વાતચીતની એ ટૅક્નિક જેનાથી તમે સામેની વ્યક્તિનું મન આસાનીથી બદલી શકો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૅવિડ રોબ્સન*
- પદ, લેખક
વાતચીતની આ સરળ ટૅકનિક અપનાવવાથી લોકો તમારી અપેક્ષા કરતાં ક્યાંયે વધુ ઉદાર વિચારસરણી વાળા બની જશે.
ફિલોસોફર કાર્લ પોપરે દાવો કર્યો હતો કે "જ્ઞાનની વૃદ્ધિનો આધાર સંપૂર્ણપણે અસંમતી પર રહેલો છે."
તેઓ વિજ્ઞાનમાં અંધવિશ્વાસનાં જોખમો વિશે લેખનકાર્ય કરી રહ્યા હતા, પણ તેમના શબ્દો કોઈપણ દૃષ્ટિકોણ પર સમાન રીતે લાગુ કરી શકાય તેમ છે. અને જો તમે કોઈના વિચારો બદલીને અસંમતિ દૂર કરવા ઇચ્છતા હોવ, તો તમારે આ કાર્ય યોગ્ય રીતે કરવું પડશે."
સામાજિક જોડાણ પરના મારા તાજેતરના જ પુસ્તકમાં જાણ્યું તેમ, નવું મનોવૈજ્ઞાનિક સંશોધન આપણને વિવાદાસ્પદ મુદ્દાઓ પર વધુ રચનાત્મક વાતચીત કરવામાં સહાયરૂપ બની શકે છે.
આ પૈકીની કેટલીક પ્રયુક્તિઓએ મને આશ્ચર્યમાં મૂકી દીધો. અમુક સોશિયલ મીડીયા યુઝર્સ આપણને એ યાદ દેવડાવવા માટે ઉત્સુક હોય છે કે "તથ્યોને તમારી લાગણીઓની કશી પરવા હોતી નથી", પણ તેની સામે અભ્યાસો એવું સૂચવે છે કે, જો આપણે ચર્ચાના મુદ્દા અંગે આપણા અંગત અનુભવો વિશે વાત કરીએ, તો શક્ય છે કે, લોકો આપણી દલીલો વધુ ધ્યાનથી સાંભળે.
જિજ્ઞાસુ બનો

ઇમેજ સ્રોત, Alamy
ગંભીર અસંમતીનું એક મુખ્ય કારણ મૈત્રી પરના અભ્યાસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં મેં અને મનોવિજ્ઞાની ઇયાન મૅકરે સાથે મળીને તૈયાર કરેલી પ્રશ્નોત્તરીને પણ સામેલ કરવામાં આવી હતી અને ગત વર્ષે જુલાઈ અને ઑગસ્ટમાં તે BBC.comના વાચકો સમક્ષ તે રજૂ કરવામાં આવી હતી.
એક ભાગમાં સહભાગીઓને ચોક્કસ રાજકીય કે સામાજીક પ્રશ્નો પર તેમની સાથે સહમત ન હોય, તેવી કોઈ વ્યક્તિ સાથે ચર્ચા કરવાની કલ્પના કરવા જણાવવામાં આવ્યું હતું. તે પછી દરેક સહભાગીને પૂછવામાં આવ્યું કે, તેઓ સામેની વ્યક્તિને સમજાવવાનો હેતુ ધરાવે છે કે પછી તેમની પાસેથી શીખવાનો કે સામે દલીલ કરવાનો આશય ધરાવે છે.
સાથે જ અન્ય વ્યક્તિના હેતુ અંગે તેઓ શું માને છે, એ પણ તેમને પૂછવામાં આવ્યું. એકંદરે, 1,912 સહભાગીઓએ - સામેની વ્યક્તિ તેમને કેવી રીતે પોતાના દૃષ્ટિકોણ વિશે સમજાવવા માગતી હતી, કેટલી દલીલ કરવા માગતી હતી - તે વિશે વધુ અનુમાનો આંક્યાં હતાં. જ્યારે, અન્ય વ્યક્તિ ભિન્ન અભિપ્રાય વિશે કેટલું સમજવા માગતી હતી અને કેટલું શીખવા માગતી હતી, તે વિશે તેમણે ઓછાં અનુમાનો આંક્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Alamy
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે પણ વિવાદની સ્થિતિ સર્જાય, ત્યારે આ વાત હંમેશા યાદ રાખવા જેવી છેઃ સામેની વ્યક્તિ સદ્ભાવનાપૂર્ણ સંવાદ માટે આપણી ધારણા કરતાં વધુ ઉદારમતવાદી હોઈ શકે છે અને આપણે તેમની સાથે આદરપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ.
આપણી સાથે સંવાદ કરી રહેલી વ્યક્તિ તેમના વિચારો પ્રત્યેની આપણી જીજ્ઞાસાને ઓછી આંકે, એ સંભવ છે, આવે વખતે આપણે પણ તેમના વિચારો પ્રત્યે વધુ રસ દર્શાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. શીખવા અને સમજવાના આપણા સારા હેતુઓની અભિવ્યક્તિ કરીને આપણે તેમને તેમની દલીલો ઓછી કરવા માટે ઉત્તેજન આપીશું, જેથી તેઓ વિચારોની પ્રામાણિક આપ-લે માટે વધુ મુક્તતા અનુભવશે.
ઘણી વખત આ કામ સાચો પ્રશ્ન પૂછવા જેટલું જ સરળ હોય છે. 2,000ના દાયકાના ઉત્તરાર્ધમાં, સ્ટેનફૉર્ડ યુનિવર્સિટી ખાતે ફ્રાન્સિસ ચેન અને તેમના સહકર્મીઓએ વિદ્યાર્થીઓને ઑનલાઈન ડિબેટમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. ડિબેટનો વિષય હતો - શું યુનિવર્સિટીએ પરીક્ષાનો નવો સૅટ શરૂ કરવો જોઈએ? એમાં કોઈ નવાઈ નથી કે, ઘણા લોકો આ વિચારની વિરૂદ્ધ હતા. તેમને એમ હતું કે, તેઓ તેમના સાથીઓ સાથે વાત કરી રહ્યાં છે, પણ વાસ્તવમાં સામા પક્ષે પ્રયોગકર્તાઓ હતા અને તેઓ એક ચુસ્ત સ્ક્રિપ્ટને અનુસરી રહ્યા હતા.
અભિપ્રાયો વ્યક્ત કરતી વખતે, તમારે તમારા સ્વયંના અનુભવ વિશે વાત કરતી વખતે ખચકાટ ન અનુભવવો જોઈએ, વાસ્તવમાં તેનાથી તમારી દલીલ વધુ ઠોસ બની શકે છે.
વાતચીત અડધે પહોંચી, ત્યારે પ્રયોગકર્તાઓએ વિદ્યાર્થીઓને તેમના વિચારો વિશે વિસ્તારપૂર્વક વાત કરવા જણાવ્યું. જેમકે, વિદ્યાર્થીઓની દલીલો સાંભળ્યા બાદ પ્રયોગકર્તાઓ તેમને કહી શકે છેઃ "મને તમારી વાતમાં રસ પડ્યો. શું તમે આવું વિચારવા પાછળનાં કારણો જણાવી શકશો?" અન્ય પરીક્ષણો માટેની વાતચીતમાં સહભાગીઓની માન્યતા વિશે વધુ માહિતી માગવામાં આવી નહોતી.
સ્ક્રિપ્ટમાં નાનો ફેરફાર કરવામાં આવ્યો હતો, પણ એક જ સવાલ ઉમેરવામાત્રથી આખી ડિબેટની દિશા જ બદલાઈ ગઈ અને સહભાગીઓ પાસેથી વધુ મુક્ત વિચારો સાથેના પ્રતિભાવો મળવા માંડ્યા. હવે તેઓ આ વાતચીત ચાલુ રહે, એમ ઇચ્છતા હતા અને અન્ય વ્યક્તિઓની દલીલો પર વધુ માહિતી મેળવવા માગતા હતા.
એક જ પ્રયોગનાં પરિણામો પરથી સંશય થઈ શકે છે, પણ ઇઝરાયેલની યુનિવર્સિટી ઑફ હૈફાના ગાય ઇત્ઝચકોવ અને તેમના સહકર્મીઓને સેંકડો સહભાગીઓ પર કરવામાં આવેલા શ્રેણીબદ્ધ અભ્યાસોમાં સમાન પ્રકારનાં તારણો સાંપડ્યાં હતાં. લોકોને તેમના અભિપ્રાયો વિશે પ્રશ્નો પૂછીને અને આ અભિપ્રાય રાખવા પાછળનાં કારણો પૂછવાથી સામેની વ્યક્તિ પોતાના વિચારોનો બચાવ કરવાનું વલણ હળવું કરી નાખે છે અને તેઓ વૈકલ્પિક અભિપ્રાયો ગ્રહણ કરવા પ્રત્યે વધુ મુક્ત બને છે.
આ પ્રકારની વાતચીત પછી, સહભાગીઓમાં - "મને લાગે છે કે, મારે વાતચીત પછી આ ઘટનાનું પુનઃ મૂલ્યાંકન કરવું જોઈએ" – આવાં નિવેદનો સાથે સંમત થવાની શક્યતા વધી જતી હોય છે. જે સૂચવે છે કે, ચર્ચા પરના મુદ્દા વિશે તેઓ વધુ વિચારશીલ બન્યા છે.
અંગત બનવાનો પ્રયત્ન કરો

ઇમેજ સ્રોત, Getty Images
વિચારોનું આદાન-પ્રદાન કરતી વખતે આપણે જે-તે મુદ્દા પરના આપણા અનુભવો રજૂ કરતાં ખચકાવું ન જોઈએ, વાસ્તવમાં તેનાથી તમારી દલીલ વધુ મજબૂત બની શકે છે.
આ તથ્યને વ્યાપક માન્યતા મળી નથી. જ્યારે યુનિવર્સિટી ઑફ નોર્થ કૅરોલિનાનાં ઍમિલી કુબેન અને તેમના સહકર્મીઓએ સજાતીય લગ્ન કે ગર્ભપાત જેવા વિષયો પર 251 સહભાગીઓને તેમનો મત પ્રગટ કરવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે, તેવો સવાલ કર્યો, ત્યારે 56% સહભાગીઓએ તથ્યો અને પુરાવાની રજૂઆતને મહત્ત્વપૂર્ણ ગણાવ્યાં હતાં, જ્યારે માત્ર 21% સહભાગીઓએ જ વ્યક્તિગત અનુભવો રજૂ કરવાને પ્રાથમિકતા આપી હતી.
અમને મૈત્રી પરના અમારા અભ્યાસમાં પણ સમાન પ્રકારની પૅટર્ન જોવા મળી હતી. જ્યારે અમે લોકોને સમજાવવા માટેની સાત રણનીતિને રેટિંગ આપવા જણાવ્યું, ત્યારે તેમાં "વિનમ્રતા"ને પ્રથમ સ્થાન મળ્યું હતું, એ પછીના ક્રમે "તર્ક અને કારણ" રહ્યાં હતાં. "વ્યક્તિગત અનુભવ"ને પાંચમું સ્થાન મળ્યું હતું.
જોકે, કુબિનના પ્રયોગો પરથી જાણવા મળે છે કે, વ્યક્તિગત અનુભવ સમજાવવા માટેનું શક્તિશાળી સાધન બની શકે છે. તેમની ટીમે 177 સહભાગીઓને કરવેરા, કોલસાના ખનન કે બંદૂક પર નિયંત્રણ જેવા વિષયો પર ત્રણ વ્યક્તિઓનાં મંતવ્યોનું વાચન કરવા જણાવ્યું અને તે પછી દરેક વ્યક્તિ પ્રત્યેના તેમના આદર અને તે વ્યક્તિના નાગરિકત્વ પર રેટિંગ આપવા જણાવ્યું. હવે, શરૂઆતમાં સહભાગીઓનું વલણ જે પણ હોય, પરંતુ જે-તે મુદ્દા અંગે વ્યક્તિગત અનુભવ ધરાવતી વ્યક્તિને તેમણે ઊંચું રેટિંગ આપ્યું હતું.
ઑનલાઈન નાનું લખાણ વાંચવું વાસ્તવિક જીવનની કઠણાઈ કરતાંં તદ્દન ભિન્ન બાબત હોઈ શકે છે, પણ કુબિને બંદૂક નિયંત્રણ પર સામ-સામે કરવામાં આવેલા સંવાદમાં પણ આ સિદ્ધાંતનું પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણમાં યુનિવર્સિટીની નજીક રહેનારા 153 સ્થાનિક લોકોના વધુ એક સૅમ્પલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉની માફક જ આ પરીક્ષણમાં પણ પોતાના અંગત અનુભવો વ્યક્ત કરનારા લોકોને સહભાગીઓ પાસેથી વધુ આદર મળ્યો હતો અને તેમના વિચારો વધુ તર્કસંગત માનવામાં આવ્યા હતા.
નિઃશંકપણે, જો વ્યક્તિલક્ષી વર્ણનો સાથે કોઈ આંકડાકીય વિગતો જોડાયેલી ન હોય, તો તે પ્રત્યે સાવધ રહેવું જરૂરી છે. વળી, લાગણીશીલ અપીલ પર વધુ પડતું અવલંબન અન્ય વ્યક્તિની શંકા વધારી શકે છે. પરંતુ, બે અભિગમો પરસ્પર અનન્ય, વિશિષ્ટ ન હોવા જોઈએ અને જો તમે તે બંનેનું સંયોજન કરો, તો બની શકે કે, તમારા દૃષ્ટિકોણને બહેતર રીતે ગ્રહણ કરવામાં આવે.
વાસ્તવિક જીજ્ઞાસા દર્શાવીને, વ્યક્તિગત અનુભવો વર્ણવીને તથા સૌજન્યપૂર્ણ અભિગમ જાળવીને તમે જોડાણ સાધવાની તમારી ક્ષમતાથી આશ્ચર્યચકિત થઈ શકો છો અને આ પ્રક્રિયામાં બહેતર વિશ્વદૃષ્ટિ પ્રાપ્ત કરી શકો છો.
2018ની મિડટર્મ ચૂંટણીઓની તાજેતરમાં કરવામાં આવેલી તપાસ અંગે વિચારો. અભ્યાસમાં એવા 230 પ્રચારકોની પ્રગતિનું માપન કરવામાં આવ્યું હતું, જેમણે અમેરિકાનાં સાત સ્થળોએ 6,869 મતદાતાઓ સાથે વિવિધ રાજકીય પ્રશ્નો પર વાત કરી હતી. કેટલાક લોકોને માત્ર આંકડાકીય દલીલોનો ઉપયોગ કરીને તેમના મુદ્દા (ઉદાહરણ તરીકે, ઇમિગ્રેશનથી અપરાધની ઘટનાઓ વધતી હોવાનો સામાન્યતઃ પ્રવર્તતો ભય) રજૂ કરવા જણાવવામાં આવ્યું. જ્યારે અન્ય લોકોને તેમના અંગત અનુભવો વર્ણવવા અને સાથે જ તથ્યાત્મક પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું.
દરેક મતદાતાએ પ્રચારકને મળતાં પહેલાં અને મળ્યા પછી ઓપિનિયન પોલ (જનમત સર્વેક્ષણ)નો સહારો લીધો હતો. અભ્યાસુઓને માલૂમ પડ્યું કે, વ્યક્તિગત તથ્યો અને આંકડાકીય વિગતો રજૂ કરતી વાતચીતો કરતાં અનુભવોના પારસ્પરિક આદરપૂર્વક આદાન-પ્રદાનથી અભિપ્રાયમાં ફેરફાર થવાની શક્યતા વધુ જોવા મળી હતી.
એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, સર્વાંગી અસરો ઓછી રહેવા પામી હતી - જેમકે, ઇમિગ્રેશન પરના વિચારોમાં બદલાવ આવવાની ટકાવારી પાંચ ટકા જોવા મળી હતી. સરેરાશ વાતચીત માત્ર 11 મિનિટ ચાલી હતી, તેમ છતાં ઘણાં લોકોએ તેમના દૃઢ વિચારો બદલવાનું શરૂ કરી દીધું હતું.
સાંભળો અને શીખો

ઇમેજ સ્રોત, Getty Images
વાતચીત કરતી વખતે તમારે ફક્ત સહભાગી સાથે જ નહીં, બલ્કે ચર્ચામાં સામેલ અન્ય વ્યક્તિઓ સાથે વાત કરતી વખતે પણ સૌજન્યનું મૂળભૂત સ્તર જળવાઈ રહે, તેની તકેદારી રાખવી જોઈએ.
યુનિવર્સિટી ઑફ વિનિપેગ ખાતે જેરેમી ફ્રિમર તથા શિકાગોની યુનિવર્સિટી ઑફ ઇલિનોઈસ ખાતેનાં લિન્ડા સ્કિટકાના અભ્યાસમાં જોવા મળ્યું છે કે, તમે જે વ્યક્તિને સમજાવવા માગતા હોવ, તેની સાથેનો તમારો તોછડાઈપૂર્ણ વ્યવહાર તેનો અભિપ્રાય બદલવાને બદલે તેને તમારાથી વિમુખ કરી નાખે છે. એટલું જ નહીં, તમારું આવું રૂક્ષ વર્તન તમારા દૃષ્ટિકોણ સાથે સંમત થઈ રહેલા લોકોને પણ તમારાથી અળગા કરી દે છે. "સૌજન્યપૂર્ણતા, શિષ્ટતા માટે તમારે કોઈ કિંમત ચૂકવવાની નથી હોતી, પણ હા, તેનાથી બધું જ ખરીદી શકાય છે" - એવું નિવેદન આપનારાં 18મી સદીનાં ઇંગ્લિશ ઍરિસ્ટોક્રેટ લેડી મૅરી વોર્ટલી મોન્ટેગ્યૂના નામ પરથી અભ્યાસુઓ આ સિદ્ધાંતને મોન્ટેગ્યૂ સિદ્ધાંત તરીકે વર્ણવે છે.
વાસ્તવિક જીજ્ઞાસા દર્શાવીને, વ્યક્તિગત અનુભવો વર્ણવીને તથા સૌજન્યપૂર્ણ અભિગમ જાળવીને તમે જોડાણ સાધવાની તમારી ક્ષમતાથી આશ્ચર્યચકિત થઈ શકો છો અને આ પ્રક્રિયામાં બહેતર વિશ્વદૃષ્ટિ પ્રાપ્ત કરી શકો છો.
* ડૅવિડ રોબ્સન ઍવૉર્ડ વિજેતા વિજ્ઞાન લેખક છે. તેમનું તાજેતરનું પુસ્તક 'ધી લોઝ ઑફ કનેક્શનઃ 13 સોશિયલ સ્ટ્રેટેજીઝ ધેટ વિલ ટ્રાન્સફૉર્મ યૉર લાઇફ' જૂન, 2024માં કેનનગેટ (બ્રિટન) અને પેગાસસ બુક્સ (યુએસએ અને કેનેડા) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












