છે."

દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ હૉસ્પિટલમાં મનોચિકિત્સા વિજ્ઞાન વિભાગનાં વડાં ડૉ. રૂપાલી શીવલકરે જણાવ્યું કે, "મોટા ભાગે કોઈ પણ મોટી ઘટનાના ત્રણ માસ બાદ અસગ્રસ્તને પીટીએસડી થઈ શકે છે."

"કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ પણ મોટી દુર્ઘટના બને, આ એવી ઘટનાની વાત છે જે તમારા અંતરાત્માને હચમચાવી મૂકે છે, તો એ પીટીએસડીનું કારણ બની શકે છે. પછી ભલે એ દુર્ઘટનામાં તમને શારીરિક ઇજા થઈ હોય કે ભાવનાત્મક. આ એક મોટી હોનારત હોઈ શકે છે, જે ખાનગી અને પર્યાવરણ સાથે સંબંધિત હોઈ શકે છે."

એનએચએસની વેબસાઇટમાં આપેલી માહિતી અનુસાર વ્યક્તિને આઘાતજનક લાગે એવી કોઈ પણ સ્થિતિને કારણે પીટીએસડી થઈ શકે છે.

જેમાં ગંભીર રોડ અકસ્માત, વ્યક્તિગત ઈજા, જાતીય હુમલો, લૂંટ-ચોરી, સ્વાસ્થ્યને લગતી ગંભીર તકલીફ, બાળજન્મ સમયે થયેલો અનુભવ વગેરે સામેલ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, પીટીએસડી, માનસિક આરોગ્ય

ડૉ. દેસાઈ આના જવાબમાં કહે છે કે, "પીટીએસડીએ કોઈ ઉપરછલ્લી વસ્તુ નથી, પરંતુ શરીરના બંધારણમાં થયેલો ફેરફાર છે. તેથી જેનું શરીર આવી ઘટના સામે વધુ પડતી પ્રતિક્રિયા આપે એને આખી જિંદગી આની દવા લેવી પડે છે."

"આ સ્થિતિમાં દવા લેવી જ પડે એ વાત ખૂબ જ અગત્યની છે. પીટીએસડીમાં થૅરપી સપૉર્ટ કરે, પરંતુ એ આનો ઇલાજ નથી. આવી સ્થિતિમાં દવા ન લેવામાં આવે અને થૅરપી પર જ ધ્યાન અપાય તો થોડા સમય માટે ઠીક લાગી શકે, પરંતુ લાંબા ગાળે તેની અસરો જોવા મળી શકે. આ સ્થિતિમાં દવા ન લેવામાં આવે તો માનવશરીરની ઘણી અગત્યની સિસ્ટમો અને જીવનની ગુણવત્તા પર અસર પડે છે."

"દરેક માણસ પ્રકૃતિ દ્વારા સર્જાયેલ અલગ પ્રકારે સર્જાયેલો છે. તેથી પીટીએસડીના ઇલાજનો સમય પણ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, પીટીએસડી, માનસિક આરોગ્ય

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, પીટીએસડી, માનસિક આરોગ્ય

શું પીટીએસડી બાળકોમાં પણ જોવા મળે કે આ માત્ર પુખ્ત વયની વ્યક્તિને લાગુ પડતી જ સ્થિતિ છે?

આના જવાબમાં ડૉ. દેસાઈ કહે છે કે, "આ સ્થિતિમાં ઉંમર એ કોઈ અવરોધ નથી. ગમે એ ઉંમરની વ્યક્તિને પીટીએસડી થઈ શકે છે."

"દરેક વ્યક્તિના વ્યક્તિત્વ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, તેની તાલીમ પ્રમાણે, તેના વારસા પ્રમાણે કેટલીક વ્યક્તિ ઘણી સંવેદનશીલ હોય છે તો કેટલાક લોકોમાં એવું નથી હોતું. આ બંને બિંદુ વચ્ચે પ્રતિક્રિયાની આખી શ્રેણી છે, જેના આધારે જે તે આઘાત સામે પ્રતિક્રિયા આવતી હોય છે."

આના ઇલાજ માટે દાક્તરી મદદ મેળવવા માટેના સમય અંગે વાત કરતાં ડૉ. દેસાઈ કહે છે કે, "જો તમારી સાથે કોઈક દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ બન્યો હોય અને એ બાદ તમને પીટીએસડી સાથે સંબંધિત લક્ષણો જોવા મળતાં હોય તો તમારે તમારા ડૉક્ટરને તરત જ કન્સલ્ટ કરવું જોઈએ."

ડૉ. રૂપાલી કહે છે કે બાળકોમાં પણ પીટીએસડી થઈ શકે છે.

"ઘણી વખત બુલિઇંગ એટલે કે ધમકાવવાને કારણે પણ બાળકોમાં પીટીએસડી થઈ શકે છે."

તેઓ કહે છે કે, "માત્ર આટલું જ નહીં, જો કોઈ બાળકે ઘરે હિંસા થતી જોઈ હોય, તો પણ તેને પીટીએસડી થઈ શકે છે. એવું જરૂરી નથી કે તેમણે આવી હિંસાનો સામનો કર્યો હોય, પરંતુ જો તેમણે આવી હિંસા થતી જોઈ હોય તો પણ પીટીએસડી થઈ શકે છે."

ડૉ. રૂપાલી કહે છે કે, "પીટીએસડી જીવન સામે ખતરો ઊભો કરે તેવી સ્થિતિ નથી, પરંતુ તેનાથી ગુણવત્તાપૂર્ણ જીવન ખતમ થઈ જાય છે. જોકે, ઘણી વખત એવું પણ બને છે કે એ ટ્રોમા એટલો ખતરનાક હોય છે કે તેનાથી પીડાતી વ્યક્તિને લાગવા માંડે છે કે જીવવાનો કોઈ લાભ જ નથી. પીટીએસડી સામે ઝઝૂમી રહેલી વ્યક્તિને જો આત્મઘાતી વિચારો આવે તો એ ખતરનાક સ્થિતિ સાબિત થઈ શકે છે."

યુકેના એનએચએસની વેબસાઇટમાં આપેલી માહિતી અનુસાર કોઈ પણ દુર્ઘટનાનાં ચાર અઠવાડિયાં બાદ પણ જો તમે તકલીફ અનુભવો તો તમારે તમારા ડૉક્ટરને મળવું જોઈએ.

જો જરૂર પડે તો જનરલ પ્રૅક્ટિશનર ડૉક્ટર તમને માનસિક આરોગ્યના નિષ્ણાત પાસે જવાનું કહી શકે છે.

એનએચએસ પ્રમાણે ઘણી વાર પીટીએસડી ઘટના કે બનાવ બાદ તરત જ જોવા મળે છે, તો અમુક સમયે પીટીએસડીની અસર ઘટનાનાં વર્ષો બાદ પણ જોવા મળી શકે છે.

આઘાતજનક અનુભવ વેઠનારી આશરે ત્રણમાંથી એક વ્યક્તિને પીટીએસડીની અસર થતી હોય છે.

જોકે, હજુ સુધી એ વાત અંગે કોઈ સ્પષ્ટતા નથી કે કેમ અમુક વ્યક્તિને આઘાત બાદ કંઈ નથી થતું અને અમુક પીટીએસડીમાં સરી પડે છે.

અમેરિકાની નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનની વેબસાઇટ પર ઇન્ડિયન જર્નલ ઑફ સાઇક્રિયાટ્રીમાં છપાયેલ એક અભ્યાસ મૂકવામાં આવ્યો છે. જેનું નામ છે, "એક્સપ્લોરિંગ ધ એનિગ્મા ઑફ લૉ પ્રીવેલેન્સ ઑફ પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસૉર્ડર ઇન ઇન્ડિયા."

વર્ષ 2015-16માં ભારતમાં મેન્ટલ હેલ્થ ડિસૉર્ડરના વ્યાપક અભ્યાસ માટે હાથ ધરાયેલ નૅશનલ મેન્ટલ હેલ્થ સર્વેના ડેટાનું આ અભ્યાસમાં વિશ્લેષણ કરાયું છે.

જે પ્રમાણે ભારતમાં જે તે સમયે પીટીએસડીનું પ્રમાણ 0.2 ટકા જેટલું ઓછું હતું.

જ્યારે એ સમયે વૈશ્વિક સ્તરે પીટીએસડીનું પ્રીવેલેન્સ 3.9 ટકાથી 24 ટકા વચ્ચે હતું.

ઉપરોક્ત અભ્યાસમાં સંશોધકોને જાણવા મળ્યું હતું કે સાંસ્કૃતિક ભેદ, આવી કબૂલાત સાથે જોડાયેલાં કલંક અને નિદાન માટે પશ્ચિમનાં સાધનોના ઉપયોગે કદાચ ભારતમાં પીટીએસડીના કેસોની ઓછી ઓળખ અને ઓછા ઇલાજમાં ભાગ ભજવ્યો હશે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, બીબીસી, પીટીએસડી, માનસિક આરોગ્ય

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન